અનુક્રમણિકા
સગાંસંબંધીઓએ મૃત્યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ શ્રદ્ધાપૂર્વક અને વિધિવત કરવાથી મૃત વ્યક્તિનો લિંગદેહ ભૂલોકમાં અથવા મર્ત્યલોકમાં અટકાઈ પડવાને બદલે તેને સદ્ગતિ મળીને તે આગળના લોકમાં જઈ શકે છે. તેથી તેના દ્વારા (પૂર્વજો દ્વારા) કુટુંબીજનોને ત્રાસ થવાની, તેમજ આવા લિંગદેહ અનિષ્ટ શક્તિઓના નિયંત્રણમાં જવાની સંભાવના પણ ઓછી થાય છે.
આ લેખમાં આરંભનું ક્રિયાકર્મ, ક્રિયાકર્મ કોણે કરવું, ક્ષૌરવિધિ, દહનવિધિની સિદ્ધતા, અંત્યયાત્રા ઇત્યાદિ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
વ્યક્તિના મૃત્યુ પછીના ૧૩મા દિવસ સુધી કરવાની મહત્વની ક્રિયાઓ
વ્યક્તિના મૃત્યુ પછી ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે તેનું ક્રિયાકર્મ પુરોહિત દ્વારા કરાવી લેવાનું હોય છે. મોટાભાગે અંત્યસંસ્કાર વિશે જ્ઞાન ધરાવનારો પુરોહિત તરત જ મળવાનું કઠિન હોય છે. આવા સમયે સર્વસામાન્ય રીતે કઈ ક્રિયાઓ કરવાની હોય છે, તે આગળ જણાવ્યું છે. આમાંથી કેટલીક ક્રિયાઓમાં પાઠભેદ, તેમજ પ્રાંત અનુસાર / પરંપરા અનુસાર ભેદ (ફેર) હોઈ શકે છે. જ્યાં આવા ફેર જણાય ત્યાં આપણા પુરોહિતનો અભિપ્રાય લેવો.
૧. મૃત્યુ પછી કરવામાં આવનારું આરંભનું ક્રિયાકર્મ
૧ અ. ક્રિયાકર્મ માટે આગળ જણાવેલી સામગ્રી એકઠી કરવી
૧. વાંસ (બાંબુ),
૨. સીંદરી, એટલે કાથીની દોરડી (એક કિલો)
૩. એક નાનું અને એક મોટું માટલું,
૪. મૃતદેહ ઢાંકવા માટે ધોળું કપડું,
૫. તુલસીનો હાર,
૬. તુલસીના મૂળમાં રહેલી માટી,
૭. ૨૫૦ ગ્રામ કાળા તલ,
૮. ૫૦૦ ગ્રામ ઘી,
૯. દર્ભ,
૧૦. ૧૦૦ ગ્રામ કપૂર,
૧૧. બાકસ,
૧૨. સાતુ / ચોખાના લોટના ૭ ગોળા,
૧૩. આચમની – પંચપાત્ર, લોટો અને તરભાણું,
૧૪. કેરી-ફણસનાં લાકડાં,
૧૫. કોઈતો,
૧૬. ભસ્મ / વિભૂતિ,
૧૭. ગોપીચંદન,
૧૮. ચંદનકાષ્ઠ,
૧૯. છાણાં,
૨૦. ૧ વાટકી પંચગવ્ય (ગોમૂત્ર, ગોમય, દૂધ, દહીં અને ઘીનું મિશ્રણ),
૨૧. સોનાના ૭ ટુકડા.
૧ આ. મૃતને અગ્નિ આપવાથી માંડીને કાર્યસમાપ્તિ સુધીના વિધિ કરવાનો અધિકાર મૃત વ્યક્તિના જ્યેષ્ઠ પુત્રને છે. કેટલાક અપરિહાર્ય કારણોસર જ્યેષ્ઠ પુત્ર ક્રિયાકર્મ કરી શકતો ન હોય, તો નાના પુત્રએ ક્રિયાકર્મ કરવું. જો તે પણ ન હોય, તો ક્રમવાર વચેટ પુત્ર, જમાઈ કે અન્ય સંબંધી ક્રિયાકર્મ કરી શકે છે. ક્રિયાકર્મ કરનારા પુરુષને ‘કર્તા’ કહે છે.
અવિવાહિત પુરુષ / સ્ત્રી, તેમજ નિપુત્રિક વ્યક્તિ ઇત્યાદિના ક્રિયાકર્મ ક્રમવાર તેની પાછળનો ભાઈ, પિતા અથવા મોટો ભાઈ, નહીંતર સંબંધી કરી શકે છે.
૧ ઇ. વ્યક્તિના મૃત્યુ પછી બને ત્યાં સુધી તરત જ તેના હાથ-પગ અને ડોક સીધા કરવા. આંખો બંધ કરી દેવી. થોડો સમય પછી આમ કરવું કઠિન હોય છે.
૧ ઈ. વ્યક્તિના મૃત્યુ પછી આક્રોશ કરવો, છાતી કૂટવા જેવી કૃતિઓ કરવી નહીં.
૧. ઘરમાંની વ્યક્તિઓએ મૃત વ્યક્તિના લિંગદેહનું અનિષ્ટ શક્તિઓના આક્રમણ (હુમલા) સામે રક્ષણ થવા માટે વચમાં વચમાં દત્ત ભગવાનને પ્રાર્થના કરવી – ‘હે દત્તાત્રેય ભગવાન,….. (મૃત વ્યક્તિનું નામ લેવું.) ના લિંગદેહ ફરતું તમારું સંરક્ષણ-કવચ નિરંતર રહેવા દેજો. તેમને આગળની ગતિ આપશો, એવી આપનાં ચરણોમાં પ્રાર્થના છે !’
૨. ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ દત્તનો નામજપ કરતા કરતા આગળનાં સર્વ ક્રિયાકર્મો કરવાં.
૧ ઉ. મૃતદેહને ભૂમિ પર મૂકવા પહેલાં ભૂમિ છાણથી લીંપવી. તેમ બનતું ન હોય તો ભૂમિ પર ગોમય અથવા વિભૂતિનું પાણી છાંટવું. ભૂમિ પર દર્ભ પાથરીને તેના પર સાદડી, ગોદડી, ધાબળો પાથરીને તેના પર મૃતદેહને દક્ષિણોત્તર સૂવડાવવો. મૃતદેહને દક્ષિણોત્તર મૂકતી વેળાએ તેના પગ દક્ષિણ ભણી કરવા.
મૃતદેહ ફરતે અપ્રદક્ષિણાથી (ઘડિયાળના કાંટાની વિરૂદ્ધ દિશામાં) થોડું અંતર રાખીને ભસ્મ અથવા વિભૂતિ ભભરાવવી.
૧ ઊ. મૃત્યુ પહેલાં વ્યક્તિના મોઢામાં ગંગાજળ જો નાખ્યું ન હોય, તો મૃતદેહના મોઢામાં ગંગાજળ નાખીને મોઢું બંધ કરીને તેના પર તુલસીપત્ર મૂકવું. તેમજ તેના કાન અને નાકમાં કપાસ (રૂ) કરતાં તુલસીના પાનનો એકત્રિત ગુચ્છો મૂકીને તે બંધ કરવા.
૧ એ. મૃતદેહના માથાથી થોડા અંતર પર પલાળેલા ઘઉંના લોટના ગોળા પર એકજ દિવેટ ધરાવતું તેલનું કોડિયું / દીવો / દીવી પ્રગટાવી રાખવી. તે દીવાની જ્યોત દક્ષિણ દિશા ભણી કરવી.
મૃતદેહ ત્યાંથી લઈ ગયા પછી પણ આ દીવો દસ દિવસ સુધી પ્રજ્વલિત રાખવો.
૧ ઐ. કર્તાએ ક્ષૌર કરવું (માથા પરના વાળ સંપૂર્ણ ઉતારવા.), તેમજ દાઢી, મૂછ કાઢીને નખ પણ કાપવા. ક્ષૌર કરતી વેળાએ બટૂની જેમ વાળનો ઘેર રાખવાને બદલે કેવળ શિખા રાખવી.
કર્તાના અન્ય ભાઈઓ, તેમજ મૃત વ્યક્તિ કરતાં નાના રહેલા કુટુંબીજનો (જેમના પિતા નથી એવા) તેમણે પણ તે દિવસે ક્ષૌર કરવું. તે દિવસે ન બને તો દસમા દિવસે ક્ષૌર કરવું. કર્તા જો મૃત વ્યક્તિ કરતાં વયથી મોટો હોય, તો તેણે ક્ષૌર કરવું નહીં.
૧ ઓ. સૂર્યાસ્ત પછી ક્ષૌર વર્જ્ય હોવાથી સૂર્યાસ્ત પછી ક્ષૌર કરવું નહીં. આવા સમયે મૃતની ઉત્તરક્રિયા (પ્રતિદિન કરવાનું પિંડદાન અને આપવાની તિલાંજલિ) જે દિવસે ચાલુ કરવાની હોય, તે દિવસે કર્તાએ ક્ષૌર કરીને ઉત્તરક્રિયા કરવાનો આરંભ કરવો. અન્યોએ ૧૦મા દિવસે ક્ષૌર કરવું.
સ્ત્રીઓએ વાળ કે નખ કાપવા નહીં.
૧ ઔ. કર્તાએ સ્નાન કરવું અને કોરા વસ્ત્રો, ઉદા. ધોતિયું પરિધાન કરવું. શરીર પર ખેસ લેવો નહીં.
૧ અં. મૃત વ્યક્તિ કરતાં નાના રહેલા કુટુંબીજનોએ અને સગાંસંબંધીઓએ મૃતદેહને નમસ્કાર કરવા.
૧ ક. મૃતદેહને ઘરના આગળના ફળિયામાં લઈ જઈને ત્યાં તેનું માથું પૂર્વ દિશા ભણી અને પગ પશ્ચિમ દિશા ભણી કરીને ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ મોટેથી બોલતા બોલતા કર્તાએ તેને સ્નાન કરાવવું.
૧. સ્નાન કરાવવું જો શક્ય ન હોય, તો પગ પર પાણી રેડવું.
૨. પછી એકવાર પંચગવ્યસ્નાન (ગોમૂત્ર, ગોમય, દૂધ, દહીં અને ઘી એક પવાલામાં એકત્રિત કરવું. તેમાં દર્ભ મૂકીને પાણી રેડવું. તે મિશ્રણ દર્ભ અથવા તુલસીપત્રની સહાયતાથી મૃતદેહ પર છાંટવું), તેમજ માથાથી માંડીને પગ સુધી ૧૦ વાર માટીનું સ્નાન (પાણીમાં તુલસીના મૂળિયાની માટી નાખીને તે પાણી મૃતદેહ પર છાંટવું) કરાવવું.
૩. ગોપીચંદન અને ભસ્મ / વિભૂતિ મૃતદેહને લગાડવી. ગળામાં તુલસીનો હાર પહેરાવવો.
નોંધ – પ્રત્યેકે મૃતદેહને પુષ્પમાળા, તેમજ મોઢામાં ખાંડ આપવાની અને કપાળ પર કંકુ લગાડવાની પદ્ધતિ ઘણે ઠેકાણે જોવા મળે છે. એવું કરવું શાસ્ત્રીય દૃષ્ટિએ અયોગ્ય છે.
૧ ખ. સ્નાન કરાવ્યા પછી મૃતદેહને નવાં વસ્ત્ર (ધોતિયું-પહેરણ અથવા સાડી) પહેરાવવા. આ વસ્ત્રો ધૂપાવીને (વસ્ત્રો ધૂપ પરથી ઉતારીને) અથવા ગોમૂત્ર અથવા તીર્થ છાંટીને શુદ્ધ કરેલા હોવા જોઈએ.
૧. કુમારિકા જો મૃત પામે તો તેને ધોળા રંગ સિવાય અન્ય કોઈપણ રંગની સાડી પહેરાવવી.
૨. સુવાસિનીના મૃત્યુ પછી –
૨ અ. નવી લીલા રંગની સાડી પહેરાવવી.
૨ આ. કાચની લીલા રંગની બંગડીઓ પહેરાવવી અને વાળમાં ફૂલની વેણી ગૂંથવી.
૨ ઇ. કપાળ પર કંકુ લગાડવું. અન્ય સુવાસિનીઓએ મૃત સુવાસિનીને હળદર-કંકુ લગાડવા.
૧ ગ. મૃતદેહ સાદડી / અન્ય પાથરણા પર મૂકવો. પગ ખુલ્લા મૂકીને બાકીનો મૃતદેહ અખંડ કોરા ધોળા કપડાથી ઢાંકવો. મુખમંડળ પરના વસ્ત્રના ભાગને બાખું પાડીને મુખ (ચહેરો) ખુલ્લું રાખવું. પગ બાજુનો વસ્ત્રનો ભાગ (કુલ વસ્ત્રનો એક ચતુર્થાંશ ભાગ) કાપીને કર્તાએ તેનો ખેસ તરીકે ૧૨મા દિવસ સુધી ઉપયોગ કરવો. આ ખેસ ખોવો નહીં. આ વસ્ત્ર ૧૨મા દિવસે સપિંડીવિધિમાં પિંડના ઠેકાણે મૂકાય છે અને પિંડસહિત વિસર્જિત કરવામાં આવે છે.
૧ ઘ. અન્ય સૂચના
૧. જો પતિ મૃત પામ્યો હોય, તો પત્નીએ મંગળસૂત્રમાંના મુહૂર્તમણિ, તેમજ સોનાની તારમાં પરોવેલા કાળા મણિ જુદા કરીને તે પતિના મૃતદેહ સાથે ચિતામાં મૂકવા માટે આપવા. મંગળસૂત્રમાંના અન્ય સુવર્ણ અને સૌભાગ્યલંકાર કાઢીને સુરક્ષિત મૂકવા.
૨. મૃતદેહ વધારે સમય રાખવો નહીં. કોઈ કારણસર મૂકવો પડે તો તેના ફરતે દત્તની નામજપપટ્ટીઓનું મંડળ કરવું. તેમજ ઘરમાં દત્તનો નામજપ અથવા સંતોએ ગાયેલાં ભજનો ચાલુ રાખવા. ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ ઉપસ્થિતોએ નિરંતર કરવો.
૩. મૃતદેહનું દહન બને ત્યાં સુધી દિવસે કરવું.
૪. ૧૩મા દિવસ સુધી સર્વ કુટુંબીજનોએ ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ નિરંતર કરવો. તેને સૂત્ર ‘૧ અ ૪’માં કહેવા પ્રમાણે પ્રાર્થનાની જોડ આપવી.
૫. મૃતદેહને કોઈએ પણ અનાવશ્યક સ્પર્શ કરવો નહીં.
૬. ૩ વર્ષ સુધીનો દીકરો-દીકરી મૃત થાય તો તે સંદર્ભમાં કોઈપણ ધાર્મિક વિધિ કરવામાં આવતા નથી. તેનો મૃતદેહ દાટવો.
૨. દહનવિધિની સિદ્ધતા
૨ અ. ઠાઠડી બાંધવી
૧. ઠાઠડી, તેમજ અગ્નિ ધરાવતું માટલું રાખવા માટે પટ્ટીઓ બનાવવા માટે વાંસનો ઉપયોગ કરવો.
૨. ઠાઠડી બનાવવા માટે વાંસના લગભગ ૬ ફૂટના બે ટુકડા કરીને ભૂમિ પર આડા મૂકવા. તે બન્નેમાં આશરે દોઢ ફૂટનું અંતર રાખીને વાંસની પટ્ટીઓ વચ્ચે વચ્ચે બાંધવી. પટ્ટીઓ બાંધતી વેળાએ સીંદરી ક્યાંયે કાપવી નહીં. પ્રત્યેક બાજુએ વધેલી સીંદરી મૃતદેહ ઠાઠડી પર મૂક્યા પછી તે ઠાઠડી બાંધવા માટે વાપરવી.
૩. અગ્નિ રાખેલું માટલું લઈ જવા માટે બાંબુ ચીરીને તેની ત્રણ પટ્ટીઓ બનાવવી, અગ્નિનું માટલું સમાય, એટલા ત્રિકોણ આકારમાં તે બાંધવી.
૪. બાંધેલી ઠાઠડી ઘરની બહાર, ઉદા. આંગણામાં પૂર્વ-પશ્ચિમ મૂકવી.
૨ આ. મૃત વ્યક્તિના નિવાસસ્થાન પર થનારા બધા જ વિધિ થઈ ગયા પછી મૃતદેહ ઠાઠડી પર પૂર્વ ભણી માથું અને પશ્ચિમ દિશામાં પગ કરીને રાખવો.
૨ ઇ. મૃતદેહના પગના બન્ને અંગૂઠા એકબીજા સાથે બાંધવા.
૨ ઈ. ઠાઠડીના છેડે રહેલી સીંદરીની સહાયતાથી મૃતદેહ ઠાઠડી સાથે બાંધવો.
૨ ઉ. મૃતએ વાપરેલા કપડાં અને પાથરવાનું-ઓઢવાનું અંત્યયાત્રા સાથે લઈ જવું. તે સામગ્રી ચિતામાં મૂકવી.
૩. અંત્યયાત્રા
૩ અ. અંત્યયાત્રામાં કર્તાએ આગળ રહેવું. તેણે છાણા નાખીને તેના પર નિખારા અથવા કપૂરની સહાયતાથી અગ્નિ પ્રજ્વલિત કરેલું માટલું જમણા હાથમાં ઝાલવું.
કર્તાએ ડાબા ખભે પાણીથી ભરેલું માટલું લેવું. શારીરિક ક્ષમતા ન હોય અને પાણીનું માટલું ઉપાડી શકાતું ન હોય તો તે અન્ય વ્યક્તિ પાસે આપવું.
૩ આ. કુટુંબીજનોએ અથવા સગાંસંબંધીઓએ, તેઓ પણ જો ઉપસ્થિત ન હોય તો પડોસીઓએ ઠાઠડી ઉપાડવી અને કર્તાની પાછળથી ચાલવું. ઠાઠડી માટે ચાર જણે ખભો આપવો.
કર્તા અને ઠાઠડીની વચ્ચે કોઈએ રહેવું નહીં. સહુએ ઠાઠડીની પાછળથી ચાલવું.
૩ ઇ. અંત્યયાત્રામાં મૃતદેહનું માથું આગળની દિશામાં કરવું.
૩ ઈ. અંત્યયાત્રા સ્મશાનમાં પહોંચે ત્યાં સુધી બધાયે મોટેથી ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરવો.
મૃતદેહ સ્મશાનમાં લઈ જતી વેળાએ સહુકોઈએ પોતાની સાધના અનુસાર નામજપ મનમાં કરવો કે પછી દત્તનો નામજપ સામૂહિક રીતે મોટેથી કરવો ?
સહુએ મોટેથી ‘શ્રી ગુરુદેવ દત્ત ।’ આ નામજપ કરવાથી સહુના મનમાં વ્યાપક ભાવ નિર્માણ થઈને વાતાવરણ પર તરત જ પરિણામ થાય છે, તેમજ સમષ્ટિ સાધનાનું ફળ મળવામાં સહાયતા થાય છે અને સહુને દુઃખદ પ્રસંગનો ધૈર્યથી સામનો કરવાનું ફાવે છે. તેમજ અન્ય લોકો પણ આમાંથી સ્ફૂર્તિ લઈને નામસાધનાનો આરંભ કરે છે. આનાથી ઊલટું પોતાની સાધના અનુસાર મનમાં નામજપ કરવાથી અધ્યાત્મપ્રસાર ન થવાથી અન્યોને સમષ્ટિ સાધનાનું મહત્વ ધ્યાનમાં આવતું નથી. મનમાં નામજપ કરવાથી સંકુચિતપણાની વૃત્તિ વધવા લાગીને કેવળ હું નામજપ કરી રહ્યો છું, એવા અહંની જાળવણી થાય છે; તેથી કોઈપણ કર્મ કરતી વેળાએ સહુને સાધનાનો દૃષ્ટિકોણ આપીને તેમને આપણી સાથે લઈ જવાનો પ્રયત્ન કરવો. – એક વિદ્વાન (સૌ. અંજલી ગાડગીળના માધ્યમ દ્વારા)
૩ ઉ. અંત્યયાત્રા અધવચમાં અથવા તો જ્યારે સ્મશાનના પ્રવેશદ્વાર બહાર પહોંચે ત્યારે ઠાઠડી નીચે મૂકવી. કર્તાએ હાથમાંની સામગ્રી નીચે મૂકીને ચોખાના લોટના બે પિંડ આપવા. આ પિંડ ઘરમાં જ બનાવી લાવીએ તો પણ ચાલે. એક વાસણમાં પાણી લઈને તેમાં કાળા તલ નાખવા. મૃતદેહની જમણી બાજુ અને ડાબી બાજુ દર્ભ પર પિંડ રાખવા. જમણી બાજુના પિંડ પર ‘श्यामाय अयं पिण्ड उपतिष्ठतु ।’ એમ બોલીને જમણા હાથના પિતૃતીર્થથી (અંગૂઠો અને તર્જની વચ્ચેના હાથના તળિયાના સ્થાન પરથી) તલમિશ્રિત પાણી રેડવું. પછી ડાબી બાજુના પિંડ પર ‘शबलाय अयं पिण्ड उपतिष्ठतु ।’ એમ બોલીને તેના પર પણ ઉપર જણાવ્યા પ્રમાણે તલમિશ્રિત પાણી રેડવું.
૩ ઊ. ત્યારપછી પાછળ ખભો આપનારા આગળ અને આગળ ખભો આપનારા પાછળ, આ રીતે પાલટ કરીને ઠાઠડી ઉપાડવી અને આગળ લઈ જવી.
વ્યક્તિના મૃત્યુ પછી ૧૩મા દિવસ સુધી કરવાની બાકીની મહત્વની ક્રિયાઓ વિશેની વિગતવાર જાણકારી વાંચવા માટે જુઓ, ‘મૃત્યુ પછી કરવામાં આવનારું ક્રિયાકર્મ (ભાગ ૨)’