ધર્મના પ્રકાર (ભાગ ૧)

Article also available in :

પ્રસ્‍તુત લેખમાં આપણે ધર્મના વિવિધ પ્રકાર જોવાના છીએ. અન્‍ય કોઈપણ પંથ દ્વારા કરવામાં આવ્‍યો નહીં હોય, એવી દરેક બાબતનો ઉંડાણપૂર્વક વિચાર હિંદુ ધર્મએ કેવી રીતે કર્યો છે, એ આ લેખમાંથી ધ્‍યાનમાં આવશે.

મર્યાદિત અર્થમાં ધર્મના નીચે જણાવવામાં આવેલા વિવિધ પ્રકાર છે.

 

૧. સામાન્‍યધર્મ (નીતિધર્મ, આત્‍મગુણ)

क्षमा सत्यं दमः शौचं दानमिन्द़्रियसंयमः ।
अहिंसा गुरुशुश्रूषा तीर्थानुसरणं दया ॥
आर्जवं लोभशून्यत्वं देवब्राह्मणपूजनम् ।
अनभ्यसूया च तथा धर्मः सामान्य उच्यते ॥

– વિષ્‍ણુધર્મ સૂત્ર, અધ્‍યાય ૨, સૂત્ર ૧૬, ૧૭

અર્થ : ક્ષમા, સત્‍ય, મનનું સંયમન કરવું, શૌચ, દાન, ઇંદ્રિયોનો નિગ્રહ કરવો, અહિંસા, ગુરુની સેવા કરવી, તીર્થયાત્રા, દયા, ઋજુતા (પ્રામાણિકતા), નિર્લોભી વલણ હોવું, દેવ અને બ્રાહ્મણનો સત્‍કાર કરવો અને કોઈની પણ નિંદા ન કરવી, આને સામાન્‍યધર્મ કહે છે.

ગૌતમ ધર્મસૂત્રમાં આ ઉપર જણાવવામાં આવેલા નીતિધર્મના ગુણોને ‘આત્‍મગુણ’ કહ્યા છે. તે સહુને એક સરખા જ લાગુ પડે છે. આ સામાન્‍યધર્મમાં ચોદનાલક્ષણ અને અભ્‍યુદય-નિઃશ્રેયસલક્ષણ એવા ઉભયવિધ (બન્ને પ્રકારના) ધર્મોનો સમાવેશ થાય છે.

 

૨. વર્ણધર્મ

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્‍ય અને શુદ્ર ચાર વર્ણ છે. જે તે વર્ણને લાગુ પડનારા ધર્મને વર્ણધર્મ કહે છે.

 

૩. જાતિધર્મ

ગૌતમ (ધર્મસૂત્ર ૧૧.૨૦) કહે છે કે, જાતિધર્મ વેદોના વિરોધમાં ન હોય, તો તેને પ્રમાણ સમજવો.

 

૪. આશ્રમધર્મ

બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્‍થાશ્રમ, વાનપ્રસ્‍થાશ્રમ અને સંન્‍યાસાશ્રમ આ ચાર આશ્રમ છે. આશ્રમધર્મ એ વિશિષ્‍ટ આશ્રમ પૂરતો જ હોય છે.

 

૫. વર્ણાશ્રમધર્મ

આ વિશિષ્‍ટ વર્ણના માણસને વિશિષ્‍ટ આશ્રમમાં જ લાગુ પડે છે, ઉદા. બ્રાહ્મણ બ્રહ્મચારીએ ખાખરાના ઝાડનો દંડૂકો અને મૃગનું ચર્મ લેવું.

 

૬. ગુણધર્મ

જે ભૂમિકામાં અથવા અધિકારપદ પર માણસ હશે, તેને અનુસરીને કરવાનું કર્તવ્‍ય, ઉદા. રાજા, પછી તે ગમે તે વર્ણનો હોય, તેણે પ્રજાનું પાલન કરવું જોઈએ ઇત્‍યાદિ. પંચમહાભૂતોના ગુણોને પણ ગુણધર્મ કહે છે, ઉદા. પાણીનો ગુણધર્મ છે ઠંડાપણું, પ્રવાહિતા, ઊંચા વિસ્‍તારમાંથી નીચેના ભાગ ભણી વહેતા જવું ઇત્‍યાદિ. આ બાબતોને આપણે આધુનિક ભાષામાં વિજ્ઞાન સમજીએ છીએ; પરંતુ ભારતીય સંસ્‍કૃતિમાં તેને ‘સ્‍વભાવ’ એમ કહે છે. અહીં ‘સ્‍વ’નો અર્થ ઈશ્‍વર એમ લેવો રહ્યો. ઈશ્‍વર જે રીતે એકાદ વસ્‍તુમાંથી પ્રગટ થાય છે, એ તેનો સ્‍વભાવ થયો કહેવાય.

 

૭. નિમિત્તધર્મ

પ્રસંગ અનુસાર બનવા પામેલી બાબતોને કારણે જ અલગ આચરણ કરવું પડે છે, તેને ‘નિમિત્તધર્મ’ કહે છે. ઉદા. નવરાત્રિમાં ‘અખંડ દીપપ્રજ્‍વલન’ કરવામાં આવે છે. ત્‍યારે કોઈ કારણસર દીવો બુઝાઈ જાય, તો તેને ફરીથી પ્રજ્‍વલિત કરીને પ્રાયશ્‍ચિત્ત તરીકે અધિષ્‍ઠાત્રી દેવતાનો ૧૦૮ વેળાં જપ કરે છે.

 

૮. આપદ્ધર્મ

આપદ્ધર્મ એટલે ‘आपदि कर्तव्‍यो धर्मः ।’ એટલે કે આપદામાં (વિપત્તિમાં) આચરણ કરવાનો ધર્મ. ચાતુર્વર્ણ્‍ય પદ્ધતિમાં દરેક વર્ણના ધાર્મિક કર્તવ્‍યો નિયુક્ત કરેલાં હોય છે. ‘કેટલીક વાર દિવ્‍ય-ભૌમ (આધિદૈવિક, આધિભૌતિક) ઉત્‍પાત, રાજ્‍યક્રાંતિ, દુકાળ, નિર્વાસન (સ્‍થળાંતર) ઇત્‍યાદિ જેવા આકસ્‍મિક કારણો થકી વર્ણવ્‍યવસ્‍થા બગડે છે અને લોકોને વર્ણ અનુસાર કર્મો કરવાનું અશક્ય થઈ જાય છે. વર્ણ પ્રમાણે ચીંધેલા કર્મો ન કરી શકવાથી આજીવિકા માટે નડતર નિર્માણ થાય છે. એવી સ્‍થિતિમાં એક વર્ણએ અન્‍ય વર્ણનો ધર્મ અપવાદ તરીકે સ્‍વીકારવામાં વાંધો નથી, એવી શાસ્‍ત્રએ સુવિધા કરી છે. આ સુવિધાને જ આપદ્ધર્મ કહે છે. આવી પડેલી વિપત્તિ ટળી ગયા પછી અથવા સમાજની રચના પૂર્વવત્ થઈ ગયા પછી, જે તે માણસે પ્રાયશ્‍ચિત્ત લઈને જેનો તેનો ધર્મ પુનશ્ચ (વળી પાછો ફરીથી) સ્‍વીકારી લેવો, એવો નિયમ પણ ધર્મશાસ્‍ત્રમાં નોંધાયેલો છે.’

૮ અ. આપત્‍કાળના પ્રકાર અને તેના માટેના ઉપાય

‘સર્વકાંઈ અનુકૂળ હોવાથી ધર્મ અનુસાર વર્તન કરવું સરળ થાય, એને સંપત્‍કાળ કહેવાય. તે એક પ્રકારનો છે. એથી વિપરીત આપત્‍કાળ છે. તેના નીચે જણાવ્‍યા પ્રમાણે ત્રણ પ્રકાર છે.

૧. દૈવિક આપત્‍કાળ : દુકાળ ઇત્‍યાદિને કારણે પ્રાપ્‍ત થયેલો તે દૈવિક આપત્‍કાળ છે.

૨. ભૌતિક આપત્‍કાળ : દુશ્‍મન દ્વારા પ્રાપ્‍ત થયેલો તે ભૌતિક આપત્‍કાળ છે.

૩. આપરાધિક આપત્‍કાળ : પોતાની ભૂલને કારણે ગુરુજનો પાસેથી પ્રાપ્‍ત થયેલી શિક્ષા એટલે આપરાધિક આપત્‍કાળ છે.

સમયનિરીક્ષણ અથવા પૂજા-હોમ આદિ થકી પહેલો આપત્‍કાળ નષ્‍ટ થાય છે. નીતિ અને પરાક્રમના સંયોગથી બીજા આપત્‍કાળમાંથી ઉગરી જઈ શકાય છે. ત્રીજો આપત્‍કાળ કેવળ ભયંકર અને સર્વનાશક છે તથાપિ તે ફળદાયી થયો ન હોય તો સદ્ધર્મ થકી અને ભક્તિ થકી  તેમાંથી પાર ઊતરી જઈ શકાય છે.’  – શ્રી ગુલાબરાવ મહારાજ

૮ આ. આપદ્ધર્મનું સ્‍વરૂપ સમજી લેવું મહત્ત્વનું !

પ્રશ્‍ન : આપત્‍કાળમાં અધર્મનો ધર્મ અને ધર્મનો અધર્મ શા માટે થાય છે ?

શ્રી ગુલાબરાવ મહારાજ : આગમ કહે છે તેથી ! કારણ કે ધર્મમાં શાસ્‍ત્ર જ પ્રમાણ છે. રાજ્‍યવ્‍યવસ્‍થામાં જેમ પ્રસંગ અનુસાર દંડક (કાયદાઓ) હોય છે, તેવી જ આ આગમની (ધર્મશાસ્ત્રની) વ્‍યવસ્‍થા છે.’

‘આપદ્ધર્મ એ નીતિ અને ધર્મના મિશ્રણને કારણે થયા છે; તથાપિ તેમાં વૈદિક ધર્મનું શુદ્ધ સ્‍વરૂપ નજરે પડે છે, તેથી જ તેને આપદ્ધર્મ કહેવાનું છે.’ – શ્રી ગુલાબરાવ મહારાજ

‘ધર્મ એ પદાર્થ નિત્‍ય છે. નિત્‍ય પદાર્થ હંમેશા અપરિવર્તનશીલ હોય છે, તેથી આપદ્ધર્મ એ શાશ્‍વત ધર્મ નથી. આપત્‍કાળમાં મળેલી સુવિધા આપત્‍કાળ પૂરો થઈને સંપત્‍કાળ આવે ત્‍યાં સુધી જ છે. એમ હોય, તો પણ આજે આપદ્ધર્મ જ શાશ્‍વત ધર્મ બની બેઠો છે. તેથી માણસ આત્‍મોન્‍નતિ કરી શકતો નથી. તેથી આપદ્ધર્મ સંપત્‍કાળમાં તેવી રીતે જ ચાલુ રાખવો, એ અધર્મ છે; પણ આપત્‍કાળમાં જો કે શાસ્‍ત્રકારોએ તેને ધર્મમાન્‍યતા આપી છે. આપત્‍કાળમાં તેવી પરિસ્‍થિતિ દૂર કરીને સંપત્‍કાળ નિર્માણ કરવાનો પ્રયત્ન કરવો, એ પણ આપત્‍કાલીન ધર્મ જ છે’. – પ.પૂ. કાણે મહારાજ, નારાયણગાવ, જિલ્‍લો પુણે, મહારાષ્‍ટ્ર.

ધર્મના અન્‍ય પ્રકાર જાણી લેવા માટે આ લેખનો બીજો ભાગ ‘ધર્મના પ્રકાર (ભાગ ૨)’ વાંચો !

તે માટે જુઓ :

https://www.sanatan.org/gujarati/11890.html

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ ‘ધર્મ’

Leave a Comment