એક શહેરમાં ત્યાંના એક મકાનમાંના નાના બાળકો ‘હેલોવીન’ માટે ભૂતની જેમ ચહેરા રંગાવીને ‘ટ્રીક ઓર ટ્રીટ’ એમ બોલતા બોલતા ‘કેન્ડીઝ’ માગવા માટે આવ્યા. ત્યાર પછી મકાનના ‘વૉટ્સ એપ’ના જૂથ પર કેટલાક બાળકોની માતાઓએ ‘અવર હેલોવીન ગેંગ, સો ક્યૂટ’, એમ લખીને તે બાળકોના છાયાચિત્રો પણ પ્રસારિત કર્યા. તે છાયાચિત્રોની નીચે સદર મકાનમાં રહેનારી એક વરિષ્ઠ વ્યક્તિએ એક સંદેશ પ્રસારિત કર્યો. તેમાં નીચે જણાવ્યા પ્રમાણેનો ઉલ્લેખ હતો.
‘ગત કેટલાક વર્ષોમાં ‘હેલોવીન’ નામની વિદેશી બુદ્ધિહીન વૃત્તિ હિંદુઓના ઘરોઘરમાં પગ પેસારો કરી રહી છે. હાડકાં, ઘુવડો, ફૅંકસ્તીન, ભૂત, ડાકણ ઇત્યાદિના મહોરાં, તેમજ જાળાંજાંખરાં-બાવાં, કરોળિયાં ઘરમાં લગાડવાના અને બોલવાનું ‘હૅપી હેલોવીન !’
હિંદુઓનો આનંદમય દીપાવલી ઉત્સવ ઊજવતી વેળાએ ‘ઘરમાંનું અશુભ અને દરિદ્રતા બહાર જાય અને મંગલકારી એવા લક્ષ્મીજી સોનાના પગલે ઘરમાં પ્રવેશ કરે’, એમ કહેવાનું અને દિવાળી પછી ‘હેલોવીન’ની મૂર્ખામીભરી વૃત્તિના નામ હેઠળ એ જ ગંદકી ઘરમાં ફરી લાવવાની ? પહેલા સૌથી સુંદર સુખ-સમૃદ્ધિના પ્રતીક તરીકે નવા વસ્ત્રો પરિધાન કરીને લક્ષ્મીપૂજન કરવાનું, બેસતાં વર્ષના દિવસે મંદિરમાં જઈને ‘અજ્ઞાન દૂર કરીને બુદ્ધિ પ્રદાન કરો હે આરાધ્યદેવ મોરેશ્વરજી, ચિંતા-પીડા નિર્ધનતા દુઃખ સઘળાને દેશવટો આપશો’, એવી પ્રાર્થના કરવાની અને પછી થોડા દિવસો પછી ભૂત-ડાકણના પહેરવેશ પહેરીને ભટકવાનું અને તેમને ઘરમાં લઈ આવવાના, આ તે કેવી અવદશા કહેવાય ?
જનોઈ યોગ્ય બાળકો પર યજ્ઞોપવીત સંસ્કાર કર્યા પછી તેમને બે ઘરે ભિક્ષા માગવા માટે જવાની શરમ આવે છે અને આ જ બાળકો ભૂત ડાકણ જેવા દેખાવ મોઢાં પર ચીતરીને ઘરોઘર ચોકલેટ માગતા ફરે છે. આ તે કેવો વિકૃતિયુક્ત ઉત્સવ આપણે ઊજવી રહ્યા છીએ ?
આપના બાળકો જો આવા પ્રકાર કરતા હોય, તો તેમના વખાણ કરશો નહીં. જે કોઈ તેમને એમ કરવા માટે પ્રેરિત કરતા હશે, તો તેમને ધમકાવશો. તેમને સ્મરણ કરાવી આપશો કે, થોડા દિવસો પહેલાં જ આપણે હિંદુ ધર્મ અનુસાર શુભ દિવાળીનો ઉત્સવ ઊજવ્યો છે. ‘જો ફરીથી આવા પ્રકાર કરવા માટે બાળકોને પ્રેરિત કરશો, તો તમારા બારણામાં શ્રાદ્ધની રસોઈ, મરચું-લીંબુ, કાળી ઢીંગલી અને પતરાવળની થાળી પર ગુલાલ નાખેલા ભાત એવું લાવીને મૂકીશું’, એવી પણ ચેતવણી આપશો !’