અનુક્રમણિકા
દશમહાવિદ્યાઓમાં શ્રી છિન્નમસ્તિકાદેવી છઠ્ઠાં વિદ્યા છે. ઝારખંડની રાજધાની રાંચી શહેરથી આશરે ૮૦ કિ.મી. અંતર પર શ્રી છિન્નમસ્તિકાદેવીનું મંદિર છે. ભૈરવી-ભેડા અને દામોદર નદીઓનાં સંગમ પર વસેલું આ મંદિર વિશ્વનું બીજું સૌથી મોટું શક્તિપીઠ છે. આ મંદિરમાં દેવીની મૂર્તિ હોવાને બદલે પીઠ છે.
મંદિર સ્થાપનાનો ઇતિહાસ
આ મંદિરની સ્થાપના ૬ સહસ્ર વર્ષ પહેલાં થઈ. ભારતમાં મોગલ રાજ્ય કરી રહ્યા હતા ત્યારે તેમણે ઘણીવાર આ મંદિર ધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો; પણ તેમાં તેમને સફળતા મળી નહીં. ભારતમાં અંગ્રેજોના વસવાટ સમયે અંગ્રેજો દેવીના દર્શન માટે આવતા.
શ્રી છિન્નમસ્તિકાદેવીનાં રૂપનું વર્ણન
મંદિરની ઉત્તર દિશામાં એક ભીંત પાસે રહેલા વિશાળ શિલાખંડ પર શ્રી છિન્નમસ્તિકા દેવીનું દિવ્ય રૂપ બિરાજમાન છે. શ્રી છિન્નમસ્તિકાદેવીના મંદિરમાં અંદર રહેલા શિલાખંડમાં દેવીના ૩ નેત્ર છે. ડાબો પગ સામે કરેલાં દેવી કમળ-પુષ્પ પર ઊભાં છે. તેમના પગ નીચે કામદેવ અને રતિ રતિમુદ્રામાં છે. શ્રી છિન્નમસ્તિકાદેવીની ડોક સર્પમાળા અને મુંડમાળાથી સુશોભિત છે. છૂટા કેશ, બહાર નીકળેલી જીભ અને અલંકારોથી શણગાર કરેલાં દેવી દિવ્ય રૂપમાં છે. જમણા હાથમાં તલવાર અને ડાબા હાથમાં પોતાનું કાપેલું મસ્તક છે. દેવીની આજુબાજુ ડાકિની અને શાકિની ઊભાં છે. દેવીની ડોકમાંથી લોહીની ૩ ધારાઓ વહે છે અને દેવી ડાકિની અને શાકિનીને રક્તપાન કરાવી રહ્યાં છે. એક લોહીની ધારા દેવીનું મસ્તક પોતે ગ્રહણ કરી રહ્યું છે. આ ૩ રક્તધારા એટલે ઇડા, પિંગળા અને સુષુમ્ના આ ત્રણ નાડીઓનું સંતુલન કરીને યોગમાર્ગમાં સિદ્ધિ મળી હોવાનું દર્શક છે.
મંદિરની અન્ય કેટલીક વિશિષ્ટતાઓ
૧. પૂર્ણિમા અને અમાસની તિથિઓએ મંદિર મધ્યરાત્રિ સુધી ખુલ્લું હોય છે.
૨. આસામનાં કામાખ્યા દેવી અને બંગાળમાંના તારા દેવી પછી ઝારખંડનાં શ્રી છિન્નમસ્તિકા દેવીનું મંદિર તાંત્રિક સ્વરૂપની સાધના કરનારાઓનું પ્રમુખ સ્થાન છે.
૩. દેશ-વિદેશના અનેક ભક્તો નવરાત્રિ તેમજ પ્રત્યેક અમાસની રાત્રે દેવીના દર્શન માટે આવે છે.
૪. મંદિરની સામે બલિ ચડાવવાનું સ્થાન છે. અહીં દેવીને પ્રતિદિન બકરાનો બલિ ચડાવવામાં આવે છે. બલિ ચડાવવાનું સ્થાન હોવા છતાં પણ અહીં એક પણ માખી આવતી નથી, આ એક આશ્ચર્ય છે.
૫. મંદિરની સામે પાપનાશિની કુંડ છે. રોગગ્રસ્ત વ્યક્તિઓએ આ કુંડમાં સ્નાન કરવાથી તેઓ રોગમુક્ત બને છે, એવી ભક્તોની શ્રદ્ધા છે.
(સંદર્ભ : ‘ભારત ડિસ્કવરી’નું સંકેતસ્થળ)
શ્રી છિન્નમસ્તિકા દેવીની ઉત્પત્તિ
સહસ્રો વર્ષો પહેલાં રાક્ષસ અને દાનવોને કારણે માનવ અને દેવ ભયભીત થયા હતા. તે સમયે માનવોએ દેવીને આર્તતાથી પોકારી. પાર્વતી માતા શ્રી છિન્નમસ્તિકા દેવીનાં રૂપમાં પ્રગટ થયાં અને તેમણે ખડ્ગથી અસુરોનો સંહાર કર્યો. અન્ન-પાણી લેવાનું ભૂલી જઈને તે કેવળ દુષ્ટોનો સંહાર કરતાં રહ્યાં. તેને કારણે પૃથ્વી પર લોહીની નદીઓ વહેવા લાગી. પૃથ્વી પર હાહાકાર મચી ગયો. દેવીએ તેમનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું હતું. તેના પરથી દેવીનું ‘પ્રચંડચડિંકા’ એવું પણ નામ પડ્યું. દુષ્ટોનો સંહાર કર્યા પછી પણ દેવીનો ગુસ્સો શાંત થતો નહોતો. તે સમયે ભયભીત થયેલા દેવતાઓએ ભગવાન શિવજીને ‘દેવીના પ્રચંડ રૂપને શાંત કરો નહીંતર પૃથ્વી નષ્ટ થશે’, એવી પ્રાર્થના કરી.
દેવતાઓએ કરેલી પ્રાર્થના પછી ભગવાન શિવજી દેવી પાસે ગયા. ત્યારે દેવી ભગવાન શિવને કહે છે, ‘‘હે દેવ, મને પુષ્કળ ભૂખ લાગી છે અને તે શમાવવા માટે હું શું કરું ?’’ ત્યારે ભગવાન શિવજી કહે છે, ‘‘હે દેવી, તમે સંપૂર્ણ બ્રહ્માંડનાં દેવી છો. તમે પોતે જ શક્તિ છો. પોતાની ડોક ખડ્ગથી કાપીને તેમાંથી નીકળનારું શોનિત (લોહી) પ્રાશન કરો, ત્યારે તમારી ભૂખ શમશે.’’ આ સાંભળીને દેવીએ તરત જ પોતાની ડોક કાપીને ડાબા હાથમાં લીધી. માથું અને ડોક જુદા થયા પછી તેમાંથી લોહીની ત્રણ ધારાઓ વહેવા લાગી. દેવીની ડાબી અને જમણી બાજુએ રહેલા શાકિની અને ડાકિનીએ બે ધારાઓમાંનું, જ્યારે પોતે દેવીએ એક ધારામાંનું લોહી પ્રાશન કર્યું. તેથી દેવી તૃપ્ત થયાં.