માનવીને ૨૩ પવિત્ર તીર્થક્ષેત્રોના દર્શન કરવાનું પુણ્‍ય પ્રદાન કરનારી અમરનાથ યાત્રા !

Article also available in :

ધાર્મિક માન્‍યતા અનુસાર અમરનાથ ગુફામાં બરફના શિવલિંગના દર્શન કરવાથી કાશીમાં લીધેલા દર્શન કરતાં ૧૦ ગણું, પ્રયાગ કરતાં ૧૦૦ ગણું અને નૈમિષારણ્‍ય કરતાં ૧ સહસ્ર ગણું વધારે પુણ્‍ય મળે છે. તેથી જ આજે પણ કરોડો હિંદુઓ ભાવભક્તિથી અમરનાથ યાત્રા કરે છે. અમરનાથ ગુફામાંના બરફના શિવલિંગની, તેમજ ત્‍યાંના પાર્વતી પીઠની વિશિષ્‍ટતા વિશદ કરનારો આ લેખ.

 

૧. પહેલાંનું અમરેશ્‍વર એટલે જ વર્તમાનનું શ્રી અમરનાથ તીર્થક્ષેત્ર !

અમરનાથ એ હિંદુઓનું મુખ્‍ય તીર્થક્ષેત્ર છે. પ્રાચીનકાળમાં તે અમરેશ્‍વર તરીકે ઓળખાતું હતું. શ્રીનગરથી આશરે ૧૪૫ કિ.મી. અંતર પર હિમાલયની પર્વતમાળામાં અમરનાથની ગુફા આવેલી છે. સમુદ્રસપાટીથી ૩ સહસ્ર ૯૭૮ મીટર ઊંચે ઠેકાણે રહેલી આ ગુફા ૧૬૦ ફૂટ લાંબી અને ૧૦૦ ફૂટ પહોળી છે. આ ગુફાની ઊંચાઈ પણ ઘણી છે. અમરનાથ ગુફામાંના બરફના શિવલિંગના દર્શનથી માનવીને ૨૩ પવિત્ર તીર્થક્ષેત્રોના દર્શન કરવાનું પુણ્‍ય મળે છે.

 

૨. બરફના શિવલિંગના રૂપમાં સાક્ષાત્ ભગવાન શિવનું અસ્‍તિત્‍વ ધરાવતી અમરનાથ ગુફા !

અમરનાથ ખાતેની ગુફામાં બરફનું શિવલિંગ તૈયાર થાય છે. ભગવાન શિવે દેવી પાર્વતીને આ ગુફામાં અમરત્‍વનો મંત્ર આપ્‍યો હતો, એ આ ગુફાનું મહત્ત્વ છે. સાક્ષાત્ ભગવાન શિવનું આ ગુફામાં અસ્‍તિત્‍વ છે, એવી ભક્તોની શ્રદ્ધા છે. પાર્વતી દેવીને અમરકથા કહેવા માટે લઈ જતી વેળાએ ભગવાન શિવે માર્ગમાં પ્રથમ પોતાના વાહન નંદીનો ત્‍યાગ કર્યો. ત્‍યાર પછી ચંદનબાડી ખાતે પોતાની જટામાંથી ચંદ્રને મુક્ત કર્યા. શેષનાગ ખાતેના એક તળાવ પર પહોંચ્‍યા પછી તેમણે ગળામાંથી સર્પ કાઢી નાખ્‍યા. પોતાના પ્રિય પુત્ર ગણપતિને તેમણે મહાગુણસ પર્વત પર છોડી દીધા. પછી પંચતરણી ખાતે જઈને ભગવાન શિવે પાંચેય તત્ત્વોનો ત્‍યાગ કર્યો. એક માન્‍યતા અનુસાર રાખીપૂર્ણિમાને દિવસે સાક્ષાત્ ભગવાન શિવનું અમરનાથ ગુફામાં આગમન થાય છે.

 

૩. ૫૧ શક્તિપીઠોમાંથી એક પીઠ રહેલું અમરનાથ ગુફામાંનું પાર્વતી પીઠ !

અમરનાથ ગુફામાં નિર્માણ થનારું શિવલિંગ સંપૂર્ણ બરફનું બને છે; પરંતુ ગુફાની બહાર પુષ્‍કળ અંતર પર સાદો બરફ છે. આ ગુફાની ઉપર રામકુંડ છે, એવું કહેવાય છે. અમરનાથ ગુફામાં પાર્વતી પીઠ છે અને આજે પણ અનેક ભક્તો તે વિશે જાણતા નથી. આ પીઠ ૫૧ શક્તિપીઠોમાંથી એક છે. અહીં દેવી સતીના કંઠનો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે. શાસ્‍ત્રમાં નોંધ કરેલી માહિતી અનુસાર ભગવાન શિવે પાર્વતી માતાને અમરત્‍વનું રહસ્‍ય કહ્યું હતું. તે સમયે પાર્વતી સાથે એક પોપટ અને બે કબુતરોએ (પારેવાઓએ) પણ તે સાંભળ્યું. આ પોપટ પછી શુકદેવ નામના ઋષિ બનીને અમર થયા અને કબુતરોની જોડી પણ અમર થઈ. કેટલાક ભક્તોને આજે પણ તે ગુફામાં અમર થયેલી કબુતરોની જોડી દેખાય છે.

સંદર્ભ : આજ તક વૃત્તવાહિની

Leave a Comment