અનુક્રમણિકા
૧. મહત્ત્વ
આ વનસ્પતિ ચેપના રોગો પર ઘણી ઉપયુક્ત છે. આ અત્યંત કડવી હોય છે. આનો તાવ માટે અને કરમ (કૃમિ) માટે ઉપયોગ કરવામાં આવે છે. આ સારક (પેટ સાફ કરનારી) હોવાથી કેટલાક ઠેકાણે ચોમાસામાં અને ત્યાર પછી આવનારી શરદ ઋતુમાં અઠવાડિયામાં એકવાર તેનો ઉકાળો કરી લેવાનો પ્રઘાત છે. તેનાથી શરીર નિરોગી રહે છે.
૨. ઓળખાણ
આનું લૅટિન નામ Andrographis paniculata છે. આ વનસ્પતિને કોકણીમાં ‘કિરાયતે’ કહે છે. કોકણના લોકોને આ વનસ્પતિ સુપરિચિત છે. ચોમાસાના આરંભમાં તેને ઘણાં પાન હોય છે. (છાયાચિત્ર ૧) આ વનસ્પતિનું આયુષ્ય ૯૦ થી ૧૦૦ દિવસોનું હોય છે. ચોમાસા પછી પાણી પાવાથી આ વનસ્પતિ ટકે છે, નહીંતર સૂકાઈ જાય છે. ઘણીવાર કોકણમાં ચોમાસા પછી સૂકાયેલી સ્થિતિમાં આ વનસ્પતિ ઠેકઠેકાણે જોવા મળે છે. તેને ચોમાસા પછી ઝીણા જીંડવાં આવે છે. (છાયાચિત્ર ૨) તેમાં બી હોય છે.
૩. વાવેતર
આ વનસ્પતિ કોકણમાં મોટાભાગના ઘરોમાં હોય છે. પહેલો વરસાદ વરસે કે, આ વનસ્પતિના રોપો પહેલાં પડેલા બીમાંથી મોટી સંખ્યામાં સિદ્ધ થાય છે. આ સિદ્ધ થયેલા રોપો લાવીને વાવી શકાય છે. વરસાદ પૂરો થયા પછી જે બી થાય છે, તે એકત્ર કરી રાખવાથી બીજા વર્ષે ચોમાસાના આરંભમાં વાવીને તેનામાંથી પણ રોપ બનાવી શકાય છે. જો પાણીની ઉપલબ્ધતા હોય, તો ઘરમાંના કૂંડામાં પણ આ બી ગમે ત્યારે વાવી શકાય છે.
૪. વિકારો માટે ઉપયોગ
૪ અ. તાવ
‘કોઈપણ પ્રકારના તાવમાં એક મૂઠી કાલમેઘ અને પા ચમચી સૂંઠની ભૂકી ૨ પવાલા પાણીમાં ઉકાળીને એક પવાલું ઉકાળો કરવો. આ ઉકાળો અડધો-અડધો પ્યાલો સવાર-સાંજ લેવો. (કોરોનાના કાળમાં અનેક વૈદ્યોએ આ વનસ્પતિના આધાર પર કોરોના પર યશસ્વી ઉપચાર કર્યા હોવાનાં ઉદાહરણો છે.)
૪ આ. આમ્લપિત્ત (એસિડીટી)
સૂકાયેલા કાલમેઘની ભૂકી કરી લેવી. ગળામાં અથવા છાતીમાં બળતરા થતી હોય, તો અડધી ચમચી કાલમેઘની ભૂકી અડધી ચમચી ખાંડ સાથે ચાવીને ખાવી.
૪ ઇ. બદ્ધકોષ્ઠતા (કબજિયાત), પિત્ત અને ઉષ્ણતા
૧ મૂઠી કાલમેઘનો ૧ પ્યાલો પાણીનો અડધો પ્યાલો ઉકાળો કરીને તે સવારે નયણા કોઠે લેવો. પ્રત્યેક શરદઋતુમાં આ ઉકાળો અઠવાડિયામાં એકવાર લેવો.
૪ ઈ. કરમ (કૃમિ) થવા, ત્વચાવિકાર અને લોહીની શુદ્ધિ માટે
સળંગ ૭ દિવસ ૧ મૂઠી કાલમેઘનો ૧ ગ્લાસ પાણીમાં અડધો ગ્લાસ ઉકાળો કરીને સવારે નયણે કોઠે લેવો.
૫. વિશેષ સૂચના
આ વનસ્પતિ વાયુ (વાત) વધારનારી હોવાથી તાવ ન હોય ત્યારે અને વૈદ્યએ ન કહ્યું હોય, તો તેનો ઉકાળો પ્રતિદિન પીવો નહીં. વૈદ્યએ કહ્યા સિવાય આ વનસ્પતિનો ૭ દિવસો કરતાં વધારે કાળ સળંગ ઉપયોગ કરવો નહીં.
૬. વાવેતર માટે કાલમેઘના બી આ રીતે ભેગા કરી રાખો !
ચોમાસા પછી સૂકાવા લાગેલા કાલમેઘના રોપો મૂળમાંથી ખેંચી કાઢવા. મૂળિયા બાજુનો ભાગ કાપીને જુદો મૂકવો. વનસ્પતિનો ઉપરનો ભાગ પ્લાસ્ટિકની થેલીમાં નાખીને બન્ને હાથે ઝાલીને ચોળવો. એમ કરવાથી વનસ્પતિના બી થેલીમાં ભેગા થશે. આ બી થાળીમાં લઈને તેના પર ધીમેથી ફૂંક મારવી, એટલે તેમાં રહેલો પાનનો કચરો દૂર થશે. આ રીતે કચરાવિહોણા બી ભેગા કરીને કાગળના પડીકામાં બાંધીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી રાખવા. તેમાં બી ભેગા કરેલી દિનાંક લખવી. તેમાંના થોડા બી વાવેતર માટે બનાવેલા ક્યારામાં અથવા કૂંડામાં વાવવા. થોડા બી આગળના ચોમાસામાં વાવવા માટે સાચવી રાખવા. (ચપટી બીમાંથી પુષ્કળ નવા રોપ આવે છે.)
૭. સૂકાયેલી વનસ્પતિ સરખી રીતે સંગ્રહ કરી રાખો !
બી કાઢેલી કાલમેઘ વનસ્પતિ અને તેના મૂળિયા પાણીમાં જુદાં જુદાં ધોઈને પછી ભેગા કરીને છાંયામાં સૂકવી રાખવા. મૂળિયા જુદા ધોવાથી મૂળિયામાંની માટી સંપૂર્ણ વનસ્પતિને ચોંટતી નથી. આ સૂકાયેલી વનસ્પતિનો ઉપયોગ ઉકાળો કરવા માટે, તેમજ ચૂર્ણ બનાવી રાખવા માટે થાય છે. ઘરે જ ચૂર્ણ કરવાનું થાય, તો તે મિક્સરમાં કરી શકાય છે. મિક્સરમાં ચૂર્ણ કરવા પહેલાં વનસ્પતિ થોડો સમય તડકે સૂકવવી, જેથી ભૂકી સહેલાઈથી થશે. સૂકાયેલી વનસ્પતિ અથવા તેનું ચૂર્ણ પ્લાસ્ટિકની થેલીમાં સરખી રીતે બાંધીને (પૅક કરીને) રાખવું. બહારની હવા જો તેને ન લાગે, તો સરખી રીતે સૂકવેલી વનસ્પતિ લગભગ ૨ વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.
૮. કાલમેઘના બી અને સૂકાયેલી
વનસ્પતિ સ્થાનિક સ્તર પર વહેંચી લો !
જે સાધકો પાસે આ વનસ્પતિ ઉપલબ્ધ છે, તે પોતાને આવશ્યક તેટલી વનસ્પતિ સંગ્રહ રાખીને શેષ વનસ્પતિ અન્ય સાધકોને આપી શકે છે. કાલમેઘના બી પણ સાધકો એકબીજામાં વહેંચી લઈને ઘરમાં જ તેનું વાવેતર કરી શકે છે.
(નોંધ – જે પ્રદેશમાં કાલમેઘ વનસ્પતિ જોવા મળે છે, તે જ પ્રદેશમાં તેનું વાવેતર કરવું. જ્યાં આ વનસ્પતિ નૈસર્ગિક રીતે જોવા મળતી નથી, ત્યાં આ વનસ્પતિનું વાવેતર કરવાની આવશ્યકતા નથી. આવા વિસ્તારમાં કડવા લીમડાના પાનનો આ વનસ્પતિની જેમ જ ઉપયોગ કરી શકાય છે.)
વૈદ્ય મેઘરાજ માધવ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.