મહાદેવજીની સામે નંદી ન હોવાનું ત્રૈલોક્યમાંનુ એકમાત્ર શ્રી કપાલેશ્‍વર મંદિર

Article also available in :

કુંભનગરી નાશિકનું માહાત્‍મ્‍ય

નાશિક એ સાચા અર્થમાં પુણ્‍યભૂમિ છે. આ નગરને સાક્ષાત ભગવાન શિવજી, પ્રભુ શ્રીરામચંદ્ર જેવા અનેક દેવતાઓનાં ચરણોનો સ્‍પર્શ થયો છે; તેથી જ તે આધ્‍યાત્‍મિક નગર પણ છે. નાશિક જે રીતે ત્ર્યંબકેશ્‍વરમાંના જ્‍યોતિર્લિંગ માટે પ્રખ્‍યાત છે, તેવીજ રીતે તે ઘણા પ્રાચીન એવા શ્રી કપાલેશ્‍વર મંદિર માટે પ્રખ્‍યાત છે. આ લેખમાં આપણે નાશિક સ્‍થિત શ્રી કપાલેશ્‍વર મહાદેવની મહતી અને માહિતી જાણી લઈએ.

 

૧. જ્‍યોતિર્લિંગના દર્શનનું ફળ કપાલેશ્‍વર મહાદેવના દર્શનથી પ્રાપ્‍ત થવું

શિવક્ષેત્ર ત્રંબકેશ્‍વર ખાતેના નવ કોશાત્‍મક બ્રહ્મગિરી સ્‍વરૂપ શિવલિંગના સાન્‍નિધ્‍યમાં નાશિક ક્ષેત્ર ખાતે આવેલું કપાલેશ્‍વર એ સ્‍વયં ભગવાન વિષ્‍ણુએ સ્થાપન કરેલું શિવલિંગ છે. ગોદાવરી નદીને કાંઠે આવેલા રામકુંડ સામે પગથિયાં ચઢીને ગયા પછી શ્રી કપાલેશ્‍વરનું સ્‍થાન છે.

सर्वेभ्‍योऽप्‍याधिका काशी तत: पञ्‍चवटी स्‍मृता ।

कपालेश्‍वरसंज्ञं तु ततोऽप्‍याधिकमुच्‍यते ॥

– श्री कपालेश्‍वरमहादेव स्‍तोत्र

અર્થ : સર્વ ક્ષેત્રોમાં કાશી શ્રેષ્‍ઠ છે. તેના કરતાં પણ પંચવટી અધિક શ્રેષ્‍ઠ છે અને કપાલેશ્‍વરનું સ્‍થાન, તો અતિશય શ્રેષ્‍ઠ છે.

૧૨ જ્‍યોતિર્લિંગોના દર્શનનું ફળ કપાલેશ્‍વર મહાદેવના દર્શનથી મળે છે, તેમજ કરોડ યજ્ઞ કરવાથી જે પુણ્‍ય મળે છે, તે પુણ્‍ય કપાલેશ્‍વર મહાદેવના દર્શનથી મળે છે. એટલું કપાલેશ્‍વર શિવલિંગનું અપાર માહાત્‍મ્‍ય છે.

 

૨. મહાદેવની સામે નંદી ન હોવા વિશેની પદ્મપુરાણમાં કહેલી કથા

મહાદેવ સામે નંદી વિહોણું એવું કપાલેશ્‍વર મંદિર એ ત્રૈલોક્યમાં આવેલું એકમાત્ર મંદિર છે. કોઈપણ શિવજીના મંદિરમાં જતી વેળા સહુપ્રથમ નંદીના દર્શન અને નંદીના બે શિંગડાંમાંથી શિવલિંગનું દર્શન કરવાની પ્રથા છે; પરંતુ કપાલેશ્‍વર મંદિરમાં નંદી (પોઠિયો) જ નથી. આ વિશે પદ્મપુરાણમાં ઉદ્‌ધૃત કરવામાં આવેલી કથા નીચે જણાવ્‍યા પ્રમાણે છે.

૨ અ. ભગવાન શિવને બ્રહ્મહત્‍યાનું પાપ લાગવું

બ્રહ્મદેવને ૫ મુખ હતા, તેઓ ૪ મુખ દ્વારા ૫ વેદોનું પઠન કરતાં; પરંતુ પાંચમાં મુખ દ્વારા એક વેળા વિષ્‍ણુનિંદા થઈ. એ વિષ્‍ણુનિંદા સાંભળીને હરિભક્ત શંકરનો ક્રોધ તેમના નિયંત્રણમાં રહ્યો નહીં. તેમણે બ્રહ્મદેવના હાથમાંથી બ્રહ્માસ્‍ત્ર ઝૂંટવી લઈને વિષ્‍ણુનિંદા કરનારા મુખનો શિરચ્‍છેદ કર્યો. તે કારણસર શિવજીને બ્રહ્મહત્‍યાનું પાપ લાગ્‍યું.

૨ આ. પાપક્ષાલન માટે શિવજીએ ઉત્તર સહિત દક્ષિણ ભણીના તીર્થક્ષેત્રોની જાત્રા કરવી

આ પાપનું ક્ષાલન કરવા માટે ભગવાન શિવે ઉત્તર ભણીના અનેક તીર્થક્ષેત્રોની જાત્રા કરી; પરંતુ પાપમાંથી તેમનો છુટકારો થયો નહીં. ત્‍યારે દુ:ખી થઈને તેઓ દક્ષિણ ભણી આવ્‍યા. નાશિક ક્ષેત્ર પાસે ગંગાપૂર-ગોવર્ધન નામના ગામ નજીક તે સમયે બ્રાહ્મણોની વસ્‍તી હતી. ત્‍યાં દેવશર્મા નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેની પાસે ગાય અને વાછરડાં હતા. ભગવાન શિવજી ત્‍યાં રોકાયા હતા ત્‍યારે તેમને મધરાતના સમયે ગાય-વાછરડા વચ્‍ચેનો સંવાદ સાંભળવા મળ્‍યો. ગાય વાછરડાને સમજાવતી હતી, કે આવતી કાલે દેવશર્મા બ્રાહ્મણ તારા નાકમાં નથ બાંધવાનો છે. તું શાંતિથી નથ બંધાવી લે. ત્યારે વાછરડાએ ગાયને કહ્યું, હું નાકમાં નથ બંધાવીશ નહીં. જો દેવશર્મા એવું બળજબરાઈથી કરશે તો હું તેને મારી નાખીશ. ત્‍યારે ગાયે વાછરડાને બ્રહ્મહત્‍યાના મહાભયંકર પાપની કલ્‍પના આપીને તે પાપમાંથી છુટકારો નથી, એમ કહ્યું. તેના ઉત્તરમાં વાછરડાએ ગાયને ‘તું ચિંતા કરીશ નહીં. બ્રહ્મહત્‍યાના પાપમાંથી મુક્ત થવાનો માર્ગ મને જ્ઞાત છે’, એમ કહ્યું.

૨ ઇ. વાછરડા પાસેથી શિવને બ્રહ્મહત્‍યાના પાપમાંથી મુક્ત થવાનો માર્ગ જ્ઞાત થવો

બીજા દિવસે દેવશર્મા પેલા વાછરડાના નાકમાં નથ નાખવા માટે આવ્‍યો. તે વાછરડાના નાકમાં નથ નાખવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્‍યારે તે વાછરડાએ પોતાના પાશ તોડી નાખીને પોતાના શિંગડાં દ્વારા તે બ્રાહ્મણને મારી નાખ્‍યો. ત્‍યારે ધોળા વાછરડાનું શરીર કાળું પડી ગયું. ત્‍યારે તે વાછરડું તરત જ રામકુંડ પર આવ્‍યું અને તેણે તે ઠેકાણે આવેલી અરુણા, વરુણા અને ગોદાવરી નદીઓના ત્રિવેણી સંગમમાં આવેલા અસ્‍થિવિલય તીર્થમાં છલંગ લગાવી અને તેનું શરીર અગાઉની જેમ ધોળું થયું.

૨ ઈ. ભગવાન શિવ પાપમુક્ત થયા તે ઠેકાણે શ્રી વિષ્‍ણુ ભગવાને સ્‍વયં કપાલેશ્‍વર શિવપિંડીની સ્‍થાપના કરવી

ભગવાન શિવે આ સર્વ જોયું. તેમણે પણ તે તીર્થમાં સ્‍નાન કર્યું અને તેઓ તે જ ક્ષણે બ્રહ્મપાતકમાંથી મુક્ત થયા. નંદીએ તેમને પાપમાંથી મુક્ત થવાનો માર્ગ દેખાડ્યો હોવાથી ભગવાન શિવે નંદીને અહીં ગુરુ તરીકે માન્‍યા છે; તેથી અહીંના શિવલિંગ સામે નંદી નથી. શિવલિંગની સામે નંદી વિહોણું ત્રૈલોક્યમાંનું આ એકમાત્ર મંદિર છે.

ભગવાન શિવનો બ્રહ્મહત્‍યાના પાપમાંથી છુટકારો થતાંવેંત જ ભગવાન વિષ્‍ણુ સહિત સર્વ દેવતાઓએ પુષ્‍પવૃષ્‍ટિ કરી. ત્‍યાર પછી શ્રીવિષ્‍ણુ ભગવાને એ જગા પર સ્‍વહસ્‍તે શિવપિંડીની સ્‍થાપના કરીને તેને કપાલેશ્‍વર એવું નામ આપ્‍યું.

 

૩. કપાલેશ્‍વર મંદિરનો પ્રાચીન ઇતિહાસ

કપાલેશ્‍વર શિવલિંગ એ અતિ પ્રાચીન છે. તેની શોધખોળ વર્ષ ૧૧૦૦ની આસપાસ થઈ. કેટલાક લોકોને રામકુંડ નજીક આવેલી એક ટેકરી પર એક ભોયરું દેખાયું. તે ભોયરામાં શિવલિંગ હોવાનું તેમણે જોયું. તે સમયે તેમણે ત્‍યાંના બ્રાહ્મણો સાથે ચર્ચા કરીને પછી અહીં કપાલેશ્‍વર મંદિર હોવાની ઘોષણા કરી. ત્‍યારથી માંડીને ત્‍યાં પૂજા-અર્ચન કરવાનો આરંભ થયો. અરુણા-ગોદાવરી નદીઓના સંગમ પર આવેલું આ મંદિર યવનોએ નષ્‍ટ કર્યું હતું.

સમય જતાં અહીંના પાટીદારોએ ગોવાળિયા રાજાને મંદિર બાંધવા માટે કહ્યું. વર્ષ ૧૬૫૫માં કોળી રાજાએ તે સમયના હજારો રૂપિયા ખર્ચીને મંદિર બાંધ્‍યું અને ત્‍યાં ગુરવોની નિયુક્તિ કરી. ત્‍યાર પછી કૃષ્‍ણાજી પાટીલે રૂપિયા ૨૭૫ ખર્ચ કરીને પગથિયાં બંધાવ્‍યા. શ્રી. જગજીવનરાવે વર્ષ ૧૭૬૩ માં ૧૦ હજાર રૂપિયા ખર્ચ કરીને મંદિરનો આગળનો ભાગ બંધાવ્‍યો.

 

૪. શ્રી કપાલેશ્‍વર મંદિરમાંની પૂજાનો નિત્‍યક્રમ

અહીં ભગવાન શિવની નિયમિત રીતે પૂજા -અર્ચન કરવામાં આવે છે. પ્રત્યેક સોમવારે શ્રી કપાલેશ્વરના ચાંદીના મુગટને મહાસ્નાન કરાવીને ત્યાં સંકલ્પ સહિત ષોડશોપચાર સાથે પૂજન કરવામાં આવે છે. કારતક મહિનામાં શ્રી કપાલેશ્વરના હરિહર, અર્ધનારી નટેશ્વર, બ્રહ્મરૂપ એમ અલગ અલગ સ્વરૂપ સજાવવામાં આવે છે. શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે, વૈકુંઠ ચોથ, ત્રિપુરારી પૂનમ અને શિવરાત્રિ આદિ દિવસોએ ભગવાનનો ઉત્સવ ઊજવવામાં આવે છે. શ્રી કપાલેશ્વર મંદિરમાં ગુરવ અને બ્રહ્મવૃદોને પૂજાનો સહિયારો અધિકાર છે. શ્રી કપાલેશ્વર એ અત્યંત જાગૃત દેવસ્થાન છે.

Leave a Comment