અનુક્રમણિકા
‘હિંદુ સમાજમાં બાળકનો જન્મ થાય કે, જ્યોતિષ દ્વારા બાળકની જન્મપત્રિકા બનાવી લેવામાં આવે છે. અનેક લોકોને પત્રિકામાં શું જાણકારી હોય છે, તે વિશે ઉત્સુકતા હોય છે. આ લેખ દ્વારા ‘જન્મપત્રિકા એટલે શું અને પત્રિકામાં કઈ જાણકારી અંતર્ભૂત હોય છે’, આ વિશે સમજી લઈએ.
૧. જન્મપત્રિકા એટલે શું ?
જન્મપત્રિકા એટલે વ્યક્તિના જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ વિશે જાણકારી દેનારી પુસ્તિકા. જે પ્રમાણે વૈદ્યકીય અહેવાલમાં વ્યક્તિના શારીરિક ઘટકો વિશે જાણકારી આપેલી હોય છે, તેવી જ રીતે વ્યક્તિની જન્મપત્રિકામાં તેની જન્મકાલીન ખગોલીય ઘટનાઓ વિશે જાણકારી આપેલી હોય છે. જન્મપત્રિકામાંની જાણકારીનો ઉપયોગ કરીને જ્યોતિષી ભવિષ્ય દિગ્દર્શન કરે છે. જન્મપત્રિકામાંની કેટલીક જાણકારી પોતે તે વ્યક્તિ માટે પણ ઉપયુક્ત હોય છે. તેનું વિવરણ નીચે આપવામાં આવ્યું છે.
૧ અ. સામાન્ય જાણકારી
પત્રિકાના આરંભમાં સંબંધિત વ્યક્તિનું નામ, જન્મદિનાંક, જન્મસમય અને જન્મસ્થાન લખ્યું હોય છે.
૧ આ. જન્વમદિસનું પંચાંગ
વ્યક્તિના જન્મસમયે રહેલી ‘તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ’ આ ૫ અંગો પત્રિકામાં નોંધેલા હોય છે.
૧ ઇ. કાલમાપનના ઘટકો
વ્યક્તિના જન્મ સમયે રહેલું સંવત્સર (વર્ષ), અયન (ઉત્તરાયણ-દક્ષિણાયન), ઋતુ (વસંત, ગ્રીષ્મ ઇત્યાદિ), માસ (મહિનો) અને પક્ષની જાણકારી પત્રિકામાં હોય છે.
૧ ઈ. જન્મનક્ષત્રની વિશિષ્ટતાઓ
જન્મસમયે ચંદ્ર જે નક્ષત્રમાં હોય છે, તે વ્યક્તિનું ‘જન્મનક્ષત્ર’ હોય છે. સર્વ ગ્રહોની તુલનામાં ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોવાથી તેની સૂક્ષ્મ ઊર્જાનું (આપતત્ત્વનું) અને સ્થૂળ ઊર્જાનું (ગુરુત્વાકર્ષણનું) આ રીતે બન્ને સ્તર પરની ઊર્જાનું પૃથ્વી પર પરિણામ થાય છે. તેથી જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રનક્ષત્રને (જન્મનક્ષત્રને) વધારે મહત્ત્વ આપેલું હોય છે. જન્મનક્ષત્ર સાથે સંબંધિત દેવતા, દાનવસ્તુ, આરાધ્યવૃક્ષ, વર્ણાક્ષર ઇત્યાદિની જાણકારી પત્રિકામાં આપેલી હોય છે. તેનો ઉપયોગ વિવિધ પ્રસંગોમાં થાય છે.
૧ ઉ. ફલિત
કેટલીક પત્રિકાઓમાં છાપેલું ફલિત (ભવિષ્ય) આપેલું હોય છે. તે ફલિત સંગણકીય પ્રણાલી દ્વારા (‘સોફ્ટવેર’ દ્વારા) બનાવેલું હોવાથી તેમાં સત્યતા ઓછી હોય છે; પણ જે પત્રિકામાં જ્યોતિષીએ પોતે અભ્યાસ કરીને કુંડળીનું ફલિત લખેલું હોય છે, તે ફલિતનો ઉપયોગ વ્યક્તિને આયુષ્યમાં માર્ગક્રમણ કરતી વેળાએ થાય છે.
૨. કુંડળી એટલે શું ?
કુંડળી એ પત્રિકાનો એક ભાગ છે. કુંડળી એટલે વ્યક્તિના જન્મ સમયે આકાશમાં રહેલા ગ્રહોનો આકૃતિબંધ નકશો. કુંડળીના ૧૨ સ્થાનોમાં ગ્રહ અને રાશિ દર્શાવેલા હોય છે. કુંડળી પરથી ‘વ્યક્તિના જન્મ સમયે આકાશમાં કયા ગ્રહ કઈ દિશામાં હતા ? તે કઈ રાશિમાં હતા ? તે એકબીજાથી કેટલા અંશ દૂર હતા ?’, ઇત્યાદિ જાણકારી તરત જ સમજાય છે. પત્રિકામાં લગ્નકુંડળી, રાશિકુંડળી, વર્ગકુંડળી ઇત્યાદિ વિવિધ પ્રકારની કુંડળીઓ આપેલી હોય છે. તેનો ઉપયોગ જ્યોતિષીઓ ભવિષ્યનું દિગ્દર્શન કરતી વેળાએ વિવિધ કારણો માટે કરે છે.
૩. બાળકનો જન્મ થયા પછી કેટલા
દિવસો પછી જન્મપત્રિકા બનાવી લેવી ?
બાળકનો જન્મ થયા પછી તરત જ અર્થાત્ ૨-૩ દિવસોમાં જન્મપત્રિકા બનાવી લેવી; કારણકે જન્મપત્રિકા બનાવતી વેળાએ ‘બાળકનો જન્મ કયા યોગ પર થયો’, આ વાત જ્યોતિષી જુએ છે. કેટલીક અશુભ તિથિઓ, નક્ષત્ર અને યોગ પર જો જન્મ થયો હોય, તો બાળકને ત્રાસ થાય નહીં, તે માટે શાસ્ત્રએ જનનશાંતિ કરવા માટે કહ્યું છે. આ જનનશાંતિ જન્મ પછી બારમા દિવસે કરવામાં આવે છે. જન્મપત્રિકા બનાવી લેવામાં જો મોડું થાય, તો જનનશાંતિનો નિર્ધારિત સમય પલટાય છે. જનનશાંતિ જો વધારે મોડી કરીએ, તો તેની પરિણામકારકતા પણ ઓછી થાય છે.
૪. જન્મપત્રિકા બનાવનારા
જ્યોતિષીને કઈ જાણકારી આપવી ?
જન્મપત્રિકા અભ્યાસુ અને સદાચરણી જ્યોતિષી દ્વારા બનાવી લેવી. જ્યોતિષીને બાળકનો જન્મદિનાંક, જન્મસમય અને જન્મસ્થળની અચૂક જાણકારી કહેવી; કારણકે આ ત્રણ બાબતો પરથી જન્મપત્રિકા બનાવવામાં આવે છે. નવજાત બાળક વિશે કાંઈ વિચિત્ર જણાય તો તે પણ જ્યોતિષીને કહેવું, ઉદા. બાળકને જન્મતઃ દાંત હોવા, અવયવ વધારે હોવા અથવા ઓછા હોવા ઇત્યાદિ.
૫. જન્મપત્રિકા બનાવી લેવાનું મહત્ત્વ
જન્મકુંડળી દિશા અને કાળનો માનવી સાથે રહેલો સંબંધ દર્શાવે છે. પૂર્વજન્મમાં કરેલા સારાં અને નરસાં કર્મોંના ફળ માનવી પ્રારબ્ધ તરીકે આગળના જન્મમાં ભોગવે છે. વ્યક્તિનું પ્રારબ્ધ જાણી લેવા માટે કુંડળી આ એક માધ્યમ છે. જન્મકુંડળી દ્વારા જીવનમાં પ્રાપ્ત ઉપલબ્ધિઓ, કાળની અનુકૂળતા અને પ્રતિકૂળતા, સુખ-દુઃખ, અરિષ્ટ ઇત્યાદિનો બોધ થાય છે. તેથી આપણા જીવનનું સ્વરૂપ સમજાવા માટે જન્મપત્રિકા સહાયક પુરવાર થાય છે.
૬. જન્મપત્રિકા સાચવી રાખવી,
તેમજ સહજતાથી મળે એવા ઠેકાણે મૂકવી
જનોઈ, વિવાહ ઇત્યાદિ મંગળકાર્યોના પ્રસંગમાં, તેમજ કેટલીકવાર આપત્કાલીન પરિસ્થિતિમાં જન્મપત્રિકાની આવશ્યકતા હોય છે. જન્મપત્રિકા સરખી ન મૂકવાથી ખોવાઈ જાય તો અગવડ થાય છે, તેમજ તે ફરીવાર બનાવી લેવા માટે સમય અને પૈસાનો વ્યય થાય છે. તેથી જન્મપત્રિકા સાચવીને રાખવી, તેમજ સહેજે જડે એવા સ્થાન પર મૂકવી.’
– શ્રી. રાજ કર્વે, જ્યોતિષ વિશારદ, ગોવા. (૨૨.૧૦.૨૦૨૨)