અનુક્રમણિકા
- ૧. કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી દેવીનું મહત્ત્વ વારાણસી ક્ષેત્ર કરતાં થોડું વધારે
- ૨. પ્રમુખ સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક પૂર્ણ પીઠ રહેલાં કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી દેવી !
- ૩. કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી આદિશક્તિ જગદંબાનું સ્વરૂપ !
- ૪. ‘મહાલક્ષ્મી’ શબ્દની વ્યુત્પત્તિ !
- ૫. કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી – માહાત્મ્ય !
- ૫ અ. માનતા પૂરી કરનારાં
- ૫ આ. ‘શ્રીવિષ્ણુ અહીં મહાલક્ષ્મીરૂપમાં રહ્યા છે’, એવું માનવામાં આવવું અને તેની ફરતે અનેક દેવતાઓનાં પવિત્ર સ્થાનો હોવાં
- ૫ ઇ. આ મંદિર અતિશય પ્રાચીન છે અને તેની રચના સર્વતોભદ્ર ચક્ર પર, અર્થાત્ એક વિશિષ્ટ તંત્રશાસ્ત્રીય આકારમાં કરવામાં આવી હોવી
- ૫ ઈ. મુસલમાનોના આક્રમણોથી દેવીની મૂર્તિ બચાવવા માટે તે સંતાડી રાખવી, પછી ૧૭મા શતકમાં તેની પુનઃ સ્થાપના કરવામાં આવવી
- ૫ ઉ. જૈન ધર્મીઓ શ્રી મહાલક્ષ્મીજીને ‘પદ્માવતી’ માનીને તેમની ભક્તિ કરતા હોવા
- ૫ ઊ. ‘તિરુપતિ બાલાજીના દર્શન પછી કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મીજીના દર્શન લીધા પછી જ તિરુપતિના દર્શન પૂર્ણ થયા’, એવું માનવામાં આવવું
કોલ્હાપુર (મહારાષ્ટ્ર)નાં શ્રી મહાલક્ષ્મી દેવી એ શક્તિપીઠ છે. અહીં શ્રી મહાલક્ષ્મી દેવી નિરંતર વાસ કરે છે. શ્રી મહાલક્ષ્મી દેવીનું દેવાલય હેમાડપંથી છે અને તે સાતમા શતકમાં બાંધવામાં આવ્યું છે.
૧. કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી
દેવીનું મહત્ત્વ વારાણસી ક્ષેત્ર કરતાં થોડું વધારે
‘भुक्तिमुक्तिप्रदं नृणां वाराणस्या यवाधिकम् ।’
– કરવીર માહાત્મ્ય, અધ્યાય ૨, શ્લોક ૨૫
અર્થ : (કરવીર ક્ષેત્ર) માનવીને ઐહિક સુખ અને મુક્તિ પ્રદાન કરનારું છે અને તે વારાણસી કરતાં થોડું વધારે જ શ્રેષ્ઠ છે.
‘કાશી ક્ષેત્રથી થોડું વધારે સરસ રહેલું, માનવીને ઐહિક સુખ અને મુક્તિ પ્રદાન કરનારું કરવીર ક્ષેત્ર ઇ.સ. પૂર્વ ૫મા અથવા ૬ઠ્ઠા શતકમાંનું છે’, એવું માનવામાં આવે છે. શ્રી મહાલક્ષ્મીની મૂર્તિ જે હિરકખંડ મિશ્રિત રત્નશિલાની બનાવી છે, તેના પરથી પણ આ દેવાલયની પ્રાચીનતા સિદ્ધ થાય છે. તથાપિ તામ્રપટનો પ્રાચીન પુરાવો ઇ.સ. ૮૭૧માંનો છે. સંજાણ, જિલ્લા થાણે ખાતે આ તામ્રપટ છે અને તેમાં
महालक्ष्मै स्ववामांगुलिं लोकोपद्रवशान्तये स्म दिशति श्रीवीरनारायणः ।
(રાષ્ટ્રકૂટ રાજા અમોઘવર્ષ પ્રથમ (વીરનારાયણ)નો સંજાન (થાણે) ખાતે જડેલો તામ્રપટ, શ્લોક ૪૭)
અર્થ : શ્રી વીરનારાયણે લોકો પરનું સંકટ દૂર કરવા માટે પોતાના ડાબા હાથની આંગળી શ્રી મહાલક્ષ્મીને અર્પણ કરી, એવો ઉલ્લેખ છે. તેની આજુબાજુના તામ્રપટ, શિલાલેખ અને પુરાણો આ દેવીનું પ્રાચીનત્ત્વ દર્શાવે છે.
૨. પ્રમુખ સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક
પૂર્ણ પીઠ રહેલાં કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી દેવી !
ત્રિપુરારહસ્યમાંના જ્ઞાનકાંડમાં ભારતનાં ૧૨ દેવીપીઠોનો ઉલ્લેખ છે અને તેમાં ‘करवीरे महालक्ष्मीः ।’, એવો ઉલ્લેખ છે. એટલું જ નહીં, જ્યારે તે પ્રમુખ સાડાત્રણ શક્તિપીઠોમાંથી એક છે.
૩. કરવીર નિવાસિની
શ્રી મહાલક્ષ્મી આદિશક્તિ જગદંબાનું સ્વરૂપ !
કરવીર નિવાસિની મહાલક્ષ્મીને આદિશક્તિ જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમનું વર્ણન આગળના શ્લોકમાં કર્યું છે.
सर्वस्याद्या महालक्ष्मीस्त्रिगुणा परमेश्वरी ।
लक्ष्यालक्ष्यस्वरूपा सा व्याप्य कृत्स्नं व्यवस्थिता ॥
– માર્કણ્ડેયપુરાણ, અધ્યાય ૧૪, શ્લોક ૪
અર્થ :ત્રિગુણાત્મિકા દેવી મહાલક્ષ્મી સર્વ વિશ્વનું મૂળ કારણ છે. તે સગુણ અને નિર્ગુણ છે અને તેણે સર્વ વિશ્વને વ્યાપ્ત કર્યું છે.
मातुलिङ्गं गदां खेटं पानपात्रं च बिभ्रती ।
नागं लिङ्गं च योनिं च बिभ्रती नृप मूर्धनि ॥
– માર્કણ્ડેયપુરાણ, અધ્યાય ૧૪, શ્લોક ૫
અર્થ : હે રાજન્, તેણે હાથમાં માતુલિંગ (બિજોરું નામના ઝાડનું ફળ), ગદા, ઢાલ અને અમૃતપૂર્ણ પાત્ર લીધું છે અને મસ્તક પર શેષનાગ તેમજ તેની નીચે શિવલિંગ અને યોનિને પણ ધારણ કર્યાં છે.
૪. ‘મહાલક્ષ્મી’ શબ્દની વ્યુત્પત્તિ !
अन्तरास्थाय सर्वस्य लक्षयत्यखिलां क्रियाम् ।
अपरिच्छिन्नशक्तिश्च महालक्ष्मीरिति स्मृता ॥ – લક્ષ્મીતંત્ર
અર્થ : બધાની અંદર રહીને સર્વ કર્મો જોનારાં, અનંત શક્તિસંપન્ન જે દેવી, તેને ‘મહાલક્ષ્મી’ માનવામાં આવે છે. તેમના હાથમાંના આયુધો પ્રતીકાત્મક છે અને ભુવનેશ્વરી સંહિતામાં તેનું સ્પષ્ટીકરણ આગળ જણાવ્યા પ્રમાણે છે.
અ. માતુલિંગ : કર્મસમૂહ
આ. ગદા : ઇચ્છાશક્તિ
ઇ. ઢાલ : જ્ઞાનશક્તિ
ઈ. પાનપાત્ર (જ્ઞાનામૃતનું પાત્ર) : તુર્યાવસ્થા (જ્ઞાન સાથે સંબંધિત ચાર અવસ્થા)
ઉ. લિંગ : પુરુષ
ઊ. યોનિ : પ્રકૃતિ
એ. નાગ : કાલ
આ સિવાય ‘નાગ એટલે બ્રહ્મા, લિંગ એટલે શિવ અને યોનિ એટલે વિષ્ણુ’, એવો પણ આ પ્રતીકોનો અર્થ કરીને આ દેવી બ્રહ્મવિષ્ણુશિવાત્મક હોવાનું પણ પ્રતિપાદન કર્યું છે.
૫. કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મી – માહાત્મ્ય !
૫ અ. માનતા પૂરી કરનારાં
‘આ દેવી માનતા પૂર્ણ કરનારાં છે’, એવું અનેક ઉપલબ્ધ દસ્તાવેજો પરથી સિદ્ધ થાય છે. અનેક રાજારજવાડાઓએ માનતા માનીને પોતાનું મનોરથ પૂર્ણ થયા પછી માનતા મૂકી હોવાનો ઉલ્લેખ દસ્તાવેજોમાં છે.
૫ આ. ‘શ્રીવિષ્ણુ અહીં મહાલક્ષ્મીરૂપમાં રહ્યા છે’,
એવું માનવામાં આવવું અને તેની ફરતે અનેક દેવતાઓનાં પવિત્ર સ્થાનો હોવાં
‘કરવીરક્ષેત્રને ‘મહામાતૃક’ કહે છે. અહીં શ્રીવિષ્ણુ મહાલક્ષ્મીરૂપમાં રહ્યા છે. એ ક્ષેત્રમાં પંચગંગા આ મુખ્ય નદી છે. કશ્યપાદિમુનિઓ તે નદીને મહત્ પ્રયત્નોથી અહીં લાવ્યા. આદિશક્તિનું આ મુખ્ય પીઠ ! તેની બન્ને બાજુએ જયંતી અને જિવંતી આ બે નદીઓ દેવીને પ્રદક્ષિણા ફરીને એકબીજાને મળે છે. દેવીની આઠ દિશાઓમાં ૮ શિવલિંગો છે. શેષશાહી મહાવિષ્ણુ ચારેય મહાદ્વારોનું રક્ષણ કરે છે. વાયવ્ય દિશામાં પ્રયાગ છે અને રુદ્રપદ, હાટકેશ્વર, વિશાલતીર્થ છે. દેવાલયની નજીક જ રંકભૈરવનું દેવાલય છે. નૈઋત્યમાં નંદવાળ ક્ષેત્રમાં પાંડુરંગ છે. પૂર્વ દિશા ભણી ઉજ્જ્વલાંબાદેવી (ઉજળાઈદેવી) છે તેમજ પશ્ચિમ દિશામાં સિદ્ધબટુકેશ અને દક્ષિણમાં કાત્યાયનીદેવી છે. ઉત્તર દિશામાં રત્નેશ્વર અને ત્ર્યંબુલી (ટેંબલાઈ) છે.
૫ ઇ. આ મંદિર અતિશય પ્રાચીન છે
અને તેની રચના સર્વતોભદ્ર ચક્ર પર, અર્થાત્ એક
વિશિષ્ટ તંત્રશાસ્ત્રીય આકારમાં કરવામાં આવી હોવી
ઉપલબ્ધ શિલાલેખ પરથી આ દેવાલય ઇ.સ.ના પહેલા કે બીજા શતકનું હોવાનું સિદ્ધ થાય છે. સંપૂર્ણ દેવાલય કાળા પથ્થરનું છે અને બાંધકામમાં ચૂનો કે સિમેંટનો ઉપયોગ કર્યો નથી. દેવાલયમાં અગણિત સ્તંભ છે અને બારણા સિવાય ક્યાંય પણ લાકડાનો ઉપયોગ કર્યો નથી. દેવાલયની રચના ત્રણ ગર્ભગૃહોની છે. આ મંદિર સર્વતોભદ્ર ચક્ર પર (એક વિશિષ્ટ તંત્રશાસ્ત્રીય આકાર) બાંધવામાં આવ્યું છે.
૫ ઈ. મુસલમાનોના આક્રમણોથી દેવીની
મૂર્તિ બચાવવા માટે તે સંતાડી રાખવી, પછી
૧૭મા શતકમાં તેની પુનઃ સ્થાપના કરવામાં આવવી
દક્ષિણમાં મુસલમાનોની ચઢાઈ થવા લાગી. ત્યારે શ્રી મહાલક્ષ્મીદેવીની મૂર્તિ કપિલતીર્થ નજીક એક પૂજારીના ઘરમાં સંતાડી રાખી હતી. સત્તરમા શતકની સમાપ્તિ સમયે આ મૂર્તિ ફરીવાર સદર દેવાલયમાં સ્થાપન કરવામાં આવી. વર્તમાનમાં નવરાત્રિમાં અહીં ભવ્ય ઉત્સવ ઊજવવામાં આવે છે.
૫ ઉ. જૈન ધર્મીઓ શ્રી મહાલક્ષ્મીજીને
‘પદ્માવતી’ માનીને તેમની ભક્તિ કરતા હોવા
આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ઉત્તર ભારતના અનેક લોકો તેમના ભક્ત છે. જૈન ધર્મીઓમાંથી કેટલાક લોકો ‘તેમના પુરાણમાંના આ શ્રી પદ્માવતીદેવી છે’, એવું માને છે અને તેમની ભક્તિ કરે છે.
૫ ઊ. ‘તિરુપતિ બાલાજીના દર્શન પછી
કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મીજીના દર્શન લીધા
પછી જ તિરુપતિના દર્શન પૂર્ણ થયા’, એવું માનવામાં આવવું
‘તિરુપતિ બાલાજીના દર્શન પછી કરવીર નિવાસિની શ્રી મહાલક્ષ્મીજીના દર્શન જ્યાં સુધી લેવામાં આવતા નથી, ત્યાં સુધી તિરુપતિના દર્શન પૂર્ણ થતા નથી’, એવી તિરુપતિના લોકોની શ્રદ્ધા છે. પ્રતિવર્ષ નવરાત્રિમાં ‘તિરુપતિ’ દેવસ્થાનમાંથી શ્રી મહાલક્ષ્મીદેવી માટે મહાવસ્ત્ર (શેલાસાડી) મોકલવામાં આવે છે.’
(સાભાર : ‘ગીતા મંદિર પત્રિકા’)
અન્ય લેખમાળા વાચોં https://www.sanatan.org/gujarati/category/hindu-dharma/deities/devi