‘આરનમુળા કણ્ણાડી’ અર્થાત્ ‘ભગવાનના મુખદર્શન માટે બનાવેલો વિશિષ્ટતાપૂર્ણ અરીસો’ !

Article also available in :

દેવાલયમાં દેવતાનું પૂજન કરતી વેળાએ કરવાના ઉપચારોમાંથી ‘દર્પણ’ ઉપચારમાં દેવતાને અરીસો બતાવે છે અથવા અરીસામાંથી સૂર્યનું કિરણ દેવતા ભણી પરાવર્તિત કરે છે. આ માટે કેરળમાં ધાતુમાંથી બનાવેલા વિશિષ્‍ટતાપૂર્ણ અરીસાનો ઉપયોગ કરવાની પરંપરા છે. આ અરીસા ‘આરનમુળા કણ્ણાડી’ના નામથી પ્રસિદ્ધ છે. આ અરીસો કેરળમાંની સંસ્‍કૃતિમાં કહેલી ‘અષ્‍ટમંગળ’ વસ્‍તુઓમાંથી, અર્થાત્ વિવાહ ઇત્‍યાદિ પવિત્ર ધાર્મિક વિધિઓમાં વાપરવામાં આવતી ૮ પવિત્ર વસ્‍તુઓમાંથી એક છે. આ અરીસા સમૃદ્ધિ અને ભાગ્‍યદાયી માનવામાં આવે છે, તેમજ આ પ્રાચીન ભારતમાંના વિકસિત ધાતુવિજ્ઞાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ અરીસાની નિર્મિતિની પ્રક્રિયા અને તેમાંના ધાતુનું મિશ્રણનું પ્રમાણ પ્રાચીન સમયથી ગુપ્‍ત રાખવામાં આવ્‍યું છે.

આ અરીસા વિશે જાણકારી મેળવવાના ઉદ્દેશથી દિનાંક ૨૧.૩.૨૦૧૯ના દિવસે ‘મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય’ના સાધક આ અરીસા જ્‍યાં બનાવવામાં આવે છે ત્‍યાં, અર્થાત્ કેરળ સ્‍થિત પત્તનમ્‍તિટ્ટા જિલ્‍લાના આરનમુળા ગામમાં ગયા. ત્‍યાં તેમણે ‘શ્રીકૃષ્‍ણ હૅંડિક્રાફ્‍ટ સેંટર’ નામક અરીસા બનાવનારા કારખાનાની મુલાકાત લીધી. આ કારખાનાના માલિક શ્રી. કે.પી. અશોકન્‌નો ‘અરીસા બનાવવા’ એ પેઢીજાત વ્‍યવસાય છે. તેઓ આ પ્રકારના અરીસા બનાવનારા ઉદ્યોજકોના ‘વિશ્‍વબ્રાહ્મણ મેટલ મિરર નિર્માણ સોસાયટી’ સંગઠનના સક્રિય સદસ્‍ય છે. તેમણે સદર વિશિષ્‍ટતાપૂર્ણ અરીસા બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયાની ઉદ્‌બોધક અને ઉપયુક્ત જાણકારી આપી. તે અત્રે લેખમાં આપી છે.

 

૧. ‘આરનમુળા કણ્ણાડી’ એટલે શું ?

‘આરનમુળા’ આ એક ગામનું નામ છે, જ્‍યારે અરીસાને મલયાલમ ભાષામાં ‘કન્નાડી’, એમ કહે છે. તેથી ‘આરનમુળા’ ગામમાં બનાવવામાં આવતા ધાતુના અરીસાને ‘આરનમુળા કણ્ણાડી’ આ નામ પડ્યું. કેરળ સ્‍થિત પત્તનમ્‍તિટ્ટા જિલ્‍લામાં ‘પમ્‍બા’ નદીને કિનારે ‘આરનમુળા’ ગામ વસ્‍યું છે. ત્‍યાંનું પાર્થસારથિ મંદિર સુપ્રસિદ્ધ છે. આ મંદિરની આજુબાજુમાં રહેલી અનેક દુકાનોમાં ‘આરનમુળા કણ્ણાડી’ આ વિશિષ્‍ટતાપૂર્ણ અરીસા જોવા મળે છે. આ અરીસાનો પ્રતિબિંબદર્શક ભાગ તાંબુ અને કથીલ ધાતુઓના વિશિષ્‍ટ પ્રમાણમાંના મિશ્રણ પર વિશિષ્‍ટ પ્રક્રિયા કરીને બનાવેલો હોય છે, જ્‍યારે આ અરીસાનું ચોકઠું (ફ્રેમ) પિત્તળનું હોય છે. આ અરીસાની વિશિષ્‍ટતા એટલે જો એકાદ વસ્‍તુ અરીસાને ટેકવીને રાખીએ, તો તે વસ્‍તુ અને અરીસામાં દેખાતું તે વસ્‍તુનું પ્રતિબિંબ સાવ એકબીજાની બાજુમાં દેખાય છે (તેમાં અંતર હોતું નથી.) તેનું કારણ એટલે આ અરીસામાં વસ્‍તુનું પ્રતિબિંબ અરીસાના પૃષ્‍ઠભાગ પર દેખાય છે.

સર્વસામાન્‍ય અરીસામાં એકાદ કાચની પાછળની બાજુએ પ્રતિબિંબદર્શક રસાયણનો લેપ લગાડેલો હોય છે. તે રસાયણિક લેપમાં વસ્‍તુનું પ્રતિબિંબ દેખાય છે. તેથી આવા અરીસાને એકાદ વસ્‍તુ ટેકવીને રાખીએ, તો તે વસ્‍તુ અને તેના પ્રતિબિંબમાં કાચની જાડાઈ જેટલું અંતર હોય છે. પ્રતિબિંબ દેખાવાની આ ખામી ‘આરનમુળા કણ્ણાડી’માં નથી. આ અરીસાની એક મહત્વની વિશિષ્‍ટતા છે. (છાયાચિત્ર ક્રમાંક ૩)

શંખના આકારમાં ‘આરનમુળા કણ્ણાડી’

 

૨. આરનમુળા કણ્ણાડી અરીસાનો ઇતિહાસ

ઉત્તમોત્તમ વસ્‍તુઓ ભગવાન માટે ઉપયોગ કરવાની હિંદુઓની પરંપરા છે. ‘દેવપૂજનમાંના ‘દર્પણ’ આ ઉપચારમાં ઉપયોગમાં લેવાતો અરીસો પણ ઉત્તમ જ હોવો જોઈએ’, આ ભક્તોની તાલાવેલી અને ભગવાને કરેલી કૃપાને લીધે ‘આરનમુળા કણ્ણાડી’ અરીસાનું નિર્માણ થયું. આ અરીસાનો વ્‍યવસાય કરનારા શ્રી. કે.પી. અશોકને સદર અરીસાની નિર્મિતિનો ઇતિહાસ આગળ જણાવ્‍યા પ્રમાણે કહ્યો.

તેમના પૂર્વજ ‘પાર્થસારથિ’ શ્રીકૃષ્‍ણજીના મંદિરના કામ માટે પોતાનું મૂળ ગામ છોડીને આરનમુળા ગામમાં આવીને વસ્‍યા. તેમના પૂર્વજમાંથી એકને ધાતુનો અરીસો બનાવવાનું જ્ઞાન સ્‍વપ્નમાં મળ્યું. તે અનુસાર પ્રયત્ન કરીને તેમણે અરીસો બનાવ્‍યો અને ત્‍યારથી ધાતુના અરીસા બનાવવાનો આરંભ થયો. વર્તમાનમાં ભલે આ અરીસા વિવિધ આકારમાં ઉપલબ્‍ધ હોય, તો પણ તેમના શંખ, પદ્મ ઇત્‍યાદિ કેટલાક પરંપરાગત આકાર અને તેની લંબાઈ-પહોળાઈના માપ નિશ્‍ચિત હોય છે.

 

૩. આરનમુળા કણ્ણાડી
(ધાતુનો અરીસો) બનાવવાની પ્રક્રિયા

આરનમુળા કણ્ણાડી બનાવવાની પ્રક્રિયા સર્વસામાન્‍ય રીતે આગળ જણાવ્‍યા પ્રમાણે છે.

૩ અ. રેખાંકન કરવું

આરનમુળા કણ્ણાડીમાં પ્રતિબિંબ દેખાય તે ધાતુનો ભાગ (અરીસો) અને આ અરીસો જેમાં બેસાડવામાં આવે છે તે પિત્તળનું ચોકઠું (ફ્રેમ), આ રીતે બે ભાગ હોય છે. આ બન્‍ને ભાગોનું કાગળ પર રેખાંકન (સ્‍કેચ) કરવામાં આવે છે.

ચીકણી માટી, ગાયનું છાણ ઇત્‍યાદિમાંથી અરીસાનો સાંચો (બીબું) બનાવવાની પ્રક્રિયા

૩ આ. રેખાંકન અનુસાર સાંચા બનાવવા

કાગળ પર કરેલા રેખાંકન અનુસાર અરીસા બનાવવા માટે ચીકણી માટી, ગાયનું છાણ, ભૂસું (વહેર), કાથો, સુતરાઉ કપડું ઇત્‍યાદિથી સાંચા બનાવવામાં આવે છે. (છાયાચિત્ર ક્ર. ૧)

તાંબુ અને કથીર (જસત) ઓગાળીને બનાવેલું મિશ્રણ સાંચામાં રેડીને બનાવેલું ધાતુનું વર્તુળ

૩ ઇ. સાંચામાં ધાતુનું ઓગળેલું મિશ્રણ રેડીને અરીસો અને તેનું ચોકઠું (ફ્રેમ) બનાવવું

અરીસાનો પ્રતિબિંબ દેખાય, તે ભાગ બનાવવા માટે સાંચામાં યોગ્‍ય પ્રમાણમાં લીધેલું તાંબુ અને કથીર (જસત) ઓગાળીને બનાવેલું મિશ્રણ રેડવામાં આવે છે, જ્‍યારે અરીસાના ચોકઠા માટે સાંચામાં ઓગાળેલું પિત્તળ રેડવામાં આવે છે. આ મિશ્રણ ઠંડું પડે પછી બાજુની માટી કાઢી નાખીને ધાતુનો ભાગ ચોખ્‍ખો કરવામાં આવે છે. (છાયાચિત્ર ક્રમાંક ૨)

૩ ઈ. પ્રાથમિક સ્‍વરૂપનો અરીસો અને ચોકઠાને શ્રમપૂર્વક અંતિમ રૂપ આપવું

પ્રાથમિક સ્‍વરૂપમાંનો અરીસો કેટલાક કલાક ‘પૉલીશ પેપર’ પર નિરંતર ઘસીને તેમાંથી પ્રતિબિંબ સ્‍પષ્‍ટ દેખાય એવી રીતે અંતિમ અરીસો બનાવવામાં આવે છે. આ તબક્કો અતિશય પરિશ્રમપૂર્વક કરવો પડે છે.

‘આરનમુળા કણ્ણાડી’ને એકાદ વસ્‍તુ ટેકવી રાખીએ, તો તે વસ્‍તુ અને તેનું પ્રતિબિંબ અરીસામાં એકબીજાની બાજુમાં જ દેખાય છે !

૩ ઉ. ધાતુનો અરીસો પિત્તળના ચોકઠામાં (ફ્રેમમાં) બેસાડવો

ધાતુનો બનાવેલો વર્તુળાકાર અથવા લંબગોળ આકાર ધરાવતો અરીસો લાખ, મીણ ઇત્‍યાદિની સહાયતાથી ફ્રેમમાં બેસાડવામાં આવે છે. આ રીતે ‘આરનમુળ કણ્ણાડી’ તૈયાર થાય છે.’

 – કુ. પ્રિયાંકા વિજય લોટલીકર અને શ્રી. રૂપેશ લક્ષ્મણ રેડકર, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, ગોવા. (૧૯.૧૦.૨૦૧૯)

Leave a Comment