ધર્મના પ્રકાર (ભાગ ૨)

Article also available in :

ધર્મના અન્ય પ્રકાર જાણી લેવા માટે આ લેખનો પહેલો ભાગ ‘ધર્મના પ્રકાર (ભાગ ૧)’ વાંચો !

તે માટે જુઓ :    https://www.sanatan.org/gujarati/11886.html

ધર્મના પ્રકાર (ભાગ ૧) માં આપણે સામાન્યધર્મ (નીતિધર્મ, આત્મગુણ), વર્ણધર્મ, જાતિધર્મ, આશ્રમધર્મ, વર્ણાશ્રધર્મ, ગુણધર્મ, નિમિત્તધર્મ, આપદ્ધર્મ એમ મર્યાદિત અર્થમાં ધર્મના વિવિધ પ્રકાર જોયા.

ધર્મના શેષ પ્રકાર આ લેખમાં જોઈએ.

 

૯. શ્રૌત, સ્‍માર્ત અને શિષ્‍ટ આદિનો ધર્મ

‘આમાંથી શ્રૌતધર્મ સહુથી મહત્ત્વનો અને શિષ્‍ટધર્મ સહુથી કનિષ્‍ઠ છે.

૯ અ. શ્રૌતધર્મ (શ્રૌતાચાર)

શ્રુતિ એટલે વેદ. આમાં જેમનું વિવેચન કરવામાં આવેલું છે, જેમ કે અગ્‍નિની ઉપાસના, દશપૂર્ણમાસ અને સોમયાગ જેવા યજ્ઞનો સમાવેશ શ્રૌતધર્મમાં કરવામાં આવ્‍યો છે.

૯ આ. સ્‍માર્તધર્મ (સ્‍માર્તાચાર)

સ્‍મૃતિમાં વર્ણન કરવામાં આવેલાં વર્ણોના અને આશ્રમોના નિયમ અને આચારનો સમાવેશ સ્‍માર્તધર્મમાં કરવામાં આવ્‍યો.

૯ ઇ. શિષ્‍ટધર્મ (શિષ્‍ટાચાર)

સમાજની પ્રતિષ્‍ઠિત વ્‍યક્તિના આચાર પરથી જેનું જ્ઞાન થાય છે, એવા નિયમોનો સમાવેશ શિષ્‍ટાચારમાં કરવામાં આવ્‍યો.’

 

૧૦. સ્‍ત્રીધર્મ

अ. भर्तुः शुश्रूषया नारी लभते स्‍वर्गमुत्तम ।

अपि या निर्नमस्‍कारा निवृत्ता देवपूजनात् ॥

– વાલ્‍મીકિરામાયણ, અયોધ્‍યાકાંડ, સર્ગ ૨૪, શ્‍લોક ૨૬

અર્થ : (રામ કૌસલ્‍યાને કહે છે,) ‘‘જે સ્‍ત્રી દેવી-દેવતાઓને નમસ્‍કાર કરતી નથી અથવા તેમની પૂજા કરતી નથી, કેવળ ભરથારની (પતિની) શુશ્રૂષા કરે છે, તે સ્‍ત્રીને ઉત્તમ સ્‍વર્ગ પ્રાપ્‍ત થાય છે.’’

आ. पतिर्हि देवो नारीणां पतिर्बन्‍धुः पतिर्गति : ।

पत्‍या समा गतिर्नास्‍ति दैवतं वा यथा पतिः ॥

– મહાભારત, અનુશાસનપર્વ, અધ્‍યાય ૧૪૩, શ્‍લોક ૫૫

અર્થ : પતિ એજ સ્‍ત્રીઓનો દેવ, પતિ એજ બાંધવ અને પતિ એજ આશ્રયસ્‍થાન.  ‘સ્‍ત્રીઓને પતિ વિના ગતિ નથી.’ પતિ એ ખરેખર દેવ સમાન છે.

ઇ. વિષ્‍ણુ અને તુલસી : પુરાણમાં જાલંધર નામના દૈત્‍યની કથા છે. જાલંધરની પત્ની વૃંદા મોટી પતિવ્રતા હતી. જાલંધરે દેવો પર અનેક વાર આક્રમણ કર્યું; પણ પ્રત્‍યેક વેળાએે વૃંદાના પાતિવ્રત્‍યને કારણે તેનું દેવોથી રક્ષણ થયું. તેથી તે ઉન્‍મત્ત થયો હતો. આ માટે એક વાર શ્રીવિષ્‍ણુએ જાલંધરનું રૂપ ધારણ કરીને વૃંદાનું પાતિવ્રત્‍ય ખંડિત કર્યું. આ વાતની જાણ થયા પછી વૃંદાએ વિષ્‍ણુને ‘તુ પથ્‍થર થઈશ’, એવો શાપ આપ્‍યો. વિષ્‍ણુએ પણ તેને ‘તુ વનસ્‍પતિ થઈશ’, એવો શાપ આપ્‍યો. પરિણામે ભગવાન વિષ્‍ણુ શાલિગ્રામ થયા અને વૃંદા તુલસી થઈ. આપણે શાલિગ્રામ પર તુલસી ચડાવીએ છીએ અને પ્રબોધિની અગિયારસ પર તુલસીના ભગવાન સાથે વિવાહ પણ કરાવીએ છીએ.

ઈ. ‘વાચસ્‍પતિ મિશ્ર ઇ.સ. ૯ મી સદીના એક સર્વોત્‍કૃષ્‍ટ પંડિત અને ટીકાકાર હતા. વૈશેષિક દર્શન સિવાય અન્‍ય સર્વ દર્શનો પર એમણે ટીકાઓ લખી છે. પ્રત્‍યેક દર્શન પર એમણે પોતાના સ્‍વતંત્ર વિચાર પ્રસ્‍તુત કર્યા છે; તેથી એમને ‘સર્વતંત્રસ્‍વતંત્ર’ એવી ગૌરવશાળી પદવી મળી હતી. તેમના સમયના તેઓ અદ્વૈતમતના સર્વશ્રેષ્‍ઠ આચાર્ય હતા. તેમના પછીના સર્વ આચાર્યોએ તેમના અભિપ્રાયો પ્રમાણ માન્‍ય કરેલા છે. શાંકરભાષ્‍ય પર એમણે ‘ભામતી’ નામક ટીકા લખેલી છે. શાંકરમત સમજી લેવા માટે આ ટીકાનું અધ્‍યયન આવશ્‍યક માનવામાં આવે છે. ગ્રંથલેખન કાર્યમાં એ કેટલા તન્‍મય થતા હતા અને તે વેળાએ તેમને બાહ્ય જગતનું કેટલું વિસ્‍મરણ થતું હતું; એ વિશે એક આખ્‍યાયિકા (કથા) કહેવામાં આવે છે, તે આ પ્રમાણે – એક વખત શારીરિક ભાષ્‍ય પર ટીકા લખી રહ્યા હતા ત્‍યારે રાત્રે તેમના કક્ષનો દીવો બુઝાઈ ગયો. તેમના પત્નીએ ઘરમાંથી આવીને ફરીથી દીવો પ્રજ્‍વલિત કર્યો અને કેટલોક સમય તે ત્‍યાં જ ઊભી રહી. તેને ત્‍યાં ઊભી રહેલી જોઈને વાચસ્‍પતિ મિશ્રાએ તેને પૂછ્‌યું, ‘‘તું કોણ છે ?’’ પત્નીએ ઉત્તર આપ્‍યો, ‘‘હું આપની દાસી છું.’’ તેના પર તેમણે ફરી પૂછ્‍યું, ‘‘તને મારી પાસે કાંઈ માંગવું છે કે કેમ ?’’ તેણે ઉત્તર આપ્‍યો, ‘‘પતિસેવા એ હિંદુ સ્‍ત્રીનો પરમ ધર્મ છે. આપના ચરણોની સેવા કરવા મળી તેથી મારું જીવન કૃતાર્થ (ધન્‍ય) થયું છે. મને અન્‍ય કાંઈજ ઇચ્‍છા નથી. આપના ચરણો પર મસ્‍તક મૂકીને આપના પહેલાં જ આ જગત્‌માંથી વિદાય લેવી, એટલી જ મારી ઇચ્‍છા છે.’’ તેના વેણ સાંભળીને ‘આ પોતાની પત્ની છે’, એ વાચસ્‍પતિના ધ્‍યાનમાં આવ્‍યું અને તે પ્રસન્‍ન થયા. તેમણે પત્નીને કહ્યું, ‘‘હિંદુ સ્‍ત્રીઓમાં તુ આદર્શ છે. આ દેહ ક્ષણભંગુર છે. તેનો નાશ થવાનો જ છે; પણ હું તને અમર કરીશ. મારી આ ટીકા તારા ‘ભામતી’ નામથી જ પ્રખ્‍યાત થશે.’’ આ રીતે તેમણે પોતાના શાંકર ભાષ્‍ય પરની ટીકાનું નામ ‘‘ભામતી’’ રાખ્‍યું અને પત્નીનું નામ અમર કર્યું. લોકો પણ તેને ભામતીકાર તરીકે જ ઓળખવા લાગ્‍યા.’

ઉ. પ્રશ્‍ન : પતિનું ક્યારે ન સાંભળવું ?

શ્રી ગુલાબરાવ મહારાજ : વૈદિક ધર્મ છોડી દીધો હોય ત્‍યારે અને રોગી હોવા છતાં અપથ્‍ય માગતો હોય તો પતિ જ શું, પણ કોઈપણ વડીલોનું (વૃદ્ધોનું) સાંભળવું નહીં.’

 

૧૧. સતીધર્મ

પતિના મૃત્‍યુ પછી તેના મૃતદેહ સાથે આત્‍મદહન કરનારી સ્‍ત્રીને ‘સતી’ કહેવામાં આવે છે. જ્‍યારે કોઈ વિધવા સ્‍ત્રી પતિની ચિતા પર ચઢીને તેના મૃતદેહ સાથે બળી જાય છે, ત્‍યારે તે કૃત્‍યને સહમરણ અથવા સહગમન અથવા અન્‍વારોહણ એમ કહે છે. જ્‍યારે પતિનું અન્‍ય ઠેકાણે દહન કરેલું હોય છે અને તેની વિધવા પતિના અસ્‍થિ સાથે અથવા પાવડીઓ સમેત અથવા અન્‍ય કોઈ સ્‍મારક ન હોય ત્‍યારે કેવળ પોતાને બાળી નાખે છે; આ ક્રિયાને અનુમરણ કહે છે.’

‘જો બાળક નાનું હોય, સ્‍ત્રી ગર્ભવતી હોય અથવા તે સમયે રજસ્‍વલા હોય, તો તેણે સહગમન કરવું નહીં.’

૧૧ અ. સતી જવા પાછળનું તત્ત્વ

પ્રશ્‍ન : ‘પતિ સાથે જે સ્‍ત્રીઓ સતી જાય છે, તેઓ પ્રેમ વિના કેવી રીતે જઈ શકે ?

શ્રી ગુલાબરાવ મહારાજ : પ્રેમને લીધે જે સતી જાય છે, તેઓ નરકમાં જાય છે. કેવળ ‘સહગમન કરવું જોઈએ’ એ શાસ્‍ત્રને કારણે જેઓ સતી જાય છે, તેઓ મુક્ત થાય છે.

પ્રશ્‍ન : તો પછી પ્રેમથી કરવામાં આવેલો ધર્મ કશાય ઉપયોગનો નહીં ?

શ્રી ગુલાબરાવ મહારાજ : અર્થાત નહીં. ધર્મશાસ્‍ત્ર કહે ત્‍યાંજ પ્રેમ કરવો જોઈએ !

સાચો શિષ્‍ય ગુરુ નરકમાં ગયા હોય, તો તેમની સાથે નરકમાં જવા માટે સજ્‍જ હોય છે. તેવી જ રીતે સાચી પતિવ્રતા પતિના મૃત્‍યુ પછી ‘હવે આ જીવનમાં કોઈ અર્થ નથી’ એ વિચાર થકી સતી જતી હોય છે. તેને જ મુક્તિ મળતી હોય છે. કેવળ પતિ પરના પ્રેમને લીધે, એટલે કે તેના વિરહનું દુઃખ સહન ન થવાથી, એટલે ભાવનાવશ સતી જનારી સ્‍ત્રીને મુક્તિ મળતી નથી, એવું ઉપરોક્ત વિવેચનમાંથી શ્રી ગુલાબરાવ મહારાજને સૂચવવું છે.

 

૧૨.વ્‍યષ્‍ટિ અને સમષ્‍ટિ ધર્મ

‘ધર્મ બે લક્ષણાત્‍મક છે – પ્રવૃત્તિ અને નિવૃત્તિ. પ્રવૃત્તિ ધર્મ એ રાષ્‍ટ્રનો હોઈ શકે. અર્થાત તેમાં સમષ્‍ટિગતતા અને વ્‍યષ્‍ટિગતતાનો વિચાર આવે જ છે. આ વિચારને જ સાપેક્ષતા કહી શકીએ. નિવૃત્તિ ધર્મ એ કેવળ વ્‍યષ્‍ટિગત જ હોઈ શકે. તેથી વ્‍યષ્‍ટિનો ધર્મ અહિંસા હોઈ શકે; કારણકે તે ઠેકાણે વ્‍યવહાર વર્જ્‍ય કરવો એ સાધનાનો મોટો ભાગ હોય છે. તેવું રાષ્‍ટ્રનું નથી. તે ઠેકાણે વ્‍યવહાર સાથે નિત્‍ય સંબંધ આવે છે. ત્‍યારે તે ઠેકાણે અહિંસા જે બ્રાહ્મતેજ છે, તેની સાથે ક્ષાત્રતેજ આવશ્‍યક હોય છે. તેથી તે વ્‍યવહારમાં અહિંસાને કારણે સત્‍યનો નાશ થાય છે, તે અહિંસા ટાળી દઈ શકાય છે, એટલે તે ઠેકાણે હિંસા જ અહિંસા (ધર્મ) થાય છે અને જે સત્‍યને કારણે અહિંસાનો નાશ થતો હશે, એવા વ્‍યવહાર ટાળવા પડે છે. એવા વ્‍યવહાર ટાળતી વેળાએ તે ઠેકાણે અસત્‍ય જ સત્‍ય થાય છે.’  – પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે મહારાષ્‍ટ્ર.

 

૧૩. રાષ્‍ટ્રધર્મ (સમષ્‍ટિધર્મ)

રાષ્‍ટ્રના હિત માટે પોતાની સાધના તરીકે પ્રયત્ન કરવા, એ રાષ્‍ટ્રધર્મ થયો.

 

૧૪ અન્‍ય

કુળધર્મ, સ્‍વભાવધર્મ, નેમધર્મ ઇત્યાદિ વિશિષ્‍ટ અર્થવાચક અનેક ધર્મ કહેવામાં આવ્‍યા છે.

આ વાંચીને હિંદુઓમાં ધર્માભિમાન વૃદ્ધિંગત થાય એ જ અપેક્ષા !

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘ધર્મ’

Leave a Comment