રાધા-કૃષ્‍ણ પ્રેમની વાસ્‍તવિકતા જાણો !

Article also available in :

અનુક્રમણિકા

ઉત્તર ભારતમાંના અનેક હિંદીભાષી સંતકવિઓએ ભગવાન શ્રીકૃષ્‍ણ અને રાધા વિશે શ્રૃંગારરસ સભર કાવ્‍ય રચનાઓ કરી. ત્‍યાર પછી હિંદી અને અન્‍ય ભાષાઓમાંના કવિઓએ પણ તેવા જ પ્રકારનાં ઘણાં ગીતોની રચના કરી. તેમનું સૌંદર્ય, તેમનો શ્રૃંગાર, તેમના આપસમાંના સંવાદ, તેમની ભાવના, આ સર્વેનું રસપૂર્ણ વર્ણન કરનારી પુષ્‍કળ કાવ્‍યરચનાઓ કરવામાં આવી છે. વર્તમાનનાં કેટલાક કથાવચકો, મઠાધીશો, સંતો, પીઠાધીશ્‍વરો ઇત્‍યાદિ શ્રીકૃષ્‍ણ અને રાધાજીની કથાઓ મીઠું મરચું ભભરાવીને કહે છે. આવા પ્રકારની કાવ્‍ય રચનાઓ, લેખ, ચલચિત્રમાંનાં દૃશ્‍યો, દૂરદર્શન પરની માલિકામાંનાં દૃશ્‍યો એટલા તો વધી ગયા છે કે, કેટલાક લોકોના મનમાં શ્રીકૃષ્‍ણ ભગવાનની છબી એક પ્રેમવીર જેવી બની ગઈ છે.

આ સંતકવિઓએ, મહાત્‍માઓએ અને સામાન્‍યજનોએ શ્રીકૃષ્‍ણચરિત્રમાંથી શું આત્‍મસાત કરવું, એ તેમની પસંદ અનુસાર છે. શ્રીકૃષ્‍ણ ભગવાનનું વ્‍યક્તિત્‍વ કેવળ અષ્‍ટપાસાંનું નથી, જ્‍યારે તેના અનંત પાસાં છે. વૈભવ, બળ, યશ, સંપત્તિ, જ્ઞાન, વૈરાગ્‍ય, હૃદયંગમ વાંસળીવાદન, સૌંદર્ય, ચતુરતા, ભગિનીપ્રેમ, ભ્રાતૃપ્રેમ, મિત્રપ્રેમ, યુદ્ધકુશળતા, સર્વસિદ્ધિ સંપન્‍નતા – તેમનામાં શું નથી ? બધું જ છે, બધું જ ચરમસીમા પરનું છે; પરંતુ એમ હોવા છતાં પણ તેઓ સહુકોઈથી પૂર્ણ અળગાં હતા. ભગવાન શ્રીકૃષ્‍ણ વિશેનું માયાતીત, નિર્લિપ્‍ત સ્‍વરૂપનું જ્ઞાન સર્વસામાન્‍ય લોકોને ન હોવાથી તેઓ આવા લૌકિક, સ્‍ત્રી-પુરુષ ભેદ પર આધારિત શ્રૃંગારરસ સભર કથાઓમાં જ તલ્‍લીન થઈ જાય છે. શ્રીકૃષ્‍ણ ભગવાન વિશે આગળ જણાવેલી બાબતો પણ ધ્‍યાનમાં લેવી આવશ્‍યક છે.

 

૧. ભગવાન શ્રીકૃષ્‍ણના
વિવાહ એ કાંઈ પ્રેમવિવાહ નહોતા

શ્રીકૃષ્‍ણ ભગવાનનો એકપણ વિવાહ પ્રેમવિવાહ નહોતો. તેમના વિવાહની થોડીઘણી જાણકારી આગળ જણાવી છે.

૧ અ. રુક્‌મિણી

વિદર્ભ રાજકુમારી રુક્‌મિણીની ઇચ્‍છા શ્રીકૃષ્‍ણ સાથે વિવાહ કરવાની હતી. તેમના ભાઈએ તેના વિવાહ શિશુપાલ સાથે કરવાનું નક્કી કર્યું હતું. તેમણે શ્રીકૃષ્‍ણને પત્ર અને સંદેશ મોકલાવીને પોતાને લઈ જવા કહ્યું. શ્રીકૃષ્‍ણએ તો તેમને જોયા પણ નહોતા. શ્રીકૃષ્‍ણ આવીને તેમને લઈ ગયા.

૧ આ. જામ્‍બવંતી

શ્રીકૃષ્‍ણ જ્‍યારે સ્‍યમન્‍તક મણિની શોધમાં હતા ત્‍યારે જામ્‍બવો સાથે થયેલા યુદ્ધમાં જામ્‍બવાન હારી ગયા પછી પહેલાંના શ્રીરામ અત્‍યારના શ્રીકૃષ્‍ણ છે, એમ ઓળખીને તેણે મણિ અને પોતાની દીકરી જામ્‍બવંતી શ્રીકૃષ્‍ણને આપ્‍યાં.

૧ ઇ. સત્‍યભામા

સત્રાજિતે શ્રીકૃષ્‍ણ પર તેનો સ્‍યમન્‍તક મણિ ચોરવાનો આરોપ કર્યો હતો. આગળ જતાં સત્‍ય સમજાયા પછી પસ્‍તાવો થઈને પોતાની દીકરી સત્‍યભામાના વિવાહ શ્રીકૃષ્‍ણ સાથે કર્યા.

૧ ઈ. કાલિંદી

સૂર્યદેવનાં દીકરી કાલિંદીએ શ્રીકૃષ્‍ણની પ્રાપ્‍તિ માટે જમના કિનારે કઠોર તપશ્‍ચર્યા કરી. શ્રીકૃષ્‍ણએ તેમનો સ્‍વીકાર કર્યો.

૧ ઉ. મિત્રવિંદા

અવંતી (ઉજ્જન)ના રાજા વિંદ અને અનુવિંદએ પોતાની બહેન મિત્રવિંદાનો સ્‍વયંવર રચ્‍યો હતો; પણ તેની ઇચ્‍છા શ્રીકૃષ્‍ણને પતિ બનાવવાની હતી. શ્રીકૃષ્‍ણ તેને લઈ ગયા.

૧ ઊ. સત્‍યા (નાગ્નજિતી)

કોસલદેશ (અયોધ્‍યા)ના રાજા નગ્‍નજિતની દીકરી સત્‍યાના સ્‍વયંવરમાં સાત દુર્દમ બળદોને નાથવાની શરત જીતી જઈને શ્રીકૃષ્‍ણએ વિવાહ કર્યા.

૧ એ. ભદ્રા

કેકય દેશના સંતર્દને પોતાની બહેન ભદ્રાના વિવાહનો પ્રસ્‍તાવ મૂકીને પોતે જ વિવાહ કરાવી આપ્‍યા.

૧ ઐ. લક્ષ્મણા

મદ્રપ્રદેશની રાજકન્‍યા લક્ષ્મણાનો સ્‍વયંવર હતો. પણ તેની ઇચ્‍છા શ્રીકૃષ્‍ણ સાથે વિવાહ કરવાની હતી, તેથી શ્રીકૃષ્‍ણ તેને લઈ ગયા.

૧ ઓ. ૧૬૧૦૦ રાજકન્‍યા

પ્રાગ્‍જ્‍યોતિષપુરના રાજા ભૌમાસુર (નરકાસુરે) ૧૬૧૦૦ રાજકન્‍યાઓનું અપહરણ કર્યું હતું. ભૌમાસુરનો વધ કર્યા પછી તે કન્‍યાઓ અસ્‍વીકાર્ય અને અપમાનિત ન થાય તે માટે તેમની સાથે વિવાહ કરીને શ્રીકૃષ્‍ણએ તેમને સમાજમાં પ્રતિષ્‍ઠા આપી.

 

૨. મથુરા ગયા પછી
ફરીવાર ક્યારે પણ બરસાના ન જવું

ઉમરના બારમા વર્ષે શ્રીકૃષ્‍ણ વ્રજભૂમિ છોડીને મથુરા ગયા. ફરીવાર તેઓ ક્યારેય રાધા અથવા ગોપીઓને મળવા માટે, મથુરાથી ઘણું નજીક હોવા છતાં, બરસાના અથવા વ્રજભૂમિ ગયા નહીં.

 

૩. રાધા વિવાહિત અને વયથી મોટાં હોવાં
શ્રીકૃષ્‍ણ ભગવાન કરતાં રાધા વયથી મોટાં હતાં અને તે વિવાહિત હતાં.

 

૪. નવધા ભક્તિમાં ‘રાધાભાવ’ આ પ્રકાર ન હોવો

ભક્તિમાર્ગમાં નવધા ભક્તિ પ્રસિદ્ધ છે. તેમાંના પ્રત્‍યેક પ્રકારથી અનન્‍ય શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરીએ, તો ઈશ્‍વરપ્રાપ્‍તિ થાય છે જ; પણ આ નવધા ભક્તિમાં રાધાનું જે રીતે વર્ણન કરવામાં આવે છે તેવી ભક્તિનો સમાવેશ નથી.

 

૫. ભાગવતપુરાણમાં રાધાનો ઉલ્‍લેખ પણ ન હોવો

‘મહાભારત, હરિવંશપુરાણ, વિષ્‍ણુપુરાણ અને પુરાણોમાં શ્રેષ્‍ઠ એવા સાત્વિક ભાગવતપુરાણમાં રાધાનો ઉલ્‍લેખ નથી.’ (સંદર્ભ : દિનાંક ૧૬.૮.૨૦૧૭નું દૈનિક સનાતન પ્રભાત પૃષ્‍ઠ ૭) (નોંધ)

 

૬. ગીતામાં કહેલી અનેક પ્રકારની
ભક્તિમાં રાધાભાવનો સમાવેશ ન હોવો

ભગવદ્દગીતામાં ભગવાન શ્રીકૃષ્‍ણએ અનેક પ્રકારની ભક્તિ વિશદ કરેલી છે; પણ રાધાની શ્રીકૃષ્‍ણ વિશેની જેવી પ્રેમભક્તિ અથવા મધુરાભક્તિ કહેવામાં આવે છે, તેવી ભક્તિ કહેલી નથી.

 

૭. મહારાષ્‍ટ્રમાં રાધા-કૃષ્‍ણનાં નહીં,
જ્‍યારે વિઠ્ઠલ-રુક્‌મિણીનાં મંદિરો હોવાં

હિંદીભાષી રાજ્‍યોમાં રાધા-કૃષ્‍ણનાં મંદિરો હોય છે; પણ મહારાષ્‍ટ્રમાં વિઠ્ઠલ-રખુમાઈને મહત્વ છે. વિઠ્ઠલ એ શ્રીકૃષ્‍ણ ભગવાનનું જ નામ છે. વિઠ્ઠલ એ શ્રીવિષ્‍ણુની સોળકળાઓના પૂર્ણાવતાર હતા. રુક્‌મિણી લક્ષ્મીજીનો અવતાર છે. મહારાષ્‍ટ્રમાં મરાઠી લોકોએ રાધા-કૃષ્‍ણનાં મંદિરો બાંધ્‍યા નથી.

 

૮. તાત્વિક વિવેચન

રાધા-કૃષ્‍ણની કથાઓ કાલ્‍પનિક હોય કે અતિરંજિત કરવામાં આવેલી વાસ્‍તવિકતા હોય, રાધાભાવ ખરાબ નથી અને નિરુપયોગી પણ નથી. તે સ્‍વભાવદોષ દૂર કરવામાં સહાયક છે; પણ તે ચિત્તશુદ્ધિના અનેક સાધનોમાંથી એક સાધન છે, સાધ્‍ય નથી. ભાવ ભલે ગમે તે હોય, તે ઈશ્‍વરસ્‍વરૂપ નથી, અંતિમ ધ્‍યેય નથી. સાધ્‍ય પાસે પહોંચ્‍યા પછી સાધન છૂટી જવું જોઈએ (ગીતા અધ્‍યાય ૬ શ્‍લોક ૩). ‘पातञ्जलयोगदर्शन’ માં પણ ચિત્તની વૃત્તિનો નિરોધ કહ્યો છે. (સમાધિપાદ ૧, સૂત્ર ૨)

(નોંધ – અઢાર મહાપુરાણોમાંના છ સત્ત્વપ્રધાન, છ રજપ્રધાન અને છ તમપ્રધાન માનવામાં આવે છે.)

 – શ્રી. અનંત આઠવલે (૨૮.૧૦.૨૦૧૭)

॥ श्रीकृष्‍णार्पणमस्‍तु ॥

Leave a Comment