અનુક્રમણિકા
આપણો ભારત દેશ એટલે જ્ઞાનની અને જ્ઞાનની ઉપાસના કરનારાઓની ભૂમિ છે. અનેક અભ્યાસકો, સમાજના હિતેચ્છુઓ, ઋષિતુલ્ય એવી અનેક વિભૂતિઓએ આ ભૂમિમાં જન્મ લીધો અને તેમણે તેમના કાર્ય-કતૃત્વથી દેશનું નામ ત્રિખંડમાં વિખ્યાત કર્યું. આવા સજ્જનોએ કેવળ દેશ તરીકે ભારત ભણી જોવાને બદલે તેને પોતાની માતા ગણીને ઘણી આત્મીયતાથી ભારતદેશ ભણી જોયું અને નિઃસ્વાર્થ ભાવથી તેની સેવા કરી. આવા નિર્લોભી વૃત્તિ ધરાવનારાઓના સમુદાયમાં શોભે, એવું એક નામ એટલે પંડિત શિવકર બાપૂજી તળપદે !
અંગ્રેજોના શાસનકાળમાં વેદોના અધ્યયન દ્વારા પ્રેરણા લઈને શિલ્પશાસ્ત્રમાંના સાધન ખંડમાંના ‘અગ્નિયાનશાસ્ત્ર’ આ પ્રાચીન વિમાનવિદ્યા સાથે સંબંધિત શાસ્ત્રના સંશોધક, પુનરુદ્ધારક અને તે શાસ્ત્રને સમાજમાં પ્રસ્થાપિત કરવા માટે દિવસ-રાત મનઃપૂર્વક કાર્ય કરનારા અભ્યાસક તરીકે પંડિત તળપદે જાણીતા છે. તળપદેના કાર્ય પાછળ તેમની દિવસ-રાતની એવી જ્ઞાન-ઉપાસના છે. તેથી જ તેમના કાર્યની અમૂલ્યતા, વિવિધતા અને ગૌરવ એ તેમણે કરેલા અથાગ અભ્યાસ અને પરિશ્રમને જાણ્યા વિના તે આપણા સુધી પહોંચી શકતું નથી. તેમના વિશેની માહિતી અત્રે આપી રહ્યા છીએ.
૧. બાળપણ અને અધ્યયન
પ્રગતિશીલ એવા પાઠારે પ્રભુ સમાજમાં વર્ષ ૧૮૬૪માં મુંબઈ ખાતે શિવકર તળપદેનો જન્મ થયો. શિવકરના મનમાં બાળપણથી જ અમર્યાદ રાષ્ટ્રપ્રેમનું બીજ દૃઢ થયું હોવાનું દેખાય છે. આગળ જતા રાષ્ટ્રપ્રેમથી પ્રેરિત થયેલા અને ધ્યેયવાદી તળપદેએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા પછી પોતાનું દાયિત્વ સંભાળીને અધ્યયન સાધના આજીવન ચાલુ રાખી. તેમને ‘જે.જે. સ્કૂલ ઑફ આર્ટસ’ના કલા શિક્ષક પંડિત ચિરંજીલાલ વર્માએ કલાની સાથે જ વેદવિદ્યાના પાઠ પણ ભણાવવાનો આરંભ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીના વેદોમાંથી દેખાઈ આવનારા વિજ્ઞાનનું વિવેચન અતિશય ઊંડાણપૂર્વક પદ્ધતિથી પંડિત વર્મા પોતાના વિદ્યાર્થીઓને કરતા.
૨. વેદનું અધ્યયન કરવાની જિજ્ઞાસા
પંડિત ચિરંજીલાલ વર્માના વિચારોથી પ્રભાવિત થયેલા તળપદેના મનમાં વૈદિક કાળ અને તે સમયે પ્રચલિત એવા વિજ્ઞાન વિશેના દૃષ્ટિકોણ એ સંપૂર્ણ રીતે ઠસી ગયાં અને તેઓ વેદવિદ્યાના સ્વયં અધ્યયન માટે પ્રવૃત્ત થયા. તેમણે પોતે લખેલા ‘ઋગ્વેદ-પ્રથમસૂક્ત અને તેનો અર્થ’ પુસ્તકમાં તેમની વેદોનું અધ્યયન કરવાની રીત અને વેદો ભણી જોવાનો દૃષ્ટિકોણ સ્પષ્ટ થાય છે. ઋગ્વેદના પ્રથમ સૂક્તમાંની ૯ ઋચાઓ પર મરાઠી ભાષામાં તેમણે કરેલું વિવરણ એટલે તેમનું આ પુસ્તક. સ્વામી દયાનંદે ઋષિ દ્વારા રચવામાં આવેલી પદ્ધતિથી વેદોમંત્રોના અર્થ નૈરુક્તિક ઢંગમાં અર્થાત્ શબ્દના મૂળ સુધી જઈને અર્થ સમજી લેવો, એ સ્પષ્ટ કર્યું. તે આર્ય પરંપરા પર આધારિત રહીને વેદોનો અર્થ કેવી રીતે સમજી લેવો, એનો જાણે કે વસ્તુપાઠ એટલે પંડિત તળપદેનું ઋગ્વેદના પ્રથમ સૂક્ત પરનું વિવરણ છે.
૩. અધ્યાપક તરીકે કાર્ય કરવું અને વિમાનવિદ્યા વિશેના પ્રયોગ કરવાનો સંકલ્પ
લૈકિક અર્થથી પોતાનું અધ્યયન પૂર્ણ થયા પછી પંડિત તળપદે જે.જે. સ્કૂલ ઑફ આર્ટસ્ મહાવિદ્યાલયમાં અધ્યાપનનું કાર્ય કરવા લાગ્યા. પોતાના અધ્યાપનના સમયગાળામાં તેમણે અનેક વિદ્યાર્થીઓના જીવનનું ઘડતર કર્યું. તેમના વિદ્યાર્થીઓમાંથી જ એક એટલે વેદોનું મરાઠીમાં વિજ્ઞાનનિષ્ઠ વિવરણ કરનારા પંડિત શ્રીપાદ દા. સાતવળેકર છે. વિદ્યાર્થીઓમાં પ્રિય અને અભ્યાસી એવા તળપદેના વ્યક્તિમત્વથી પ્રભાવિત થયેલા જે.જે. સ્કૂલ ઑફ આર્ટસ્ના પ્રાચાર્ય જૉન ગ્રિફિથે વિજાપૂરનું સર્વેક્ષણ અને અજંતા સ્થિત ગુફાઓમાંનાં ચિત્રોનું અધ્યયન અને જતન કાર્ય માટેની પોતાની પ્રવૃત્તિઓમાં સહકારી તરીકે તેમને નિયુક્ત કર્યા.
અધ્યાપનનું કાર્ય કરવાના સમયગાળામાં પંડિત તળપદેએ ગુરુ પંડિત ચિરંજીલાલ વર્માના માર્ગદર્શન હેઠળ ભારતીય શાસ્ત્રોનું અધ્યયન કરવાનો આરંભ કર્યો. સ્વામી દયાનંદ સરસ્વતીના નૈકવિધ ગ્રંથસંપદામાંથી વિમાનવિદ્યા વિશેના મૂળભૂત સિદ્ધાંતોનો તેમણે ઊંડાણથી અભ્યાસ કર્યો. તેવી જ રીતે તેમણે ચારેય વેદ, પંડિત, બ્રાહ્મણગ્રંથ, આરણ્યક, ઉપનિષદ, ૬ વેદાંગ, ૬ ઉપાંગ (દર્શનશાસ્ત્ર) ઇત્યાદિનું ઉપવેદો સાથે અધ્યયન કર્યું. આ સર્વ સમયગાળામાં વિમાનવિદ્યા વિશેના પ્રયોગ કરવાનો તેમનો સંકલ્પ વધુ દૃઢ થતો ગયો. પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાંથી આ વિદ્યાનો અભ્યાસ કરતા હતા ત્યારે પશ્ચિમી દેશોમાં વિમાનવિદ્યા વિશેના થનારા પ્રયોગોનો પણ વિસ્તૃત અભ્યાસ કર્યો. પોતાનું અધ્યયન એકાંગી ન રહે, તેમજ સ્વયં પોતાના વિષયમાં વધારેને વધારે આધુનિક જ્ઞાન સંપાદન કરવું જોઈએ, એવી દૃષ્ટિ તેઓ ધરાવતા હતા. આ સર્વ અધ્યયનનું પરિણામ એટલે તેમણે સ્વયં અધ્યયન અને વિવિધ પ્રયોગો માટે વર્ષ ૧૮૯૨માં સ્થાપિત કરેલી પ્રયોગશાળા.
૪. વિમાનવિદ્યા વિશે સંશોધન
વેદમંત્રો પર ઊંડાણપૂર્વક ચિંતન કરીને તેમનો વૈજ્ઞાનિક અર્થ સ્પષ્ટ કરીને પ્રાયોગિક તત્ત્વ પર તેની સિદ્ધિ ચકાસવી, આ રીતે પંડિત તળપદે સંશોધન કાર્ય આગળ ધપાવી રહ્યા હતા. આ રીતથી દિવસ-રાત પ્રયત્નશીલ રહીને તેમણે વિમાનનો એક નમૂનો (મૉડેલ) સિદ્ધ કર્યો. તેમણે મ્હાત્રે નામક મિત્રદ્વયી દ્વારા સદર મૉડેલનું એક ચિત્ર ‘બૉમ્બે આર્ટ સોસાયટી’ના પ્રદર્શનમાં મૂક્યું હતું. તેમના ‘પ્રાચીન વિમાન કલાની શોધખોળ’ આ વિષય પરના ૩ વ્યાખ્યાનો ઘણી પ્રશંસા પામ્યા. કરવીરપીઠના શંકરાચાર્યજીએ તેમને ‘વિદ્યાપ્રકાશવારિધિ’ આ પદવી પ્રદાન કરીને તેમની વિદ્વત્તાનું યોગ્ય સન્માન કર્યું. વિમાનનું કેવળ મૉડેલ બનાવવાને બદલે તે ઉડવા માટે સજ્જ કરવું, તે માટે વધુ સંશોધન કરવું અને સહુથી મહત્ત્વનું એટલે તે કાર્ય માટે ધન એકઠું કરવું ઇત્યાદિ બધું એક વ્યક્તિના હાથની વાત નહોતી; પણ તેમણે નિયોજિત કરેલા આ કાર્ય માટે તેમને કોઈપણ સ્વરૂપનો સહકાર મળ્યો નહીં, એ સત્ય છે.
૫. ‘મરુત્સખા’ વિમાનની પ્રાયોગિક ચકાસણી
ઉત્સાહી માનવો માટે અસાધ્ય એવું કાંઈ હોતું નથી. પોતાના ધ્યેયમાર્ગ પર તે ક્રમણ કરવા લાગે કે, તેમના માટે યશના બારણાં ખુલી જાય છે. તેની જ એક પ્રતીતિ તરીકે વર્ષ ૧૯૧૫માં તેમના આ કાર્યના સંદર્ભમાં તેમના જીવનમાં એક મોટી તક મળી. બૅંગળુરૂ ખાતેના શંકરાચાર્યજીની પરંપરામાંના પંડિત સુબ્રાય શાસ્ત્રી નામના સ્વામીજી પંડિત તળપદેના સંપર્કમાં આવ્યા. તેઓ પ્રાચીનશાસ્ત્ર અને તંત્રજ્ઞાનના સારા એવા જાણકાર હતા. તેમણે તળપદેને મહર્ષિ ભારદ્વાજ રચિત ‘યન્ત્રસર્વસ્વ’, ‘અંશુબોધિની’, ‘આકાશતન્ત્ર’ ઇત્યાદિ પ્રાચીન વિમાનવિદ્યા સંબંધિત ભૌતિકશાસ્ત્રો શીખવ્યા. તેમના આ સંગઠિત પ્રયત્નોને કારણે પંડિત તળપદેએ પંડિત સુબ્રાય શાસ્ત્રીજી સાથે વર્ષ ૧૯૧૫થી ૧૯૧૭ આ સમયગાળામાં મુંબઈ ખાતેની ગિરગામ ચોપાટી પર તેમણે નિર્માણ કરેલા ‘મરુત્સખા’ નામના વિમાનની પ્રાયોગિક ચકાસણી કરી.
આ ચકાસણી પછી પંડિત તળપદેએ આ વિમાન પર વધુ સંશોધન કરવાનો આરંભ કર્યો. આ સમયગાળામાં તેમનું પોતાના આરોગ્ય ભણી દુર્લક્ષ થયું અને પરિણામે તેમનું આરોગ્ય કથળવા લાગ્યું; પરંતુ એમ હોવા છતાં પણ સંશોધન કાર્ય તેમણે ક્યારેય ખંડિત થવા દીધું નહીં. અંતે ૧૭ સપ્ટેંબર ૧૯૧૭ના દિવસે તેમણે નશ્વર દેહનો ત્યાગ કરીને પોતાની ઇહલોકની યાત્રા સમાપ્ત કરી.
૬. પંડિત તળપદેના સંશોધનો ઉપરાંત અન્ય કાર્યો
વિમાનવિદ્યાના અધ્યયન કરવાની લગનની સાથે પંડિત તળપદેની બુદ્ધિ અનેક વિષયોનું ચિંતન કરવામાં અને લેખન કાર્યમાં રમમાણ થવા લાગી. વેદોના પઠન અને અધ્યયન માટે પંડિત વર્માએ આરંભ કરેલા ‘વેદ-ધર્મ પ્રચારિણી સભા’નું દાયિત્વ તેમના મૃત્યુ પછી પંડિત તળપદેએ નિષ્ઠાપૂર્વક અને સમર્થતાથી નિભાવ્યું. આ સંસ્થા દ્વારા ‘વેદવિદ્યા પ્રચારિણીની પાઠશાળા’ ચલાવવામાં આવતી. તેના મંત્રી તરીકે પણ તળપદે જ કામકાજ જોતા. ‘શામરાવ કૃષ્ણ અને મંડળી’ એ પ્રકાશિત કરેલી ‘આર્ય-ધર્મ પત્રિકા’ના સંપાદક તરીકે તળપદેએ કાર્ય કર્યું હતું.
‘ઋગ્વેદ પ્રથમસૂક્ત અને તેનો અર્થ’ અને ‘પ્રાચીન વિમાનકળાની શોધખોળ’ એ મરાઠી ભાષાના બે, ‘યોગદર્શન અંતર્ગત શબ્દોંકા ભૂતાર્થ દર્શન’ અને ‘મન ઔર ઉસકા બલ’ એ હિંદી ભાષાના બે પુસ્તકો, જ્યારે ગુજરાતી ભાષામાં ગાયત્રીમંત્રનું રહસ્ય સમજાવીને કહેનારા ‘ગુરુમંત્રમહિમા’ નામનો ગ્રંથ ઇત્યાદિ લેખન કાર્ય તેમણે કર્યું છે. તેમને સંસ્કૃત, મરાઠી, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી એવી ભાષાઓની જાણકારી હોવાથી તે બહુભાષાવિધ હતા. તેમનો સ્વભાવ શાસ્ત્ર અને તેની સાથે સંબંધિત વિષયોનું ઊંડું ચિંતન કરવાનો હોવાથી તેઓ બહુશ્રુત (વિદ્વાન) હતા. તેમનો અભ્યાસ વિશાળ હતો. એવા આ બહુવિધ પાસાંનું વ્યક્તિમત્વ ધરાવનારા પંડિત તળપદેનું જીવન સહુકોઈ માટે પ્રેરણાદાયી છે.
લેખક : લીના હુન્નરગીકર અને શ્રી. વિજય પ્રસાદ ઉપાધ્યાય
(આ લેખનાં લેખિકા અને લેખક બન્ને જણ પંડિત તળપદેના વેદવિદ્યા સાથે સંબંધિત પુસ્તકોનું સંપાદન કરી રહ્યા છે.)