અનુક્રમણિકા
૧. બાળપણ
બંગાળના કામારપુકુર ગામમાં વર્ષ ૧૮૩૬માં ગદાધરનો જન્મ થયો. ગદાધરના પિતાજીનું નામ ક્ષુદિરામ ચતર્જી, માતાનું નામ ચંદ્રામણીદેવી. નાનપણથી તેને શાળાના શિક્ષણમાં વિશેષ રુચિ ન હતી. શાળામાં શીખવાનો વિષય આવ્યો ત્યારે ગદાધરે કહ્યું, ‘મારે શાક-રોટલાની વિદ્યા નથી જોઈતી, ઈશ્વરના દર્શન થાય, તેવી વિદ્યા જોઈએ છે’. દેવપૂજા, ભજન, સત્સંગમાં રુચિ હતી. યુવાન વયમાં દક્ષિણેશ્વર ખાતે રહીને તેમણે કાલીમાતાની ઉપાસના કરી. વર્ષ ૧૮૪૩માં પિતાજીના મૃત્યુ પછી કુટુંબનો ભાર તેમના મોટાભાઈ રામકુમારે સ્વીકાર્યો. આ ઘટનાનું ગદાધરના મન પર ઊંડું પરિણામ થયું. વર્ષ ૧૮૫૫માં કલકત્તાના અસ્પૃશ્ય કૈવર્ત સમાજના એક ધનવાન જમીનદાર પત્ની રાણી રાસમણીએ દક્ષિણેશ્વર મંદિરની પ્રતિષ્ઠાપના કરી. રામકુમાર તે મંદિરના પ્રમુખ પૂજારી બન્યા. વર્ષ ૧૮૫૬માં રામકુમારના મૃત્યુ પછી ગદાધરે તેમની જગ્યા લીધી. રામકુમારના મૃત્યુ પછી રામકૃષ્ણની ભાવતન્મયતા વૃદ્ધિંગત થઈ. કાલીમાતાને તેઓ માતા અને વિશ્વજનનીના ભાવથી જોવા લાગ્યા. આ કાળમાં તેઓ દેવીના દર્શન માટે વ્યાકુળ બની ગયા.
તેમના ગુરુ તોતાપુરી મહારાજના માર્ગદર્શન અનુસાર સાધના કરીને ગદાધરે ‘પરમહંસ’ પદ પ્રાપ્ત કર્યું. એ જ ગદાધરને લોકો ‘રામકૃષ્ણ પરમહંસ’, આ નામથી ઓળખવા લાગ્યા. શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ બન્ને પોતાના હૃદયમાં વસે છે, એવું તેઓ કહેતા. સહસ્રો લોકોએ તેમનું શિષ્યત્વ સ્વીકાર્યું. તેમાંના કેટલાક પશ્ચિમી દેશોમાંથી પણ હતા. તેમના કાર્યની ધુરા સ્વામી વિવેકાનંદે સમર્થતાથી સંભાળી લીધી.
૨. વિવાહ
વર્ષ ૧૮૫૯માં વય વર્ષ ત્રેવીસે જયરામવાટીના રામચંદ્ર મુખોપાધ્યાયની પાંચ વર્ષની દીકરી શારદામણી સાથે તેમનો વિવાહ થયો. પણ લૌકિક અર્થમાં તેમણે વિવાહ જીવનનો સ્વીકાર ન કર્યો. આગળ જતા શારદામણીએ શ્રીરામકૃષ્ણ પરમહંસનું શિષ્યત્વ સ્વીકાર્યું અને તેઓ શારદા દેવીના નામથી ઓળખાવા લાગ્યાં.
૩. સાધના
શ્રીરામકૃષ્ણ પરમહંસની ઈશ્વરભક્તિ ઉત્કટ થતી જઈ રહી હતી. મંદિર પાસેના પંચવટીમાંના વડલાના ઝાડ નીચે તેઓ રાત્રે જતા અને ધ્યાનધારણા કરતા. રાત-દિવસ તેમનું ભાન નષ્ટ થતું હતું. ‘માતા, દર્શન આપો’ એવો આક્રોશ તેઓ કરતા હતા. આ સમયે તેમને ભૂખ-તરસ અથવા શરીર પરનાં વસ્ત્રોનું પણ ભાન રહેતું નહોતું. અંતે એક દિવસ આવેગના જોશમાં ગર્ભગૃહમાંના કાલીમાતાનું ખડ્ગ લીધું અને પોતાની ડોક પર ચલાવવાના હતા, એટલામાં જગન્માતાના તેમને દર્શન થયાં. ત્યાર પછી તેમનું બધું જ દૈનંદિન જીવન ઈશ્વર અનુભવના પ્રકાશમાં તેજમય બની ગયું. વિવાહ પછી ફરીવાર તેમણે મંદિરનું કામકાજ જોવાનો આરંભ કર્યો. ૧૬ ઑગસ્ટ ૧૮૮૬ના દિવસે કોલકાતા ખાતે શ્રીરામકૃષ્ણ પરમહંસે દેહત્યાગ કર્યો.
૪. શ્રીરામકૃષ્ણ પરમહંસે અન્ય
રૂપોમાંના દૈવી તત્ત્વ અને ભક્તિની
વિવિધ પદ્ધતિઓ જાણી લેવા માટે કરેલા પ્રયત્ન !
૪ અ. શ્રીરામના દર્શન માટે હનુમાનની જેમ તાલાવેલી લાગવી
રામકૃષ્ણ અન્ય રૂપોમાંના દૈવી તત્ત્વ અને ભક્તિની વિવિધ પદ્ધતિઓ જાણી લેવા માટે આગળ ધપતા ગયા. રામાયણમાં શ્રીરામના દર્શન માટે હનુમાનજીને જેવી લગની લાગી હતી, તેવી તેમને પણ લાગી. જ્યારે રામકૃષ્ણએ હનુમાનજી જેવો શ્રીરામને અનુભવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમની ભક્તિમાં તેઓ એટલી તીવ્રતાથી તલ્લીન થઈ ગયા કે, તેમણે વાનરના લક્ષણો આત્મસાત કરવાનો આરંભ કર્યો. અંતે તેમને શ્રીરામ પ્રભુના દર્શન થયા.
૪ આ. ગોપીની જેમ શ્રીકૃષ્ણના દર્શનની ઇચ્છા થવી
‘ભગવાન કૃષ્ણ સાથે રહેતી સમયે અને તેમની ભક્તિ કરતી સમયે ગોપીઓને તેમના દર્શનની ઇચ્છા થતી હતી, તે પ્રમાણે રામકૃષ્ણને શ્રીકૃષ્ણના દર્શનની ઇચ્છા થઈ. એક સ્ત્રીના દૃષ્ટિકોણમાંથી શ્રીકૃષ્ણની ભક્તિ કરતી વેળાએ તેઓ સ્ત્રી જેવા દેખાવા અને વર્તન કરવા લાગ્યા. તેમનું વર્તન એટલું તો સ્ત્રી જેવું થઈ ગયું કે, અન્ય લોકો તેમને પ્રત્યક્ષમાં સ્ત્રી માનવા લાગ્યા. તેમણે પોતાનામાં એક સ્ત્રીની જેમ શ્રીકૃષ્ણના દર્શનની ખેંચ જાગૃત કરી અને અંતે તેમને શ્રીકૃષ્ણજીના દર્શનનો લાભ થયો.’