લેખનો પહેલો ભાગ વાંચવા માટે જુઓ : મૃત્યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૧)
અનુક્રમણિકા
મૃત્યુ પછીના ક્રિયાકર્મ શ્રદ્ધાપૂર્વક અને વિધિવત કરવાથી મૃત વ્યક્તિનો લિંગદેહ ભૂલોકમાં અથવા મૃત્યુલોકમાં અટકાઈ જવાને બદલે તેને સદગતિ પ્રાપ્ત થઈને તે આગળના લોકમાં જઈ શકે છે. તેથી તેના દ્વારા (પૂર્વજો દ્વારા) કુટુંબીજનોને ત્રાસ થવાની, તેમજ આવો લિંગદેહ અનિષ્ટ શક્તિઓના નિયંત્રણમાં જવાની સંભાવના પણ ઓછી થાય છે.
૪. મૃતદેહ ચિતા પર મૂકવો
૪ અ. સ્મશાનમાં પહોંચ્યા પછી ઠાઠડી સાથે મૃતદેહ ચિતા પર મૂકતી વેળાએ મૃતના પગ ઉત્તર દિશા ભણી અને માથું દક્ષિણ દિશા ભણી આવે, એમ કરવું.
૪ આ. ઠાઠડીના સર્વ સીંદરી અને વાંસ છોડવા. તે સર્વ સામગ્રી ચિતા પર જ મૂકવી.
૪ ઇ. મૃતદેહના પગના અંગૂઠા છોડવા.
૫. ચિતાને અગ્નિ આપવા પહેલાંના વિધિ
૫ અ. મૃત વ્યક્તિનું મુખ, બન્ને નસકોરાં અને કાનમાં, તેમજ આંખો પર સોનાના ટુકડા મૂકવા. સોનાના ટુકડા મુકવાનું સંભવ ન હોય તો દર્ભના અગ્રથી અથવા તુલસીના પાનથી ઘીના ટીપાં રેડવાં.
૫ આ. કર્તાએ અગ્નિનું માટલું ચિતાની વાયવ્ય દિશામાં મૂકવું અને તેમાંના અગ્નિને પ્રજ્વલિત કરવો. ‘क्रव्यादनामानमग्निं प्रतिष्ठापयामि ।’ એમ બોલીને તે અગ્નિ પર કાળા તલ નાખવા. (કેટલાક જણ મૃતદેહની વાયવ્ય દિશામાં ભૂમિ પર માટીની ત્રિકોણી વેદી બનાવે છે અને તેમાં છાણાં પર માટલામાંનો અગ્નિ મૂકીને તે પ્રજ્વલિત કરે છે.) તેના પર આચમનીથી આગળ આપ્યા પ્રમાણે ઘીની આહુતિઓ આપવી. પ્રત્યેક સમયે નીચે આપેલા એકેક મંત્રમાંના ‘સ્વાહા’ ઉચ્ચારણથી આહુતિ આપવી અને પછી ‘…इदं न मम ।’ એમ બોલવું.
अग्नेय स्वाहा । अग्नय इदं न मम ॥
कामाय स्वाहा । कामाय इदं न मम ॥
लोकाय स्वाहा । लोकाय इदं न मम ॥
अनुमतये स्वाहा । अनुमतय इदं न मम ॥
ત્યાર પછી ‘ॐ अस्माद्वैत्वमजायथा अयं त्वदभिजायताम् । असौ…..( મૃત વ્યક્તિનું નામ લેવું.) प्रेताय स्वर्गाय लोकाय स्वाहा ॥’ એમ બોલીને ઘીની આહુતિ મૃતદેહની છાતી પર આપવી અને ‘…. (મૃત વ્યક્તિનું નામ લેવું.) प्रेताय इदं न मम ।’ એમ બોલવું.
૫ ઇ. મૃત વ્યક્તિના કપાળ, મુખ, બન્ને બાહુ અને છાતી આ પાંચ સ્થાનો પર ચોખાના લોટના સોપારી જેટલા આકારના ગોળા મૂકવા. પ્રત્યેક ગોળા પર ઘી રેડવું.
૬. દહનવિધિ
૬ અ. ઉપસ્થિતોએ મૃતદેહ પર ચંદનકાષ્ઠ, અન્ય લાકડાં, અગરબત્તી અથવા કપૂર મૂકવા. આ કૃતિ શાસ્ત્રમાં કહી નથી પણ તે એક લૌકિક પદ્ધતિ છે.
૬ આ. લાવેલા અગ્નિની સહાયતાથી કર્તાએ ચિતાને અગ્નિ આપવો.
૧. પ્રથમ મૃતદેહના (પુરુષ હોય તો) માથા ભણીથી અથવા (સ્ત્રી હોય તો) પગ ભણીથી અને ત્યાર પછી અપ્રદક્ષિણા (ઘડિયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં) ફરતાં ચારેય બાજુથી ચિતા પ્રજ્વલિત કરવી. તે માટે લાવેલા અગ્નિ પર નારિયેળીનું એકાદ પાન સળગાવી લેવું.
૬ ઇ. ચિતામાં ‘ટાયર’ જેવી વસ્તુઓ નાખવી નહીં. કૅરોસીનનો ઉપયોગ કરવાનો થાય તો ઘણો ઓછો કરવો.
૬ ઈ. બને ત્યાં સુધી ચિતાનો ધુમાડો પોતાના શરીરને લાગવા દેવો નહીં.
૬ ઉ. મૃતદેહનો કપાળમોક્ષ થયા પછી (ખોપરી ફૂટવાનો ધ્વનિ આવ્યા પછી) કર્તાએ ખભા પર પાણીનું માટલું લઈને મૃત વ્યક્તિના પગ ભણી દક્ષિણ દિશામાં મોઢું કરીને ઊભા રહેવું. બીજી કોઈપણ વ્યક્તિએ કર્તાની પાછળ ઊભા રહીને સ્મશાનમાંના જ નાના પથ્થરથી (આ પથ્થરને ‘અશ્મા’ કહે છે.) તે માટલાના ડોક નીચે એક કાણું પાડવું. કર્તાએ માટલામાંનું પાણી ઢોળતાં ઢોળતાં ચિતા ફરતે ઘડિયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં પહેલી પ્રદક્ષિણા ફરવી. બીજાએ ફરીથી માટલાના પહેલા છિદ્ર નીચે બીજું છિદ્ર પાડવું. ત્યાર પછી કર્તાએ પહેલાની જેમ બીજી પ્રદક્ષિણા ફરવી. ત્યાર પછી બીજાએ ફરીવાર માટલાના બીજા છિદ્ર નીચે ત્રીજું કાણું પાડવું. કર્તાએ પહેલાની જેમ જ ત્રીજી પ્રદક્ષિણા ફરવી. ત્રીજી પ્રદક્ષિણા ફરી લીધા પછી જો મૃત વ્યક્તિ પુરુષ હોય તો તેના માથા ભણી મૃતદેહ ભણી પીઠ કરીને અને જો મૃત વ્યક્તિ સ્ત્રી હોય તો તેના પગ ભણી મૃતદેહ ભણી પીઠ કરીને કર્તાએ ઊભા રહેવું અને પાછળ જોયા વિના માટલું ખભેથી પાછળની બાજુએ નાખીને ફોડવું.
જેવી રીતે પૂજા માટે સાત્ત્વિક અને નૈસર્ગિક
વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે, તે પ્રમાણે
ચિતા પ્રજ્વલિત કરતી વેળાએ પણ સાત્ત્વિકવસ્તુઓનો ઉપયોગ કરવો !
પૂજા કરતી વેળાએ આપણે ઘી, તેલ, કપૂર જેવી નૈસર્ગિક અને સાત્ત્વિક વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ. આપણે ભોજન કરતી વેળાએ વાસી, કાચું અથવા ખરાબ થયેલું ભોજન ખાવાને બદલે તાજું અન્ન ગ્રહણ કરીએ છીએ. તેવી જ રીતે અંત્યેષ્ટી (અંત્યકર્મ) કરતી વેળાએ તે મૃતદેહ પણ એક સમિધા જ હોવાથી ચિતા પ્રજ્વલિત કરતી વેળાએ ‘પેટ્રોલ’, ‘કૅરોસીન’, ‘ડિઝલ’ અને ‘ટાયર’ જેવી અનૈસર્ગિક અને અસાત્ત્વિક વસ્તુઓનો ઉપયોગ કરવો અયોગ્ય છે. તેમજ આ વસ્તુઓ વાયુપ્રદૂષણ કરનારી હોય છે.
જેમને સાત્ત્વિક અને સારી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ આર્થિક દૃષ્ટિએ પોસાતી ન હોય, તેમણે ઓછી ગુણવત્તા ધરાવતી વસ્તુઓનો ઉપયોગ કરવો, જેમ કે, દેશી ગાયના ઘીને બદલે વનસ્પતિ ઘીનો ઉપયોગ કરવો. જેઓ તલનું તેલ અથવા સારી ગુણવત્તાનું તેલ વાપરી શકતા નથી, તેમણે ઓછી ગુણવત્તા ધરાવતું પામ તેલ વાપરવું. આ સૂત્ર સ્પષ્ટ કરવાનો ઉદ્દેશ એટલો જ છે કે, અંત્યકર્મ કરતી વેળાએ ચિતા પ્રજ્વલિત કરવા માટે અનૈસર્ગિક અને અસાત્ત્વિક વસ્તુઓનો ઉપયોગ કરવો અયોગ્ય છે. તેથી આ વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ.’
– શ્રી. સિદ્ધેશ કરંદીકર, પુરોહિત પાઠશાળા, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૧૮.૬.૨૦૨૦)
નોંધ : વર્તમાનમાં ચિતાને અગ્નિ આપીને તરત જ ઉપર જણાવેલી ક્રિયા કરે છે.
૬ ઊ. કર્તાએ માટલામાં છિદ્ર પાડવા માટે વાપરેલો અશ્મા સુરક્ષિત રીતે ઘરે લઈ આવવો.
નાના બાળકોનો અંત્યસંસ્કાર કેવી રીતે કરવો ?
‘મૃત્યુ પછી નાના બાળકોનો દેહ દાટવો (તેનું ખનન કરવું) અને વયોવૃદ્ધ (મોટી વ્યક્તિઓનો) દેહ દહન (અગ્નિસંસ્કાર) કરવો’, એવું શાસ્ત્રમાં કહ્યું છે. નાના બાળકોના અંત્યસંસ્કાર વિશેનાં સૂત્રો અને તે વિશેનું શાસ્ત્ર આગળ જણાવ્યું છે.
૧. નામકરણ કરવા પહેલાં (૧૨મા દિવસ સુધી) બાળકનું મૃત્યુ થયું હોય, તો ખનન કરવું. (દેહ દાટવો.)
૨. ચૌલસંસ્કાર થયેલા અથવા ન થયેલા ૩ વર્ષ સુધીના બાળકના મૃત્યુ પછી દહન અથવા ખનન આમાંથી ગમે તે કરીએ તો ચાલે. (સંદર્ભ : ધર્મસિંધુ, પૃષ્ઠ ૬૦૮ અને ૬૦૯)
નાના બાળકનો મૃતદેહ દાટવો અને
વયોવૃદ્ધના મૃતદેહનું દહન કરવું આ પાછળ રહેલું શાસ્ત્ર
૧. ‘સ્થૂળદેહ પૃથ્વીતત્વ સાથે સંકળાયેલો હોય છે. ૨ વર્ષથી નાના બાળકનો સ્થૂળદેહ કુમળો હોય છે. તેથી તે સ્થૂળદેહ (પૃથ્વીતત્વ) માટીમાં (પૃથ્વીતત્વમાં) સહેજે ભળી જઈ શકે છે, અર્થાત્ જ સ્થૂળદેહનું પંચતત્વમાં વિઘટન સહેજે થાય છે. જેમ જેમ વય વધતી જાય છે, તેમ તેમ સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું જડત્વ પણ વધે છે. દેહ દાટવાથી તેનું પંચતત્વ માં વિઘટન થવું કઠિન હોય છે. મૃત્યુ પછી સ્થૂળદેહ દહન કરવાથી તેની રાખ બને છે. આ રાખ માટીમાં સહેજે ભળી જાય છે, અર્થાત્ જ સ્થૂળદેહનું પંચતત્વમાં વિઘટન સહેજે થાય છે.
૨. વયોવૃદ્ધની ચિતા પર ગુણદોષ, દેહ વિશેની આસક્તિ ઇત્યાદિ સંસ્કાર દૃઢ થયેલા હોય છે. આવો દેહ દાટવાથી સ્થૂળ દેહ વિશેની આસક્તિ રહેલો લિંગદેહ તે ઠેકાણે ફરતો રહેવાની શક્યતા અધિક હોય છે.’
– વેદમૂર્તિ કેતન શહાણે (૨૭.૧૧.૨૦૧૪)
૭. દહનવિધિ પછી તે જ દિવસે કરવાની ક્રિયાઓ
૭ અ. શાસ્ત્ર અનુસાર પદ્ધતિ
૧. દહનવિધિ પછી તરત જ નદી, તળાવ અથવા કૂવા પર નામજપ કરતા કરતા કર્તા સાથે કુટુંબીજનોએ સ્નાન કરવું.
૨. કર્તાએ તિલાંજલિ આપવા માટે એક વાસણમાં પાણી રેડીને તેમાં કાળા તલ નાખવા. ત્યાર પછી ત્યાં જ કર્તા, કુટુંબીજનો અને સગાસંબંધીઓએ ‘….ગોત્ર (મૃત થયેલી વ્યક્તિનું ગોત્ર ઉચ્ચારવું.) …..પ્રેત (મૃત વ્યક્તિનું નામ ઉચ્ચારવું.) एष ते तिलतोयाञ्जलिस्तवोपतिष्ठताम् ।’, એમ કહીને અશ્મા પર પિતૃતીર્થ પરથી ૩ વાર તિલાંજલિ આપવી. જેમના પિતા જીવિત હોય, તેમણે તિલાંજલિ આપવી નહીં.
૩. ઘરે આવ્યા પછી પ્રથમ અશ્મા આંગણમાં રહેલા તુલસી-વૃંદાવન પાસે મૂકવો; પણ તુલસીની અંદર મૂકવો નહીં. તુલસી વૃદાંવન જો ન હોય તો અશ્મા ઘરની બહાર સુરક્ષિત ઠેકાણે મૂકવો.
૪. ઘરમાં પ્રવેશ કરવા પહેલાં લીમડાનું પાન ચાવવું. પછી આચમન કરીને અગ્નિના દર્શન લેવા, તેમજ પાણી, ગોમય, ધોળી રાઈ ઇત્યાદિ માંગલિક વસ્તુઓને હાથથી સ્પર્શ કરીને, ત્યાર પછી પથ્થર પર (ઘરના પથ્થરના પગથિયા પર ચાલશે.) પગ મૂકીને ધીમે ધીમે ઘરમાં પ્રવેશ કરવો.
૫. ભોજનમાં પાડોશીએ દાળ-ભાત (પીઠલું-ભાત) કરીને તે મૃત વ્યક્તિના ઘેર લાવવા. તેમાંનો થોડો ભાગ એક પતરાળા પર લઈને તે નૈવેદ્ય તરીકે વાસ્તુદેવતા અને સ્થાનદેવતા માટે ઘરની બહાર મૂકવો. શેષ રહેલું અન્ન ઇષ્ટદેવતાને અર્પણ કરીને પછી બધાયે ગ્રહણ કરવું.
૭ આ. શાસ્ત્ર અનુસાર બહાર સ્નાન
કરવું જો શક્ય ન હોય તો આચરવાની પદ્ધતિ
૧. ઘરે આવ્યા પછી પ્રથમ અશ્મા આંગણમાં રહેલા તુલસી-વૃંદાવન પાસે મૂકવો; પણ તુલસીની અંદર મૂકવો નહીં. તુલસી વૃદાંવન જો ન હોય તો અશ્મા ઘરની બહાર સુરક્ષિત ઠેકાણે મૂકવો.
૨. ઘરમાં પ્રવેશ કરવા પહેલાં સર્વાંગ પર ગોમૂત્ર છાંટીને શુદ્ધિ કરવી.
૩. કડવા લીમડાનું પાન ચાવવું..ધીમે ધીમે ઘરમાં પ્રવેશ કરવો. – આ કૃતિ ઉપર જણાવ્યા પ્રમાણે કરવી.
૪. નામજપ કરતા કરતા સહુકોઈએ સ્નાન કરવું.
૫. ઉપર જણાવ્યા પ્રમાણે તિલાંજલિ આપવી.
૬. ભોજનમાં પાડોશીએ દાળ-ભાત……ગ્રહણ કરવું. – આ કૃતિ ઉપર જણાવ્યા પ્રમાણે કરવી.
૮. અસ્થિ વિસર્જન
દાહસંસ્કાર કરેલા દિવસે અથવા મૃત્યુ થવાના ત્રીજા, સાતમા અથવા નવમા દિવસે અસ્થિ ભેગા કરીને તેનું દસમા દિવસ પહેલાં વિસર્જન કરવું. અંત્યસંસ્કાર થયા પછીના ત્રીજા દિવસે અસ્થિ ભેગા કરવા વધારે સારું હોય છે. દસ દિવસ પછી અસ્થિ વિસર્જન કરવાનું થાય તો તીર્થશ્રાદ્ધ કરીને વિસર્જન કરવું.
૯. પિંડદાન
શાસ્ત્ર અનુસાર પહેલા દિવસથી દસમા દિવસ સુધી પ્રતિદિન તિલાંજલિ, પિંડદાન, તેમજ વિષમ દિવસે વિષમ શ્રાદ્ધ કરવું. એમ સંભવ ન હોય, તો ઓછામાં ઓછું નવમા દિવસથી ઉત્તરક્રિયા ચાલુ કરવી. પરંતુ આજકાલ પહેલા દિવસથી માંડીને દસમા દિવસ સુધીનું પિંડદાન દસમા દિવસે એકત્રિત જ કરે છે. દસમા દિવસે નદીકાંઠેના અથવા ઘાટ પરના શિવજીના અથવા કનિષ્ઠ દેવતાના મંદિરમાં પિંડદાન કરવું. દસમા દિવસે પિંડ આપ્યા પછી અશ્મા પર થોડું કોપરાનું તેલ રેડીને તે વિસર્જિત કરવો.
૧૦. ૧૧મા અને ૧૨મા દિવસે કરવાની ક્રિયાઓ
૧૧મા દિવસે સ્નાન કરી લીધા પછી વાસ્તુમાં પંચગવ્ય હોમ કરીને સર્વત્ર પંચગવ્ય છાંટવું. સહુકોઈએ પંચગવ્ય પ્રાશન કરવું. કર્તાએ મૃતના ઉદ્દેશ વતી સંકલ્પ કરીને આમાન્ન (શીધું), તેમજ દસદાનો ઇત્યાદિ આપવું. ઘરની બહાર, ગમાણમાં અથવા અન્યત્ર એકોદ્દિષ્ટ શ્રાદ્ધ, તેમજ વસુગણ શ્રાદ્ધ અને રુદ્રગણ શ્રાદ્ધ કરવું.
૧૦ અ. સપિંડીકરણ શ્રાદ્ધ
સપિંડીકરણ શ્રાદ્ધ કરવાનો અધિકાર પ્રાપ્ત થાય તે માટે ૧૬ માસિક શ્રાદ્ધો સપિંડીકરણ શ્રાદ્ધ પહેલાં ૧૧મા અથવા ૧૨મા દિવસે કરવા. ૧૨મા દિવસે સપિંડીકરણ શ્રાદ્ધ કરવું. સપિંડીકરણ શ્રાદ્ધ કરવાથી મૃત જીવને ‘પિતૃ’ સંજ્ઞા પ્રાપ્ત થઈને તેને પિતૃલોકમાં સ્થાન મળે છે. ખરું જોતાં ૧૬ માસિક શ્રાદ્ધો તે તે માસમાં કરવા અને સપિંડીકરણ શ્રાદ્ધ વર્ષશ્રાદ્ધ (વરસી)ના આગલા દિવસે કરવું યોગ્ય હોય છે; પણ આજકાલ આ સર્વ ૧૨મા દિવસે જ કરવાની રૂઢિ છે.
૧૧. નિધન શાંતિવિધિ (શાંતોદક)
૧૩મા દિવસે પાથેય શ્રાદ્ધ કરીને નિધન શાંતિવિધિ કરવી. બધાયને બોલાવીને મીઠું ભોજન જમાડવું. આજકાલ આ વિધિ ૧૨મા દિવસે જ કરવામાં આવે છે.
આ લેખના પ્રથમ ભાગમાં આગળ જણાવેલી જાણકારી આપવામાં આવી છે –
૧. મૃત્યુ પછી કરવામાં આવતું આરંભમાંનું ક્રિયાકર્મ,
૨. દહનવિધિની સિદ્ધતા અને
૩. અંત્યયાત્રા