અનુક્રમણિકા
- ૧. નિયમ વિરુદ્ધ આહાર લેવાથી સોજો આવવો
- ૨. ઓછા રાંધેલા અથવા કાચા પદાર્થોને કારણે પેટના વિકાર ઉદ્ભવતા હોવાથી તેમનું સેવન કરવાનું ટાળવું !
- ૩. સંયોગ વિરુદ્ધ પદાર્થો એકત્રિત સેવન કરવાથી ત્વચાવિકાર અથવા રક્તક્ષય થવાની સંભાવના વધવી
- ૪. મનવિરુદ્ધ કરેલા આહારનું પોષણ થતું ન હોવાથી તેનો શરીર માટે ઉપયોગ થતો ન હોવો.
- ૫. જીવડાં થયેલાં, સડેલા, ફૂગ ચઢેલા અને સૂકા પદાર્થો શરીર માટે હાનિકારક હોવાથી સંપતના વિરોધમાં આહાર લેવાનું ટાળવું !
- ૬. અન્ન પાચન થવા માટે પદાર્થ ઉષ્ણ, તાજા, સ્નિગ્ધ હોવા આવશ્યક હોય છે અને તે એકાગ્રચિત્તથી તેમજ પેટમાં થોડી જગ્યા રાખીને આરોગવા !
- ૭. ઋતુ અનુસાર ઉપલબ્ધ ફળો, શાકભાજી, અનાજ, તેમજ તહેવારોને અનુસરીને રાંધવાની વાનગીઓમાં વિવિધતા છે અને તે આરોગ્ય માટે હિતાવહ હોવું
- ૮. જીભના બધાં નખરાં (લાડ) લડાવવા હોય તો પુષ્કળ શારીરિક કષ્ટ કરીને તમારી પાચનશક્તિ ઉત્તમ કરી લેવી !
૧. નિયમ વિરુદ્ધ આહાર લેવાથી સોજો આવવો
જમ્યા પછી શું કરવું અને કયા પ્રકારના આહાર પછી શું પીવું ? શું કરવું ? તેના પણ કેટલાક નિયમો છે. તે નિયમો તોડવાને ‘પરિહાર વિરુદ્ધ આહાર’ કહેવામાં આવે છે. ભૂમિ પર પલાંઠી વાળીને બેસવું અને પછી પગ ભણીનો લોહીનો પુરવઠો સારી રીતે ચાલુ રહે તે માટે સો ડગલા ચાલવું, એવો નિયમ છે; પણ મૂળમાં ‘બુફે’ એટલે ફરતા ફરતા જમવાથી પગ ભણી લોહીનો પુરવઠો થતો જ હોય છે. એવામાં ફરીવાર સો ડગલાની આવશ્યકતા શું છે ? તળેલા, પુષ્કળ ચીઝ અથવા બટરયુક્ત સ્નિગ્ધ પદાર્થોનું સેવન કર્યા પછી તે ગમે ત્યાં ચોંટી ન રહે; તે માટે ગરમ પાણી પીવું જોઈએ. આજે બટર અને ચીઝયુક્ત પાવભાજી, પિઝ્ઝા, બર્ગર એવા પદાર્થો પર ઠંડાંપીણાં પીવાની પદ્ધતિ છે. આ નિયમ વિરુદ્ધ છે. તેને કારણે સોજો ચડવા જેવા કષ્ટપ્રદ રોગ થઈ શકે છે.
૨. ઓછા રાંધેલા અથવા કાચા પદાર્થોને કારણે પેટના વિકાર ઉદ્ભવતા હોવાથી તેમનું સેવન કરવાનું ટાળવું !
એક છોકરાને મલેરિયા થયો. મલેરિયાની બીમારીમાં મૂળમાં જ ભૂખ અને પાચનશક્તિ સાવ ઓછી થાય છે. તેમાં પણ ઔષધિઓને કારણે ભૂખનો સત્યાનાશ થાય છે. પુષ્કળ પ્રમાણમાં નબળાઈ હોય ત્યારે તેમાંથી વહેલા બહાર પડવા માટે તે છોકરાએ પૌષ્ટિક આહાર તરીકે કાચા શાકભાજી (સલાડ) અને ફણગાવેલા કઠોળ ખાવાનું ચાલુ કર્યું. ૮ દિવસોમાં તેને ફરી તાવ આવ્યો. આ સમયે બધી જ કસોટીઓ થઈ; પણ તાવનું કારણ ધ્યાનમાં આવતું નહોતું. પાચનશક્તિ ઓછી થઈ હોય, ત્યારે કાચા અથવા અડધા રાંધેલા પદાર્થો ખાવા, એ વિરુદ્ધ આહાર છે. ‘ચાયનીઝ’ પદાર્થોમાં શાકભાજી અને ચોખા આ રીતે ઘણું કરીને અડધા ચડાવેલા હોય છે. ઉપાહારગૃહમાંના તંદુરી રોટી, ઉત્તપ્પા, ઢોસા આ પદાર્થો ઘણીવાર બહારથી બળેલા, જ્યારે અંદરથી કાચા હોય છે. આવા પદાર્થોના સેવનથી પેટના અસંખ્ય વિકાર ઉદ્ભવી શકે છે.
૩. સંયોગ વિરુદ્ધ પદાર્થો એકત્રિત સેવન કરવાથી ત્વચાવિકાર અથવા રક્તક્ષય થવાની સંભાવના વધવી
આહારશાસ્ત્રમાં કેટલાક પદાર્થો એકત્રિત કરવા નિષિદ્ધ કહેવામાં આવ્યું છે. મદ્ય, ખિચડી, ખીર અથવા દૂધ, કેળાં, તાડગોળા, દહીં, છાસ આ વર્ગના પદાર્થોમાંથી કોઈપણ ૨ પદાર્થો ભેગા કરીને ખાવા, આ સંયોગ વિરુદ્ધ છે. આવા પ્રકારના આહારથી રસ અને લોહી ધાતુ બગડીને ત્વચાવિકાર અથવા રક્તક્ષય (લોહી સુકાતું જાય એવો રોગ) જેવા રોગ થવાની સંભાવના વધી જાય છે.
૪. મનવિરુદ્ધ કરેલા આહારનું પોષણ થતું ન હોવાથી તેનો શરીર માટે ઉપયોગ થતો ન હોવો.
૮ વર્ષના એક છોકરાને દૂધ ભાવતું નથી; પણ જાહેરખબરો જોઈ જોઈને તેની માતાએ એવો દૃઢ સમજ કરી લીધો હતો કે, જો દૂધ નહીં પીવે, તો બાળકની વૃદ્ધિ જ થશે નહીં. પ્રતિદિન તેની માતા બળજબરાઈથી તેને દૂધ પીવડાવે છે અને તે ૧૫ મિનિટમાં ઓકીને બહાર કાઢી નાખે છે. ‘તે ઓકી નાખે છે, તો શા માટે આપે છે ?’, એમ પૂછ્યા પછી તેણે કહ્યું, ‘૧૫ મિનિટ તો તેના પેટમાં રહે છે ને, તેટલા સમયમાં તેમાંનો કેટલોક ભાગ તો શોષાઈ જતો હશે ને ? તેટલો જ લાભ !’ આવા ન ભાવતા પદાર્થો મનવિરુદ્ધ ખવડાવવા એને ‘હૃદયવિરુદ્ધ’ કહે છે.
મોટા માણસો પોતે તેમને ભાવતા પદાર્થો ખાવા અને અણગમતા પદાર્થો ન ખાવાની છૂટ લે છે. સખતાઈ થાય છે તે નાના બાળકો પર ! દૂધ, લીલા શાકભાજી, કારેલા, સુવાદાણાની ભાજી આવા ન ભાવતા પદાર્થો તેને બળજોરીથી ખાવા પડે છે. વાલીઓએ તેમના નાનપણમાં તે ખાધેલા હોતા નથી; પણ બાળકોને (તે ખાધાવિના) છૂટકો નથી. પદાર્થ પૌષ્ટિક ભલે હોય, તો પણ મનના વિરોધમાં ગ્રહણ કરવાથી તેનો લાભ થાય ખરો ?
૫. જીવડાં થયેલાં, સડેલા, ફૂગ ચઢેલા અને સૂકા પદાર્થો શરીર માટે હાનિકારક હોવાથી સંપતના વિરોધમાં આહાર લેવાનું ટાળવું !
એકવાર શાકબજારમાં એક ગૃહિણી શાકવાળા સાથે ૫ રૂપિયા માટે રકઝક કરતી હતી, કહેતી હતી કે, ‘ઘણું મોંઘું વેચો છો તમે શાક, હું અહીંથી હંમેશાં શાક લઈ જાઉં છું, બીજા શાકવાળા પાસે સસ્તું છે…’ શાકવાળો અકળાઈને બોલ્યો, ‘‘અરે બેન, આ વીણેલું શાક છે, એ તો જુઓ. આમાંથી ખરાબ શાક અમે બીજી ગુણમાં ભરી રાખ્યું છે. અહીંના આજુબાજુના ઉપાહારગૃહવાળા આ ખરાબ શાક લઈ જાય છે. ત્યાં તમે ગમે તેટલા પૈસા ગણીને તે ખાવ છો અને ગરીબને ૫ રૂપિયા માટે કનડો છો ?’’ મને તો તે ખરાબ શાક જોઈને જ ઊલટી જેવું થવા લાગ્યું. આહાર પદાર્થો ગુણસંપન્ન હોવા આવશ્યક હોય છે. જીવાત પડેલા, સડેલા, ફૂગ લાગેલા અને સૂકાઈ ગયેલા પદાર્થો ઉત્તમ અને શુદ્ધ શરીર પરિબળો બનાવી જ ન શકે. વેચાતા ખાદ્યપદાર્થોમાં ‘દૃષ્ટિની આડમાં સૃષ્ટિ’ આવી આપણી અવસ્થા થાય છે.
‘બિસ્કીટો બનાવનારી ઘણી વિખ્યાત કંપનીઓ ધનેડા અને ઇયળો થઈને ખરાબ થયેલા અનાજ વાપરે છે’, આ મને એક અન્ન નિરીક્ષકે કહ્યું હતું. ‘રેડી ટુ કુક’ (રાંધવા માટે તૈયાર) પદાર્થોમાં તો સૂકાઈ ગયેલા શાકભાજી જાણીજોઈને વાપરે છે. મારી એક બહેનપણી પૈસા બચાવવા માટે રાત્રે મોડેથી શાકભાજી લેવા જતી. વધેલી શાકભાજી તેને સાવ અડધી કિંમતમાં મળતી; પણ તે શાકભાજી એટલે લોકોએ પાછળ રાખેલો કચરો રહેતો. તે શાકભાજીમાં બચી જનારો પૈસો અને તેમાંથી ઉદ્ભવનારી બીમારી પાછળ થનારો ખર્ચ તેનો તાલમેળ મેં એકવાર તેને કરી બતાવ્યો. આવો ગુણસંપન્ન ન રહેલો આહાર એટલે સંપત વિરુદ્ધ આહાર છે.
૬. અન્ન પાચન થવા માટે પદાર્થ ઉષ્ણ, તાજા, સ્નિગ્ધ હોવા આવશ્યક હોય છે અને તે એકાગ્રચિત્તથી તેમજ પેટમાં થોડી જગ્યા રાખીને આરોગવા !
‘આયુર્વેદીય આહારમંત્ર’ આ મારા પુસ્તકમાં ભોજનવિધિની વિગતવાર જાણકારી આપી છે. ભૂખ લાગ્યા પછી હાથ ચોખ્ખા ધોઈને ઉષ્ણ, તાજા, સ્નિગ્ધ પદાર્થો એકાગ્રચિત્તથી અને પેટમાં થોડી જગ્યા રાખીને આરોગવા, એવા કેટલાક નિયમો છે. તે નિયમો નેવે મૂકીને આરોગેલો આહાર એટલે ‘વિધિવિરુદ્ધ આહાર’ છે.
‘એકાગ્ર ચિત્તથી જમવું’, એવો નિયમ છે. તેથી આપણે શું ખાઈ રહ્યા છીએ, તેના ભણી આપણું ધ્યાન રહે છે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મન પણ માણી શકે છે; પરંતુ હાલમાં દૂરદર્શન સામે બેસીને તેમાં એકાગ્ર થઈને જમવાની પદ્ધતિ છે. ત્યારે સામે ચાલી રહેલી માલિકાઓ, ચલચિત્રો અથવા સમાચારોમાંની તીવ્ર ભાવનાઓ આપણા મન પર રાજ કરે છે. શાસ્ત્ર કહે છે કે, તમારો આહાર ભલે ગમે તેટલો પોષક, હળવો અને ઉત્તમ હોય, તો પણ તે આરોગતી વેળાએ મનમાં કામ, ક્રોધ, મદ, મત્સર અને લોભની ભાવનાઓ હોય, તો તેનું યોગ્ય પાચન થતું નથી.
૭. ઋતુ અનુસાર ઉપલબ્ધ ફળો, શાકભાજી, અનાજ, તેમજ તહેવારોને અનુસરીને રાંધવાની વાનગીઓમાં વિવિધતા છે અને તે આરોગ્ય માટે હિતાવહ હોવું
આહારના આવા નિષેધાત્મક નિયમો વિશદ કરેલા કોઈને પણ ગમતા નથી. ‘આટલું બધું કહેવા કરતાં શું ખાવું જોઈએ એમ કહોને ?’, એમ બોલીને વૈદ્યોને ગાંડા ગણવા સુધી લોકોની પહોંચ જાય છે. જે ન આરોગવા જેવું હોય, તે ખાવાથી રોગ થાય છે; તેથી ‘અમુક પદાર્થો ખાશો નહીં’, એમ પહેલેથી જ કહેવું પડે છે. ‘જે ખાવાનું નથી, તેની વિરુદ્ધ ખાવું’, આ એક સાદો નિયમ છે. ઉદા. વિધિવિરુદ્ધ ખાવું નહીં, તેનો અર્થ આહાર વિધિ પ્રમાણે ખાવો જોઈએ. ‘અગ્નિના વિરોધમાં ખાવું નહીં’, તેનો જ અર્થ અગ્નિ પ્રમાણે અથવા ભૂખ હોય તે પ્રમાણે ખાવું, એ તો દેખીતું જ છે. ‘જેની ટેવ નથી, તે પદાર્થો ન ખાવા’, તેમાં છુપાયેલો અર્થ છે કે, જેની ટેવ છે તેવા પદાર્થો ખાવા. તેમ છતાં પણ ‘ખાવું નહીં’ આ સૂચિ જોઈને ‘આપણા ખાવા પર ઘણા બધા બંધનો આવ્યા છે’, એવું લોકોને અમસ્તું જ લાગે છે.
ખરું જોતાં આપણે શહેરી માણસો ઘણાં પ્રકારના પદાર્થો ખાતા હોઈએ છીએ. ‘વિશ્વના બધા પ્રકારના પદાર્થો મને ખાવાનું ફાવવું જોઈએ’, આ દુરાગ્રહ છોડવો જોઈએ. સર્વ પ્રાણી તેમની ઉત્પત્તિથી આજ સુધી કેવળ ચુનંદા પદાર્થો ખાય છે કે નહીં, તે જુઓ. જંગલમાં એકબીજાનું જોઈને તેઓ પોતાના આહારમાં વિવિધતા લાવવાનો પ્રયત્ન કરે છે ખરાં ? આપણા નિરોગી પૂર્વજો અને આજે પણ વિશ્વમાં જોવા મળનારી નિરોગી જમાતના આહારમાં આપણા આહાર જેટલી વિવિધતા જોવા મળતી નથી. ઋતુ અનુસાર ઉપલબ્ધ ફળો, શાકભાજી, અનાજ તેમજ તહેવારોને અનુસરીને કરવાની વાનગીઓમાં પૂરતી વિવિધતા છે. તે આરોગ્ય માટે હિતાવહ પણ છે. અન્ય દેશોમાંના પદાર્થો અને કૃત્રિમ ખાદ્યપદાર્થોની આવશ્યકતા પણ જણાશે નહીં, એટલું ભારતીય પાકશાસ્ત્ર સમૃદ્ધ છે. તેથી શું ખાવું ? તેનો સહેલો ઉત્તર એટલે આપણા પરદાદી અને પરદાદાજીએ ખાધેલા ઋતુઅનુસારના પદાર્થો જ ખાવા.
૮. જીભના બધાં નખરાં (લાડ) લડાવવા હોય તો પુષ્કળ શારીરિક કષ્ટ કરીને તમારી પાચનશક્તિ ઉત્તમ કરી લેવી !
‘તો પછી શું આ બધા પદાર્થો અમારે આખી જીંદગી ખાવાના જ નહીં ?’, એવું પૂછનારી વ્યક્તિએ મનમાં પાકી ગાંઠ બાંધી લેવી કે, નિયમવિરુદ્ધ ભોજન પચવા માટે પાચનશક્તિ ઉત્તમ હોવી જોઈએ. ઉત્તમ પાચનશક્તિ એક તો નૈસર્ગિક હોય છે, એટલે કે વારસાગત હોય છે અથવા તે આપણે પ્રાપ્ત કરવી પડે છે. તે પ્રાપ્ત કરવા માટે શારીરિક કષ્ટ કરવા, આ એકમાત્ર માર્ગ છે. શહેરી જીવનમાં આપણે પુષ્કળ યંત્રો ઉપર આધાર રાખીએ છીએ. ‘ઓછામાં ઓછા પરિશ્રમ અને વધુમાં વધુ આહાર’, આ ભૂલભરેલો સૂત્ર આપણે અંગીકાર કર્યો છે. જેમને જીભના બધા લાડ લડાવવા છે, તેમણે પોતાના માટે, કુટુંબ માટે અને દેશ માટે પુષ્કળ શારીરિક કષ્ટ કરીને કકડીને ભૂખ લાગે અને પાણા પણ પચાવી શકો, એવી સ્થિતિ પહેલા કરી લેવી. નિસર્ગે ખાવાનો અધિકાર કેવળ કષ્ટ કરનારા માણસને આપ્યો છે. તેના આ નિયમમાંથી આપણો છૂટકો નથી. તેથી આરોગ્યસંપન્ન ભારત માટે હવે આપણે ‘કષ્ટકારક ભારત અભિયાન’નો આરંભ કરીએ !
– વૈદ્યા સુચિત્રા કુલકર્ણી (સાભાર : દૈનિક ‘તરુણ ભારત’) (૨૯.૧૨.૨૦૧૯)