જ્‍યોતિષશાસ્‍ત્ર : કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્‍ત્ર !

Article also available in :

શ્રી. રાજ કર્વે

‘જ્‍યોતિષશાસ્‍ત્ર અર્થાત્ ‘ભવિષ્‍ય ભાખવાનું શાસ્‍ત્ર’ એવી મોટાભાગના લોકોની ધારણા હોય છે અને તેને કારણે જ્‍યોતિષીએ પોતાનું વિગતવાર ભવિષ્‍ય કહેવું જોઈએ, એવું અનેક લોકોને લાગે છે. જ્‍યોતિષ એ ભવિષ્‍ય કહેવાનું શાસ્‍ત્ર છે ખરું ? એ આપણે આ લેખ દ્વારા જાણી લઈએ. તે પહેલાં જ્‍યોતિષશાસ્‍ત્રનું પ્રયોજન સમજી લઈએ.

 

૧. જ્‍યોતિષશાસ્‍ત્રનું પ્રયોજન

૧ અ. ‘કાળનો પ્રભાવ ઓળખવો’ આ જ્‍યોતિષશાસ્‍ત્રનું પ્રયોજન હોવું

સૃષ્‍ટિનો પ્રત્‍યેક પદાર્થ કાળને અધીન છે. સત્ત્વ, રજ અને તમ આ ત્રિગુણોથી યુક્ત કોઈપણ પદાર્થ પર કાળનો પ્રભાવ હોય છે; કેવળ ત્રિગુણાતીત પરમેશ્‍વર જ કાળાતીત છે. કોઈપણ પદાર્થમાં થનારું પરિવર્તન કાળને કારણે જ દેખાઈ આવે છે. તેને કારણે ‘કાળનો પ્રભાવ ઓળખવો’ આ જ્‍યોતિષશાસ્‍ત્રનું મુખ્‍ય પ્રયોજન છે. કાળનો પ્રભાવ ઓળખવા માટે પ્રથમ તેનું માપન કરવું આવશ્‍યક છે. ‘કાળમાપન કરવું’ એ જ્‍યોતિષશાસ્‍ત્રનું પ્રથમ ચરણ છે અને ‘કાળવર્ણન કરવું’ એ અંતિમ ચરણ છે.

૧ આ. કાળનું ‘વ્‍યાવહારિક’ અને ‘આધ્‍યાત્‍મિક’ સ્‍વરૂપ

વ્‍યાવહારિક દૃષ્‍ટિએ કાળનો અર્થ ‘અવધિ’ છે અને અધ્‍યાત્‍મની દૃષ્‍ટિએ કાળનો અર્થ ‘દૈવ’ (પ્રારબ્‍ધ) એવો છે. યુગ, વર્ષ, ઋતુ, માસ, દિવસ, પ્રહર, કલાક ઇત્‍યાદિ વ્‍યાવહારિક કાળના એકમ છે. તેથી દૈનંદિન વ્‍યવહાર કરવાનું સંભવ થાય છે. વ્‍યાવહારિક કાળ સર્વ લોકો માટે સમાન હોય છે; પરંતુ અધ્‍યાત્‍મને અભિપ્રેત રહેલો કાળ પ્રત્‍યેક વ્‍યક્તિ માટે અલગ છે (વ્‍યક્તિ સાપેક્ષ છે). આને જ આપણે ‘પ્રારબ્‍ધ’ કહીએ છીએ. જ્‍યોતિષ એ જીવોનું પ્રારબ્‍ધ જાણી લેવાનું શાસ્‍ત્ર છે.

 

૨. જ્‍યોતિષશાસ્‍ત્રનું પ્રાચીન સ્‍વરૂપ

મૂળ જ્‍યોતિષશાસ્‍ત્રના ‘સિદ્ધાંત’, ‘સંહિતા’ અને ‘હોરા’ એવા ૩ સ્‍કંધ છે. ‘સિદ્ધાંત’ સ્‍કંધમાં યુગગણના, કાળવિભાગ, ગ્રહોની ગતિ, ગ્રહણો ઇત્‍યાદિઓનું ગણિત હોય છે. ‘સંહિતા’ સ્‍કંધમાં અલગ અલગ નક્ષત્રોમાં ગ્રહના પ્રવેશ પછી પૃથ્‍વી પર થનારાં પરિણામ, પર્જન્‍યમાન (વર્ષા), નૈસર્ગિક આપત્તિ, મુહૂર્ત ઇત્‍યાદિની જાણકારી હોય છે. ‘હોરા’ સ્‍કંધમાં માનવીની જન્‍મકાલીન ગ્રહસ્‍થિતિ પરથી તેના જીવનમાંના સુખદુઃખોનો વિચાર કરવા બાબતે વિવેચન હોય છે. આધુનિક ખગોળશાસ્‍ત્રના આગમ પછી જ્‍યોતિષશાસ્‍ત્રમાંનો ‘સિદ્ધાંત’ સ્‍કંધ પાછળ રહી જઈને ‘હોરા’ સ્‍કંધને જ ‘જ્‍યોતિષશાસ્‍ત્ર’ તરીકે ઓળખવામાં આવવા લાગ્‍યું.

 

૩. જ્‍યોતિષશાસ્‍ત્ર દ્વારા ભવિષ્‍યની દિશા ઓળખવી સંભવ

‘તંતોતંત ભવિષ્‍ય ભાખવું આ જ્‍યોતિષશાસ્‍ત્રનો ઉદ્દેશ હોવાને બદલે ‘ભવિષ્‍યનો અણસાર લેવો (ભવિષ્‍યની દિશા ઓળખવી)’ એ ઉદ્દેશ છે. ‘વ્‍યક્તિના નશીબમાં કઈ બાબતો માટે અનુકૂળતા અને પ્રતિકૂળતા છે’, એ જ્‍યોતિષશાસ્‍ત્ર વિશદ કરે છે. માનવી જીવનમાં કોઈપણ ઘટના પ્રારબ્‍ધકર્મ અને ક્રિયમાણકર્મના સંયોગથી બને છે. જ્‍યોતિષશાસ્‍ત્ર પ્રારબ્‍ધ વિશે કહી શકે છે; પણ વ્‍યક્તિના ક્રિયમાણ વિશે કહી શકતું નથી, તેમજ પ્રારબ્‍ધમાંની બાબતો વિશેનો સારાંશ કહી શકે છે; પણ વિગતવાર વિશદ કરવામાં શાસ્‍ત્રને મર્યાદા છે, ઉદા. વ્‍યક્તિનું આરોગ્‍ય, સંભાવ્‍ય વ્‍યાધિ અને આરોગ્‍ય માટે પ્રતિકૂળ કાળ વિશે કહી શકે છે; પણ ચોક્કસ રીતે વ્‍યાધિ કયા કારણસર ક્યારે થશે, આ કહેવું શાસ્‍ત્રની મર્યાદાને પેલેપાર છે. એમ ભલે હોય, તો પણ તેને કારણે શાસ્‍ત્રની ઉપયોગિતા ઓછી થતી નથી; કારણકે વ્‍યક્તિને પોતાના પ્રારબ્‍ધ વિશે બુદ્ધિથી બહુ કાંઈ ધ્‍યાનમાં આવી શકતું નથી. તે માટે જ્‍યોતિષશાસ્‍ત્ર એ સાધન છે.

જન્‍મકુંડલી દ્વારા વ્‍યક્તિનું આરોગ્‍ય, વ્‍યક્તિત્‍વ, વિદ્યા, કુટુંબ, વિવાહ, કાર્યક્ષેત્ર, અધ્‍યાત્‍મ ઇત્‍યાદિ વિશે પ્રારબ્‍ધમાં રહેલી સ્‍થિતિ વિશે દિશાદર્શન કરી શકાય છે.

 

૪. શું જ્‍યોતિષશાસ્‍ત્ર વ્‍યક્તિને દૈવવાદી બનાવે છે ખરું ?

‘દૈવવાદ’ અર્થાત્ ભાગ્‍ય પર આધારિત રહીને પ્રયત્નો ભણી દુર્લક્ષ કરવું. પ્રારબ્‍ધ એ જીવનનો અવિભાજ્‍ય ઘટક ભલે હોય, તેમ છતાં પણ સર્વ ભારતીય શાસ્‍ત્રોએ પ્રયત્નોને જ મહત્ત્વ આપ્‍યું છે. પ્રયત્નોને જ ‘પુરુષાર્થ’ કહ્યો છે; પરંતુ પ્રયત્નોની દિશા યોગ્‍ય હોવી મહત્ત્વનું પુરવાર થાય છે. તે માટે વ્‍યક્તિને તેના પ્રારબ્‍ધની પરિસ્‍થિતિ વિશે જાણ હોવી જોઈએ. પ્રારબ્‍ધ અનુસાર પ્રાપ્‍ત થયેલી શારીરિક પ્રકૃતિ, બૌદ્ધિક ક્ષમતા, મનોવૃત્તિ, કળા-કૌશલ્‍ય, કુળ, સામાજિક પરિસ્‍થિતિ ઇત્‍યાદિમાં ફેરફાર થતો નથી. જ્‍યોતિષશાસ્‍ત્રને કારણે વ્‍યક્તિને તેના પ્રારબ્‍ધમાંની અનુકૂળ અને પ્રતિકૂળ બાબતોનું જ્ઞાન થાય છે, તેમજ વર્તમાન કાળ કયા પ્રયત્નો માટે અનુકૂળ છે, તે સમજાય છે. તેને કારણે વ્‍યક્તિના પ્રયત્નોને યોગ્‍ય દિશા મળી શકે છે. જ્‍યોતિષશાસ્‍ત્ર જો તંતોતંત ભવિષ્‍ય ભાખવાનું શાસ્‍ત્ર હોત, તો તે નક્કી જ ‘દૈવવાદી’ પુરવાર થયું હોત; પરંતુ તે ભવિષ્‍યની દિશા ચીંધતું હોવાથી પ્રયત્નો માટે પૂરક છે.

તેથી જ્‍યોતિષશાસ્‍ત્ર ભણી ‘ભવિષ્‍ય કથનના શાસ્‍ત્ર’ તરીકે જોવાને બદલે ‘કાળવિધાન શાસ્‍ત્ર’ (કાળની અર્થાત્ પ્રારબ્‍ધની અનુકૂળતા-પ્રતિકૂળતા વિશદ કરનારું શાસ્‍ત્ર) આ દૃષ્‍ટિએ જોવું આવશ્‍યક છે !’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૩૦.૧.૨૦૨૩)

Leave a Comment