ચતુર્વિધ આહાર (આયુર્વેદનો પાકમંત્ર) !

Article also available in :

 

૧. ભોજનમાં અથાણાનું મહત્ત્વ !

નાનપણ એ માનવીના જીવનની સૌથી ‘ધનવાન’ વય હોય છે. આ ઉમરની સ્‍મૃતિઓ અતિશય રમણીય અને આનંદી હોય છે. સહુના જીવનમાં રહેલી આવી જ એક ચટપટી સ્‍મૃતિ એટલે ‘અથાણું’ આ પદાર્થ સાથે સંબંધિત હોય છે.

અમારી પેઢીની અથાણા સાથે રહેલી સ્‍મૃતિ થોડી ભિન્‍ન છે. જમતી વેળાએ થાળીમાં અથણાની ચીર (ખાસ કરીને કેરીની) સીધી જ માગીને ખાતા હતા. પોતાની થાળીમાં સહુથી મોટી તો ચીર છે ને ? તે જોતા હતા. જમતી વેળાએ તેનો ખાર ચાટતા. ચીર છેવટ સુધી તેમજ રાખતા. જમી લીધા પછી તે ચીર મોઢામાં મૂકીને ઘણીવાર સુધી ચગળતા રહેતા. કોની ચીર ક્યાં સુધી ટકી રહે છે ? એવી હોડ લાગતી. અથાયેલા અથાણાની ચીરના સ્‍વર્ગીય સ્‍વાદનું સ્‍મરણ થાય કે, આજે પણ મોમાં પાણી છૂટે છે.

અમારા નાનપણમાં લિમલેટની ખાટી-મીઠી ગોળીઓ મળતી. અમને તે ક્યારેક જ કોઈક આપતું. તે ટીકડીઓ પણ ચગળતા ચગળતા તેનો આસ્‍વાદ લઈને ખાવામાં આવતી. હમણાના બાળકો ચ્‍યુઈંગમ સિવાય આવા ચૂસવાના પદાર્થો ખાતા જોવા મળતા નથી. ખાસ કારણ એટલે પુષ્‍કળ જણના દાંત એટલા સંવેદનશીલ (સેન્‍સિટીવ) હોય છે કે, તેમનાથી આવા ખાટા પદાર્થો ખાઈ જ નથી શકાતા. તેથી આ પદાર્થો ભોજનમાંથી હદપાર થઈ રહ્યા છે.

अहं वैश्‍वानरो भूत्‍वा प्राणिनां देहमाश्रितः ।

प्राणापानसमायुक्‍तः पचाम्‍यन्‍नं चतुर्विधम् ॥

– શ્રીમદ્‌ભગવદ્‌ગીતા, અધ્‍યાય ૧૫, શ્‍લોક ૧૪

અર્થ : હું જ સર્વ પ્રાણીઓના શરીરમાં વાસ કરનારો, પ્રાણ અને અપાન (વાયુઓ)થી સંયુક્ત વૈશ્‍વાનર અગ્‍નિરૂપ થઈને ચાર પ્રકારના અન્‍નનું પાચન કરું છું.

તેને કારણે ‘અન્‍નના ચાર પ્રકાર કયા ?’, એવો પ્રશ્‍ન નવી પેઢીને પડ્યા વિના રહેતો નથી. પેય (પીવા યોગ્ય), ચોષ્ય (ચૂસવા યોગ્ય) અથવા લેહ્ય (ચાટવા યોગ્ય), ભોજ્ય અને ભક્ષ્ય (ખાવા યોગ્ય), આ રીતે તે ચાર પ્રકાર છે.

૨. આહારમાં પીણાંની રહેલી આવશ્‍યકતા !

પેય એટલે પીણાં ! આ અર્થાત્ જ દ્રવ અથવા સાંદ્ર (‘સેમિસૉલિડ’) હોઈ શકે છે. આમાં પાણી, દૂધ, સૂપ, વિવિધ પ્રકારની ખીર, દાળ, છાસ, મઠો, કઢી, કોકમની કઢી ઇત્‍યાદિ પદાર્થોનો સમાવેશ થાય છે. આ વિષય પર એક સ્‍વતંત્ર પુસ્‍તક લખી શકાશે, એટલો બધો મોટો આ વિષય છે. તાત્પર્ય એટલું જ કે, ભોજનમાં વચ્‍ચે વચ્‍ચે થોડા થોડા પીણાં લેવાં.

શિયાળામાં અથવા ચોમાસામાં વાયુ/કફ પ્રકૃતિના લોકોની ભૂખ મંદ હોય ત્‍યારે સૂપ, કઢી, દાળ એવા ગરમ પીણાં પીવાં. ચોમાસામાં તો દ્રવ પદાર્થોની ઇચ્‍છા ઓછી જ થાય છે. ઉનાળામાં પિત્ત પ્રકૃતિની વ્‍યક્તિઓએ દૂધ, ખીર, કોકમની કઢી આ રીતે ઠંડાં પીણાં લેવાં. જો ભોજનમાં ભારે પદાર્થ હોય, તો પાચનમાં સહાયતા કરનારી છાસ, મઠો, આવા પીણાં લેવાં. ૨૦૦ થી ૩૦૦ મિ.લી. આટલા પ્રમાણમાં આપણે આ પીણાં લઈ શકીએ છીએ.

વર્તમાનમાં લોકો મોટા પ્રમાણમાં ઉપાહારગૃહમાં ભોજન કરતા હોય છે. ત્‍યાં સૌથી સુરક્ષિત અને જંતુરહિત પીણાં તરીકે ઠંડાં બાટલીબંધ પાણીની પસંદગી કરવામાં આવે છે. ઘરે શીતકબાટમાં (ફ્રિજમાં) મોટી બાટલીઓ મૂકીને ભોજન સાથે ઠંડાં પીણાં લેનારા મહાનુભાવો પણ છે. થોડા પ્રયત્ન કરીને સંગણકીય જ્ઞાનજાળ પર (ઇંટરનેટ પર) શોધ લઈએ, તો આ પીણાં કેટલા અયોગ્‍ય છે, તે વિશે આપને સહેજે સમજાશે.

ભોજન પહેલાં કોઈપણ દ્રવપદાર્થ વધારે પ્રમાણમાં પીવો નહીં. તેને કારણે ભૂખ ઓછી થાય છે. જમ્‍યા પછી પણ મોટા પ્રમાણમાં દ્રવ પદાર્થોનું સેવન ન કરવું. તેમ કરવાથી અન્‍નનું પાચન સરખું થતું નથી; તેથી જમતી વેળાએ જ આહારમાં દ્રવપદાર્થોનો સમાવેશ કરવો. આજની સામાન્‍ય પ્રચલિત પદ્ધતિ પ્રમાણે સવારે ઉપમા અથવા પૌંઆ એવો અલ્‍પાહાર અને બપોરે શાક-રોટલીનો ડબ્‍બો આ બન્‍ને ભોજનમાં દ્રવ પદાર્થોને જરાય સ્‍થાન નથી. તેને કારણે પેટમાં ગયેલા અન્‍નનો સરખો ગોળો નિર્માણ થતો નથી અને પાચન બગડે છે. આંતરડાને અને મળને કોરાપણું (રુક્ષતા) આવી શકે છે. એ જ કોરાપણું આગળ ત્‍વચા, વાળ, આંખ, સુધી પહોંચે છે. તાત્‍પર્ય એ જ કે, આહારમાં એક તોયે દ્રવ પદાર્થ હોવો જોઈએ !

 

૩. લેહ્ય અને ચોષ્‍ય (ચાટીને અથવા ચૂસીને ખાવાના પદાર્થો)

ચાટીને અથવા ચૂસીને ખાવાના પદાર્થો આ વર્ગમાં આવે છે, ઉદાહરણ તરીકે વિવિધ અથાણા, પંચામૃત, મુરબ્‍બા, ગોળ નાખીને બનાવેલો મુરબ્‍બો, ફળોના જામ, વિવિધ દ્રવ ચટણીઓ, શ્રીખંડ, છુંદો, ઇત્‍યાદિ. આ વર્ગમાંના બધા પદાર્થો થાળીમાં ડાબી બાજુ પીરસવામાં આવે છે. તેનો અર્થ તેમનું પ્રમાણ ભોજનમાં મર્યાદિત હોવું જોઈએ. આ પદાર્થો સ્‍વાદમાં ઘણું કરીને તીખા, ખાટા, ગળ્યા એવા હોય છે. ભોજનમાં વચ્‍ચે વચ્‍ચે આ ચાખવાથી ભોજનની રુચિ વધે છે. પાચકસ્રાવ મોટા પ્રમાણમાં ઝરે છે અને પાચનમાં સહાયતા થાય છે.

ઉનાળામાં આપણી ભૂખ ઓછી હોય છે, જ્‍યારે ચોમાસામાં આપણી પાચનશક્તિ ઓછી થયેલી હોય છે. વિવિધ બીમારીઓમાંથી ઊઠ્યા પછી મોઢામાં સ્‍વાદ હોતો નથી અથવા ખાધેલું પચતું નથી. આવા સમયે આ ચોષ્‍ય પદાર્થો ભોજનમાં અવશ્‍ય લેવા. કફ પ્રકૃતિ ધરાવતી વ્‍યક્તિઓનો અગ્‍નિ ઘણું કરીને મંદ હોય છે, અર્થાત્ તેમને ભૂખ ઓછી લાગે છે અને એકવાર ખાધા પછી પચવામાં પણ સમય લાગે છે. તેમણે પાચન માટે આ પદાર્થોની સહાયતા લેવામાં વાંધો નથી; પરંતુ તેમણે તીખા લેહ અને ચટણીઓનો ઉપયોગ કરવો. પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્‍યક્તિઓએ ગળ્યા, જ્‍યારે વાયુ પ્રકૃતિના લોકોએ ખાટા, ગળ્યા પદાર્થો ચટક માટે લેવાં.

 

૪. ભોજ્‍ય (ભાત, ઉપમા, પૌંઆ ઇત્‍યાદિ)

રાંધેલું અન્‍ન કે જેનો આપણે કોળિયો લઈ શકીએ છીએ અને જેને કેટલાક પ્રમાણમાં ચાવવાની આવશ્‍યકતા હોય છે, તેને ભોજ્‍ય કહે છે, ઉદા. ભાતના વિવિધ પ્રકાર, ઉપમા, પૌંઆ ઇત્‍યાદિ. આ પદાર્થોથી પેટ ભરાયું હોવાનું ભાન અથવા સંતોષ મળે છે. (જો તેમ ન થાય, તો માનવી વધારે ખાતો રહેશે.) આમાંના મોટાભાગના પદાર્થો શરીરનું ઉત્તમ પોષણ કરે છે; તેથી તેમનું પણ આહારમાં મહત્ત્વનું સ્‍થાન છે. આજની ‘ટીફીન’ પદ્ધતિમાં આ પદાર્થો ઓછા હોય છે. કેટલાક શાક પણ આ વર્ગમાં આવે છે.

 

૫. ભક્ષ્ય (શૂળિયા દાંત અને દાઢનો ઉપયોગ કરીને સેવન કરવાના પદાર્થો)

શૂળિયા દાંત અને દાઢનો ઉપયોગ કરીને જે પદાર્થો તોડીને અને ચાવીને ખાવા પડે છે, તે ભક્ષ્ય વર્ગમાં આવે છે. રોટલી, ભાખરી, માંસાહાર, થેપલા, નાન, રોટી, પાંઉ, સલાડ ઇત્‍યાદિ. શરીરમાંની અસ્‍થિ જેવી કઠિન ધાતુ સહિત અન્‍ય ધાતુઓનું પોષણ કરવાનું કામ આ પદાર્થો કરે છે; પરંતુ આ ઘણું કરીને કોરા હોય છે; તેથી ઉનાળામાં તે ખાવાની આપણી ખાસ ઇચ્‍છા હોતી નથી. વાયુ પ્રકૃતિ ધરાવતા લોકોને કાચા પૌંઆ, છાસે પલાળેલા પૌંઆ આવા કોરા પદાર્થો વધુ ભાવતા નથી. તેમને ભોજનમાં પણ રસદાર શાક અથવા દાળ જોઈતી હોય છે. તે તે ઋતુમાં આપણી આવશ્‍યકતા પ્રમાણે પ્રત્‍યેકના આહારમાંનું ભક્ષ્ય પદાર્થોનું પ્રમાણ પલટાતું રહે છે.

પારંપારિક મહારાષ્‍ટ્રીયન ભોજનમાં ડાબી બાજુ એટલે લેહ્ય પદાર્થો, જમણી બાજુ એટલે ભોજ્‍ય પદાર્થો, જ્‍યારે વચ્‍ચે પીરસેલા પદાર્થો એટલે ભોજ્‍ય અને ભક્ષ્ય પદાર્થો હોય છે. દાળ, મોળી દાળ, છાસ આ દ્રવ પદાર્થો પ્રતિદિનના ભોજનમાં હોવા જોઈએ, એવો સંકેત છે. આ રીતે આહારમાં ચારેય પ્રકારના અન્‍નપદાર્થો સમાયેલા હોય, તેવો આપણો આહાર એટલે જ ‘ચારેય જાતનું’ ભોજન છે. તેમાં રુચિથી માંડીને પચન સુધીની સર્વ બાબતોનો વિચાર કર્યો છે. વ્‍યક્તિની પ્રકૃતિ, દેશ, કાળ અને રુચિ અનુસાર આ પદાર્થોનું પ્રમાણ ઓછું-વધતું કરી શકાય છે. જો આ રીતે ચારેય જાતનું ભોજન હોય, તો શાક, દ્રવપદાર્થો, કચુંબરથી પણ પેટ ભરવામાં સહાયતા થાય છે. આવા સમયે ભોજ્‍ય અને ભક્ષ્ય પદાર્થો ઓછા ખવાય છે. તેને કારણે આહાર સંતુલિત રહીને વજન નિયંત્રિત રહેવામાં સહાયતા થાય છે. વધારે પડતી પોષણજન્‍ય બીમારીઓ ટાળી શકાય છે. પ્રતિદિનનો ઓછામાં ઓછો બપોરનો આહાર તોયે આ રીતે ચારેય જાતનો હોવો જોઈએ. (સમયના અભાવે લોકો રાત્રે આવો આહાર લે છે; પરંતુ સૂર્યાસ્‍ત પછી ખરુંજોતાં આહાર લેવો જ ન જોઈએ. જો લેવો હોય, તો હળવો આહાર લેવો.)

 

૬. ભાવતા પદાર્થો પ્રતિદિન કરતાં વધારે પ્રમાણમાં લેવાનું ટાળવું !

આપણે ત્‍યાં તહેવારે ગળ્યા પદાર્થો રાંધવામાં આવે છે. ઉનાળામાં કેરીનો રસ હોય છે. માંસાહાર કરનારા લોકોને ત્‍યાં અઠવાડિયામાં એકવાર તે ઉજાણી (મિજબાની) હોય છે. આ બધા પદાર્થો ભોજ્‍ય અથવા ભક્ષ્ય વર્ગમાં આવે છે. આ પદાર્થો પચવામાં ભારે હોય છે; તેથી આ પદાર્થો ખાતી વેળાએ ડાબી અને જમણી બાજુના પદાર્થો ઓછા ખાવા અથવા મુખ્‍ય પદાર્થ ઓછો ખાવો. કેવળ બે વાટકી કેરીનો રસ ખાધો, એવો હિસાબ કરવાને બદલે બે વાટકી કેરીનો રસ, ચાર રોટલી, અડધી વાટકી શાક, પા વાટકી કચુંબર, અડધી વાટકી ભાત આ રીતે બધા પદાર્થોનો હિસાબ કરવો, એટલે આપણે ભોજન ક્યાં રોકવું જોઈએ, એ સમજાય છે. ભલે ગમે તેટલો ભાવતો પદાર્થ હોય, તો પણ પ્રતિદિન કરતાં વધારે પ્રમાણમાં આહાર લેવાનું ટાળવું એ ઉત્તમ !’

– વૈદ્યા સુચિત્રા કુલકર્ણી

Leave a Comment