અનુક્રમણિકા
આદું ઉચ્ચ પ્રકારના ઔષધી ગુણધર્મો ધરાવતું કંદવર્ગીય પાક છે. તેના નિયમિત સેવનથી ઘણાં રોગ મટી જાય છે. આદું ચામાં નાખીને અથવા તેનો રસ મધ અને લિંબુના રસમાં નાખીને પીવાથી ત્વચા કાંતિમય તો થાય છે જ; પણ વજન પણ નિયંત્રિત રહે છે. એવું આ બહુગુણી આદું આપણે આપણા ઘરના બગીચાના કૂંડામાં વાવી શકીએ. એકદમ નાની બાલ્કની જેવી નાની જગ્યામાં પણ ! ઘરમાં પ્રતિદિન જોઈતું, ઓછી મહેનતે ઉગતું, એવું આદું પ્રત્યેકે ઘરે વાવવું જ જોઈએ !
૧. આદુંની વાવણી કરવા માટે યોગ્ય સમય
જો આદું વ્યાવસાયિક (ધંધા) તરીકે વાવવું હોય, તો એપ્રિલના પ્રથમ પખવાડિયામાં વાવવું. જો વધારે મોડું થાય, તો બીજા પખવાડિયામાં લગાડવું; પણ તેનાથી વધારે મોડું કરવું નહીં. તમે જો એક-બે કુંડામાં જ આદું વાવવાના હોવ, તો તે સમગ્ર વર્ષ દરમ્યાન ગમે ત્યારે વાવી શકાય.
૨. આદું વાવવા માટે કૂંડાની પસંદગી
આદું જમીન નીચે સામાન્યરીતે ૬ થી ૮ ઇંચ પર જ તૈયાર થાય છે. તેથી એક ફૂટ ઊંડાણ ધરાવતું કૂંડું પર્યાપ્ત છે. આદુંનો ફેલાવ વધારે કરીને આડો થતો હોવાથી કૂંડું મોટા વ્યાસનું અથવા બને તો લંબચોરસ આકારનું લેવું. કેરીની લાકડાની પેટી લઈએ, તો ઉત્તમ જ. આદુંને આવી પેટીમાં વૃદ્ધિ થવા માટે પણ પુષ્કળ જગ્યા મળશે અને હવા હરતી-ફરતી રહેવાથી વૃદ્ધિ પણ સારી થશે. માટીમાં આદું વધારે વૃદ્ધિ પામીને ફેલાતું હોવાથી સહેજે માટી છૂટક હોવી જોઈએ. તેને કારણે માટીમાં સૂકાં પાનનો કચરો, છાણનું ખાતર અથવા કંપોસ્ટ વધારે પ્રમાણમાં નાખવું. નીચે ઇંટના ટુકડા, ઉપર સૂકાં પાનનો કચરો, તેના પર કંપોસ્ટ અથવા છાણનું ખાતર, તેના પર કડવા લીમડાના પાનનો પાતળો થર, ઉપરથી થોડી માટી અને ફરી એકવાર આ પ્રમાણે થર કરીને કૂંડું ભરવું. પાસે કડવા લીમડાનું ઝાડ હોય તો તેના ખરેલાં પાન સહેજે ઉપલબ્ધ થાય છે. આ રીતે લીલા પાન અથવા સૂકાયેલા પાન ઘણાં પ્રમાણમાં નાખવાથી ખાતર પણ થશે અને જીવાત પણ નહીં પડે.
(છાણનું ખાતર અથવા કંપોસ્ટ ન હોય, તો જીવામૃત વાપરવું. સૂકાં પાનના કચરા પર જીવામૃત છાંટીને તે કોહવાઈ જાય પછી તૈયાર થયેલું ‘હ્યુમસ’ (ફળદ્રુપ માટી) આદુંની વાવણી માટે અત્યંત પોષક હોય છે. ‘હ્યુમસ’ સારું હોય અને તમે જો નિયમિત રીતે સૂકાં પાનના કચરાનું આચ્છાદન કરીને જીવામૃત આપતા હોવ, તો અન્ય કોઈપણ ખાતરની આવશ્યકતા નથી. – સંકલક)
૩. આદુંની વાવણી
આપણે કાયમ બજારમાંથી જે આદું લઈ આવીએ છીએ, તેમાંથી આંખો ધરાવતા આદુના ટુકડા આપણે વાવણી માટે ઉપયોગમાં લેવાના હોય છે. તેથી બિયારણ માટે આપણે જુદું કાંઈ જ કરવું પડતું નથી. ‘આંખો’ એટલે આદુના પૃષ્ઠભાગ પર જ્યાં રેખા હોય છે અને કેટલોક ભાગ આછો ફૂલેલો હોય’, તે ભાગ. ઉપર આપેલા ચિત્રનાં વર્તુળમાં બતાવ્યા પ્રમાણે આદુનો તેટલોજ ફણગો આવેલો ભાગ કાઢી લઈને તે કૂંડામાં, કૂંડાના આકાર પ્રમાણે; પણ કિનારીએ ૨ – ૩ ઇંચ ભાગ છોડીને માટીમાં ૨ થી ૨॥ ઇંચ ઊંડે વાવવો. વાવ્યા પછી માટી ભીની થાય, એટલું જ પાણી પાવું. આપણે આદુનો ફણગો વાવતા હોવાથી ક્યાંક તોયે આદુનો ભાગ ખુલ્લો થયો હોય છે. તેથી આરંભના કાળમાં વધારે પાણીને કારણે આદું સડી જવાની શક્યતા હોય છે; તેથી માટી ભીની થાય તેટલું જ પાણી પાવું. પછી પણ પાણી આ પદ્ધતિથી જ પાવું.
૪. તડકાની આવશ્યકતા
આદુને ઘણો તડકો નથી જોઈતો. તેથી સમગ્ર દિવસમાં ૨ થી ૨॥ કલાક તડકો મળે, તો ઘણું થયું. કૂંડું બને ત્યાં સુધી સવારથી બપોરે ૧૨ સુધી તડકો મળે, એવા ઠેકાણે રાખીએ, તો ઉત્તમ.
૫. આદુના કંદની કાપણી
આદું તૈયાર થવા માટે લગભગ ૬ – ૭ માસ થાય છે. જો સૂંઠ બનાવવા માટે આદું વાપરવું હોય, તો ૮ થી ૧૦ માસ પછી કાઢીએ તો પણ ચાલે; પણ ઘરમાં ઉપયોગ માટે ૬ – ૭ માસ પછી કાઢવું, નહીંતર તેમાં વધારે તાંતણા નિર્માણ થઈને રસ ઓછો મળે છે. પાન પીળા પડવાં લાગે કે, આદું તૈયાર થવામાં છે, એમ સમજવું. આદુના કેટલાંક પ્રકારોમાં ક્યારેક રોપને ફૂલ પણ આવે છે. કળી સ્વરૂપમાં હોય, ત્યારે ફૂલ એકાદ ડોડા જેવું દેખાય છે. જો ઘરે જ ઉપયોગ કરવાના હોવ, તો ૨ – ૩ દિવસ થઈ રહે તેટલું જ આદું કૂંડામાંથી કાઢી લેવું અને વધેલું માટીમાં જ રહેવા દેવું, એટલે નવાં ફણગા આવવા લાગશે.
૬. પાણી અને ખાતર વ્યવસ્થાપન
એપ્રિલમાં આદું વાવ્યા પછી આરંભમાં ૩ – ૪ દિવસો પછી પાણી પાવું. પછી વરસાદનું પાણી આદુને થઈ રહે છે. અમસ્તા જો માટી કોરી દેખાય, તો જ પાણી પાવું. પ્રત્યેક ૧૫ દિવસો પછી કંપોસ્ટ અને છાણખાતર વારાફરતી આપવું. વચ્ચે વચ્ચે થોડા લીમડાના પાન નાખવાથી કોઈપણ ખાતરની આવશ્યકતા રહેતી નથી. કડવા લીમડાના પાન વાપરવાથી આદુ પર જીવાત પણ પડતી નથી. (રોગ થતો નથી.)
૭. અન્ય કાળજી
વરસાદમાં સર્વત્ર રહેલો ત્રાસ, એટલે પાન ખાઈ જનારી ઇયળો; પણ તેને કારણે આદુ ની કોઈપણ પ્રકારની હાનિ થતી નથી. કેવળ હુમણી (ભમરા જેવો એક કીડો) ઇત્યાદિ નથી ને, એ વચ્ચે વચ્ચે જોતાં રહેવું. અન્યથા એકવાર વાવ્યા પછી તેની સામે જરાય ધ્યાન આપવાની આવશ્યકતા ન હોવા જેવો આ પાક છે.
૮. આદુમાં આંતરપાક
વાવણીથી કાપણી સુધીના કાળમાં પૃષ્ઠભાગ પરની જગ્યા ખાલી જ હોય છે. તેથી આ કાળમાં જેને ખેડૂતો આંતરફાલ કહે છે, તે લઈ શકાય, એટલે કે લીલા શાકભાજી અથવા ટમેટાં, રીંગણાં ઇત્યાદિ. તેને કારણે તેટલા જ ખાતરમાં અને પાણીમાં બે ફાલ લઈને જગ્યા, ખાતર, પાણી અને મહેનત આ બધાની જ બચત થાય છે.’
– રાજન લોહગાંવકર, ટિટવાળા (સાભાર : http://vaanaspatya.blogspot.com/)