અનુક્રમણિકા
- ૧. શ્રી કામાખ્યાદેવી મંદિરનો ઇતિહાસ અને મહત્ત્વ !
- ૨. પૌરાણિક કથા
- ૩. શ્રી કામાખ્યાદેવી મંદિરમાં થનારા ઉત્સવ અને વિશિષ્ટતાપૂર્ણ પૂજા
- ૪. અમ્બુવાચી પર્વ
- સપ્તર્ષિની આજ્ઞાથી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ‘કામાખ્યા’ ખાતે જઈને લીધા શ્રી કામાખ્યાદેવીનાં દર્શન !
- અ. સદ્ગુરુ દ્વયીએ કામાખ્યાદેવીનાં દર્શન લેવા અને મહર્ષિના કહેવા પ્રમાણે દેવીને સનાતનનું કંકુ અર્પણ કરીને પ્રસાદ તરીકે તે પાછું લેવું
- આ. કામાખ્યાદેવીના પરિસરમાં ‘તંત્ર ગણપતિ’ના દર્શન લીધા પછી સદ્ગુરુ દ્વયીના મસ્તક પર ભક્તોએ મૂર્તિને ચોંટાડેલા સિક્કા (નાણાં) પડવા અને તેના દ્વારા ગણપતિએ આશીર્વાદ આપવા
૧. શ્રી કામાખ્યાદેવી મંદિરનો ઇતિહાસ અને મહત્ત્વ !
આસામની રાજધાની ગૌહતી (ગુવાહાટી) છે. તેનું પ્રાચીન નામ પ્રાગજ્યોતિષપુર છે. દ્વાપરયુગમાં આ નગરી ‘નરકાસુર’ રાજાની રાજધાની હતી. આ નગરીમાં જ્યોતિષશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હોવાથી આ નગરનું નામ ‘પ્રાગજ્યોતિષપુર’ પડ્યું. ગૌહતી શહેરથી ૧૦ કિ.મી. દૂર રહેલા નીલાંચલ પર્વત પર શ્રી કામાખ્યાદેવીનું મંદિર છે. પૃથ્વી પર જે જે ઠેકાણે સતીનો એક એક અવયવ પડ્યો, તે ઠેકાણે એક એક શક્તિપીઠ નિર્માણ થયું. જે ઠેકાણે દેવીની યોનિ પડી, તે સ્થાન એટલે ‘કામાખ્યા’ છે. સંપૂર્ણ પૃથ્વી પર કામાખ્યા એ સ્થાન ‘સર્વોચ્ચ તંત્રપીઠ’ તરીકે ઓળખાય છે. આ ૫૧ શક્તિપીઠોમાંનું એક મહત્ત્વનું પીઠ છે. મંદિરમાં ગયા પછી આશરે ૩૦ ફૂટ નીચે ઉતરવું પડે છે. ત્યાં યોનિ જેવો આકાર ધરાવતું એક યોનિકુંડ (જળકુંડ) છે. આ નીલાંચલ પર્વત પર શ્રીકામાખ્યાદેવીનાં મંદિરમાં અને મંદિરની પાસે દશમહાવિદ્યાઓનાં પણ મંદિરો છે. મંદિરની નજીક જ શ્રી કામદેવ મંદિર છે. તંત્ર-મંત્ર ઉપાસકો માટે આ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ‘તંત્ર ઉપાસના કરવાથી તરત જ સિદ્ધિ પ્રાપ્ત થાય છે’, એવું આ સ્થાનનું માહાત્મ્ય છે. ૬ મુખ અને ૧૨ હાથ ધરાવતી આ દેવીનું રૂપ પ્રચલિત છે.
૨. પૌરાણિક કથા
૨ અ. શ્રી કામાખ્યાદેવીની માયાથી શ્રીવિષ્ણુએ નરકાસુરનો વધ કરવો
‘રાજરાજેશ્વરી કામાખ્યા રહસ્ય’ અને ‘દશમહાવિદ્યા’ આ ગ્રંથોના રચનાકાર અને શ્રી કામાખ્યાદેવીના ભક્ત, જ્યોતિષી અને વાસ્તુ તજ્જ્ઞ ડૉ. દિવાકર શર્માએ આ સ્થાનના સંદર્ભમાંની પૌરાણિક કથા નીચે જણાવ્યા પ્રમાણે કહી.
નરકાસુરે એક દિવસ શ્રી કામાખ્યાદેવીને પત્નીના રૂપમાં મેળવવા માટે હઠ કરી. દેવીએ તેને કહ્યું કે, જો તું એક રાત્રિમાં નીલ પર્વત પર ચારેય બાજુઓથી પત્થરના ૪ રસ્તા અને કામાખ્યા મંદિર પાસે એક વિશ્રામગૃહ બાંધી આપે, તો હું તારી પત્ની થઈશ. જો તું તેમ નહીં કરી શકે, તો તારું મૃત્યુ નિશ્ચિત છે.
ગર્વથી ઉન્મત્ત બનેલા નરકાસુરે ચારેય રસ્તા બાંધીને પૂર્ણ કર્યા અને વિશ્રામગૃહ પૂર્ણ કરતો હતો ત્યારે જ મહામાયાના માયાવી કુક્કુટે (કૂકડાએ) રાત્રિ સમાપ્ત થઈ હોવાનું સૂચિત કર્યું. તેથી નરકાસુર ક્રોધિત થયો. તેણે કૂકડાનો પીછો કર્યો અને બ્રહ્મપુત્રા (નદી)ના બીજા કાંઠા પર તેનો વધ કર્યો. તે સ્થાન આજે પણ ‘કુક્ટાચકી’ નામથી પ્રસિદ્ધ છે. ત્યાર પછી દેવી ભગવતીની માયાથી ભગવાન શ્રીવિષ્ણુએ નરકાસુરનો વધ કર્યો. તેના મૃત્યુ પછી તેનો પુત્ર ભગદત્ત કામરૂપનો રાજા બન્યો. તેનો વંશ નષ્ટ થવાથી કામરૂપ રાજ્યનું વિવિધ રાજ્યોમાં વિભાજન થયું અને સામંત રાજા કામરૂપ પર રાજ્ય કરવા લાગ્યો. નરકાસુરના નીચ કાર્યને કારણે અને એક વિશિષ્ટ મુનિના શાપને કારણે દેવી અપ્રગટ થયાં અને કામાખ્યા મંદિરનો લય થયો.
આઠમા શતકના તાત્કાલીન રાજાએ ફરીવાર દેવીનું મંદિર બાંધ્યું. ત્યાર પછી ૧૭મા શતક સુધી અનેક વાર મંદિર પર આક્રમણો થયાં અને તે ફરીવાર બાંધવામાં આવ્યું. વર્તમાનમાં જે મંદિર છે, તે અહોમ રાજાઓના કાળમાં વર્ષ ૧૫૬૫માં બાંધેલું છે.
૨ આ. કામદેવને જે ઠેકાણે જીવનદાન મળ્યું, તે નીલાંચલ પર્વત !
આદિશક્તિ મહાભૈરવી શ્રી કામાખ્યાદેવીના દર્શન પહેલાં ગુવાહાટી નજીક બ્રહ્મપુત્રા નદીના મધ્યભાગમાં રહેલા ટાપુ પર સ્થિત ‘મહાભૈરવ ઉમાનંદ’ના દર્શન લેવા આવશ્યક છે. આ એક નૈસર્ગિક શૈલદ્વીપ છે. આ ટાપુને ‘મધ્યાંચલ પર્વત’ તરીકે પણ ઓળખવામાં આવે છે; કારણકે અહીં જ સમાધિસ્થ સદાશીવને કામદેવે કામબાણ મારીને જાગૃત કર્યા હતા. તેથી સદાશીવે તેને ભસ્મ કર્યા હતા. ત્યાર પછી ભગવતીના મહાતીર્થ (યોનિમુદ્રા) નીલાંચલ પર્વત પર જ કામદેવને ફરી જીવનદાન મળ્યું; તેથી આ ક્ષેત્ર કામરૂપના નામથી ઓળખાય છે.
૩. શ્રી કામાખ્યાદેવી મંદિરમાં થનારા ઉત્સવ અને વિશિષ્ટતાપૂર્ણ પૂજા
૩ અ. શ્રી કામાખ્યાદેવીના મંદિરમાં સમગ્ર વર્ષ ભક્તોની ભીડ હોય છે; પરંતુ દુર્ગાઉત્સવ, પોહાન બિયા, દુર્ગાદેઊલ, વસંતપૂજા, મદાનદેઊલ, અમ્બુવાચી અને મનાસા પૂજા ઇત્યાદિ ઉત્સવ અહીં વિશેષ કરીને ઊજવવામાં આવે છે.
૩ આ. મનોકામના પૂર્ણ કરવા માટે ભક્તો દ્વારા અહીં કન્યાપૂજન અને ભંડારા (અન્નછત્ર) કરવામાં આવે છે.
૩ ઇ. શ્રી કાલી અને શ્રી ત્રિપુરસુંદરી દેવી પછી શ્રી કામાખ્યાદેવી તાંત્રિકોની સૌથી મહત્ત્વપૂર્ણ દેવતા છે. શ્રી કામાખ્યાદેવીનું પૂજન ભગવાન શિવજીના નવોઢા રૂપમાં કરવામાં આવે છે.
૩ ઈ. શ્રી કામાખ્યા મંદિર ૩ ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. પ્રથમ ભાગ સૌથી મોટો છે. તેમાં ચોક્કસ વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવે છે. બીજા ભાગમાં દેવીનાં દર્શન થાય છે, જ્યાં એક પત્થરમાંથી નિરંતર પાણીનો સ્રવ વહેતો હોય છે. એવું કહેવાય છે કે, માસના ૩ દિવસ દેવી રજસ્વલા હોય છે. આ ૩ દિવસ મંદિરના દ્વાર બંધ હોય છે. ત્યાર પછી વાજતે ગાજતે મંદિરના દ્વાર ખોલવામાં આવે છે.
૪. અમ્બુવાચી પર્વ
૪ અ. અમ્બુવાચી પર્વ એક વરદાન
વિશ્વના સર્વ તાંત્રિકો, માંત્રિકો અને સિદ્ધપુરુષો માટે વર્ષમાં એકવાર આવનારું અમ્બુવાચી પર્વ એક વરદાન છે. અમ્બુવાચી પર્વ દેવીનું (સતીનું) રજસ્વલા પર્વ હોય છે. પુરાણ-શાસ્ત્રો અનુસાર સત્યયુગમાં આ પર્વ ૧૬ વર્ષમાં એકવાર, ત્રેતાયુગમાં ૧૨ વર્ષમાં એકવાર, દ્વાપરયુગમાં ૭ વર્ષમાં એકવાર જ્યારે કળિયુગમાં પ્રત્યેક વર્ષના જૂન (અષાઢ) માસમાં તિથિ પ્રમાણે ઊજવવામાં આવે છે.
૪ આ. અમ્બુવાચી પર્વના સમયગાળામાં ગર્ભગૃહમાં જળસ્રાવ થવો
પૌરાણિક સત્ય છે કે, અમ્બુવાચી સમયગાળામાં શ્રી દેવી રજસ્વલા હોય છે અને દેવીના ગર્ભગૃહમાં રહેલી મહામુદ્રાથી (યોનિતીર્થથી) નિરંતર ૩ દિવસ જળપ્રવાહમાંથી લોહી પ્રવાહિત થાય છે. આ આપમેળે જ થાય છે અને આ કળિયુગમાંનું એક અદ્ભુત આશ્ચર્ય છે.
આ સંદર્ભમાં ડૉ. દિવાકર શર્માએ માહિતી આપતી વેળાએ જણાવ્યું કે, અમ્બુવાચીયોગ પર્વકાળે દેવીના ગર્ભગૃહના દ્વાર આપમેળે બંધ થાય છે અને દેવીના દર્શન થતા નથી. આ પર્વમાં તંત્ર-મંત્ર-યંત્ર સાધના કરવા માટે અને સર્વ પ્રકારની સિદ્ધિ તેમજ મંત્રોનાં પુરશ્ચરણ કરવા માટે વિશ્વભરના ઉચ્ચ કોટીના તાંત્રિક-માંત્રિકો અહીં મોટી સંખ્યામાં આવે છે. ૩ દિવસોના રજસ્વલા પર્વ પછી શ્રી કામાખ્યાદેવીની વિશેષ પૂજા અને આરાધના કરવામાં આવે છે.’ (સંદર્ભ : સંકેતસ્થળ)
– શ્રી. વિનાયક શાનભાગ, ચેન્નઈ, તામિલનાડુ. (૨૦.૧૧.૨૦૧૯)
સપ્તર્ષિની આજ્ઞાથી શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી ગાડગીળે ‘કામાખ્યા’ ખાતે જઈને લીધા શ્રી કામાખ્યાદેવીનાં દર્શન !
અ. સદ્ગુરુ દ્વયીએ કામાખ્યાદેવીનાં દર્શન લેવા અને મહર્ષિના કહેવા પ્રમાણે દેવીને સનાતનનું કંકુ અર્પણ કરીને પ્રસાદ તરીકે તે પાછું લેવું
૧૫.૧૧.૨૦૧૯ને દિવસે પૂ. ડૉ. ૐ ઉલગનાથનજીએ કહ્યું, ‘બન્ને સદ્ગુરુઓ જ્યારે કામાખ્યાદેવીનાં દર્શન લેવા જશે, ત્યારે તેમણે સનાતનનું કંકુ લઈ જવું અને તે દેવીને અર્પણ કરવું. ત્યાર પછી પ્રસાદ તરીકે તે કંકુ પાછું લેવું. બન્ને સદ્ગુરુઓએ તે કંકુ પ્રસાદ તરીકે સાથે રાખવું અને પ્રતિદિન ઉપયોગ કરવો. ૧૬.૧૧.૨૦૧૯ની સવારે શ્રીસત્શક્તિ (સૌ.) બિંદા નિલેશ સિંગબાળ અને શ્રીચિત્શક્તિ (સૌ.) અંજલી મુકુલ ગાડગીળ કામાખ્યાદેવીનાં દર્શન લેવા ગયાં. મહર્ષિના કહેવા પ્રમાણે મંદિરમાં ગયા પછી તેમણે દેવીને સનાતનનું કંકુ અર્પણ કર્યું અને પ્રસાદ તરીકે તે પાછું લીધું. ત્યાર પછી સદ્ગુરુદ્વયીએ મંદિરને પ્રદક્ષિણા ફરી. પ્રદક્ષિણાના માર્ગ પરની ભીંત પર ‘યોનિના આકારમાં દેવીની મૂર્તિ છે’. મંદિરમાં આવનારા ભક્તો દેવીને અગત્યતાપૂર્વક પ્રાર્થના કરે છે.
આ. કામાખ્યાદેવીના પરિસરમાં ‘તંત્ર ગણપતિ’ના દર્શન લીધા પછી સદ્ગુરુ દ્વયીના મસ્તક પર ભક્તોએ મૂર્તિને ચોંટાડેલા સિક્કા (નાણાં) પડવા અને તેના દ્વારા ગણપતિએ આશીર્વાદ આપવા
મંદિરની ભીંત પર ‘તંત્ર ગણપતિ’ નામક ગણપતિ છે. કામાખ્યાદેવીના દર્શને જતી વેળા ભક્તો જળકુંડ નજીક રહેલા ગણપતિના દર્શન લે છે અને દેવીના દર્શન થયા પછી આ તંત્ર ગણપતિના દર્શન લે છે. આ તંત્ર ગણપતિને ભક્તો સિક્કા (નાણાં) ચોંટાડે છે. કામાખ્યાદેવીના દર્શન થયા પછી સદ્ગુરુદ્વયી ‘તંત્ર ગણપતિ’ના દર્શન કરવા ગયા અને તેમણે મૂર્તિનાં ચરણોમાં માથું ટેકવ્યું. ત્યારે તેમના મસ્તક પર નાણાં પડ્યાં. ‘તેમના મસ્તકના મધ્યભાગ પર નાણાં પડવાં’, આ ઈશ્વરનું જ નિયોજન હતું. આ ગણપતિના દર્શન લઈએ કે કામાખ્યાદેવીના દર્શનનું પૂર્ણ ફળ મળે છે, એવું કહેવાય છે. સદ્ગુરુદ્વયીના મસ્તક પર નાણાં પડવાં એટલે ગણપતિએ લક્ષ્મીજીનાં રૂપમાં સનાતનના કાર્ય માટે સંપન્નતા અને સમૃદ્ધિના આશીર્વાદ આપ્યા.’