સંત તુકારામ મહારાજે દેહૂ ગામ બહારના એક શેરડીના ખેતરની થોડા દિવસ માટે રખવાળી કરી, તેથી તે ખેતરના માલિકે તેમને પચીસ-ત્રીસ શેરડીના સાંઠાં આપ્યા. દોરડીથી બાંધેલા તે સાંઠાં ખભે ઉપાડીને સંત તુકારામ મહારાજ ઘર ભણી ચાલ્યા હતા ત્યારે રસ્તામાં રમતા છોકરાઓ તેમને પૂછવા લાગ્યા, તુકોબા, આટલા બધા શેરડીના સાંઠાં તમે કોના માટે લીધા ? તેમણે કહ્યું, છોકરાઓ, અરે તમારા માટે જ તો લીધા છે. બંડૂ આ એક સાંઠો તું લે, ગુંડૂ આ તને, ધોંડૂ આ તારા માટે..એમ કરતા કરતા તુકોબા જ્યારે તેમના ઘરે પહોંચ્યા, ત્યારે તેમના ખભે એકજ સાંઠો અને તેના ફરતે દોરીનું મોટું ગૂંચળું, એટલું જ બાકી હતું.
આ જોઈને તુકારામ મહારાજનાં પત્ની આવલી તેમના પર પુષ્કળ ચિડાયા. પોતાને મળેલા સર્વ સાંઠા લોકોના છોકરાઓને આપી દીધા અને પોતાના છોકરાઓ માટે કાંઈ લાવ્યા નહીં; તેથી તેમણે તુકારામ મહારાજને કડવા વચનો સંભળાવ્યાં અને ગુસ્સામાં તેમણે હાથમાં આવેલો સાંઠો તેમની પીઠ પર માર્યો. તે સમયે તેના ત્રણ કટકા થયા અને એક કટકો તેના હાથમાં રહી ગયો તેમજ બે ટુકડા જમીન પર પડી ગયા. ત્યારે સંત તુકારામ મહારાજે તેને શાંતિથી કહ્યું, ‘આવલે (પત્નીનું નામ), તારો હિસાબ કેટલો પાકો છે ? હવે તે બરાબર ભાગ પાડ્યા. જે કટકો તારા હાથમાં રહ્યો છે, તે તારો અને નીચે જે પડ્યા તેમાંનો એક મારો અને બીજો છોકરાઓનો !’ આ તેમની વૃત્તિ જોઈને પત્નીને ઘણો પશ્ચાત્તાપ થયો.
ભાવાર્થ : આ જગત્ જ મારું ઘર, એમ લાગતું હોવાથી સંત તુકારામ મહારાજે પોતાના અને અન્યોના છોકરાં એવો ભેદભાવ કર્યો નહીં.
– સદ્દગુરુ (ડૉ.) વસંત બાળાજી આઠવલે (વર્ષ ૧૯૮૦)
ત્યાગમાંથી જ ઈશ્વરપ્રાપ્તિ સંભવ
સંત તુકારામ મહારાજની વિઠ્ઠલ પર અનન્ય શ્રદ્ધા હતી. તેથી સર્વ બાબતનો ત્યાગ તેઓ સહજતાથી કરી શક્યા. તુકારામ મહારાજજીની શ્રેષ્ઠતા ધ્યાનમાં આવ્યા પછી લોકો તેમનું સન્માન કરવા લાગ્યા. ત્યારે તેઓ દૂર જંગલમાં જઈને ઈશચિંતન કરવા લાગ્યા. એક-બે મહિના તેઓ ઘરે ગયા જ નહીં. એક દિવસ તેમનાં પત્ની નદીએથી પાણી ભરીને આવી રહ્યા હતાં, ત્યારે રસ્તામાં તેમને તુકારામ મહારાજ મળ્યા. તેમણે તરત જ રસ્તો રોકીને કહ્યું, ‘તમે ઘરે આવતા નથી. અમારી શી દશા ?’ ત્યારે તુકારામે કહ્યું, ‘પાંડુરંગ એ જ મારા પિતા અને રુક્મિણી એ જ મારાં માતા. તું પણ તેમને શરણ જા, તો તે તને પણ ખાવા-ઓઢવાનું આપશે.’ ત્યારે તેમણે કહ્યું, ‘હું હરિચરણોનું સ્મરણ કરીશ; પણ તમે ઘરે બેસો.’ તુકારામ મહારાજે કહ્યું, ‘જો તું તેવું વચન આપતી હોય, તો હું ઘરે આવું.’ તેમણે તેવું વચન આપ્યું અને બન્ને ઘરે આવ્યા.
તુકારામ મહારાજ ઘરે આવ્યા તે દિવસે અગિયારસ હતી. તુલસી વૃંદાવન પાસે બેસીને તેમણે પત્નીને ઉપદેશ આપ્યો. તે ઉપદેશથી તેઓ પ્રભાવિત થયાં. તેમણે બીજા દિવસે સૂર્યોદયે સ્નાન કર્યું, દેવપૂજા કરી અને બ્રાહ્મણોને બોલાવીને ઘણું દાન દીધું. પછી બપોરે ઘરમાં અન્ન નથી, એમ જોઈને તેઓ વિચારમાં પડી ગયા. ગઈકાલનો અગિયારસનો ઉપવાસ હોવાથી તેઓ અને છોકરાઓ ભૂખથી વલખાં મારવાં લાગ્યા.
જગજ્જનની તે સંકટની ઘડીમાં એક મહારાણીનું રૂપ ધારણ કરીને તુકારામ મહારાજના સત્ત્વની પરીક્ષા લેવા આવ્યાં. તેમણે કહ્યું, ‘તમે સર્વ ઘરબાર બ્રાહ્મણોને દાન કરી દીધું, એમ સાંભળ્યું છે, હવે જો કાંઈ વધ્યું હોય, તો મને આપો.’ તે સાંભળીને ઘરમાં જે એક સાડી સૂકાતી હતી, તે પણ તુકારામ મહારાજે તેમને આપી દીધી. સાડી આપી એમ જાણતાં જ પત્નીને ગુસ્સો આવ્યો. તે કહેવા લાગી, ‘બે માસ પછી કાલ જ તેમને સમજાવીને ઘરે લઈ આવી. તેમણે મને ઉપદેશ કરીને કેવો ભ્રમ પાડ્યો તે જુઓ. બ્રાહ્મણોને સર્વ દાન દઈ દીધું. છોકરાઓ ભૂખથી ટળવળે છે.’ તે રોષે ભરાઈ અને જે ચરણોનાં ચિંતનથી આ અનર્થ થયો, તેના પગ ભાંગી નાખવા માટે પથ્થર લઈને જવા લાગી. તુકારામ મહારાજે પૂછ્યા પછી તેણે ખરૂં કારણ જણાવ્યું. તે સાંભળીને તુકારામ મહારાજે કહ્યું, ‘તે પથ્થર મારા માથામાં માર’, પણ તે પથ્થર લઈને દેવાલય ભણી જવા લાગી. તુકારામ મહારાજ તેની પાછળ પાછળ ગયા.
પથ્થર લઈને દેવાલયમાં આવતાં જ રુક્મિણીએ બારણું વાસી દીધું અને તુકારામ બહાર જ રહી ગયા. તુકારામનાં પત્ની પાંડુરંગના ચરણો પર પથ્થર મારવાનાં જ હતાં એટલામાં જ રુક્મિણીએ તેનો હાથ ઝાલ્યો અને ‘અમે તારો શો અપરાધ કર્યો છે’, એમ પૂછ્યું. ત્યારે તેણે કહ્યું, ‘ઘરમાં છોકરાં ભૂખ્યા છે, કકળાટ કરી રહ્યા છે. આ ચરણોએ અમારો ઘાત કર્યો છે તેથી ગુસ્સે થઈને હું આ ચરણ ફોડી નાખવાની છું.’ રુક્મિણીએ તેને સમજાવીને કહ્યું, તું શાંત થા. તને સંસારમાં જે જે ઓછું પડશે તે તે સર્વ હું પૂરું પાડીશ. પછી રુક્મિણીએ તેને સાડી, ચોળી, હોન (તે સમયનું નાણું) આપીને શાંત કરી. ત્યારે પાણો નાખી દઈને તેણે જગજ્જનનીના ચરણોમાં મસ્તક નમાવ્યું અને આનંદથી ઘરે ગઈ.
આટલો ઉપદેશ આપવા છતાં પણ પોતાની પત્ની ઉતાવળી થઈને રુક્મિણી પાસેથી હોન લઈ આવી એ જોઈને તુકારામ મહારાજને ઘણું લાગી આવ્યું. તેમણે તેને કહ્યું, ‘તે પરમાર્થ ખોઈ દીધો. સિદ્ધિ, સંપત્તિ આ સર્વનો ત્યાગ કરવાથી જ ઈશ્વરપ્રાપ્તિ થાય છે.’ ત્યાર પછી તુકારામ મહારાજે તેની પાસેના સર્વ હોન ગરીબોમાં વહેંચી દીધા.