૧. કોથમીર
૧ અ. ધાણા વાવવાની વિવિધ પદ્ધતિઓ
‘કોથમીર ભલે બી વાવીને થતો ફાલ હોય, તો પણ આપણે કોઈપણ રોપવાટિકામાંથી બિયારણ વેચાતા લાવવાની આવશ્યકતા નથી. આપણા રસોડામાં જ તે બિયારણ હોય છે. કોથમીરના બી એટલે ‘ધાણા’. આ ધાણા વાવવાની વિવિધ પદ્ધતિઓ છે. કોઈ તે ચંપલથી અથવા વેલણથી રગડીને બે ભાગ કરીને વાવે છે, તો કોઈ આખા ધાણા વાવે છે. કોઈ ફોડેલા અથવા અખંડ ધાણા ૧૦ થી ૧૨ કલાક પાણીમાં પલાળીને પછી વાવે છે, તો વળી કોઈ સૂકા જ વાવે છે. જેને જે પદ્ધતિથી લાભ થાય છે, તે જ તેના માટે યોગ્ય પદ્ધતિ, અર્થાત્ ‘આ માટે એકજ એવી યોગ્ય પદ્ધતિ’, એમ નથી; પણ સર્વસામાન્ય રીતે ધાણા હળવે હાથે ચોળીને તેના બે ભાગ કરીને વાવવામાં આવે છે. કેવળ ચોળતી વેળાએ વધારે જોર પડીને બિયાનું નુકસાન ન થાય, તેની કાળજી લેવી.
૧ આ. કોથમીરની વાવણી
કોથમીરના મૂળિયા માટીમાં વધારે ઊંડે સુધી જતાં નથી. તેથી ૬ ઇંચ ઊંડાણ ધરાવતું કૂંડું અથવા ખોખું, જે હોય તે ચાલે. જેમાં તમે કોથમીર વાવવાના છો, તેમાં વધારાનું પાણી નીકળી જવા માટે સગવડ કરી લેવી. ઉપરથી ૨ થી ૨॥ ઇંચ જેટલી જગ્યા છોડીને કૂંડું પૉટિંગ મિક્સથી (સેંદ્રિય ખાતર નાખેલી માટીથી) ભરી લેવું. (નોંધ) કૂંડું ભરી લીધા પછી થોડું પાણી વહી જાય ત્યાં સુધી સર્વ માટી ભીની કરી લેવી. આ કૂંડું એક દિવસ તેમજ રાખવું. બીજા દિવસે કાળજીપૂર્વક બે ફાડા કરેલા ધાણા સમતલ કરેલા પૃષ્ઠભાગ પર વ્યવસ્થિત ફેલાવી લેવા.
જો પંક્તિ પાડવી હોય, તો તેમાં અથવા સર્વત્ર કૂંડામાં, જેમ જોઈએ, તે પ્રમાણે ધાણા ફેલાવી લેવા. તેના પર અડધાથી પોણા ઇંચનો પૉટિંગ મિક્સનો થર આપીને સર્વ ધાણા ઢાંકી દેવા. બને ત્યાં સુધી ઝારીથી પાણી પાવું. ધાણા પરની માટી હલી જઈને ધાણા ખુલ્લા ન પડે, તેની દક્ષતા લેવી. માટી કાયમ માટે ભીની રહે, તેની કાળજી લેવી. કોરી લાગે, તો જ પાણી પાવું. તે પણ ઝારીથી જ. ધાણાને અંકુર ફૂટીને ફણગા બહાર આવતા વાર લાગે છે. ક્યારેક ૧૫ થી ૨૦ દિવસ પણ લાગે છે. ત્યારે ધીરજ રાખવી. આ સમયગાળામાં માટી કેવળ ભીની રાખવી. પાણી વધારે ન થઈ જાય, તેનું ધ્યાન રાખવું.
(નોંધ – ‘પૉટિંગ મિક્સ’ને બદલે નૈસર્ગિક પદ્ધતિથી જીવામૃતનો ઉપયોગ કરીને કોહવાઈ ગયેલાં ખરેલાં પાંદડાંથી બનાવેલું હ્યુમસ પણ (સુપીક માટી પણ) વાપરી શકાય છે. – સંકલક)
૧ ઇ. ચોમાસામાં વાવણી
કરતી વેળાએ ધ્યાનમાં રાખવા જેવાં સૂત્રો
વરસાદ વધારે હોય, ત્યારે ધાણા તૈયાર થવામાં વાર લાગે છે. આ કાળમાં સૂર્યદર્શન થતું નથી અને પવન પણ વધારે હોય છે. તેથી રોપ આવે તો પણ તે આડા પડી જાય છે. તેથી ચોમાસામાં કોથમીર વાવણીના પ્રયત્ન કરવામાં વાંધો નથી; પણ જો અપયશ આવે જ, તો નિરાશ થયા વિના હવામાનમાં પરિવર્તન થતાં જ અથવા વરસાદ ઓછો થાય કે તરત જ ફરીવાર પ્રયત્ન કરવા.
૧ ઈ. વાવણી પછીનું વ્યવસ્થાપન
ફણગા બહાર આવે, કે નિયમિત રીતે પાણી પાવું. ‘ પૉટિંગ મિક્સ’માં જેટલું ખાતર નાખ્યું છે, તેટલું પૂરતું છે; પણ જો લાગે તો ‘કંપોસ્ટ ટી (એક પ્રકારનું સેંદ્રિય ખાતર)’, જીવામૃત ઇત્યાદિ જે કાંઈ સંભવ છે, તે બને ત્યાં સુધી દ્રવ રૂપમાં પાવું. છાણ કે છાણની ‘સ્લરી (પાતળો ગારો)’ ન જોઈએ. ફણગા ફૂટીને ઉપર આવ્યા પછી ૩ – ૪ અઠવાડિયામાં કૂંડું ભરાઈ જશે. પ્રતિદિન જોઈએ તેટલી કોથમીર તોડી લેવી. નવા ફણગા આવતા રહેશે. એવું ૩ – ૪ વાર થયા પછી ફૂલો આવવા માંડશે. ફૂલો આવવા માંડે એટલે રોપોનું નિયત કાર્ય પૂર્ણ થવાનો સમય આવી ગયો છે, એમ સમજી લેવું. પછી જોઈએ તો રોપોને તેમનો જીવનકાળ પૂર્ણ કરવા દેવો. ફૂલોમાંથી ફળો, અર્થાત્ ધાણા તૈયાર થશે. પૂર્ણ તૈયાર થયેલા ધાણા થોડા આગળની વાવણી માટે રાખીને બાકીના રસોઈમાં રોજના ઉપયોગ માટે રાખી શકાય છે. પછી બધા રોપો કાઢીને કંપોસ્ટમાં નાખવા. માટી વ્યવસ્થિત છૂટી કરી લેવી. ૨ – ૩ દિવસ તેમજ ખુલ્લી મૂકીને પછી જ ઉપયોગ કરવો; પણ ફરીવાર આ માટીમાં કોથમીર વાવવાનું ટાળવું. કોથમીર પર વધારે કાંઈ જીવાત થતી નથી. તેથી કીટકનાશકોની છાંટણી ઇત્યાદિ કાંઈ કરવું પડતું નથી.
૨. ફુદીનો
૨ અ. સૌથી સહેલી એવી ફુદીનાની વાવણી
ફુદીના જેવો સહેલો ફાલ નથી. કૂંડામાં આ ફાલ લેવો અતિશય સહેલું છે. હું તો કહીશ કે, આ કામ ઘરમાંના નાના બાળકોને સોંપવું. તેથી તેમનામાં બાગકામ કરવાની રુચિ પણ નિર્માણ થશે. ફુદીનાની વાવણીમાં યશ મળવાની સંભાવના ૯૯ ટકા કરતાં પણ વધું છે. તેનું પરિણામ ૮ થી ૧૦ દિવસોમાં જ દેખાવા લાગે છે. તેથી નવશિખાઉઓને બાગકામમાં રસ નિર્માણ થવા માટે ફુદીનાની વાવણીથી આરંભ કરી શકાય.
૨ આ. વાવેતર માટે યોગ્ય સળી પસંદ કરવી
ભલે ફુદીનાના બિયારણ રોપવાટિકામાં મળતા હોય, તો પણ તે વેચાતા લેવાની કાંઈજ આવશ્યકતા નથી. બજારમાંથી જ્યારે આપણે ફુદીનાની ઝૂડી લઈ આવીએ છીએ, ત્યારે તેમાંથી જ બૉલપેનમાંની સળી (રિફિલ) અથવા અગરબત્તીની સળીની જાડાઈ જેટલી માટીના રંગની સળીઓ જુદી કાઢી રાખવી. તેના પરનાં મોટાં પાન કાઢી લેવા. આવી સળીઓ પર મોટેભાગે નીચેની બાજુના પાન ઘણા પાકી ગયા હોય છે. ક્યારેક જ જીવાત લાગવાથી પાન પર છિદ્રો પણ હોય છે. આવા પાન કાઢી નાખવા. ટોચ પરના નાના પાન સળી પર તેમજ રહેવા દેવા.
૨ ઇ. ફુદીનાની વાવણીના ૨ પર્યાય
હવે બે પર્યાય આપણી સમક્ષ હશે. એક તો આ સળીઓ પવાલામાં પાણી લઈને તેમાં મૂકીને સીધો તડકો ન મળે; પણ સૂર્યપ્રકાશ મળે, એવા ઠેકાણે મૂકવી. એકાંતરે પાણી બદલવું. સળીને બને ત્યાં સુધી ધક્કો લાગવા દેવો નહીં, એટલે સળીની ઝૂડી હાથમાં ઝાલીને પવાલું આડું કરીને પાણી રેડી દેવું અને હળવા હાથે પવાલામાં ફરીવાર પાણી ભરવું. ૫ – ૬ દિવસ પછી સળીની ટોચે નાના નાના પાન દેખાવા લાગશે અને પવાલામાંના છેડાને નાના ધોળા મૂળિયા દેખાવા લાગશે. આ નાના રોપ કૂંડામાં વાવવા. બીજો પર્યાય એટલે વીણીને બાજુએ કાઢેલી સળીઓ સીધી માટીમાં લગાડવી. વધેલું કામ સળીઓ અને માટી એકબીજાની સહાયતાથી કરશે.
૨ ઈ. કૂંડાનો યોગ્ય આકાર
ફુદીનાના રોપનાં મૂળિયાં વધારે ઊંડા જતાં નથી. તેથી સામાન્ય રીતે ૬ ઇંચ ઊંડું કૂંડું ઘણું થયું. ફુદીનો ચોમાસામાં આંગણામાં ઉગેલા ઘાંસની જેમ આડો ફેલાતો હોવાથી કૂંડાનો વ્યાસ મોટો રાખવો હિતાવહ છે. તેથી કૂંડાને બદલે પહોળું ટબ ઇત્યાદિ લેવું શ્રેયસ્કર છે.
૨ ઉ. કૂંડામાં સળી ખોંસવાની પદ્ધતિ
કૂંડું હંમેશાંની જેમ ‘પૉટિંગ મિક્સ’થી ભરીને વ્યવસ્થિત ભીનું કરી લેવું. તેમાં મૂળિયા ધરાવતી સળીઓ અથવા જો બીજો પર્યાય પસંદ કરવાના હોવ, તો સળીઓ આંગળીથી ખાડો કરીને તેમાં ખોસવી. કૂંપળ વધારે અને વહેલી ફૂટવા માટે માટીની સપાટીને ૪૫ અંશના ખૂણામાં ત્રાંસી ખોસવી. આ સમયે સળીનો અડધો ભાગ માટીમાં જવા દેવો. આમ કરવાથી વધારે મૂળિયા ફૂટીને વધારે કૂંપળ ફૂટશે અને તેથી ફુદીનો વધારે પ્રમાણમાં મળશે.
૨ ઊ. પાણી અને અન્ય વ્યવસ્થાપન
માટી જો કોરી જણાય, તો ‘સ્પ્રે’ કરીને પાણી પાવું. લગભગ ૧ થી સવા માસમાં કૂંડું ભરાઈ જશે. આપણી આવશ્યકતા પ્રમાણે ફુદીનાના પાન તોડી લેવા. જો ચાલતું હોય, તો ઉપરની ટોચ પણ કાપી લેવી. તેમ કરવાથી નવનવાં ફણગા આવતા રહેશે.’
– શ્રી. રાજન લોહગાંવકર, ટિટવાળા
૩. કોથમીર અને ફુદીનાની
વાવણીનો પ્રત્યક્ષ પ્રયોગ – video
(વાવણી કેવી રીતે કરવી, એ સમજવા માટે યુ-ટ્યૂબ પરના વિડિયોના અંશ વાચકોની સગવડ માટે આપી રહ્યા છીએ. આ વિડિયોમાંનો કેટલોક ભાગ ઉપરોક્ત લેખમાં આપેલી જાણકારી કરતાં જુદો હોઈ શકે છે, જેની વાચકોએ નોંધ લેવી.)