શ્રદ્ધા અને ભક્તિનું ઉત્‍કટ દર્શન કરાવનારી જગન્‍નાથ રથયાત્રા

Article also available in :

પુરી ( ઓડિશા) સ્‍થિત વિશ્‍વવિખ્‍યાત જગન્‍નાથ રથયાત્રા એટલે ભગવાન શ્રી જગન્‍નાથજીના અર્થાત્ વિશ્‍વના ઉદ્ધારક ભગવાન શ્રીકૃષ્‍ણના ભક્તો માટે જાણે કે મોટો આનંદોત્‍સવ જ ! કેવળ ભારતનાજ નહીં પણ વિશ્‍વભરના ભક્તોની ભીડ રહેલી આ યાત્રા શ્રદ્ધા અને ભક્તિનું ઉત્‍કટ દર્શન કરાવે છે. એવી આ રથ યાત્રાની કેટલીક વિશેષતાઓ આ લેખમાં આપણે જોઈએ.

 

૧. રથયાત્રામાં અગ્રસ્‍થાને શ્રી બલરામ, વચ્‍ચે સુભદ્રા દેવી અને પાછળ ભગવાન જગન્‍નાથ આ પ્રમાણે રથોનો ક્રમ હોવો !

ડાબી બાજુએથી શ્રી બલરામજીનો ‘તાલધ્‍વજ’ રથ, વચ્‍ચે દેવી સુભદ્રાનો ‘દર્પદલન’ અથવા ‘પદ્મરથ’ અને ત્રીજો ભગવાન શ્રી જગન્‍નાથજીનો ‘નંદીઘોષ’ અથવા ‘ગરુડધ્‍વજ’.

પુરી સ્‍થિત જગન્‍નાથ મંદિર એ ભારતના ૪ પવિત્ર તીર્થક્ષેત્રોમાંથી એક છે. ભગવાન શ્રીકૃષ્‍ણ જગન્‍નાથના રૂપમાં બિરાજમાન એવું વર્તમાન મંદિર ૮૦૦ વર્ષ કરતાં વધારે જૂનું છે. ભગવાન શ્રીકૃષ્‍ણ સાથે તેમના વડીલ બંધુ શ્રી બલરામ અને તેમના બહેન  સુભદ્રાદેવીનું પણ અહીં પૂજન કરવામાં આવે છે. પુરી રથયાત્રા માટે શ્રી બલરામ, શ્રીકૃષ્ણ અને દેવી સુભદ્રા માટે ૩ જુદાં જુદાં રથ સિદ્ધ (તૈયાર) કરવામાં આવે છે. આ રથયાત્રામાં સૌથી આગળ શ્રી બલરામનો રથ વચ્‍ચે સુભદ્રાદેવી અને સૌથી પાછળ ભગવાન જગન્‍નાથનો (શ્રીકૃષ્‍ણનો) રથ હોય છે.

રથયાત્રા માર્ગસ્થ થાય છે તે ભક્તોથી ઊભરાતો માર્ગ. રથયાત્રાના સમયે આ માર્ગ પર આંક્યા પ્રમાણે શ્રીના ત્રણેય રથ ક્રમણ કરે છે

 

૨. ત્રણેય રથના વિશિષ્‍ટતા ધરાવતા નામો અને તેમની નોખી તરી આવતી વિશેષતાઓ !

૧. શ્રી બલરામના રથને ‘તાલધ્‍વજ’ કહેવામાં આવે છે. આ રથનો રંગ લાલ અને લીલો હોય છે. દેવી સુભદ્રાના રથને ‘દર્પદલન’ અથવા ‘પદ્મરથ’ એમ કહેવામાં આવે છે. તે કાળો અથવા વાદળી અથવા લાલ રંગનો હોય છે. જ્‍યારે ભગવાન જગન્‍નાથના રથને ‘નંદીઘોષ’ અથવા  ‘ગરુડધ્‍વજ’ એમ કહેવામાં આવે છે. તે રથનો રંગ લાલ અથવા પીળો હોય છે.

૨. શ્રી બલરામનો રથ ૪૫ ફૂટ ઊંચો, સુભદ્રાદેવીનો રથ ૪૪.૬ ફૂટ ઊંચો, તો ભગવાન જગન્‍નાથનો નંદીઘોષ રથ ૪૫.૬ ફૂટ ઊંચો હોય છે.

૩. આ ત્રણેય રથ લીમડાના પવિત્ર અને પરિપક્વ લાકડામાંથી બનાવવામાં આવે છે. તે માટે લીમડાનું નિરોગી અને શુભ એવું ઝાડ પસંદ કરવામાં આવે છે. તે માટે એક વિશેષ સમિતિની સ્‍થાપના કરવામાં આવે છે. આ રથ તૈયાર કરવામાં કોઈ પણ પ્રકારના ખીલા અથવા અન્‍ય કોઈ પણ ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી, જે એની અન્‍ય એક વિશેષતા છે.

૪. રથ માટે આવશ્‍યક લાકડાની પસંદગી મુહૂર્ત પર કરવામાં આવે છે. તે માટે વસંત પંચમીનો દિવસ પસંદ કરવામાં આવે છે. તે દિવસથી લાકડાની પસંદગી ચાલુ થાય છે. સ્‍થૂળ રથોનું નિર્માણ અખાત્રીજથી ચાલુ થાય છે.

૫. આ ત્રણેય રથ નિર્માણ કર્યા પછી ‘છર પહનરા’ નામક અનુષ્‍ઠાન કરવામાં આવે છે. એ અંતર્ગત પુરીના ગજપતિ રાજા પાલખીમાં પધારીને આ ત્રણેય રથોનું વિધિસર પૂજન કરે છે. એ વખતે સોનાના ઝાડુથી રથનો મંડપ અને રસ્‍તો સાફ કરવાની પ્રથા છે.

૬. ત્‍યારપછી રથોનું પ્રસ્‍થાન થાય છે. આષાઢ સુદ પક્ષ બીજના દિવસે રથયાત્રાનો આરંભ થાય છે. આ દિવસે ઢોલ, નગારા, રણશિંગુ અને શંખ ઇત્‍યાદિના ધ્‍વનિ વચ્‍ચે ભક્તગણ આ રથ ખેંચે છે. જેમને રથ ખેંચવાની તક મળે છે. તેઓ પુણ્‍યશાળી હોય છે, એવી ભક્તોની શ્રદ્ધા છે. પૌરાણિક માન્‍યતા અનુસાર રથ ખેંચનારાને મોક્ષપ્રાપ્‍તિ થાય છે.

 

૩. માસીને ત્‍યાં ૭ દિવસ વસવાટ કરે છે ભગવાન જગન્‍નાથ !

૧. જગન્‍નાથ મંદિરથી આ રથયાત્રાનો આરંભ થયા પછી પુરી શહેરમાંથી ભ્રમણ કર્યા પછી આ રથ ગુંડીચા મંદિરમાં પહોંચે છે. અહી ભગવાન જગન્‍નાથ, શ્રી બલરામ અને સુભદ્રાદેવી ૭ દિવસ વસવાટ કરે છે.

૨. ગુંડીચા મંદિરને ‘ગુંડીચા બાડી’ નામથી પણ ઓળખવામાં આવે છે. આ ભગવાન જગન્‍નાથના માસીનું ઘર છે. અહીં વિશ્‍વકર્માએ ભગવાન જગન્‍નાથ, શ્રી બલરામ અને સુભદ્રાદેવી ત્રણેયની મૂર્તિઓ નિર્માણ કરી હતી.

૩. રથયાત્રાના ત્રીજા દિવસે એટલે પાંચમના દિવસે દેવી લક્ષ્મી ભગવાન જગન્‍નાથને શોધતા અહીં આવે છે. ત્‍યારે દ્વેતાપતિ દ્વાર બંધ કરે છે. તેથી દેવી રિસાઇને રથનો પગ તોડી નાખે છે અને હેરા ગોહિરી સાહી (આ સ્‍થળ પુરી ખાતે જ છે.) વિસ્‍તારમાં આવેલા દેવી લક્ષ્મીના મંદિરમાં પાછા ફરે છે.

૪. ત્‍યાર પછી સ્‍વયં ભગવાન જગન્‍નાથ રિસાઈને બેઠેલા દેવી લક્ષ્મીને સમજાવે છે, એવી પરંપરા છે. આ ઉત્‍સવના માધ્‍યમ દ્વારા આ રીતે એક અદ્‌ભૂત ભક્તિરસ  નિર્માણ થાય છે.

૫. અષાઢ માસના ૧૦મા દિવસે આ રથ પાછો મુખ્‍યમંદીર ભણી પ્રસ્‍થાન કરે છે. રથોએ પાછા ફરવાની આ યાત્રાને ‘બહુડા યાત્રા’ કહે છે.

૬. શ્રી જગન્‍નાથ મંદિરમાં પાછા ફર્યા પછી પણ મૂર્તિઓ રથમાં જ રહે છે. તેમના માટે મંદિરના દ્વાર બીજા દિવસે એટલે કે અગિયારસના દિવસે ખોલવામાં આવે છે. ત્‍યારે આ મૂર્તિઓને વિધિવત્ સ્‍નાન કરાવીને વૈદિક મંત્રોચ્‍ચાર વચ્‍ચે તેમની પુનર્પ્રતિષ્‍ઠાપના કરવામાં આવે છે.

૭. પુરીનો રથોત્‍સવ એ એક સામૂહિક ઉત્‍સવ છે. આ સમયગાળામાં પુરી ખાતે રહેનારા ભક્તગણ ઉપવાસ કરતા નથી.

સમુદ્ર કાંઠે વસેલા પુરી શહેરમાં થનારી ભગવાન જગન્‍નાથની વિશ્‍વવિખ્‍યાત રથયાત્રાના સાક્ષીદાર થવું એ પરમભાગ્‍ય સમજવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમ્‍યાન આ ભાવ-ભક્તિ મનમાં સંગ્રહિત કરીને ભક્તગણ ત્‍યાર પછી આવનારા વર્ષની રથયાત્રાની ઘણી આતુરતાથી રાહ જુએ છે. રથયાત્રાના નિમિત્તે જોવા મળતી આ શ્રદ્ધા અને ભક્તિ વિશ્‍વભરમાં ક્યાંય પણ જોવા મળશે નહીં. તેથીજ તો, આ ઉત્‍સવ – સમારંભ દુર્લભ અને અદ્વિતીય છે.

(સંદર્ભ : સંકેતસ્‍થળ)

 

૪. પુરી ખાતેના જગન્‍નાથ મંદિરની અદ્‌ભૂત અને બુદ્ધિઅગમ્‍ય વિશિષ્‍ટતાઓ !

૧. શ્રી જગન્‍નાથનું મંદિર વિશ્‍વવિખ્‍યાત છે. આશરે ૮૦૦ વર્ષ પ્રાચીન રહેલા આ મંદિરનું વાસ્‍તુકૌશલ્‍ય એટલું તો ભવ્‍ય છે કે, તે વિશે સંશોધન કરવા માટે સમગ્ર વિશ્‍વમાંથી વાસ્‍તુ તજ્‌જ્ઞો આ મંદિર જોવા આવતા હોય છે.

૨. આ તીર્થક્ષેત્ર ભારતનાં ૪ પવિત્ર તીર્થક્ષેત્રોમાંનું એક છે.

૩. શ્રી જગન્‍નાથના મંદિરની ઊંચાઈ ૨૧૪ ફૂટ જેટલી છે. મંદિરનું ક્ષેત્રફળ ૪ લાખ વર્ગફૂટમાં ફેલાયેલું છે.

૪. પુરી ખાતેના કોઈપણ સ્‍થાનથી મંદિરના કલશ પર રહેલું સુદર્શન ચક્ર જોવાથી તે આપણી સામે જ હોવાનું જણાય છે.

૫. મંદિર પર રહેલો ધ્‍વજ હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં ફરકે છે. (પ્રત્‍યેક સૂત્રને બુદ્ધિના સ્‍તર પર મમળવાનું કાર્ય કરનારા બુદ્ધિપ્રામાણ્‍યવાદીઓ માટે આ મંદિર એટલે એક સજ્‍જડ તમાચો જ છે ! આમાંથી હિંદુ ધર્મનું અદ્વિતીય મહત્ત્વ ધ્‍યાનમાં આવે છે ! – સંપાદક) પ્રતિદિન સાંજે મંદિર પરનો ધ્‍વજ પાલટવામાં આવે છે.

અજોડ વાસ્‍તુશિલ્‍પનો નમુનો રહેલું આ જ તે શ્રી જગન્‍નાથ મંદિર ! ગોળાકારમાં હંમેશાં પવનની વિરુદ્ધ દિશામાં ફરકનારો મંદિર પરનો ધ્‍વજ

૬. સામાન્‍ય રીતે પ્રતિદિન હવા સમુદ્રથી ભૂમિની દિશામાં અને સાંજે તેની વિરુદ્ધ વહે છે; પરંતુ પુરી ખાતે તેનાથી ઊલટી પ્રક્રિયા થાય છે.

૭. મુખ્‍ય ઘુમટનો પડછાયો દિવસ દરમ્‍યાન કોઈપણ સમયે અદૃશ્‍ય જ હોય છે.

૮. અહીં પંખી અથવા વિમાનો મંદિર પરથી ઉડતા હોય, તેવું કદીપણ દેખાશે નહીં.

૯. ભોજન માટે મંદિરમાં સમગ્ર વર્ષ થઈ રહે તેટલી અનાજ સામગ્રી હોય છે. ખાસ એટલે મહાપ્રસાદ જરા પણ વેડફાતો નથી. લાખો ભક્તો આ પ્રસાદ મહદ્ ભક્તિભાવથી ગ્રહણ કરે છે.

૧૦. આ મંદિરનું રસોઈઘર એ વિશ્‍વના કોઈપણ મંદિરના રસોઈઘર કરતાં સૌથી મોટું છે. અહીં મહાપ્રસાદ બનાવતી વેળાએ માટીનાં વાસણો એક પર એક એ રીતે મૂકાય છે. સર્વ અન્‍ન લાકડા દ્વારા પ્રજ્‍વલિત કરેલા અગ્‍નિ પર જ રાંધવામાં આવે છે.

૧૧. આ વિશાળ રસોડામાં ભગવાન જગન્‍નાથને ભાવે તેવો મહાપ્રસાદ બનાવવામાં આવે છે. તે માટે ૫૦૦ રસોઈયાઓ અને તેમના ૩૦૦ સહાયકો એકજ સમયે સેવા કરતા હોય છે.

એશિયા ખંડનું સૌથી મોટી પાકશાળા ધરાવતું મંદિરનું રસોડું. લાખો ભક્તો આ પાકશાળામાંનો પ્રસાદ મહદ્ ભક્તિભાવથી ગ્રહણ કરે છે.

 

૫.  શ્રી જગન્‍નાથને ખીચડીનો નૈવેદ્ય પ્રથમ અર્પણ કરવા પાછળનું કારણ

કર્માબાઈ નામના જગન્‍નાથનાં મોટાં ભક્તાણી થઈ ગયાં. તેઓ ગરીબ હોવાથી ખીચડી બનાવતાં. ભગવાન જગન્‍નાથ પ્રતિદિન સવારે કર્માબાઈનાં ઘરે ખીચડી ખાવા માટે જતા હતા. જે દિવસે કર્માબાઈએ દેહત્‍યાગ કર્યો, તે દિવસે જગન્‍નાથની આંખોમાં આંસુ આવ્‍યા. તે દૃશ્‍ય બધા પૂજારીઓએ જોયું. ભગવાને પૂજારીઓને કહ્યું, ‘‘કર્માબાઈ મને પ્રતિદિન સવારે ખીચડી આપતાં હતાં. હવે મને ખીચડી કોણ આપશે ?’’ ત્‍યારે બધા પૂજારીઓએ કહ્યું, ‘‘હે ભગવાન, હવે પછીથી અમે તમને પ્રતિદિન ખીચડીનો નૈવેદ્ય ધરાવીશું.’’ ત્‍યારથી શ્રી જગન્‍નાથને ખીચડીનો નૈવેદ્ય પ્રથમ અર્પણ કરવામાં આવવા લાગ્‍યો.

 

Leave a Comment