પર્યાપ્‍ત આહાર લઈને પણ ‘લેવાઈ ગયા જેવું લાગવું અથવા શક્તિહીન થવા જેવું લાગવું’ આના પર આયુર્વેદના પ્રાથમિક ઉપચાર

Article also available in :

વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર

ક્યારેક કેટલાક લોકોને લેવાઈ ગયા જેવું અથવા શક્તિહીન થયા જેવું લાગે છે. પર્યાપ્‍ત આહાર લેવા છતાં પણ કેટલાક લોકોને આમ થાય છે. જઠરાગ્‍નિ (પાચનશક્તિ) મંદ થઈ હોવાનું આ લક્ષણ છે. આના પર આગળ આપેલા ક્રમવાર પ્રાથમિક ઉપચાર કરવા.

 

૧. રાત્રે લંઘન (ઉપવાસ)

એક દિવસ રાતનું ભોજન ન કરવું, તેમજ કાંઈ ખાવું પણ નહીં. ભૂખ લાગે તો ગરમ પાણી પીવું. શરીરમાં ભારેપણું લાગવું, પેટ સાફ ન થવું, ગળામાં કફ ભેગો થયો  હોવાનાં લક્ષણો હોય, તો પા ચમચી સૂંઠ ચૂર્ણ (પાવડર) અડધી વાટકી નવશેકા પાણીમાં ભેગું કરીને પીવું. આ થયો ઉપચારનો પહેલો દિવસ.

 

૨. સંસર્જન ક્રમ (ક્રમવાર આહાર વધારવો)

૨ અ. સવારે વિલેપી

બીજા દિવસે સવારે ઊઠીને સ્‍નાન કરવું અને જ્‍યારે ભૂખ લાગે, ત્‍યારે થોડા પાતળા ભાત અથવા પોચા ભાત ૨ ચમચી ઘી અને સ્‍વાદ પૂરતું મીઠું નાખીને જમવા. પાતળા ભાત બનાવતી વેળાએ તેમાં થોડી મગની અથવા તુવેરની દાળ પણ નાખવી. પાતળા ભાતને સંસ્‍કૃત ભાષામાં ‘વિલેપી’ કહે છે. આ વિલેપી પચવામાં હલકી અને પેટમાં થતી બળતરા શમાવનારી છે. સાથે ‘મેથકૂટ’ (મેથી, ચણાનો લોટ, હળદર, રાઈ ઇ. નું મિશ્રણ, જેનું રાયતું પણ કરે છે.) તેમજ સ્‍વાદ પૂરતું અથાણું લઈએ, તો પણ ચાલે. વિલેપીને બદલે ચડેલી મગદાળનું પાણી અથવા ઓસામણ ઘી નાખીને પીવું, એ પણ ચાલે. (મગદાળનું ઓસામણ એટલે ‘મગદાળ પાણીમાં ચડાવીને તેમાં સ્‍વાદ પૂરતું મીઠું નાખીને પીવું’)

૨ આ. બપોરે સાદી દાળ અને ભાત

બપોરે ભૂખ લાગે ત્યારે ગરમ સાદી દાળ અને ભાત પર ૨ ચમચી ઘી નાખીને જમવું.

૨ ઇ. સાંજે પચવામાં હળવો આહાર

આગળ જણાવ્‍યામાંથી કોઈપણ એક પદાર્થ – ઘીમાં જીરું, મીઠો લીમડો અને હળદરનો વઘાર કરીને બનાવેલો ધાણીનો ચેવડો, તેમજ આ જ પ્રમાણે બનાવેલા શેકેલા પૌંઆ અથવા મમરાનો ચેવડો, રાજગરાનો લાડુ અથવા (ઘઉંના) લોટનો લાડુ, દાડમ, પપૈયું, સફરજન, મોસંબી, સંતરું આમાંથી એકાદ ફળ (ભૂખ શમે તેટલા પ્રમાણમાં)

૨ ઈ. રાત્રે હમેશનું ભોજન

આ વધારે તીખું ન હોવું જોઈએ.

 

૩. નિયમિત વ્‍યાયામ અને તડકાના ઉપાય

ત્રીજા દિવસથી પ્રતિદિન ઓછામાં ઓછો ૩૦ મિ. વ્‍યાયામ કરવો. તેમાં પોતાની ક્ષમતા અનુસાર ચાલવું; દોડવું; સર્વ સાંધાઓની હિલચાલ થાય, એવો વ્‍યાયામ; ઊભા રહીને, બેસીને, પીઠ પર તેમજ પેટ પર સૂઈને કરવા જેવા યોગાસનો અને પ્રાણાયામ આ બધાનો સમાવેશ હોવો જોઈએ. બને તો સવારના અથવા સાંજના તડકામાં વ્‍યાયામ કરવો. વધારે કડક તડકો શરીર પર ન લેવો. સંપૂર્ણ દિવસમાં ઓછામાં ઓછા ૩૦ મિ. તોયે તડકાના ઉપાય કરવા (શરીર પર તડકો લેવો).

 

૪. આવશ્‍યકતા અનુસાર વચમાં વચમાં લંઘન ઇત્‍યાદિ ક્રમનું ફરીવાર આચરણ કરવું

ઉપર જણાવેલી કૃતિ કરવાથી ‘શરીરમાંના આમદોષનું પાચન થાય છે (અન્‍નપાચન સરખું ન થવાથી, શરીરમાં નિર્માણ થયેલા ઝેરીલા દ્રવ્‍યો નષ્‍ટ થવામાં સહાયતા થાય છે)’ અને ‘જઠરાગ્‍નિ પ્રદીપ્‍ત થાય છે (પાચનશક્તિ સુધરે છે)’. લંઘન અને સંસર્જન આ ઉપચાર ૧ દિવસ આવશ્‍યકતા અનુસાર ૧ – ૨ મહિના પછી ફરીવાર કરવો. વ્‍યાયામ અને તડકાના ઉપાયમાં સાતત્‍ય જાળવવું.’

– વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૬.૯.૨૦૨૨)

નોંધ:

૧. પ્રમાણ માટે ચા ની ચમચીનો ઉપયોગ કરવો.

૨. જો ઉપરોક્ત પ્રાથમિક ઉપચાર કરીને ગુણ ન આવે, તો વૈદ્યની સલાહ લેવી.

Leave a Comment