અનુક્રમણિકા
‘જીવનમાં આવનારી વ્યક્તિગત સમસ્યાઓના નિવારણ માટે વ્યાવહારિક પ્રયત્નોને ઉપાસનાનો સંગાથ આપવા માટે હિંદુ ધર્મમાં કહેવામાં આવ્યું છે. આરોગ્ય, વિદ્યા, બળ, સુખ ઇત્યાદિની પ્રાપ્તિ માટે તેમજ વ્યાધિ, પીડા, દુઃખ ઇત્યાદિના નાશ માટે અનેક યજ્ઞ, મંત્ર, યંત્રો, સ્તોત્રો ઇત્યાદિઓનું વિધાન ધાર્મિક ગ્રંથોમાં કરેલું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહદોષોના નિવારણ માટે ગ્રહદેવતાઓની ઉપાસના કરવા માટે કહેવામાં આવે છે. આ ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ અને તેમનું મહત્ત્વ આ લેખ દ્વારા સમજી લઈએ.
૧. નવગ્રહોની ઉપાસના કરવા પાછળનો ઉદ્દેશ
૧ અ. ગ્રહોની સૂક્ષ્મ ઊર્જાનું પરિણામ માનવીના સૂક્ષ્મદેહ પર થવું
આકાશમાં ભ્રમણ કરનારા તેજોગોળાઓને કારણે આપણે કાલમાપન કરી શકીએ છીએ. લૌકિક દૃષ્ટિએ કાળનો અર્થ ‘અવધિ’ એમ ભલે હોય, તો પણ ફળ-જ્યોતિષશાસ્ત્રમાં કાળનો અર્થ ‘પ્રારબ્ધ’ તરીકે અભિપ્રેત છે. પ્રત્યેક જીવ તેનું પ્રારબ્ધ લઈને જન્મે છે. જીવના જન્મ સમયે રહેલી ગ્રહોની સ્થિતિ પરથી તેના પ્રારબ્ધ વિશે જાણવા મળે છે. ભારતીય ઋષિઓએ ગ્રહોને કેવળ ભૌતિક પદાર્થો માનવાને બદલે તેમના ઠામે રહેલું ‘દેવત્વ’ જાણી લીધું. ‘દેવ’ એટલે જે પ્રકાશ (ઊર્જા) આપે છે તે. ગ્રહોની સ્થૂળ ઊર્જા અર્થાત્ તેમની વિદ્યુત-ચુંબકીય શક્તિ અને સૂક્ષ્મ ઊર્જા એટલે તેમનામાં રહેલા પ્રધાન તત્ત્વો (પૃથ્વી, આપ, તેજ, વાયુ અથવા આકાશ). ગ્રહોની સૂક્ષ્મ ઊર્જા જીવના સૂક્ષ્મદેહ પર (નોંધ) શુભાશુભ પરિણામ કરે છે. જીવનો સૂક્ષ્મદેહ તેના સ્થૂળદેહને પ્રભાવિત કરે છે.
નોંધ – સૂક્ષ્મદેહ : પંચસૂક્ષ્મ-જ્ઞાનેંદ્રિયો, પંચસૂક્ષ્મ-કર્મેંદ્રિયો, પંચસૂક્ષ્મ-પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંથી જીવનો ‘સૂક્ષ્મદેહ’ બને છે.
૧ આ. ગ્રહોની ઉપાસના કરવાથી વ્યક્તિને આવશ્યક એવી સૂક્ષ્મ ઊર્જાનો લાભ થવો
આવા આ ગ્રહો જીવના જન્મ સમયે અશુભ સ્થિતિમાં હોય, તો વ્યક્તિમાં સંબંધિત સૂક્ષ્મ ઊર્જાની ઓછપ હોય છે. તેને કારણે તેને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વરૂપના ત્રાસ થાય છે. ‘વ્યક્તિમાં ઓછી રહેલી સૂક્ષ્મ ઊર્જા તેને પ્રાપ્ત થાય’, તે માટે સંબંધિત ગ્રહોની ઉપાસના કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કહ્યું છે. ગ્રહો સાથે સંબંધિત શાંતિવિધિ મંત્રજપ, નામજપ ઇત્યાદિ ઉપાય કરવાથી વ્યક્તિને આવશ્યક રહેલી સૂક્ષ્મ ઊર્જાનો લાભ થાય છે. પ્રારબ્ધને કારણે નિર્માણ થયેલી સમસ્યાનું નિવારણ કરવા માટે આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણેય સ્તર પરની ઉપાયયોજના કરવી આવશ્યક હોય છે. ગ્રહોની ઉપાસના કરવી એ ‘આધિદૈવિક’ સ્તર પરની (સૂક્ષ્મ ઊર્જાના સ્તર પરની) ઉપાયયોજના છે.
૨. નવગ્રહોની ઉપાસનાના પ્રકાર અને તેમનું મહત્ત્વ
ગ્રહ-ઉપાસના અંતર્ગત ગ્રહ સાથે સંબંધિત રત્ન ધારણ કરવું, યંત્રની પૂજા કરવી, મંત્ર અથવા સ્તોત્ર પઠણ કરવું, હવન કરવો, સંબંધિત દેવતાનો નામજપ કરવો ઇત્યાદિ પ્રકાર છે. આ ઉપાસનાઓનું તુલનાત્મક મહત્ત્વ આગળની સારણીમાં આપ્યું છે.
‘ગ્રહ ઉપાસના | પંચતત્ત્વોમાંથી કાર્યરત તત્ત્વ | કાર્યરત તત્ત્વનો સ્તર | ઉપાસનાનું મહત્ત્વ (ટકા) |
---|---|---|---|
ગ્રહનું રત્ન ધારણ કરવું | પૃથ્વી | સગુણ | ૨૦ |
ગ્રહના યંત્રની પૂજા કરવી | તેજ | સગુણ-નિર્ગુણ | ૪૦ |
ગ્રહના મંત્રનો જપ કરવો અથવા સ્તોત્ર બોલવું | આકાશ | સગુણ-નિર્ગુણ | ૫૦ |
ગ્રહ માટે હવન કરવો | વાયુ અને આકાશ | સગુણ-નિર્ગુણ | ૬૦ |
ગ્રહના અધિપતિ દેવતાનો નામજપ કરવો | આકાશ | નિર્ગુણ-સગુણ | ૭૦ |
– કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી પ્રાપ્ત જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨.૬.૨૦૨૧)
૨ અ. ગ્રહના અધિપતિ દેવતાના નામજપને કારણે આધ્યાત્મિક સ્વરૂપનો ત્રાસ ઓછો થવો
ઉપરોક્ત સારણી પરથી ધ્યાનમાં આવે છે કે, ઉપાસનાનું સ્વરૂપ જેટલું સૂક્ષ્મ હશે, તેટલું લાભ થવાનું પ્રમાણ વધુ હોય છે. રત્ન ધારણ કરવું, આ સગુણ સ્તર પરનો ઉપાય હોવાથી તેનો લાભ શારીરિક ત્રાસના નિવારણ માટે થાય છે. ગ્રહના યંત્રની પૂજા કરવી અને મંત્રજપ કરવાને કારણે શારીરિક અને માનસિક ત્રાસ દૂર થવામાં સહાયતા થાય છે. ‘ગ્રહના અધિપતિ દેવતાનો નામજપ કરવો’ આ નિર્ગુણ સ્તર પરનો ઉપાય હોવાથી આધ્યાત્મિક સ્વરૂપના ત્રાસ (અતૃપ્ત પૂર્વજોના ત્રાસ, અનિષ્ટ શક્તિઓના ત્રાસ ઇત્યાદિ) દૂર થવામાં સહાયતા થાય છે.
૨ આ. ઉપાસના શ્રદ્ધાથી, એકાગ્રતાથી અને નિયમિત રીતે કરવી આવશ્યક
કોઈપણ ઉપાસના શ્રદ્ધાથી કરવી આવશ્યક હોય છે. શ્રદ્ધાપૂર્વક કરેલી ઉપાસનામાં મન, બુદ્ધિ અને ચિત્તનો સહભાગ હોય છે. તેને કારણે ઉપાસનાનું પરિણામ સૂક્ષ્મદેહમાં ઊંડે સુધી થાય છે. એકાગ્રતાથી અને નિયમિત રીતે કરેલી ઉપાસનાને કારણે સૂક્ષ્મદેહ પર થયેલું પરિણામ ધીમે-ધીમે સ્થૂળદેહ પર દેખાવા લાગે છે, તેમજ પરિસ્થિતિમાં પણ પરિવર્તન થાય છે.
૩. આધિભૌતિક ઉપાયોની સાથે આધિદૈવિક અને આધ્યાત્મિક ઉપાય કરવાનું મહત્ત્વ
વર્તમાનકાળમાં માનવીના જીવનમાંની ૬૫ ટકા ઘટનાઓ પ્રારબ્ધને કારણે થતી હોય છે. નિરંતરની બીમારી, દીર્ઘકાળની વ્યાધિઓ, કૌટુંબિક કંકાસ, શૈક્ષણિક અપયશ, આર્થિક ખેંચ, વૈવાહિક સુખ ન મળવું, અપઘાતના પ્રસંગો જેવા દુઃખદ પ્રસંગો પ્રારબ્ધને કારણે બનતા હોય છે. આવી સમસ્યાઓના નિવારણ માટે ભૌતિક (સ્થૂળ) ઉપાય યોજવામાં મર્યાદા આવે છે. આવી સમસ્યાઓના નિવારણ માટે આધિદૈવિક અને આધ્યાત્મિક ઉપાયો કરવા આવશ્યક હોય છે. આધિદૈવિક ઉપાય અર્થાત્ યજ્ઞ, મંત્રજપ, નામજપ ઇત્યાદિ ઉપાયો દ્વારા આપણામાં રહેલા પંચતત્ત્વોનો સમતોલ સાધ્ય કરીને જીવન સમૃદ્ધ કરવું. આધ્યાત્મિક ઉપાય અર્થાત્ જન્મ-મૃત્યુના ફેરામાંથી મુક્ત થવા માટે ગુરુદેવના માર્ગદર્શન અનુસાર સાધના કરવી. આધિદૈવિક ઉપાય આ સકામ સાધના છે, જ્યારે આધ્યાત્મિક ઉપાય નિષ્કામ સાધના છે. આધ્યાત્મિક સાધનાને કારણે જીવના ચિત્ત પરના સંસ્કાર ધીમે-ધીમે લોપ પામતા જાય છે; જેને કારણે સર્વ દુઃખોનું મૂળ જ નષ્ટ થાય છે. તેથી હિંદુ ધર્મએ વિશદ કરેલી જીવન-પદ્ધતિમાં અધ્યાત્મને પ્રાધાન્ય છે.
સારાંશ, ‘ગ્રહ-ઉપાસના’ આ આધિદૈવિક ઉપાસનાનો એક પ્રકાર છે. ગ્રહ-ઉપાસના દ્વારા આપણને આવશ્યક રહેલી સૂક્ષ્મ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે. પ્રારબ્ધને કારણે ઉદ્ભવેલી સમસ્યાઓ પર કેવળ ભૌતિક (સ્થૂળ) ઉપાયો પર આધારિત રહેવાને બદલે આધિદૈવિક અને આધ્યાત્મિક ઉપાયોની સાથ આપવી શ્રેયસ્કર છે !’
– શ્રી. રાજ કર્વે, જ્યોતિષ વિશારદ, ગોવા. (૨૬.૧૨.૨૦૨૨)