અન્‍ન અને રોગનો સંબંધ, તેમજ પાચનશક્તિ વિશે મહત્વપૂર્ણ વિવેચન

Article also available in :

આરોગ્‍યસંપન્‍ન ભારત માટે આવશ્‍યક આહારશાસ્‍ત્ર !

વૈદ્યાચાર્ય સદ્‌ગુરુ વસંત બાળાજી આઠવલે

 

૧. જીભ પર નિયંત્રણ ન હોવું, એ જ રોગનું કારણ !

જનાવરોને શું ખાવું, શું ન ખાવું, તેની ઉપજત બુદ્ધિ હોય છે. ગાય, બકરી ઇત્‍યાદિ પ્રાણી ઝેરીલી વનસ્‍પતિઓના પાન ખાતા નથી. માનવીને અન્‍ન વિશે ઉપજત બુદ્ધિ અતિશય ઓછી હોય છે; પણ માનવી બુદ્ધિમાન પ્રાણી છે. આધુનિક વૈદ્યકશાસ્‍ત્રએ પ્રત્‍યેક અન્‍નપદાર્થમાં પ્રથિનો, સ્‍નિગ્‍ધ પદાર્થો, કાર્બોહાડ્રેટ્‌સ, ખનિજ પદાર્થો, મીઠું, પાણીનું પ્રમાણ કેટલું છે, તે શોધી કાઢ્યું છે. આયુર્વેદે પ્રત્‍યેક અન્‍નપદાર્થનું શરીરમાંના વાયુ, પિત્ત અને કફ દોષ, ધાતુ, મળ અને અવયવ પર શું પરિણામ થાય છે, આ સ્‍પષ્‍ટ રીતે કહ્યું છે. તે શાસ્‍ત્રોનો અભ્‍યાસ કરીને પ્રત્‍યેકે પોતાની પ્રકૃતિ, વય, ઋતુ, પાચનશક્તિ ઇત્‍યાદિનો વિચાર કરીને કેટલા પ્રમાણમાં ખાવું, એ વિચાર કરીને આહાર લેવાથી માનવી નિરોગી રહી શકશે; પરંતુ ‘સમજાય છે પણ ફાવતું નથી’, એવી માનવીની સ્‍થિતિ છે; કારણકે તેનું પોતાની જીભ પર નિયંત્રણ નથી. પેટમાંની આમ્‍લતા (ઍસિડિટી) વધેલી હોય ત્‍યારે સામે મૂકેલી જો ભેળપુરી ખાય, તો પેટ દુઃખશે, એ જાણતો હોવા છતાં પણ વ્‍યક્તિ તેના પર તૂટી પડે છે. આને જ આયુર્વેદમાં પ્રજ્ઞાપરાધ (બુદ્ધિનો અપરાધ) અને સર્વ રોગોનું મૂળ કારણ એમ કહ્યું છે.

 

૨. નૈસર્ગિક અન્‍નથી દૂર !

આદિમાનવ નિસર્ગમાં મળનારા કંદમૂળ, ફળો અને પ્રાણીનો શિકાર કરીને તેનું માંસ ખાતો હતો. નિસર્ગની ચોખ્‍ખી હવા, ઝરણાનું પાણી અને તાજું અન્‍ન, તેને કારણે નિરોગી રહેતો હતો. હવે માણસોની સંખ્‍યા ઘણી વધી ગઈ છે. જંગલો અને વૃક્ષો ઓછા થઈ ગયા છે. કારખાનાનો ધુમાડો અને રસાયણિક પદાર્થો, વાહનોના અવાજ અને માણસોની ભીડને કારણે વાતાવરણ અને પાણી પ્રદૂષિત બની ગયું છે. વેપારી લોકો અન્‍નમાં ભેળસેળ કરે છે. ફળો, અનાજ અને શાકભાજીમાં કીડા પડે નહીં; તેથી કીટનાશકનો ઉપયોગ છડેચોક ચાલુ છે; તેથી ફળો અને શાકભાજી ચોખ્‍ખા ધોઈને ન લઈએ, તો કીટનાશક ઝેરીલા દ્રવ્‍યોનું શરીર પર અનિષ્‍ટ પરિણામ થાય છે. પ્રાણીઓને તેમની ભૂખ અને વજન વધે; તેથી ‘કૉર્ટિકોસ્ટિરૉઇડ’ જેવા હાર્મોન્‍સની ગોળીઓ આપવામાં આવે છે. આવા પ્રાણીઓનું માંસ ખાવાથી તે હાર્મોન્‍સનાં દુષ્‍પરિણામ માનવીને પણ ભોગવવા પડે છે.

મીઠાનો શોધ લાગ્‍યા પહેલાં અન્‍નપદાર્થોમાં મીઠું નાખતા નહોતા. તેથી રક્તદાબ, હૃદયના વિકાર, સોજો ચઢવા જેવા વિકાર ક્યારેક જ જોવા મળતા. હવે અન્‍નપદાર્થ સ્‍વાદિષ્‍ટ બનાવવા માટે મીઠાનો ઉપયોગ ઘણો વધી ગયો છે. તેથી રક્તદાબ, હૃદય-વિકારના ઝાટકા જેવા વિકારોનું પ્રમાણ પુષ્‍કળ વધી ગયું છે.

સાકર (ખાંડ)નો શોધ લાગ્‍યા પછી પદાર્થોમાં ખાંડ નાખીને મીઠી બનાવેલી જલેબી, બાસુંદી, શ્રીખંડ, મુરબ્‍બા, પેંડા, બરફીનો ઉપયોગ વધારે થવા લાગ્‍યો. તેથી સ્‍થૂલતા, રક્તદાબ, મધુમેહ ઇત્‍યાદિ રોગોનું પ્રમાણ પણ વધ્‍યું છે. ચા-કૉફી જેવાં ઉત્તેજક પીણાં, અથાણાં અને મસાલાના પદાર્થોનો ઉપયોગ વધ્‍યો હોવાથી ઍસિડિટી, અલ્‍સર ઇત્‍યાદિ રોગો વધી ગયા છે. અન્‍નપદાર્થો ખરાબ ન થાય અથવા અંબાઈ ન જાય; તેથી બાટલીમાંથી મળનારાં ટૉમેટો કેચઅપ, ઠંડાં પીણાં અને અન્‍ય અન્‍નપદાર્થોમાંના રસાયણિક પરિરક્ષકનું પણ (પ્રિઝર્વેટિવ્‍સ) શરીર પર અનિષ્‍ટ પરિણામ થાય છે.

વિમાન અવર-જવરને કારણે જુદા જુદા દેશોમાંનું અંતર ઓછું થતું જાય છે. તેથી અન્‍ય દેશોમાંના વિવિધ અન્‍નપદાર્થો, મસાલાના પદાર્થોનો આપણા આહારમાં સમાવેશ થવા લાગ્‍યો છે. હવે ચાયનીઝ ડિશ, મેક્સિકન ડિશ ઇત્‍યાદિ સર્વ દેશોમાંના પદાર્થો સર્વત્ર ઉપલબ્‍ધ થવા લાગ્‍યા છે. અન્‍નના જુદા જુદા નવા પ્રકાર વધારે સ્‍વાદિષ્‍ટ અને તમતમતા બનાવ્‍યા હોવાથી તેમજ આકર્ષક પદ્ધતિથી પીરસવાથી જીભ પર નિયંત્રણ રાખવાનું અસંભવ બનતું જાય છે. યંત્રનો શોધ લાગ્‍યા પછી લોકો શેરડીનો રસ અને અન્‍ય ફળોનો રસ પીવા લાગ્‍યા. આયુર્વેદે ફળો ખાવા, શેરડી ખાવી; પણ તેનો રસ પીવો નહીં, એમ કહ્યું છે. કારણકે શેરડીની ગંડેરી અથવા ફળો ખાતી વેળાએ શેરડી કે ફળો જો અંદરથી સડેલા હોય તો આપણે ફળ કે સડેલો ભાગ નાખી દઈએ છીએ; પણ યંત્રમાં રસ કાઢતી વેળાએ સડેલા ભાગનો રસ પણ તેમાં ભળે છે.

કૃત્રિમ સ્‍વાદની ટેવ પડવાથી સફરજન જેવા સ્‍વાદિષ્‍ટ ફળને પણ મીઠું અથવા મસાલો લગાડીને લોકો ખાવા લાગ્‍યા છે. શીતકબાટમાં અન્‍નપદાર્થો રાખવાની સગવડ થઈ હોવાથી રવિવારે વેચાતી લઈ આવીને અઠવાડિયાની શાકભાજી શીતકબાટમાં સંગ્રહિત કરવામાં આવે છે અને બનાવેલા અન્‍નપદાર્થો પણ શીતકબાટમાં સંગ્રહિત કરવામાં આવે છે. આનાથી ઊલ્‍ટું આયુર્વેદે એકવાર ઠંડા થયેલા અન્‍નપદાર્થો ફરીવાર ગરમ કરીને ખાવા નહીં, એવો નિયમ કહ્યો છે. નૈસર્ગિક અન્‍નમાંથી જીવનતત્વો અને કૅલ્‍શિયમ, લોહ (આયર્ન) ઇત્‍યાદિ મેળવવાં કરતાં ટૉનિકની ગોળીઓ ખાવાની પ્રથા રૂઢ થઈ છે. જીવનતત્વો અને કૅલ્‍શિયમ, લોહ ઇત્‍યાદિ ખનિજ પદાર્થો વધારે પ્રમાણમાં લેવાથી તેનું શરીર પર દુષ્‍પરિણામ થાય છે.

ઘણીવાર કાળ અને પરિસ્‍થિતિને કારણે થયેલા ટેવના ફેરફારોથી દુષ્‍પરિણામ તરત જ ધ્‍યાનમાં ભલે ન આવતા હોય, તો પણ સમય જતાં ધ્‍યાનમાં આવવાનો સંભવ હોય છે; તેથી નિસર્ગમાં મળનારા અન્‍નપદાર્થો બને ત્‍યાં સુધી તાજા ખાવાથી અને આપણી જીભ પર નિયંત્રણ રાખવાથી માનવીને આરોગ્‍યસંપન્‍ન જીવન જીવવાનો આનંદ માણતા આવડશે.

 

૩. પાચનશક્તિ ઓછી-વત્તી હોવાનાં કારણો કયા છે ?

જમણવારમાં ૫૦ લાડવા ખાઈને સહેજે પચાવનારા ખવય્‍યા હજી પણ જોવા મળે છે; જ્‍યારે કેટલીક વાર એક ગ્‍લાસ દૂધ પીને ઝાડા થનારા યુવાનો પણ જોવા મળે છે. આ ભેદ પાચનશક્તિમાં રહેલા ફેરને કારણે જોવા મળે છે. વિવિધ પાચકરસોનું પ્રમાણ અને ગુણવત્તા પર પાચનશક્તિ આધારિત હોય છે. પ્રત્‍યેકની પાચનશક્તિ આનુવંશિકતા પર આધારિત હોય છે.

૩ અ. આનુવંશિક : કેટલાક કુટુંબોમાં સહુકોઈની પાચનશક્તિ સારી અથવા ઓછી હોય છે. પાચનશક્તિ આનુવંશિકતા પર આધારિત હોય છે. માતાના દૂધ પર જ પેટ ભરતા કેટલાક બાળકોને પ્રતિદિન ૮ થી ૧૦ વાર સંડાસ થાય છે, જ્‍યારે કેટલાક બાળકોને ત્રણ-ત્રણ દિવસ સુધી સંડાસ થતું નથી.

૩ આ. પ્રકૃતિ : સમ અને પિત્ત પ્રકૃતિ ધરાવતી વ્‍યક્તિની પાચનશક્તિ સારી હોય છે; પણ વાયુ અને કફ પ્રકૃતિ ધરાવનારી વ્‍યક્તિની પાચનશક્તિ ઓછી હોય છે.

૩ ઇ. વય : બાળકો અને યુવાન લોકોની પાચનશક્તિ સારી હોય છે. ઘડપણમાં પાચનશક્તિ ઓછી થાય છે.

૩ ઈ. અન્‍ન : વધારે પ્રમાણમાં, ઓછા પ્રમાણમાં અથવા અસંતુલિત આહાર લેવો અને અનિયમિત સમય પર આહાર સેવન, આને કારણે પાચનશક્તિ ઓછી થાય છે. પચવામાં ભારે, અંબાયેલુ, સડેલું, વાસી અન્ન, અસ્વચ્છ અને અધકચડું ચડેલું અન્‍ન પણ પાચનશક્તિ ઓછી કરે છે.

૩ ઉ. પોષકતત્વોની ન્‍યૂનતા : આહારમાં પ્રથિનો અથવા ‘અ’ અને ‘બ’ જીવનતત્વો જો ઓછા પડે તો પાચનશક્તિ ઓછી થાય છે.

૩ ઊ. પચનેંદ્રિયોના રોગ : જઠર, આંતરડા, યકૃત અને સ્‍વાદુપિંડના રોગોને કારણે પાચનશક્તિ ઓછી થાય છે.

૩ એ. રોગ : પ્રત્‍યેક રોગમાં પાચનશક્તિ પર પરિણામ થતું હોય છે. કોઈપણ રોગની પ્રાથમિક અવસ્‍થામાં અને યકૃત તેમજ આંતરડાના રોગમાં તેમજ ક્ષય રોગ જેવા ર્જીણ રોગોમાં પાચનશક્તિ ઓછી થાય છે.

૩ ઐ. ટેવ : કેટલાક લોકોને દૂધની ટેવ ન હોય, તો તેમને દૂધ પીવાથી ઝાડા થાય છે; પણ તેમની અન્‍ય પદાર્થો પચાવવાની ક્ષમતા હોય છે. કેરળમાં જન્‍મેલી વ્‍યક્તિ ચોખા અને માછલાં, જ્‍યારે પંજાબમાં જન્‍મેલી વ્‍યક્તિ ઘઉં અને માંસ સહેજે પચાવી શકે છે.

૩ ઓ. માનસિક રોગ : માનસિક તણાવ, ક્રોધ, ભય, ચિંતા જેવા માનસિક રોગોમાં ભૂખ અને પાચનશક્તિ ઓછી થાય છે.

૩ ઔ. વ્‍યાયામ : વ્‍યાયામને કારણે ભૂખ અને પાચનશક્તિ વધે છે. નિરોગી વ્‍યક્તિને ભૂખ સારી લાગે છે.

(સંદર્ભ : સનાતનનો મરાઠી અને અંગ્રેજી ભાષામાંનો ગ્રંથ ‘યોગ્‍ય આહાર વિશે આધુનિક દૃષ્‍ટિકોણ (અસંતુલિત આહારને કારણે થનારા વિકારો પર આયુર્વેદિક ઉપચાર સાથે)’; લેખક : ડૉક્‍ટર, તેમજ વૈદ્યાચાર્ય સદ્‌ગુરુ વસંત બાળાજી આઠવલે અને ડૉ. કમલેશ વસંત આઠવલે.)

Leave a Comment