અનુક્રમણિકા
- ૧. હિંદુ સંસ્કૃતિને જગત્વંદ્ય કરવામાં પ્રાચીન નગરી અયોધ્યાની મહત્ત્વની ભૂમિકા !
- ૨. જેની સાથે યુદ્ધ કરી શકાય નહીં, એવી સ્વર્ગતુલ્ય નગરી એટલે જ અયોધ્યા !
- ૩. ત્રક્ષાતેજથી ઝળકતી અયોધ્યા નગરી !
- ૪. અયોધ્યાને ફરીવાર વસાવનારા સમ્રાટ વિક્રમાદિત્ય !
- ૫. અયોધ્યાનું મહત્ત્વ પ્રતિપાદન કરનારા અન્ય કેટલાક ઐતિહાસિક ઉલ્લેખ !
- ૬. દક્ષિણ કોરિયા સાથે નજીકનો સંબંધ ધરાવતી અયોધ્યા !
- ૭. સહસ્રાવધી વર્ષોની મહાપ્રતાપી પરંપરાઓનો લાભ પ્રાપ્ત કરનારી અયોધ્યાનગરી !
હિંદુઓના આરાધ્ય ભગવાન પ્રભુ શ્રીરામચંદ્રનું જન્મસ્થાન અયોધ્યા નગરી ! સમય ઝડપથી સરકી રહ્યો હોય ત્યારે, ગૌરવશાળી ઇતિહાસનો અભ્યાસ અને આચરણ કરવું એ પણ હિંદુઓ માટે હિતકારી પુરવાર થશે. આ પાર્શ્વભૂમિ પર જાનકીવલ્લભનો જન્મ જે પવિત્ર નગરીમાં થયો, તે નગરીનો દેદીપ્યમાન ઇતિહાસ, હિંદુ સંસ્કૃતિના સંવર્ધનમાં તેણે આપેલું યોગદાન ઇત્યાદિ જાણકારી !
૧. હિંદુ સંસ્કૃતિને જગત્વંદ્ય કરવામાં
પ્રાચીન નગરી અયોધ્યાની મહત્ત્વની ભૂમિકા !
‘अयोध्या मथुरा माया काशी काञ्ची ह्यवन्तिका ।
पुरी द्वारावती चैव सप्तैता मोक्षदायिकाः ॥
અર્થ : અયોધ્યા (ઉત્તરપ્રદેશ), મથુરા (ઉત્તરપ્રદેશ), માયા એટલે હરિદ્વાર (ઉત્તરાખંડ), કાશી (ઉત્તરપ્રદેશ), કાંચી (તામિલનાડુ), અવંતિકા એટલે જ ઉજ્જન (મધ્યપ્રદેશ) અને દ્વારકા (ગુજરાત) આ મોક્ષ પ્રદાન કરનારાં સાત પવિત્ર સ્થાનો છે.
આ સપ્ત મોક્ષદાયિની પુણ્ય નગરીઓમાં પ્રથમ નામ લેવામાં આવે છે, તે નગરી એટલે અયોધ્યા ! ભારતની પ્રાચીન સનાતન સંસ્કૃતિ કેટલાંક સહસ્રો વર્ષો સુધી ફૂલીફાલી, વૃદ્ધિંગત થતી ગઈ. આ સંસ્કૃતિ અને સભ્યતાને વિખ્યાતિ આપવામાં, જગત્વંદ્ય કરવામાં, અર્થ પ્રદાન કરવામાં અનેક ઘટકોએ યોગદાન આપ્યું, તે ઘટકોમાંથી એક અત્યંત મહત્ત્વનું ઘટક એટલે આ પ્રાચીન નગરી અયોધ્યા !
૨. જેની સાથે યુદ્ધ કરી શકાય નહીં,
એવી સ્વર્ગતુલ્ય નગરી એટલે જ અયોધ્યા !
આ મનુનિર્મિત નગરી છે. તેની રચના કરવાનો વિચાર જ્યારે થયો, ત્યારે પોતાના સર્વ કૌશલ્યનો પરિચય કરાવતા દેવશિલ્પકાર વિશ્વકર્માએ આ નગરીની રચના કરી. સ્કંદપુરાણમાં અયોધ્યાનું વર્ણન છે. તેના રચનાકાર કહે છે અને તે સમયમાં મોટાભાગે શ્રદ્ધા હતી કે, આ પુણ્યનગરી શ્રીવિષ્ણુજીના સુદર્શન ચક્ર પર બિરાજમાન છે. અથર્વવેદમાં અયોધ્યાને પ્રત્યક્ષમાં ઈશ્વરની નગરી કહેવામાં આવી છે. ‘अष्टचक्रा नवद्वारा देवानां पूरयोध्या ।’ આ શબ્દોમાં અથર્વવેદ કહે છે કે, આ નગરીની સંપન્નતા અને વૈભવની શ્રેષ્ઠતા એ સ્વર્ગ જેટલી જ છે. આ નગરીને તેમણે ‘સ્વર્ગતુલ્ય’ કહી છે. આ નગરીનું નામ જ તેની વિશિષ્ટતા છે, તેની ઓળખાણ છે. ‘અ + યોધ્યા’, તેમાંનું ‘યૌધ્ય’ અર્થાત જેની સાથે યુદ્ધ કરી શકાય, એવો. તેનો અર્થ એમ કે, જે આપણને તુલ્યબળ છે. આ અર્થમાં ‘અયોધ્યા’ એટલે જેની સાથે યુદ્ધ કરી શકાય નહીં, એવી નગરી ! કૌશલ રાજ્યની રાજધાની, જેના તુલ્યબળ કોઈ જ નથી; જે અજેય છે, અતુલ્ય છે, તે એટલે અયોધ્યા. આ શબ્દશઃ સાર્થ કરી બતાવનારા જે નરપુંગવોએ આ નગરીનું રાજપદ ભૂષવ્યું, તે નામો પર કેવળ દૃષ્ટિક્ષેપ કરવાથી તેની પ્રતીતિ થશે.
૩. ત્રક્ષાતેજથી ઝળકતી અયોધ્યા નગરી !
સૂર્યપુત્ર વૈવસ્વત મનુએ અયોધ્યા નગરીનું નિર્માણ કર્યું. ‘શરયુ’ અર્થાત સર્જન કરનારી નદીના પરિસરમાં વૈવસ્વત મનુના મહાન પુત્ર ‘ઇક્ષ્વાકુ’એ રાજધર્મ, સમાજધર્મ અને વ્યક્તિધર્મોનું આચરણ કરનારી સંહિતા તેમના રાજ્યમાં લાગુ કરી. આગળના કાળમાં ‘સૂર્યવંશ’ તરીકે ઓળખવામાં આવેલા મહાપ્રતાપી કુળના આદ્ય તે આ જ ! આ જ કુળમાં આગળ જેમનો જન્મ થયો તે મહારાજા પૃથ ! એવું કહેવાય છે કે, ‘‘આ ધરિત્રીને જે ‘પૃથ્વી’ સંજ્ઞા પ્રાપ્ત થઈ છે, તે મહારાજા પૃથને કારણે જ ! જો તેનો અલગ અર્થ કરવો હોય, તો એમ કહી શકાશે કે, સર્વ પૃથ્વી જ પૃથુ રાજાના રાજ્યનો વિસ્તાર હતી. આ કુળમાંના મહારાજા ગંધાત્રીએ એકસો અશ્વમેધ અને એકસો રાજસૂય યજ્ઞ કર્યા અને તેમનું સ્વામીત્વ વિશ્વએ વારંવાર સ્વીકાર્યું. રાજા હરિશ્ચંદ્ર વિશે શું કહેવું ? દાન અને સત્યનિષ્ઠાનું પર્યાયી નામ જ રાજા હરિશ્ચંદ્ર છે. સાચા અર્થથી રાજયોગી.
દેવરાજ ઇંદ્રના આસનને ડોલાયમાન કરનારા મહારાજા સગર પણ આ જ કુળમાંના ! પ્રજાના હિત માટે સમસ્ત જીવોના કલ્યાણ માટે પોતાના તપોબળથી ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરિત કરનારા મહાતપસ્વી ભગીરથ રાજા પણ ‘સૂર્યવંશ’ કુળમાંના જ ! દસ રથીઓનું બળ જે એકલા વીરમાં છે, એવા મહાવીર રાજા દશરથ ! તો પછી તેમાં આશ્ચર્ય જ શું કે, આવા આ મહાન કુળમાં અને પુણ્યનગરીમાં પ્રત્યક્ષ પરમેશ્વરે પ્રભુ શ્રીરામના રૂપમાં અવતાર ધારણ કર્યો. શાક્ય વંશ પણ મૂળ ઇક્ષ્વાકુ વંશનો જ વિસ્તાર છે અથવા શાખા છે. સમ્રાટ અશોકના કાળમાં મૌર્ય સામ્રાજ્યમાં અયોધ્યા એક મોટું વેપારી કેંદ્ર પણ હતું. આ આવી અયોધ્યાની ક્ષાત્રતેજની પતાકા આકાશ આંબી રહી હતી.
૪. અયોધ્યાને ફરીવાર
વસાવનારા સમ્રાટ વિક્રમાદિત્ય !
ઉજ્જૈનના રાજા સમ્રાટ વિક્રમાદિત્ય અયોધ્યા ગયા હતા. તેમણે કાળના પ્રવાહમાં જીર્ણ થયેલી આ નગરીની અનેક વાસ્તુ અને દેવાલયોનો જીર્ણોદ્ધાર કર્યો. સમ્રાટે કેટલાંક નવા મંદિરોનું પણ નિર્માણ કર્યું. આ લગભગ ઇસવી સનના પ્રથમ શતકનો કાળ ! ટૂંકમાં કહીએ, તો વિક્રમાદિત્યએ અયોધ્યાને ફરી વસાવવાનો પ્રયત્ન કર્યો.
૫. અયોધ્યાનું મહત્ત્વ પ્રતિપાદન
કરનારા અન્ય કેટલાક ઐતિહાસિક ઉલ્લેખ !
વર્ષ ૧૫૭૪માં સંત તુલસીદાસે પોતાના સુપ્રસિદ્ધ ‘રામચરિતમાનસ’ આ ગ્રંથની રચનાનો આરંભ અયોધ્યામાં કર્યો. વર્ષ ૧૮૦૦માં ભગવાન શ્રી સ્વામીનારાયણે સ્વામીનારાયણ પંથની સ્થાપના કરી. તેમનું બાળપણ અયોધ્યામાં જ વ્યતીત થયું. આગળ જતાં ભગવાન સ્વામીનારાયણે પોતાની ૭ વર્ષોની ‘નીલકંઠ’ નામે યાત્રા અયોધ્યામાંથી ચાલુ કરી. શીખ સંપ્રદાયનો પણ અયોધ્યા સાથે નજીકનો સંબંધ છે. રામજન્મભૂમિ સંગ્રામમાં શીખ ગુરુઓનું પણ યોગદાન છે.
ઇસવી સનના ત્રીજા-ચોથા શતકમાં ‘ફા હીયાન’ નામના ચીની બૌદ્ધ ભિખ્ખુએ પોતાના પ્રવાસમાંની નોંધમાં અયોધ્યાનો ઉલ્લેખ કર્યો છે. તે કાળમાં ભારતીય સંસ્કૃતિનો ધ્વજ દસે દિશામાં તેજથી ફરકતો હતો. અયોધ્યાની ભૂમિ એ સાંસ્કૃતિક ભારતમાં વંદનીય હતી. આજના થાયલેંડમાંના ‘અયુદ્ધયા’ અને ઇંડોનેશિયામાંના ‘જોગજા/જોગજકાર્તા’ (યોગ્યકાર્તા) આ બન્ને નગરોનાં નામો અયોધ્યા પરથી પાડવામાં આવ્યાં છે અને તે આજે પણ તેમજ છે.
૬. દક્ષિણ કોરિયા સાથે
નજીકનો સંબંધ ધરાવતી અયોધ્યા !
તેરમા શતકમાંના દક્ષિણ કોરિયાના ‘સમગુક યુસા’ નામક ઇતિવૃત્તમાં (Chronicleમાં) ‘હિઓ વાંગ ઓક’ નામના પૌરાણિક રાણીનો ઉલ્લેખ છે. કોરિયાઈ ટાપુની દક્ષિણ દિશામાં ‘ગયા’ નામનું એક રાજ્ય હતું. ‘સુરો’ એ ગયા રાજ્યના સંસ્થાપક હતા. સુરો રાજાએ ભારતીય રાજ્યોમાંના ‘અયુતા’ સામ્રાજ્યની રાજકુમારી સાથે વિવાહ કર્યા. ‘અયુતા’ નામનું રાજ્ય એટલે મૂળ અયોધ્યા નામનું અપભ્રંશિત રૂપ છે.
આ સંદર્ભમાં એમ કહેવામાં આવે છે કે, રાણીના માતા-પિતાને તેમના સ્વપ્નમાં દૃષ્ટાંત થયો. તેમને ભગવાને એવી આજ્ઞા કરી કે, તમે તમારી દીકરીને એટલે જ કે રાજકન્યાને ‘સુરો’ રાજા પાસે મોકલીને તેની સાથે વિવાહ કરો ! સ્વપ્નદૃષ્ટાંત પ્રમાણે તેમણે રાજકન્યાને સેવકોસહિત (આજના) દક્ષિણ કોરિયા ભણી મોકલી આપી. લગભગ બે માસ દરિયાઈ પ્રવાસ કર્યા પછી રાજકન્યા ગયા રાજ્યમાં પહોંચી અને તે બન્ને જણ વિવાહબદ્ધ થયા. આજે કોરિયામાં પોતાને આ રાણીના વંશજ માનનારાઓની સંખ્યા મોટા પ્રમાણમાં છે. વર્ષ ૨૦૦૯માં આ રાણીના સન્માનાર્થે કોરિયાના પ્રતિનિધિમંડળે અયોધ્યામાં એક સ્મારક બાંધ્યું. હાલમાં જ વર્ષ ૨૦૧૬માં આ સ્મારકના જીર્ણોદ્ધાર માટે પણ કોરિયા વતી પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો. ૬ નવેંબર ૨૦૧૮ની દિવાળીમાં કોરિયાનાં રાણી ‘કીમ’એ સદર જીર્ણોદ્ધારનું ખાતમુહૂર્ત કર્યું.
૭. સહસ્રાવધી વર્ષોની મહાપ્રતાપી
પરંપરાઓનો લાભ પ્રાપ્ત કરનારી અયોધ્યાનગરી !
ઇતિહાસના આરંભથી તે આજસુધી અયોધ્યાનો ઉલ્લેખ સર્વ કાળમાં, સર્વ યુગોમાં થાય છે. પ્રત્યેક સ્થિત્યંતરની આ નગરી સાક્ષી છે. પછી તે સ્થિત્યંતરો રાજકીય હોય, કે સામાજિક અથવા ધાર્મિક કેમ ન હોય ! એમ નથી કે સંકટો આવ્યા જ નહીં, અસ્થિરતા આવી જ નહીં, પરચક્રો આવ્યા જ નહીં; પણ આ નગરીએ તેની ઓળખાણ ભૂંસાવા ન દીધી. મહાભારતના સભાપર્વમાં
‘अयोध्यायां तु धर्मज्ञं दीर्घयज्ञं महाबलम् ।
अजयत् पाण्डवश्रेष्ठो नातितीव्रेण कर्मणा ॥’
– મહાભારત, પર્વ ૨, અધ્યાય ૩૦, શ્લોક ૨
અર્થ : વૈશંપાયન રાજા જનમેજયને કહે છે, ‘‘ત્યાર પછી પાંડવશ્રેષ્ઠ ભીમસેન અયોધ્યા પહોંચ્યા અને ત્યાંના દીર્ઘયજ્ઞ નામના રાજાને સહજતાથી જીતી લીધા.’’
આ એ જ અયોધ્યા છે, જેણે ઇતિહાસનો આરંભ જોયો છે, જેણે પૃથુનો પરાક્રમ નિહાળ્યો છે, જેણે સત્યવતી હરિશ્ચંદ્ર જોયા છે, જેણે દૃઢ નિશ્ચયી ભગીરથ જોયા છે ! પોતાના પેટના કુમાર વયના રાજપુત્રોને ધર્મરક્ષણ માટે મહાભયંકર રાક્ષસો સાથે યુદ્ધ કરવા મોકલનારા રાજા દશરથ જોયા છે. આ અયોધ્યાએ જ ‘રામરાજ્ય’ નિહાળ્યું છે. આજે પણ આ જ અયોધ્યા હિંદુ તેજને જાગૃત કરી રહી છે અને તેમના પ્રતાપના પરિચયની સાક્ષી આગળની પેઢીને કહી રહી છે. અયોધ્યા ચિરંતન છે, અક્ષય્યી છે !