અનુક્રમણિકા
- ૧. વૈરાગ્યસ્વરૂપ, ક્ષમાશીલ અને ભક્તવત્સલ એવા દત્તાત્રેય !
- ૨. આધ્યાત્મિક વિશિષ્ટતાઓ
- ૨ અ. ઉચ્ચ દેવી-દેવતાઓમાંથી એક
- ૨ આ. અન્ય દેવતાઓ સાથે સંબંધ
- ૨ ઇ. પરિવાર
- ૨ ઈ. સંબંધિત લોક
- ૨ ઉ. સંબંધિત પંચમહાભૂત
- ૨ ઊ. સંબંધિત નદી
- ૨ એ. કુંડલિનીમાંના સાત ચક્રો સાથે સંબંધ
- ૨ ઐ. સંબંધિત સુગંધ
- ૨ ઓ. પ્રિય પુષ્પો, લીલાં પાંદડાં) અને વૃક્ષ
- ૨ ઔ. પ્રદક્ષિણાની સંખ્યા
- ૨ અં. સંબંધિત ધાતુ અથવા રત્ન
- ૨ ક. સંબંધિત વાર
- ૨ ખ. સંબંધિત તિથિ
- ૨ ગ. તત્ત્વનો રંગ
- ૨ ઘ. પ્રિય નૈવેદ્ય
- ૨ ચ. શસ્ત્ર
- ૨ છ. સંબંધિત વાદ્ય
- ૩. દત્ત ભગવાનના કાર્ય અનુસાર વિવિધ રૂપો
- ૪. દત્ત ભગવાનની વિવિધ ગુણવિશેષતાઓ
- ૪ અ. દત્ત ભગવાન એ ગુરુસ્વરૂપે પૂજવામાં આવનારા એકમાત્ર દેવ હોવા
- ૪ આ. ઋષિવેષમાંના દેવ
- ૪ ઇ. દત્તાત્રેય ભગવાનમાં જ્ઞાન, વાત્સલ્ય અને વૈરાગ્યનો સુંદર સંગમ થયેલો હોવો
- ૪ ઈ. વૈરાગ્ય અને સંન્યાસી વૃત્તિ
- ૪ ઉ. અખંડ શિષ્યભાવમાં રહેવું
- ૪ ઊ. અહં અલ્પ હોવો
- ૪ એ. ભક્તવત્સલ હોવાથી સ્મર્તૃગામી હોવું
- ૪ ઐ. જ્ઞાનસમૃદ્ધ થઈને વિનમ્ર અને પરોપકારી બનવાની શિખામણ દત્તગુરુએ આપવી
- ૪ ઓ. સતત ભ્રમણ કરતા હોવા છતાં પણ અખંડ સાધનારત હોવું
- ૪ ઔ. ધર્મ અને મોક્ષના આશ્રયદાતા
- ૪ અં. પૂર્વજોને ગતિ આપનારા અને તેમનો ઉદ્ધાર કરનારા દેવ
- ૫. ઉપાસના
- ૬. દત્તના ચરણોમાં કૃતજ્ઞતા અને પ્રાર્થના !
- ધર્મનો અભ્યાસ કરનારાઓને વિનંતી
ભગવાન દત્તાત્રેય સદ્ગુરુપદ પર બિરાજમાન હોવા છતાં, વૃત્તિથી તેઓ સતત શિષ્ય અવસ્થામાં રહે છે, શિષ્ય એટલે અખંડ શીખતા રહેવું.
૧. વૈરાગ્યસ્વરૂપ, ક્ષમાશીલ અને ભક્તવત્સલ એવા દત્તાત્રેય !
૧ અ. ભગવાન દત્તાત્રેયમાં જ્ઞાન, વાત્સલ્ય અને વૈરાગ્યનો સુંદર સંગમ હોવો
‘ભગવાન દત્તાત્રેય એટલે ‘‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ’’ એવા ત્રિમૂર્તિ સ્વરૂપ. બ્રહ્મદેવ જ્ઞાનસ્વરૂપ, શ્રીવિષ્ણુ વાત્સલ્યસ્વરૂપ અને શિવ વૈરાગ્ય સ્વરૂપ છે. આવા ત્રિમૂર્તિઓનું સંયુક્ત સ્વરૂપ ધરાવતા દત્તાત્રેયમાં જ્ઞાન, વાત્સલ્ય અને વૈરાગ્યનો સુંદર સંગમ થયેલો છે.
૧ આ. વૈરાગ્ય અને તપસ્વી વૃત્તિ
ભગવાન દત્તાત્રેયમાં વૈરાગ્ય હોવાથી તેઓ સંન્યાસી જીવન વ્યતીત કરે છે. તેમનો નિવાસ મેરુ શિખર પર હોય છે. સંધ્યા અને અન્ય દિનચર્યા તેઓ બીજા ઠેકાણે પૂર્ણ કરે છે. તેમનામાં વૈરાગ્ય વૃત્તિ પ્રબળ હોવાથી તેમને કોઈપણ સ્થાનનું મોહબંધન નથી. તેથી તેઓ ‘સ્વેચ્છા વિહારી’ છે. તેઓ જીવનમુક્ત હોવાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં મુક્ત રીતે વિચરણ કરે છે. ભગવાન દત્તાત્રેય પોતાના ભક્તગણ પર પ્રસન્ન થઈને તેઓને વૈરાગ્યનો આશીર્વાદ આપે છે. જગતમાં સર્વકાંઈ મળી શકશે; પણ દેવી-દેવતાઓને પણ દુર્લભ એવું વૈરાગ્ય કેવળ શ્રીગુરુકૃપાથી જ મળે છે.
૧ ઇ. અખંડ શિષ્યભાવમાં રહેવું
ભગવાન દત્તાત્રેય સદ્ગુરુપદ પર બિરાજમાન હોવા છતાં, તેઓ વૃત્તિથી સતત ‘શિષ્ય અવસ્થામાં રહે છે. ‘શિષ્ય એટલે અખંડ શીખતા રહેવું.’ શિષ્યનું મૂર્તિમંત ઉદાહરણ એટલે ભગવાન દત્તાત્રેય છે. શ્રીમદ્ભગવતના અગિયારમાં સ્કંધમાં યદુ અને અવધૂત વચ્ચેનો સંવાદ છે. ‘પોતે કયા ગુરુ કર્યા અને તેમની પાસેથી શું બોધ લીધો ?’, એ આ સંવાદમાં અવધૂતે કહ્યું છે. તેમની શિષ્ય-અવસ્થાને કારણે જ તેમણે ૨૪ ગુરુ અને ૨૪ ઉપગુરુ કર્યા. તેઓ પ્રત્યેક પ્રાણીમાત્રને ગુણગુરુ માને છે અને તે પ્રત્યેક પાસેથી શીખતા હોય છે.
૧ ઈ. ક્ષમાશીલ
શિષ્ય ભલે ગમે તેટલી ભૂલો કરે, તો પણ ગુરુ તેને ક્ષમા કરીને ફરીથી શીખવાની તક આપે છે, એનું ઉત્તમ ઉદાહરણ એટલે ભગવાન દત્તાત્રેય છે. તેઓ કેવળ શિષ્યના દોષ ક્ષમા કરતા નથી પણ વિરોધીઓના અપરાધ પણ ક્ષમા કરીને તેમનો ઉદ્ધાર કરે છે. શ્રીપાદશ્રીવલ્લભનો દ્વેષ કરનારા ‘નરસાવધાની’ નામના મનુષ્યને કર્મફળ-ન્યાય પ્રમાણે કડક શિક્ષા મળી હતી. ત્યારે તેણે શ્રીપાદશ્રીવલ્લભનાં ચરણ ધર્યાં હતા. તેની આ કૃતિ પર ક્ષમાશીલ વૃત્તિ ધરાવતા શ્રીપાદશ્રીવલ્લભે નરસાવધાનીને ક્ષમા કરીને તેનો ઉદ્ધાર કર્યો હોવાનું ઉદાહરણ શ્રીપાદશ્રીવલ્લભના જીવનચરિત્રમાં મળે છે. દત્તગુરુ ભગવાનના ક્ષમાશીલતાના અનેક ઉદાહરણો ગુરુચરિત્રમાં આપણને જોવા મળે છે.
– કુ. મધુરા ભોસલે, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા (૩.૧૨.૨૦૧૬, સાંજે ૬.૨૪)
૨. આધ્યાત્મિક વિશિષ્ટતાઓ
૨ અ. ઉચ્ચ દેવી-દેવતાઓમાંથી એક
દત્તગુરુ એ ઉચ્ચ દેવી-દેવતાઓમાંથી એક છે.
૨ આ. અન્ય દેવતાઓ સાથે સંબંધ
ભગવાન દત્તમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણ દેવોનું તત્ત્વ સમાયેલું છે. તેથી દત્તગુરુ એ ત્રણે દેવો સાથે સંબંધિત છે.
૨ ઇ. પરિવાર
૨ ઇ ૧. સગુણ સ્વરૂપ સાથે સંબંધિત પરિવાર : માતા અનુસૂયા, પિતા અત્રિઋષિ અને ભાઈ દુર્વાસ એમ દત્તાત્રેય ભગવાનના સગુણ સ્વરૂપ સાથે સંબંધિત પરિવાર છે.
૨ ઇ ૨. નિર્ગુણ સ્વરૂપ સાથે, અર્થાત્ તત્ત્વ સાથે સંબંધિત પરિવાર : ગાય, ચાર કૂતરાં અને ઔદુંબર વૃક્ષ એમ દત્તાત્રેય ભગવાનનો નિર્ગુણ સ્વરૂપ સાથે સંબંધિત પરિવાર છે.
૨ ઇ ૩. પરિવારનો ભાવાર્થ
પરિવારનો ઘટક | શાનું પ્રતીક | સંબંધિત શક્તિ |
---|---|---|
૧. પાછળ રહેલી ગાય | પૃથ્વી અથવા કામધેનુ | ઇચ્છા-ક્રિયા |
૨. ચાર કૂતરાં | વેદ | ઇચ્છા-જ્ઞાન |
૩. ઔદુંબર વૃક્ષ | દત્ત ભગવાનનું પૂજનીય રૂપ; કારણકે તેમાં દત્તતત્ત્વ વધારે પ્રમાણમાં હોય છે. | જ્ઞાન-ક્રિયા |
૨ ઈ. સંબંધિત લોક
તપોલોકથી સત્યલોક આ દરમ્યાન વિવિધ દેવતાઓના સગુણલોક છે. એમાં પ્રથમ ગણેશલોક છે અને બીજો દત્તલોક છે.
– કુ. મધુરા ભોસલે, (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન) સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૪.૧૧.૨૦૧૭)
૨ ઉ. સંબંધિત પંચમહાભૂત
૨ ઉ ૧. પ્રથમ વિચારસરણી – કુ. મધુરા ભોસલે : ભગવાન દત્તાત્રેયમાં વિષ્ણુતત્ત્વ પ્રબળ છે. વિષ્ણુનો સંબંધ આપતત્ત્વ સાથે હોવાથી દત્ત ભગવાન આપતત્ત્વ સાથે સંબંધિત છે.
૨ ઉ ૨. બીજી વિચારસરણી – શ્રી રામ હોનપ : વિષ્ણુનો સંબંધ આપતત્ત્વ સાથે નથી, પરંતુ આકાશતત્ત્વ સાથે છે.
૨ ઊ. સંબંધિત નદી
કાવેરી નદી એ દત્ત સાથે સંબંધિત છે. તેનામાં અધિક પ્રમાણમાં દત્તતત્ત્વ છે.
૨ એ. કુંડલિનીમાંના સાત ચક્રો સાથે સંબંધ
કુંડલિનીમાંનું મણિપુરચક્ર એ દત્ત સાથે સંબંધિત છે.
૨ ઐ. સંબંધિત સુગંધ
ખસની સુગંધ દત્તને પ્રિય છે. આ સુગંધ લેવાથી દત્તતત્ત્વનું ચૈતન્ય પ્રાપ્ત થઈને પૂર્વજોના ત્રાસ દૂર થાય છે. દત્તના તારક સ્વરૂપની ઉપાસના માટે ચંદન, કેવડો, ચમેલી, જાઈ અને અંબર જેવી સુગંધ પૂરક છે. દત્તના મારક સ્વરૂપની ઉપાસના માટે હીના અને દરબાર જેવી સુગંધ પૂરક છે.
૨ ઓ. પ્રિય પુષ્પો, લીલાં પાંદડાં) અને વૃક્ષ
ઔદુંબર વૃક્ષમાં દત્તતત્ત્વ આકર્ષિત થાય છે. તે કારણસર ઔદુંબર વૃક્ષની પૂજા કરવામાં આવે છે. જૂઈ, ગુલછડી અને ચંપાની સુગંધ ભણી દત્તાત્રેયની સુગંધ લહેરો આકર્ષિત થાય છે. જૂઈ અને ગુલછડીમાં સૂક્ષ્મમાંથી આકર્ષિત થયેલું દત્તતત્ત્વ આ ફૂલોની ઉત્સાહવર્ધક સુંગધ સ્વરૂપે વાતાવરણમાં પ્રક્ષેપિત થાય છે. આ ફૂલો ૭ અથવા ૭ ગણી સંખ્યામાં દત્તના ચરણોમાં અર્પણ કરવાં.
૨ ઔ. પ્રદક્ષિણાની સંખ્યા
દત્તને કારણે દેહમાંના સાતેસાત ચક્રો શુદ્ધ થઈને આધ્યાત્મિક ઉન્નતિનો માર્ગ વિસ્તૃત થાય છે. તેથી દત્તની ફરતે ૭ પ્રદક્ષિણા કરવી.
૨ અં. સંબંધિત ધાતુ અથવા રત્ન
પોખરાજ નામનું રત્ન ગુરુતત્ત્વ સાથે સંબંધિત છે.
૨ ક. સંબંધિત વાર
અઠવાડિયાના સાત વારમાંથી ગુરુવાર એ દત્ત સાથેનો સંબંધિત વાર છે.
૨ ખ. સંબંધિત તિથિ
માગશર પૂનમ એટલે દત્તજયંતી. આ તિથિ દત્તતત્ત્વ સાથે સંબંધિત છે.
૨ ગ. તત્ત્વનો રંગ
દત્તતત્ત્વનો રંગ પીળો છે. પીળો રંગ એ વિશુદ્ધ જ્ઞાનનું પ્રતીક છે.
૨ ઘ. પ્રિય નૈવેદ્ય
સાકર મિશ્રિત દૂધ અને રવાનો કંસાર દત્તને પ્રિય છે.
૨ ચ. શસ્ત્ર
ત્રિશૂળ અને સુદર્શનચક્ર આ દત્ત સાથે સંબંધિત શસ્ત્રો છે.
૨ છ. સંબંધિત વાદ્ય
ડમરુ આ વાદ્ય શિવ અને દત્ત સાથે સંબંધિત છે. શિવજીની પેઠે દત્ત ભગવાનને શંખ-ડમરૂનો ધ્વનિ પ્રિય છે. તેવી જ રીતે પાંચજન્ય શંખ એ દત્ત અને વિષ્ણુ સાથે સંબંધિત છે. વિષ્ણુ અને દત્ત એ બન્નેને શંખનાદ પ્રિય છે.
૩. દત્ત ભગવાનના કાર્ય અનુસાર વિવિધ રૂપો
૩ અ. તારક રૂપ
ભક્તોનું કલ્યાણ કરનારા દત્તનું તારક અને કલ્યાણકારી રૂપ સતત કાર્યરત હોય છે.
૩ આ. મારક સ્વરૂપ
ભક્તોને પીડા આપનારી અનિષ્ટ શક્તિઓનું નિવારણ કરવા માટે મારક રૂપ ધારણ કરીને તેમના ઉપર લયકારી શક્તિનો પ્રયોગ કરે છે. દત્તનું મારક રૂપ પ્રસંગ અનુસાર કાર્યરત થાય છે.
૩ ઇ. સગુણ સ્વરૂપ
દત્ત ભગવાનનું ત્રિમુખી રૂપ એ તેમના સગુણ તત્ત્વ સાથે અધિક સંબંધિત છે.
૩ ઈ. નિર્ગુણ રૂપ
દત્ત ભગવાનનું એકમુખી રૂપ એ વધુ પ્રમાણમાં નિર્ગુણ સ્વરૂપ છે. દત્તતત્ત્વ એ નિર્ગુણવાચક છે.
૩ ઉ. વિવિધ રૂપો
દત્તમૂર્તિ, દત્ત પાવડીઓ અને ઔદુંબર વૃક્ષને દત્ત સ્વરૂપ માનીને તેમનું પૂજન કરવામાં આવે છે.
૩ ઊ ૧. દત્તની પાવડીઓ : દત્તની પાવડીઓમાં સગુણ-નિર્ગુણ સ્તર પર ગુરુતત્ત્વ કેંદ્રિત થયેલું હોય છે. તેથી દત્તની પાવડીઓની સ્થાપના કરીને તેમનું પૂજન કરવામાં આવે છે. ગાણગાપુર ખાતે નિર્ગુણ પાવડીઓ, નરસોબાવાડી ખાતે મનોહર પાવડીઓ અને ઔદુંબર ખાતે વિમલ પાવડીઓ છે. આવી રીતે દત્તની ત્રણ પાવડીઓની ત્રણ તીર્થક્ષેત્રોમાં સ્થાપના થયેલી છે.
૪. દત્ત ભગવાનની વિવિધ ગુણવિશેષતાઓ
૪ અ. દત્ત ભગવાન એ ગુરુસ્વરૂપે પૂજવામાં આવનારા એકમાત્ર દેવ હોવા
દત્ત એ ઉચ્ચ દેવતા હોવાથી તે ગુરુસ્વરૂપમાં પૂજવામાં આવે છે. એનું કારણ એ કે તેઓ ઉચ્ચ દેવ હોવા છતાંપણ શિષ્યોને આધ્યાત્મિક જ્ઞાન આપવા માટે ગુરુ તરીકે અખંડ કાર્યરત હોય છે.
૪ આ. ઋષિવેષમાંના દેવ
દત્ત ભગવાનનો પહેરવેશ ઉચ્ચ પ્રકારના રેશમી વસ્ત્રો અને વિવિધ સુવર્ણ અલંકાર પરિધાન કર્યા હોય એવો નથી પણ સાદું પિતાંબર પહેરીને ગળામાં ઋષિની જેમ રુદ્રાક્ષની માળાઓ અને બાવડા પર ભસ્મના પટ્ટાઓ લગાડ્યા હોય એવો છે. દત્ત ભગવાનમાં વૈરાગ્ય પ્રબળ હોવાથી તેમણે ઋષિઓ જેવો પહેરવેશ ધારણ કર્યો છે.
૪ ઇ. દત્તાત્રેય ભગવાનમાં જ્ઞાન, વાત્સલ્ય અને વૈરાગ્યનો સુંદર સંગમ થયેલો હોવો
ભગવાન દત્તાત્રેય એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવી ત્રણ મૂર્તિઓનું (ત્રયીનું) એકત્રિત સ્વરૂપ. બ્રહ્મદેવ જ્ઞાનસ્વરૂપ, શ્રી વિષ્ણુ વાત્સલ્ય સ્વરૂપ અને શિવ વૈરાગ્યસ્વરૂપ છે. આવા ત્રિમૂર્તિઓનું એકત્રિત સ્વરૂપ ધરાવતા દત્ત ભગવાનમાં જ્ઞાન, વાત્સલ્ય અને વૈરાગ્યનો સુંદર સંગમ થયેલો છે.
૪ ઈ. વૈરાગ્ય અને સંન્યાસી વૃત્તિ
ભગવાન દત્તાત્રેયમાં વૈરાગ્ય હોવાથી તેઓ તપસ્વી જીવન વ્યતીત કરે છે. તેમનું નિવાસસ્થાન મેરુશિખર પર હોય છે. સંધ્યા અને અન્ય દિનચર્યા તેઓ અન્ય ઠેકાણે પૂર્ણ કરે છે. તેમનામાં વૈરાગ્યવૃત્તિ પ્રબળ હોવાથી તેમને કોઈપણ સ્થાનનું મોહબંધન નથી. તેથી તેઓ સ્વેચ્છાથી વિહાર કરનારા છે. તેઓ જીવનમુક્ત હોવાથી સંપૂર્ણ બ્રહ્માંડમાં મુક્ત રીતે વિહાર કરે છે. દત્તાત્રેય પોતાના ભક્તગણ પર પ્રસન્ન થઈને તેઓને વૈરાગ્યનો આશીર્વાદ આપે છે. વિશ્વમાં સર્વકાંઈ મળી શકશે; પરંતુ દેવોને પણ દુર્લભ એવું વૈરાગ્ય કેવળ શ્રીગુરુકૃપાથી મળે છે.
૪ ઉ. અખંડ શિષ્યભાવમાં રહેવું
ભગવાન દત્તાત્રેય સદ્ગુરુપદ પર બિરાજમાન હોવા છતાં પણ તેઓ વૃત્તિથી સતત શિષ્ય અવસ્થામાં રહે છે. શિષ્ય એટલે અખંડ શીખતા રહેવું. શિષ્યનું ઉત્તમ ઉદાહરણ એટલે ભગવાન દત્તાત્રેય છે. શ્રીમદભાગવતના અગિયારમાં સ્કંધમાં યદુ અને અવધૂત વચ્ચેનો સંવાદ છે. પોતે કયા ગુરુ કર્યા અને તેમની પાસેથી કયો બોધ લીધો, એ તેમાં અવધૂતે કહ્યું છે. તેમની શિષ્ય અવસ્થાને કારણે જ તેમણે ૨૪ ગુરુ અને ૨૪ ઉપગુરુ કર્યા. તેઓ પ્રત્યેક પ્રાણીમાત્રને ગુણગુરુ માને છે અને પ્રત્યેક પાસેથી શીખે છે. વિશ્વની પ્રત્યેક બાબત ગુરુ છે, કારણકે ખરાબ બાબતોથી કયો દુર્ગુણ છોડી દેવો અને સારી બાબતોથી કયા સદ્ગુણો સ્વીકારવાં, એ શીખી શકાય છે.
૪ ઊ. અહં અલ્પ હોવો
તપસ્વી જીવન વ્યતીત કરતા હોવાથી તેઓ પ્રતિદિન બપોરની ભિક્ષા કોલ્હાપુર આવીને માગે છે. તેમનો અહં અત્યંત અલ્પ હોવાથી તેઓ જ્ઞાનગુરુ પદ પર બિરાજમાન હોવા છતાં પણ ભિક્ષા માગે છે. (કોલ્હાપુર સ્થિત ભિક્ષાપાત્ર દત્ત મંદિરમાં પ્રતિદિન બપોરે સૂક્ષ્મસ્વરૂપે દત્તાત્રેય ભગવાન ભિક્ષા ગ્રહણ કરવા માટે આવે છે, એવી ભક્તગણની શ્રદ્ધા છે. તેમના સ્વાગત માટે બપોરે ૧૨ વાગે મંદિરમાં આરતી કરવામાં આવે છે. પ્રત્યેક દિવસે બપોરે શ્રી મહાલક્ષ્મીદેવી દત્તગુરુને ભિક્ષા આપે છે.)
૪ એ. ભક્તવત્સલ હોવાથી સ્મર્તૃગામી હોવું
દત્તાત્રેયમાં વૈરાગ્યભાવ અધિક હોવાને કારણે તેઓ સર્વ મોહ-માયાથી અલિપ્ત છે; પરંતુ તેઓ ભક્તગણના પ્રેમની માયામાં બદ્ધ છે. કોઈપણ ભક્ત દ્વારા તેમનું સ્મરણ કરતાવેંત તેઓ તત્કાળ પ્રગટ થાય છે. તેથી તેમને સ્મર્તૃગામી કહ્યા છે. આ બાબત પરથી તેમનામાં રહેલી ભક્તગણ પ્રત્યેની ભક્તવત્સલતાના દર્શન થાય છે. દત્તાત્રેયની ભક્તવત્સલતાને કારણે જ શ્રીગુરુચરિત્રમાં શ્રીપાદશ્રીવલ્લભ અને નૃસિંહ સરસ્વતીએ અનેક ભક્તોનો ઉદ્ધાર કર્યો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે.
૪ ઐ. જ્ઞાનસમૃદ્ધ થઈને વિનમ્ર અને પરોપકારી બનવાની શિખામણ દત્તગુરુએ આપવી
દત્ત ભગવાન સર્વજ્ઞ હોવા છતાંપણ તેઓ વિવિધ ઠેકાણે ભ્રમણ કરીને ભિક્ષા માગે છે અને તેમના શરણે આવેલા ભક્તગણનું કલ્યાણ કરે છે. તેમના આચરણ દ્વારા તેઓ જ્ઞાની હોવા છતાં પણ કેટલા વિનમ્ર અને પરોપકારી છે, એ દેખાઈ આવે છે.
૪ ઓ. સતત ભ્રમણ કરતા હોવા છતાં પણ અખંડ સાધનારત હોવું
શિવશંકર પ્રમાણે ભગવાન દત્તાત્રેય પણ પ્રત્યેક ક્ષણ સાધનારત હોય છે. તેઓ વિરક્ત અને તપસ્વી જીવન જીવી રહ્યા હોવાથી સતત ભ્રમણ કરે છે; પરંતુ તે જ સમયે તેઓ ધ્યાનધારણા અને યોગસમાધિ દ્વારા સાધનારત રહે છે. ગિરનાર પર્વત પર રહીને તેઓ અખંડ સાધના કરે છે.
૪ ઔ. ધર્મ અને મોક્ષના આશ્રયદાતા
ભગવાન દત્તાત્રેયનું તત્ત્વ મોક્ષ પુરુષાર્થને અનુસરતું હોય છે. દત્તગુરુના વિવિધ અવતાર ધર્મ વિશેના પુરુષાર્થનું પોષણ કરે છે. ધર્મના ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને મોક્ષને દત્તાત્રેય ભગવાનનો આશ્રય પ્રાપ્ત થયેલો છે.
૪ અં. પૂર્વજોને ગતિ આપનારા અને તેમનો ઉદ્ધાર કરનારા દેવ
વર્તમાન કાળમાં પહેલાંની જેમ કોઈ શ્રાદ્ધપક્ષ, તેમજ સાધના પણ કરતા ન હોવાથી ઘણાંખરાંઓને પિતરોના લિંગદેહને કારણે ત્રાસ થાય છે. દત્ત ભગવાન પિતરોને ગતિ પ્રદાન કરે છે અને તેમનો ઉદ્ધાર કરે છે. તેથી દત્તની ઉપાસના કરવાથી વ્યક્તિને થનારો પિતરોનો ત્રાસ ન્યૂન થાય છે.
૫. ઉપાસના
૫ અ. દત્ત ભગવાન સાથે સંબંધિત ગ્રંથ
૫ અ ૧. દત્તપુરાણ : આ ગ્રંથમાં કર્મકાંડ, ઉપાસનાકાંડ (દત્ત માહાત્મ્ય) અને જ્ઞાનકાંડ (ત્રિપુરસુંદરી રહસ્ય) આદિનો સમાવેશ કરેલો છે.
૫ અ ૨. અવધૂતગીતા : શ્રી દત્તગુરુએ કાર્તિકેયને અવધૂતગીતાનો ઉપદેશ કર્યો. આ નાથસંપ્રદાયનો પ્રમુખ ગ્રંથ છે.
૫ અ ૩. ગુરુચરિત્ર : આ ગ્રંથમાં ગુરુમહિમા વિશે કહેવામાં આવ્યું છે. આ ગ્રંથમાં દત્ત સંપ્રદાયનો આચારધર્મ વિસ્તારપૂર્વક કહેવામાં આવ્યો છે.
૫ આ. સંબંધિત સ્તોત્ર અથવા કવચ : શ્રી દત્તગુરુની આરતી પ્રચલિત છે. દત્તસ્તુતિ, શ્રી દત્તાત્રેય સ્તોત્ર, કરુણાત્રિપદી, શ્રી દત્ત બાવની, બાવન શ્લોકવાળું ગુરુચરિત્ર, શ્રી દત્ત પ્રાર્થના અને દત્તકવચ સ્તોત્ર પ્રખ્યાત છે.
૫ આ. દત્તનો શ્લોક
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वर ।
गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥
અર્થ : ગુરુ સાક્ષાત્ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ છે. સાક્ષાત્ પરબ્રહ્મસ્વરૂપ એવા ગુરુદેવને હું વંદન કરું છું.
૫ ઇ. દત્તનો જયઘોષ
અવધૂત ચિંતન શ્રીગુરુદેવ દત્ત અને અલખ નિરંજન આ દત્ત ભગવાન સાથે સંબંધિત પ્રખ્યાત જયઘોષ છે.
૫ ઇ ૧. અવધૂત ચિંતન શ્રીગુરુદેવ દત્તનો અર્થ
અ. અવધૂત ચિંતન એટલે અવગુણ ધોઈ નાખીને ત્રિગુણાતીત અવસ્થા સુધી લઈ જનારા દત્તના અવધૂત સ્વરૂપનું નિત્ય સ્મરણ કરવું.
આ. અવધૂત ચિંતન એટલે ત્રિગુણાત્મક સગુણ તત્ત્વ દ્વારા નિર્ગુણ તબક્કા સુધી એટલે કે ત્રિગુણાતીત અવસ્થા સુધી લઈ જનારા દત્ના અવધૂત સ્વરૂપનું નિત્ય સ્મરણ કરવું.
૫ ઇ ૨. અલખ નિરંજન
અ. જે અલખ નિરંજનનો જયઘોષ કરીને જીવના અંતઃકરણમાં સુપ્ત અવસ્થામાં રહેનારી જ્ઞાનની જિજ્ઞાસા જાગૃત કરીને તેને જ્ઞાનમાંના આનંદની અનુભૂતિ પ્રદાન કરે છે તે અલખ નિરંજન સ્વરૂપ એટલે તેજસ્વી જ્ઞાનથી યુક્ત હોય છે.
૫ ઈ. દત્તગાયત્રી મંત્ર
ॐ दत्तात्रेयाय विद्महे । अवधूताय धीमहि ।
तन्नो दत्तः प्रचोदयात् ॥
અર્થ : અમે દત્તાત્રેય ભગવાનને જાણીએ છીએ. અમે અવધૂતનું ધ્યાન ધરીએ છીએ. એ દત્ત અમારી બુદ્ધિને સત્પ્રેરણા પ્રદાન કરે.
(સંદર્ભ : સનાતનનો ગ્રંથ દત્ત)
૫ ઈ ૧. દત્તગાયત્રી મંત્રનો આધ્યાત્મિક લાભ : દત્તગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરવાથી ઉપાસકને દત્ત ભગવાનના તેજતત્ત્વ સાથે સંબંધિત દૈવી શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રગલ્ભતા પ્રાપ્ત થાય છે.
૫ ઉ. સંબંધિત બીજમંત્ર
દં એ દત્તબીજ છે. ઢં એ ગુરુબીજ છે.
૫ ઊ. સંબંધિત યજ્ઞ
દત્તયાગ એ દત્ત ભગવાન સાથે સંબંધિત યજ્ઞ છે.
૫ એ. સંબંધિત વ્રત
દત્ત ગુરુદેવને પ્રસન્ન કરવા માટે દત્તભક્ત પ્રત્યેક ગુરુવારે ઉપવાસ કરે છે. વૈશાખ સુદ પાંચમ અને ગુરુવારે આવતી પાંચમના દિવસે સત્ય દત્તવ્રતની પોથી વાંચીને સત્ય દત્તવ્રત કરે છે.
૫ ઐ. સંબંધિત તહેવાર
દત્ત જયંતીના સાત દિવસ અગાઉથી ગુરુચરિત્રનું પારાયણ કરીને દત્તજયંતીના દિવસે ભજન, પૂજન અને કીર્તન કરવામાં આવે છે. કેટલેક ઠેકાણે દત્ત નવરાત્રિ ઊજવવામાં આવે છે. આ નવરાત્રિનો પ્રારંભ માગશર સુદ આઠમથી થાય છે અને દત્તજયંતી પર સમાપન થાય છે.
૫ ઓ. સંબંધિત ઉત્સવ
દત્તજયંતીનો દિવસ એક ઉત્સવના સ્વરૂપમાં ઊજવવામાં આવે છે.
૬. દત્તના ચરણોમાં કૃતજ્ઞતા અને પ્રાર્થના !
દત્તગુરુદેવના ચરણોમાં કૃતજ્ઞતાભાવથી મસ્તક નમાવીને સંપૂર્ણ રીતે તેમના શરણે જઈને આગળ આપ્યા પ્રમાણે પ્રાર્થના કરીએ. હે દત્તગુરુદેવ, આપ જ અમારો ઉદ્ધાર કરશો અને અમારા પર દયા કરીને અમારામાં ભક્તિભાવ નિર્માણ કરશો. અમને પણ આપના જેવા ગુણગુરુ બનાવીને અમારામાં રહેલા દુર્ગુણોનો ભાગાકાર અને સદ્ગુણોનો ગુણાકાર કરવાની પ્રેરણા થવા દેશો અને હિંદુ રાષ્ટ્રની સ્થાપના સત્વરે થવા માટે આપના કૃપાશીર્વાદ મળવા દેશો, એવી આપના ચરણોમાં વિનમ્ર પ્રાર્થના છે.
– કુ. મધુરા ભોસલે (સૂક્ષ્મમાંથી મળેલું જ્ઞાન), સનાતન આશ્રમ, રામનાથી ગોવા (૧૪.૧૧.૨૦૧૭)
સૂક્ષ્મ : વ્યક્તિના સ્થૂળ એટલે દૃશ્યમાન થનારા અવયવો નાક, કાન, આંખો, જીભ અને ત્વચા આ પાંચજ્ઞાનેંદ્રિયો છે. આ પાંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિની પેલેપારનું એટલે સૂક્ષ્મ. સાધનામાં પ્રગતિ કરી ચૂકેલી કેટલીક વ્યક્તિઓને આ સૂક્ષ્મ સંવેદનાઓની જાણ થાય છે. આ સૂક્ષ્મના જ્ઞાન વિશે વિવિધ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ છે.
ધર્મનો અભ્યાસ કરનારાઓને વિનંતી
સનાતનના સાધકોને મળનારું નવીનતાયુક્ત જ્ઞાન
યોગ્ય કે અયોગ્ય ?, એનો અભ્યાસ કરવાના સંદર્ભમાં સહાયતા કરો !
અત્યારસુધીના યુગોના ધર્મગ્રંથોમાં જેનો ઉલ્લેખ નથી એવું નવીનતાયુક્ત જ્ઞાન ઈશ્વરની કૃપાથી સનાતનના કેટલાક સાધકોને મળી રહ્યું છે. સદર જ્ઞાન નવું હોવાથી જુના ગ્રંથોનો સંદર્ભ ટાંકીને તે જ્ઞાનને યોગ્ય કે અયોગ્ય ? એમ કહી શકાય નહીં. તે જ્ઞાન યોગ્ય કે અયોગ્ય ?, એ સંદર્ભમાં ધર્મના અભ્યાસકો અમને માર્ગદર્શન કરે તો માનવજાતને નવા યોગ્ય જ્ઞાનનો લાભ થશે, એટલું જ નહીં તો અયોગ્ય શું છે ?, એ પણ જાણવા મળશે. એ માટે અમે ધર્મનો અભ્યાસ કરનારાઓને આ સંદર્ભમાં અમને માર્ગદર્શન કરવાની વિનંતી કરીએ છીએ. – સનાતન સંસ્થા