અનુક્રમણિકા
- ૧. ઉપવાસ
- ૨. ઉપવાસ – ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા !
- ૩. ઉપવાસની અદ્વિતીય વિશિષ્ટતાઓ
- ૪. ઉપવાસના સંબંધમાં વ્રતો
- ૫. વ્રત, ઉપવાસ ઇત્યાદિનું મહત્ત્વ જ્ઞાત ન રહેલા રજનીશ !
- ૬. ઉપવાસના દિવસે પાળવાના નિયમો
- ૭. ઉપવાસ કરવાથી થનારા લાભ
- ૮. ઉપવાસ કરવા પાછળનો ઉદ્દેશ
- ૯. ભગવદ્દગીતામાં શુદ્ધ અને સાત્ત્વિક આહારનું મહત્ત્વ કહ્યું હોવું
‘પુષ્કળ શ્રદ્ધાળુઓ ભારતીય નિયમિત ચોક્કસ દિવસે, પર્વ જેવા વિશેષ દિવસે અથવા વ્રતના સમયે ઉપવાસ કરે છે. તે દિવસે કેટલાક લોકો દિવસમાં એકવાર જ ભોજન કરે છે અથવા કેટલાક લોકો ફળાહાર કરે છે, જ્યારે કેટલાક જણ સાદો આહાર લે છે. કેટલાક લોકો એકદમ કડક નિર્જળા (પાણી પણ પીધા વિના) ઉપવાસ કરે છે. ઈશ્વરને પ્રસન્ન કરવા અથવા પોતાને દંડ તરીકે પ્રાયશ્ચિત્ત લેવું અને ક્યારેક વિરોધ પ્રગટ કરવા માટે ઉપવાસ કરવામાં આવે છે.
૧. ઉપવાસ
દક્ષિણાયનમાં વર્ષા, શરદ અને હેમંત ઋતુઓ આવે છે. આ ત્રણ ઋતુઓમાં તહેવારો વધારે પ્રમાણમાં છે. તેમાંથી પણ વર્ષા ઋતુમાં તહેવારો સૌથી વધારે છે. ચોમાસું હોવાથી રોગચાળાનું પ્રમાણ વધારે હોય છે. આરોગ્ય ભણી ધ્યાન દેવાની આવશ્યકતા હોય છે. તહેવાર નિમિત્તે વચ્ચે-વચ્ચે ઉપવાસ કરવાનું થાય છે, સાત્ત્વિક આહાર પેટમાં જાય છે, તેમજ બહારનું ખાવા પર પણ કેટલાક પ્રમાણમાં મર્યાદા આવે છે.
૧ અ. ‘ઉપવાસ’ શબ્દનો અર્થ
સંસ્કૃતમાં ઉપવાસ શબ્દની સંધિ ‘ઉપ + વાસ’, આ પ્રમાણે છે. ઉપ અર્થાત્ પાસે અને વાસ એટલે રહેવું; તેથી ‘ઉપવાસ’ અર્થાત્ ઈશ્વરની પાસે (નજીક) રહેવું અથવા ઈશ્વરના નિરંતર અનુસંધાનમાં રહેવું.
૨. ઉપવાસ – ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા !
‘જુદા-જુદા ઉપવાસ એટલે ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતા છે. આ ઉપવાસોને સાધુસંતોના, ઋષિમુનિઓના આશીર્વાદ હોવાથી ઉપાસકોને દૈવી તેજ પ્રાપ્ત થાય છે. સત્પુરુષોના કહેવાથી ઉપવાસ અને ઉપાસના કરીએ, તો તેનું અધિક તેજ પ્રાપ્ત થાય છે. તે સિવાય ઉપવાસને આયુર્વેદમાં આરોગ્યશાસ્ત્રનો આધાર છે જ. યોગશાસ્ત્રમાં પણ ઉપવાસ અંતર્ભૂત છે.
૩. ઉપવાસની અદ્વિતીય વિશિષ્ટતાઓ
૩ અ. અપથ્ય કરવાથી શરીરમાંની ૭૨ સહસ્ર
નાડીઓમાંથી થનારા પ્રાણશક્તિના વહનમાં અડચણો નિર્માણ થવી
सर्वेषाम् एव रोगाणां निदानं कुपिता मलाः ।
तत्प्रकोपस्य तु प्रोक्तं विविधाहितसेवनम् ॥
– અષ્ટાંગહૃદય, નિદાનસ્થાન, અધ્યાય ૧, શ્લોક ૧૨
અર્થ : બગડેલા વાત, પિત્ત અને કફ આ સર્વ રોગોનાં કારણ છે. શરીરમાં અપથ્યકારક એવું અન્ન ગ્રહણ કરવું એટલે વાત, પિત્ત અને કફ (નું પ્રમાણ) બગડી જવા માટે કારણીભૂત છે.
માનવીના શરીરમાં ૭૨ સહસ્ર નાડીઓ (પ્રાણશક્તિવાહિનીઓ) છે. વિવિધ પ્રકારના અપથ્ય સેવનથી (દૂષિત) વાયુ નિર્માણ થાય છે. તે વાયુથી, તેમજ (અપથ્યકારક) અન્નરસોમાંથી નિર્માણ થનારા આમથી (અર્થાત્ જ ઝેરી ઘટકોથી) તે નાડીઓ ભરાઈ જાય છે. આવા આમવાયુથી (દૂષિત વાયુ અને આમથી) ભરાયેલી વાયુનલિકાઓમાં પ્રાણશક્તિનો સંચાર થઈ શકે નહીં.
૩ આ. ઉપવાસને કારણે શરીરમાં દૈવી
કિરણોનો પ્રવેશ થવો અને પાચન સુધરીને આરોગ્ય લાભવો
ઉપવાસને કારણે પ્રાણવાયુનો સંચાર યોગ્ય રીતે થવા લાગે છે. પ્રાણવાયુમાં અન્ય પણ અનેક (દૈવી) શક્તિઓનો (કિરણોનો) સમાવેશ હોય છે. ઉપવાસને કારણે તે દૈવી કિરણો શરીરમાં પ્રવેશ કરે છે. તેથી સૂક્ષ્મ શરીરનું તેજ વધે છે. આયુર્વેદ અનુસાર ઉપવાસ કરવાથી શરીરમાંના દ્રવ પદાર્થોનું વહન કરનારી નાડીઓમાંના અન્નનું પાચન થાય છે. શરીરમાંના (જઠરમાંના) સ્થૂળ પાચનની જેમ સપ્તધાતુઓનું પચન પણ યોગ્ય રીતે થઈને શરીરને લઘુતા (હળવાશ) પ્રાપ્ત થાય છે અને આરોગ્ય લાભે છે.’ હળવાશ
– વૈદ્ય વિ.ભિ. પરદેશી, પુણે (સંદર્ભ : માસિક ‘ધાર્મિક’, એપ્રિલ ૧૯૮૯)
૩ ઇ. ભગવત્પ્રાપ્તિ
કૂર્મ પુરાણ અનુસાર વ્રતોને કારણે ભગવાનની પ્રાપ્તિ થાય છે.
व्रतोपवासैर्नियमैर्होमैर्ब्राह्मणसंतर्पणै ।
तेषां वै रुद्रसायुज्यं जायते तत् प्रसादतः ॥
અર્થ : વ્રત, ઉપવાસ, નિયમ (યોગમાર્ગમાંના યમ-નિયમ), હોમ, બ્રાહ્મણસંતર્પણના પ્રસાદ તરીકે સાયુજ્ય મુક્તિ મળે છે.
૩ ઈ. પાપોનું પરિમાર્જન
व्रतोपवासनियमैः शरीरोत्तापनैस्तथा ।
वर्णाः सर्वेऽपि मुच्यन्ते पातकेभ्यो न संशयः ॥
– દેવલ
અર્થ : વ્રત, ઉપવાસ, નિયમ અને શારીરિક તપોને કારણે સર્વ વર્ણો પાતકોમાંથી મુક્ત થાય છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
૩ ઉ. કાયિક (શારીરિક) વ્રતો ઉપવાસ
કરવા, એકભુક્ત રહેવું, હિંસા ન કરવી ઇત્યાદિ.
દાંત ઘસવા : ઉપવાસને દિવસે અથવા શ્રાદ્ધનેદિવસે દાંત ન ઘસવા. આવશ્યકતા લાગે તો પાણીથી કોગળા કરી લેવા. બાર કોગળા કરવા અથવા આંબાના પાનથી, કાષ્ઠથી અથવા આંગળીથી દાંત સ્વચ્છ કરવા.
કાયિક (શારીરિક) વ્રતો : ઉપવાસ, એકભુક્ત રહેવું ઇત્યાદિ તપને લીધે મોટાં ફળ મળે છે. તેનાથી પરપીડાનું નિવારણ થાય છે.
૪. ઉપવાસના સંબંધમાં વ્રતો
‘કોઈપણ નાનું-મોટું વ્રત ભલે હોય, તેમાં ઉપવાસ મોટાભાગે કહ્યો જ હોય છે. વ્રતનું તે અવિભાજ્ય અંગ હોવા બરાબર છે. ઉપવાસના પણ કેટલાક પ્રકાર છે. તે અયાચિત, ચાંદ્રાયણ અને પ્રાજાપત્ય આ વ્રતોમાં જોવા મળે છે. વ્રત અને ઉપવાસ આ બન્ને જુદી જુદી બાબતો છે, એવું લોકો સમજે છે. ખરૂંજોતાં વ્રત અને ઉપવાસ બન્ને એકજ છે. ફેર એટલો જ છે કે, વ્રતમાં ભોજન કરવામાં આવે છે અને ઉપવાસમાં ભોજન કરવામાં આવતું નથી. વ્રત એટલે શાસ્ત્રએ કહેલો એક નિયમ છે અને ઉપવાસ તેનું લક્ષણ છે.
૪ અ. એકભુક્ત વ્રત
આ વ્રતના નીચે જણાવ્યા પ્રમાણે પ્રકાર છે.
૪ અ ૧. સ્વતંત્ર : અર્ધો દિવસ સમાપ્ત થયા પછી સ્વતંત્ર વ્રત થાય છે.
૪ અ ૨. અન્યાંગ : અપરાહ્ણકાળે (ત્રીજા પ્રહરમાં, બપોરે) અન્યાંગ વ્રત થાય છે.
૪ અ ૩. પ્રતિનિધિ : સવારે, બપોરે ગમે ત્યારે પ્રતિનિધિ વ્રત કરાય છે.
આ એકભુક્ત વ્રતમાં દિવસમાં વિહિતકાળમાં કેવળ એકવાર ભોજન કરવાનું હોય છે.
૪ આ. નક્ત વ્રત
‘નક્ત’ અર્થાત્ કાળનો એક વિભાગ. સૂર્યાસ્ત પછી નક્ષત્રો દેખાય તે પહેલાંનો સમય ‘નક્તકાળ’ સમજવામાં આવે છે. સમગ્ર દિવસ ઉપવાસ કરીને આ નક્તકાળમાં માનવી ભોજન કરીને વ્રત કરે છે. આ ઉપવાસ સાથે સંબંધ ન ધરાવતું વિશિષ્ટ વ્રત છે. સંન્યાસી અને વિધવા સ્ત્રીઓ આ વ્રત સૂર્ય આકાશમાં હોય ત્યારે અર્થાત્ દિવસે કરે છે.
૪ ઇ. અયાચિત વ્રત
અયાચિત અર્થાત્ યાચના કર્યા વિના અથવા કોઈને વિનંતિ કર્યા વિના જેટલું મળે તેટલા અન્ન પર રહેવું. આ વ્રત લીધેલો માનવી દિવસે અથવા રાત્રે એકવાર ભોજન કરે છે. આ વ્રતમાં અન્ય કોઈ પાસે અન્નની યાચના કરવાની હોતી નથી. એટલું જ નહીં, જ્યારે પોતાની પત્નીને અથવા સેવક (કામવાળા)ને અન્ન પીરસવા માટે વિનંતિ કરવા વિશે પણ નિષેધ છે. જો પત્ની અથવા સેવકને રાંધેલું ભોજન લઈ આવવા માટે કહેલું ન હોવા છતાં પણ પીરસવા આવે, તો જ માનવી તે અન્ન ગ્રહણ કરે છે. નહીંતો તે અન્નથી તે માનવી ભોજન કરી શકતો નથી. આ વ્રતધારી માટે દિવસનો નિષિદ્ધકાળ ભોજન માટે વર્જ્ય હોય છે.
૪ ઈ. ચાંદ્રાયણ વ્રત
આકાશસ્થ ચંદ્રને પ્રસન્ન કરી લેવા માટે ચંદ્રલોકની પ્રાપ્તિ માટે, તેમજ જીવનમાં થયેલાં પાપોનાં ક્ષાલન માટે આ વ્રતનું આચરણ કરવામાં આવે છે. તેના નીચે જણાવ્યા પ્રમાણે પ્રકાર છે.
૧. આ વ્રતમાં અન્નગ્રહણ ચંદ્રની કળા પ્રમાણે વધતું અને ઓછું થતું જાય છે. અમાસ પછીની એકમથી ચંદ્રની વધતી કળાઓ પ્રમાણે બપોરના ભોજનનો એક-એક કોળિયો વધારીને પૂર્ણિમાનાં દિવસે પંદર કોળિયા લેવામાં આવે છે અને પૂર્ણિમા પછીની વદ પક્ષમાંની એકમથી એકેક કોળિયો ઓછો કરીને અમાસનાં દિવસે ઉપવાસ થાય છે. આ એક ચાંદ્રાયણ વ્રત છે.
૨. અમાસ પછીની સુદ એકમે ૧૪ કોળિયા, દ્વિતીયાને દિવસે ૧૩ કોળિયા, આ રીતે પ્રત્યેક દિવસે એકેક કોળિયો ઓછો કરતા કરતા ચૌદસના દિવસે એક કોળિયો, પૂર્ણિમાને દિવસે પણ એક કોળિયો અને પૂર્ણિમા પછીની એકમે એક આ રીતે પ્રતિદિન એકેક કોળિયો વધારતા જઈને અમાસના આગલા દિવસે અર્થાત્ ચૌદસને દિવસે ચૌદ કોળિયા ભોજન સમયે લેવામાં આવે છે અને અમાસના દિવસે ઉપવાસ થાય છે.
૪ ઉ. પ્રાજાપત્ય વ્રત
આ વ્રત બાર દિવસોનું હોય છે. વ્રતના આરંભમાં પહેલા ત્રણ દિવસોમાં વ્રત કરનારાએ પ્રત્યેક દિવસે ભોજન સમયે બાવીસ કોળિયા લેવા. પછીના ત્રણ દિવસમાં પ્રતિદિન છવ્વીસ કોળિયા અને ત્યાર પછીના ત્રણ દિવસ ચોવીસ કોળિયા પ્રતિદિન લેવા અને વ્રતના અંતિમ ત્રણ દિવસ સંપૂર્ણ ઉપવાસ કરવો. આ રીતે બાર દિવસમાં એક પ્રાજાપત્ય વ્રત થાય છે. ‘મોઢામાં સમાય તેટલો જ કોળિયો હોવો’, એવું આ વ્રતમાં કહ્યું છે.’
૫. વ્રત, ઉપવાસ ઇત્યાદિનું મહત્ત્વ જ્ઞાત ન રહેલા રજનીશ !
ટીકા : ‘ભૂખ મારવાથી તે વધે છે અને ખાવા માટે અયોગ્ય પદાર્થ, ઉદા. ફૂલ ઇત્યાદિ ગમે તે માનવી ખાય છે. (ભૂખકો દબાનેસે ભૂખ જોર પકડતી હૈ ઔર ન ખાને યોગ્ય ફૂલ આદિકો ભી પ્રાણી ખાને લગતે હૈં ।) એક સાધક જંગલમાં રહેતો હતો. તેનું ઉપવાસનું વ્રત હોય છે. તેનો મિત્ર તેને ઉપહાર મોકલવા ઇચ્છે છે. ‘શું મોકલવું, ઉપવાસ હોવાથી ખાવાની વાનીઓ કેવી રીતે મોકલવી ?’, એવો પ્રશ્ન તેના મનમાં ઉપસ્થિત થાય છે. તે ફૂલોનો ગોટો મોકલે છે. ભૂખ એટલી જોર કરે છે કે, ઉપવાસ કરનારી વ્યક્તિ તે ફૂલો જ આરોગે છે. – રજનીશ
ખંડન : વ્રત, ઉપવાસ વિશે રજનીશએ શસ્ત્ર ઉગામ્યું છે. ગત ૨૦ વર્ષ અખંડ નિર્જળા અગિયારસનું વ્રત કરનારા મારા મિત્રો છે. તેઓ કહે છે, ‘‘આગલા દિવસથી જ મને અગિયારસના ઉપવાસનું ચિંતન થવા લાગે છે. દસમીની રાત્રે જમવાનું ન હોય. હું જમતો નથી. વ્રત હોય તે દિવસ પરમ પ્રસન્ન અને પરમ સુખમાં વ્યતિત થાય છે.’’
જૈન લોકોમાં પણ એક માસ કેવળ ગરમ પાણી પીને ઉપવાસ કરે છે. નવા વ્રતધારીને ભૂખની વેદના થાય છે; પણ વ્રતના દિવસે તે એ વેદના સહજતાથી (સંયમથી) સહન કરી શકે છે. તેથી અન્નની સ્મૃતિ પણ તેને થતી નથી. ‘વ્રતનું પાલન થઈ રહ્યું છે. પ્રભુનાં ચરણોમાં વૃત્તિ સ્થિર થતી જાય છે’, આ ધારણા હોવાથી પ્રસન્નતા હોય છે.
આનાથી ઊલટું ઉપવાસ ન કરનારાને એકાદ દિવસ જો ભોજન ન મળે, તો તે દુઃખી અને ચિંતાગ્રસ્ત બની જાય છે. તે નિરુત્સાહી બની જાય છે. અન્ય કામકાજમાં તેનું મન પરોવાતું નથી. દૃષ્ટિ અને આંતરિક વૃત્તિ પલટાયા પછી એકજ બનાવ એક દિવસ સુખ આપે છે, તો બીજા દિવસે દુઃખ આપે છે.
માનવીમાં મોટાઈ આવી જાય એટલે ‘આપણે અભ્યાસ કર્યા વિના ગમે તે કહેવું અને લોકોએ તે સાંભળવું’, એવું માનનારાઓમાંથી એક આ રજનીશ લાગે છે.’
– ગુરુદેવ ડૉ. કાટેસ્વામીજી (સંદર્ભગ્રંથ : શું ? સંભોગમાંથી સમાધિ ??)
૬. ઉપવાસના દિવસે પાળવાના નિયમો
૬ અ. પ્રાતઃકાળે કરવાની બાબતો
અ. ‘હંમેશાં કરતાં વહેલા ઊઠવું.
આ. જાગી ગયા પછી પોતાના ઇષ્ટદેવનું સ્વરૂપ સાંભરીને તેમનું સ્મરણ કરવું.
ઇ. શૌચ, વ્યાયામ, સ્નાન ઇત્યાદિ પરવારી લીધા પછી એક અથવા તેનાં કરતાં વધારે માળા નામજપ કરવો.
૬ આ. સંકલ્પ
તે દિવસે ‘ઈશ્વરની ભક્તિમાં સંપૂર્ણ સમર્પિત થઈને ઉપવાસ કરીશ અને તેમના સહવાસમાં રહીશ’, એવો સંકલ્પ કરવો. આ સંકલ્પનું માનસિક મહત્ત્વ છે.
૬ ઇ. આહાર
અ. રજોગુણી અને તામસિક પદાર્થો ખાવાનું પૂર્ણ રીતે ટાળવું.
આ. પચવામાં હળવો, પૌષ્ટિક અને સાત્ત્વિક આહાર લેવો.
ઇ. બને તો રસ ધરાવતાં મીઠાં ફળો તેમજ દૂધ પીવું.
૬ ઈ. ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો
અ. કામ (વાસના, ઇચ્છા), ક્રોધ, મદ અને લોભ આ મનોવિકારોને દૂર રાખવા. કોઈને પણ માનસિક અને શારીરિક ત્રાસ ન દેવો અને વધારેમાં વધારે આનંદી રહેવાનો પ્રયત્ન કરવો.
આ. થોડા કલાક વાચિક (મોઢેથી) અને માનસિક સ્તર પર મૌન પાળવું
૬ ઉ. ઇષ્ટદેવનાં દર્શન
સાંજે ઇષ્ટદેવના દર્શન કરવા
૬ ઊ. રાત્રે સૂવા પહેલા શું કરવું ?
અ. ઇષ્ટદેવનું સ્વરૂપ સંભારીને તેમનું ચિંતન કરવું.
આ. ‘સમગ્ર દિવસમાં ક્યાં અને કઈ ભૂલો થઈ ?’, તેનું આત્મપરીક્ષણ કરવું.
આ રીતે એક દિવસનો ઉપવાસ પણ શારીરિક અને માનસિક સુખ પ્રદાન કરનારી એક દિવસની તપસ્યા જ થશે.’
૭. ઉપવાસ કરવાથી થનારા લાભ
અ. માનવીનો ઘણો સમય અને શક્તિ ‘ખાવા-પીવાની સામગ્રી એકઠી કરવી, રસોઈની તૈયારી કરવી, રસોઈ બનાવવી, જમવું અને તે પચાવવું’, આમાં વ્યતીત થાય છે. કેટલાક વિશિષ્ટ પ્રકારનાં ભોજન આપણા મગજને ધીમું અને વિચલિત કરે છે. તેને કારણે કેટલાક ચોક્કસ દિવસે વ્યક્તિ હળવો અને સાદો આહાર લઈને અથવા કાંઈ ખાવાને બદલે પોતાનો સમય અને શક્તિ બચાવવાનો નિશ્ચય કરે છે. તેને કારણે તેનું મન સતર્ક અને નિર્મળ બને છે.
આ. પરિણામે માનવીનું મન ભોજનના વિચારોમાં મગ્ન રહેવાને બદલે તે સારા વિચાર ગ્રહણ કરવા લાગે છે.
ઇ. માનવીને કાર્યક્ષમ રહેવા માટે થોડી વિશ્રાંતિ અથવા પરિવર્તનની આવશ્યકતા હોય છે. ઉપવાસ કરવાથી શરીરને વિશ્રાંતિ મળે છે અને આહારમાંના પરિવર્તનને કારણે પચનશક્તિ સુધરે છે. તેને કારણે ઉપવાસ કરવો, સંપૂર્ણ શરીર માટે ઘણો લાભદાયક પુરવાર થાય છે.
ઈ. માનવી જેટલો વધારે ઇંદ્રિયોને અધીન થાય છે, તેટલી તેની ઇચ્છાઓ વધતી જાય છે. ઉપવાસને કારણે માનવીને ઇંદ્રિયો પર નિયંત્રણ મેળવવા માટે સહાયતા મળે છે. ઉપવાસને કારણે ધીમે ધીમે ઇચ્છાઓ નષ્ટ થાય છે અને મન સંતુલિત તેમજ શાંત રહેવા માટે સહાયતા મળે છે.
૮. ઉપવાસ કરવા પાછળનો ઉદ્દેશ
‘ઉપવાસને કારણે આપણે દુર્બળ અને ચીડિયા બની જઈશું અથવા ત્યાર પછી આપણી ખાવાની ઇચ્છા અધિક જ વધે’, એવો ઉપવાસ કરવો નહીં. મોટાભાગે ઉપવાસ કરવા પાછળ ઉત્તમ અને ઉદાત્ત હેતુ ન હોય, તો જ આવું બને છે. કેટલાક લોકો કેવળ વજન ઘટાડવા માટે, જ્યારે કેટલાક લોકો ઈશ્વરને પ્રસન્ન કરવા માટે અથવા ઇચ્છાપૂર્તિ માટે ઉપવાસ કરે છે. કેટલાક લોકો પોતાની સંકલ્પશક્તિનો વિકાસ કરવા માટે, કેટલાક લોકો ઇંદ્રિયો પર નિયંત્રણ મેળવવા માટે અને કેટલાક તપશ્ચર્યા તરીકે ઉપવાસ કરે છે.
૯. ભગવદ્દગીતામાં શુદ્ધ અને
સાત્ત્વિક આહારનું મહત્ત્વ કહ્યું હોવું
ભગવદ્દગીતા ઉપયુક્ત આહાર પર ભાર મૂકે છે. યુક્ત આહાર એટલે સાવ ઓછો નહીં અને ઘણો વધારે પણ નહીં, એવો આહાર. ઉપવાસ કર્યા વિના પણ ‘શુદ્ધ, સાત્ત્વિક, સાદો અને પૌષ્ટિક આહાર લેવો’, એવું ભગવદ્દગીતા કહે છે.’