રુદ્રાવતાર હનુમાન

વિષ્‍ણુ અવતાર શ્રીરામના ભક્ત
હનુમાનને રુદ્રાવતાર કહેવામાં આવે છે !

હનુમાનને રુદ્રનો અવતાર પણ માનવામાં આવે છે. સ્‍કંદપુરાણ (અવંતીખંડ ૮૪), બ્રહ્મવૈવર્ત પુરાણ (કૃષ્‍ણજન્‍મખંડ ૬૨), નારદપુરાણ (પૂર્વખંડ ૭૯), શિવપુરાણ (શાતારુદ્રસંહિતા ૨૦) ઇત્યાદિ પુરાણોમાં રુદ્ર અને હનુમાનનો સંબંધ સ્‍પષ્‍ટ કર્યો છે. હનુમાનને અગિયારમા રુદ્ર માનવામાં આવ્‍યા છે. ભીમ, આ અગિયારમા રુદ્રનું એક નામ છે. આ કારણસર સમર્થ રામદાસે હનુમાનને ‘ભીમરૂપી મહારુદ્ર’ તરીકે સંબોધ્‍યા છે. હનુમાનની પંચમુખી મૂર્તિ રુદ્રશિવના પંચમુખી પ્રભાવથી નિર્માણ થઈ છે. રુદ્રાવતારી પંચમુખી હનુમાનનો મંત્ર – ॐ नमो हनुमते रूद्रावताराय पंचवदनाय पूर्वमुखे  सकलशत्रुसंहारकाय रामदूताय स्वाहा ।

 

રુદ્રાવતાર હનુમાનનું શ્રીરામના જીવનમાં
આવીને રાવણવધ કરવામાં સહકાર આપવાનું શું કારણ છે ?

હનુમાનને શિવના રુદ્રાવતારમાં અગિયારમા રુદ્ર કહેવામાં આવ્યા છે. રાવણે ઉપાસના કરતી વેળાં પોતાના દસ માથાં કાપીને મહામૃત્‍યુંજય ભગવાન શિવની આરાધના કરી હતી. પરંતુ અગિયારમા રુદ્રને સંતુષ્‍ટ કરવાનો પ્રયત્ન રાવણે કર્યો નહીં; આ કારણસર તે અતૃપ્‍ત જ રહી ગયા અને આ જ રુદ્રએ ત્રેતાયુગમાં હનુમાનના રૂપમાં અવતાર લીધો. હનુમાનનો આ અવતાર રાવણના વિનાશ માટે ભગવાન શ્રીરામના સહાયકના રૂપમાં થયો.

 

હનુમાનજીનાં વિવિધ રૂપો
સહુકોઈને જ્ઞાત છે. આ રૂપો દ્વારા
આપણે આપણા જીવનમાં શું શીખી શકીએ છીએ ?

અ. સપ્‍તચિરંજીવના રૂપે હનુમાન રક્ષણ તેમજ માર્ગદર્શનનું કાર્ય કરે છે તથા કળિયુગમાં પણ જ્‍યાં જ્‍યાં શ્રીરામનાં ગુણગાન ગાવામાં આવે છે, ત્‍યાં સૂક્ષ્મરૂપે ઉપસ્‍થિત રહીને, રામભક્તોને આશીર્વાદ આપીને સુરક્ષા પ્રદાન કરે છે.

આ. હનુમાનની શ્રીરામ પ્રત્‍યેની અસીમ દાસ્‍યભક્તિ અને શૌર્યના કારણે તેમનાં દાસ હનુમાન તથા વીર હનુમાન એમ બે રૂપો વિખ્‍યાત છે. આજે પણ આવશ્‍યકતા અનુસાર હનુમાન આ બન્‍ને રૂપોને ધારણ કરીને યોગ્‍ય કાર્ય કરે છે.

ઇ. સાધના કરનારા કોઈપણ જીવે આ ક્યારેય ભૂલવું જોઈએ નહીં કે હનુમાનના સૂક્ષ્મરૂપના કારણે આપણા અંતઃકરણમાં વસનારા અહંકારરૂપી રાવણની લંકાનું દહન કરવાથી આપણા હૃદયમાં રામરાજ્‍યનો આરંભ થાય છે.

 

એવું કયું કારણ છે કે જેના થકી દેવી
-દેવતાઓમાં પણ હનુમાનને શ્રેષ્‍ઠ માનવામાં આવે છે ?

હનુમાન ૪ કારણોસર દેવી-દેવતાઓમાં શ્રેષ્‍ઠ છે. પહેલું કારણ એ છે કે સર્વ દેવી-દેવતાઓ પાસે પોત-પોતાની શક્તિઓ છે, પણ તે અલગ છે. જેમ કે વિષ્‍ણુની પાસે લક્ષ્મી, શિવની પાસે પાર્વતી; પણ હનુમાનની શક્તિ તેમનામાં જ સમાયેલી છે. તેઓ પોતાની જ શક્તિ દ્વારા કાર્યરત થાય છે. બીજું કારણ એ છે કે તેઓ સ્‍વયં એટલા શક્તિશાળી હોવા છતાં પણ ઈશ્‍વર પ્રત્‍યે સંપૂર્ણ સમર્પિત છે અને પોતાને પ્રભુના દાસ કહે છે. ત્રીજું કારણ એ છે કે તેઓ પોતાના ભક્તોની તરત જ સહાયતા કરે છે અને ચોથું કારણ એ છે કે તેઓ આજે પણ દેહધારી છે. મહાવીર બજરંગબલીની શક્તિ એટલી તો પ્રભાવી છે કે તેમની સામે કોઈપણ પ્રકારની માયાવી શક્તિ ટકી શકતી નથી.

Leave a Comment