તુલસીનું મહત્વ અને ઉપયોગ

Article also available in :

તુલસી ધાર્મિક, આધ્‍યાત્‍મિક અને વૈજ્ઞાનિક દૃષ્‍ટિએ માનવી જીવન માટે સર્વ રીતે કલ્‍યાણકારી છે; તેથી પ્રત્‍યેક સુસંસ્‍કૃત કુટુંબમાં તુલસીનો ક્યારો અવશ્‍ય જોવા મળે છે. પહેલાં પ્રત્‍યેક ઘરમાં તુલસી-વૃંદાવન રહેતું.

 

૧. તુલસી પ્રત્‍યેક ઘરમાં પૂજાય છે

ગામડામાં ઘેર-ઘેર માટીના ઓટલા પર તુલસી ક્યારો કરીને સ્‍ત્રીઓ પ્રતિદિન પૂજા કરે છે, અર્ઘ્‍ય અર્પણ કરે છે અને સાંજે તુલસી પાસે દીવો કરે છે. ‘અમને સુખ-સમૃદ્ધિ, દીર્ઘાયુષ્‍ય, સૌભાગ્‍ય, ભગવદ્‌પ્રીતિ પ્રદાન કર’, એવી તુલસીને પ્રાર્થના કરે છે. કેટલાક વિશેષ પ્રસંગોમાં તુલસીની પૂજા અને અનુષ્‍ઠાન ઇત્‍યાદિ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે, તેમજ તુલસીનાં પાન પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે તેમજ અન્‍ય પૂજા સમયે તીર્થમાં તો તે નક્કી જ નાખવામાં આવે છે.’

 

૨. તુલસી પૂજનનું મહત્વ અને
તુલસીને કારણે થનારા આરોગ્‍યદાયી લાભ

શ્‍લોક : तुलसी यस्‍य भवने प्रत्‍यहं परिपूज्‍यते ।

          तद़्‍गृहं नोपसर्पन्‍ति कदाचिद्यमकिङ्‍कराः ॥            

 – સ્‍કન્‍દપુરાણ, ખંડ ૪, અધ્‍યાય ૨૧, શ્‍લોક ૬૬

અર્થ : એવું કહેવાય છે કે જેના ઘરે તુલસીની પ્રતિદિન પૂજા થાય છે, તે ઘરે યમદૂત ક્યારે પણ આવી શકતા નથી.

૨ અ. જ્‍યાં તુલસીના પૂરતાં રોપો હોય છે, ત્‍યાંની હવા ૨૪ કલાક શુદ્ધ રહે છે. આવા ઘરના લોકો નિરોગી રહે છે. તેમને દીર્ઘાયુષ્‍યની પ્રાપ્‍તિ થાય છે.

૨ આ. સંતોએ કહ્યું છે, ‘‘તુલસી નિર્દોષ છે. પ્રત્‍યેક ઘરમાં તુલસીના એક-બે રોપ હોવા જ જોઈએ. સવારે તુલસીના દર્શન કરો. તુલસી પાસે બેસીને દીર્ઘ શ્‍વાસ લો અને મૂકો, તો આરોગ્‍ય સારું રહેશે, તેમજ દમ થવાની સંભાવના ઓછી થશે. તુલસીને સ્‍પર્શ કરનારી હવા શ્‍વાસ સાથે શરીરમાં લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.’’

૨ ઇ. સીતામાતા અને લક્ષ્મણે પણ તેમની પર્ણકુટી પાસે તુલસી વાવી હતી. તત્ત્વદર્શી ઋષિ-મહર્ષિઓએ તુલસીમાંના સર્વ ગુણો પારખી લઈને તેનામાંના દેવત્‍વ અને માતૃત્‍વના માનવીને દર્શન કરાવ્‍યા; તેથી દેવત્‍વ અને માતૃત્‍વના પ્રતીક તરીકે તુલસીના રોપ વાવવા, તેમજ તેની પ્રતિદિન પૂજા કરવાનું વિશેષ મહત્વ કહ્યું છે.

૨ ઈ. સંતો કહે છે, ‘‘તુલસીના પાન ત્રિદોષનાશક છે. તેને કારણે કોઈપણ દુષ્‍પ્રભાવ પડતો નથી. પ્રતિદિન તુલસીના ૫ થી ૭ પાન ખાઈ શકો. તુલસી હૃદય અને મગજ માટે પુષ્‍કળ લાભદાયી છે. ઈશ્‍વર પાસેથી પ્રાપ્‍ત તે આરોગ્‍ય સંજીવની છે.’’

૨ ઉ. જમવા પહેલાં અથવા જમ્‍યા પછી તુલસીના પાન આરોગવા આરોગ્‍ય માટે લાભદાયી છે. વાત અને કફના શમન માટે તુલસી ઔષધિનું કામ કરે છે. ઊભા-ઊભા અથવા ચાલતા-ચાલતા પણ તુલસીના પાન ખાઈ શકો છો; પણ અન્‍ય કોઈપણ પદાર્થ આ રીતે ખાવો તે શાસ્‍ત્રવિહિત નથી.

૨ ઊ. દૂધ સાથે તુલસીપત્ર વર્જિત છે; પણ પાણી, દહીં, ભોજન ઇત્‍યાદિ પ્રત્‍યેક પદાર્થ સાથે તુલસીપત્ર લઈ શકાય છે. રવિવારે તુલસી ઉષ્‍ણતામાં વધારો કરે છે; તેથી તે દિવસે તુલસીના પાન તોડવા નહીં અને સેવન પણ કરવું નહીં.

૨ એ. વૈજ્ઞાનિક સંશોધનમાં સ્‍પષ્‍ટ થયું છે કે, તુલસીમાં વિદ્યુત તત્વની નિર્મિતિ કરવાનું અને શરીરમાં તે તત્વ ટકાવી રાખવાનું અદ્‌ભૂત સામર્થ્‍ય છે. તુલસીના થોડા રસથી તેલ જેવું માલીશ કરવાથી વિદ્યુત પ્રવાહ ઉત્તમ રીતે ચાલે છે.

 

૩. તુલસીનું માહાત્‍મ્‍ય

૩ અ. ‘બ્રહ્મવૈવર્ત પુરાણ’ (પ્રકૃતિ ખંડ : ૨૧.૩૪)માં ભગવાન નારાયણ કહે છે, ‘‘હે વરાનને (સુમુખી) ! ત્રિલોકમાં દેવપૂજાના ઉપયોગ માટે કરવામાં આવનારા સર્વ પત્ર-પુષ્‍પોમાં તુલસીને પ્રમુખ ગણવામાં આવશે.’’

૩ આ. ‘શ્રીમદ્દેવીભાગવત’ (૯.૨૫.૪૨-૪૩)માં કહ્યું છે, ‘ફૂલોમાં જેની કોઈની સાથે તુલના થઈ શકતી નથી, જેનું મહત્વ વેદોમાં પણ વર્ણિત છે, જે સર્વ અવસ્‍થાઓમાં સદૈવ પવિત્ર રહે છે, જે ‘તુલસી’ નામથી પ્રસિદ્ધ છે, જે ભગવાન માટે શિરોધાર્ય છે, જે સહુની મનગમતી છે, તેમજ જે સંપૂર્ણ જગત્‌ને પવિત્ર કરનારી છે, તે જીવનમુક્ત, મુક્તદાયિની અને શ્રીહરિની ભક્તિ પ્રદાન કરનારી ભગવતી તુલસીની હું ઉપાસના કરું છું.’

૩ ઇ. તુલસીના ક્યારાની માટીનું તિલક કરવાથી તેજસ્‍વિતા વધે છે.

 

૪. તુલસીની વૃદ્ધિ અને તેના સંરક્ષણ માટેના ઉપાય

૪ અ. તુલસીનાં પાન તોડતી વેળાએ તેની મંજરી અને આજુબાજુના પાન તોડવાથી રોપની વૃદ્ધિ સારી થાય છે.

૪ આ. જો તુલસીના પાન પર છિદ્રો દેખાતા હોય, તો ગાયના છાણના છાણાંની રાખ કિટકનાશક તરીકે વાપરવી જોઈએ.

સાભાર : માસિક ‘ઋષિપ્રસાદ’, ડિસેંબર ૨૦૧૬

Leave a Comment