ચંદ્રોદય ક્યારે થાય છે ?

Article also available in :

‘સામાન્‍ય બોલીભાષામાં આપણે ‘સૂર્ય સવારે અને ચંદ્ર રાત્રે ઊગે છે’, એમ કહીએ છીએ. સૂર્યની બાબતમાં આ ભલે યોગ્‍ય હોય, પરંતુ ચંદ્રની બાબતમાં તેમ નથી. ચંદ્રોદય પ્રતિદિન અલગ અલગ સમયે થાય છે. તે વિશેની જાણકારી આ લેખ દ્વારા સમજી લઈએ.

 

૧. ચંદ્ર પ્રતિદિન આશરે ૫૨ (બાવન) મિનિટ મોડો ઊગવો

ચંદ્ર આશરે ૨૭.૩ દિવસોમાં આકાશનું ૩૬૦ અંશ ભ્રમણ કરે છે (પૃથ્‍વીની એક પ્રદક્ષિણા ફરે છે); અર્થાત્ ૨૪ કલાકમાં આકાશનું સરેરાશ ૧૩ અંશ ભ્રમણ કરે છે. તેને કારણે પૃથ્‍વીએ પોતાની ફરતે ૨૪ કલાકમાં પૂર્ણ ફરી લઈને ઉપર વધારાના ૧૩ અંશ ફર્યા પછી જ ચંદ્રોદય થાય છે. પૃથ્‍વીને પોતાની ફરતે ૧૩ અંશ ફરવા માટે સરેરાશ ૫૨ (બાવન) મિનિટ લાગે છે. તેથી ચંદ્ર પ્રત્‍યેક દિવસે સરેરાશ ૫૨ મિનિટ મોડો ઊગે છે (નોંધ), ઉદા. એકાદ પૂનમે ચંદ્રોદય જો સાંજે ૬.૩૦ કલાકે થયો હોય, તો તેના બીજા દિવસે તે સાંજે આશરે ૭.૨૨ કલાકના સમયે ઊગશે, તેની પછીની રાત્રે તે આશરે ૮.૧૪ કલાકે ઊગશે ઇત્‍યાદિ.

નોંધ – ચંદ્રની પૃથ્‍વી ફરતે ભ્રમણ કરવાની ગતિ એક જેવી હોતી નથી; કારણકે ચંદ્રની ભ્રમણકક્ષા લંબવર્તુળાકાર છે અને તે પૃથ્‍વીના છેક કેંદ્રસ્‍થાને નથી. તેને કારણે ચંદ્ર જ્‍યારે પૃથ્‍વીની નજીકમાંથી પસાર થાય છે, ત્‍યારે તેની ગતિ વધે છે અને પૃથ્‍વીથી દૂર અંતર પર જતી સમયે તેની ગતિ ન્‍યૂન (ઓછી) થાય છે. તેને કારણે ચંદ્ર પ્રતિદિન ૪૬ થી ૫૮ મિનિટ મોડો ઊગે છે. તેનો સરેરાશ સમય ૫૨ (બાવન) મિનિટ થાય છે.

શ્રી. રાજ કર્વે

 

૨. ખગોળશાસ્‍ત્રની દૃષ્‍ટિએ મહત્ત્વની તિથિએ ચંદ્રોદય થવાનો સમય

‘અમાસ, સુદ આઠમ, પૂર્ણિમા અને વદ આઠમ’ આ ૪ તિથિઓ ખગોળશાસ્‍ત્રની દૃષ્‍ટિએ મહત્ત્વની છે; કારણકે સૂર્ય અને ચંદ્ર વચ્‍ચેનો ખૂણો અમાસના દિવસે ‘૦ અંશ’, સુદ આઠમના દિવસે ‘૯૦ અંશ’, પૂર્ણિમાના દિવસે ‘૧૮૦ અંશ’ અને વદ આઠમના દિવસે ‘૨૭૦ અંશ’ હોય છે. સમુદ્રમાં ભરતી અને ઓટ પ્રતિદિન આવે છે; પણ અમાસ તેમજ પૂનમે ભરતી-ઓટની તીવ્રતા સૌથી વધારે હોય છે, જ્‍યારે સુદ અને વદ આઠમના દિવસે ભરતી-ઓટની તીવ્રતા સૌથી ઓછી હોય છે. આ ૪ તિથિઓએ ચંદ્રોદય સ્‍થાનિક સમય અનુસાર સામાન્‍ય રીતે ક્યારે થાય છે, તે આગળ સારણીમાં આપ્‍યું છે.

 

તિથિ ચંદ્રોદય થવાનો સમય
અમાસ સૂર્યોદય સમયે
સુદ આઠમ મધ્‍યાહ્‌ન સમયે
પૂર્ણિમા સૂર્યાસ્‍ત સમયે
વદ આઠમ મધ્‍ય રાત્રે

ઉપર જણાવેલી સારણી પરથી ધ્‍યાનમાં આવશે કે, અમાસના દિવસે ચંદ્ર સૂર્યોદય સમયે ઊગતો હોવાથી ચંદ્રની પાછળની બાજુ પ્રકાશિત થઈને આગળની બાજુ અપ્રકાશિત રહે છે; તેથી તે દેખાતો નથી. સુદ સાતમ-આઠમના દિવસે ચંદ્ર મધ્‍યાહ્‌ને (બપોરે) ઊગે છે, તેથી સૂર્યાસ્‍ત પછી તે આશરે ૬ કલાક દેખાય છે. પૂર્ણિમાના દિવસે ચંદ્ર સૂર્યાસ્‍ત સમયે ઊગે છે, તેથી તે સમગ્ર રાત્ર દેખાય છે. વદ સાતમ-આઠમના દિવસે ચંદ્ર મધ્‍યરાત્રે ઊગે છે, તેથી સૂર્યોદય થવા પહેલાં તે આશરે ૬ કલાક દેખાય છે.’

– શ્રી. રાજ કર્વે, જ્‍યોતિષ વિશારદ, ગોવા. (૧૨.૧.૨૦૨૩)

Leave a Comment