વસંત ઋતુમાં સારું આરોગ્‍ય કેવી રીતે જાળવવું ?

Article also available in :

વૈદ્ય મેઘરાજ પરાડકર

પ્રત્‍યક્ષ ઈશ્‍વરે સૃષ્‍ટિની રચના કરી ત્‍યારે આયુર્વેદની નિર્મિતિ કરી; તેથી આયુર્વેદના સિદ્ધાંતો વિશ્‍વના આરંભથી અબાધિત છે. અનેક યુગોથી પ્રતિવર્ષ તે જ ઋતુઓ આવે છે અને આયુર્વેદે કહેલી ઋતુચર્યા પણ તે જ છે. તેના પરથી જ નિરંતર પરિવર્તન થનારી એલોપથી કરતાં ચિરયુવા આયુર્વેદ કેટલો મહાન છે, આ વાત ધ્‍યાનમાં આવશે. આ લેખ દ્વારા આપણે વસંત ઋતુમાં પાળવાના આરોગ્‍ય નિયમો સમજી લઈશું.

 

 

૧. વૈદ્યોના ‘પિતા’ વસંત !

દક્ષિણાયનમાં ભારતથી દૂર ગયેલો સૂર્ય શિયાળાના અંતમાં ભારતની નજીક આવવા લાગ્‍યા પછી હિમાલય પરનો બરફ ધીમે ધીમે ઓગળવા લાગે છે. તેવી જ રીતે ઠંડીના દિવસોમાં શરીરમાં સંગ્રહિત કફ સૂર્યના કિરણોને કારણે પાતળો થવા લાગે છે. ઠંડી સમાપ્‍ત થયા પછી પ્રખર ઉનાળો ચાલુ થાય ત્‍યાં સુધીનો કાળ અર્થાત્ વસંત ઋતુ. ‘ચૈત્ર-વૈશાખ વસંત ઋતુ’, ભલે એવું આપણે શાળામાં શીખ્‍યા હોઈએ, તો પણ ‘આજના પ્રદૂષણના યુગમાં સામાન્‍ય રીતે ૧૫ માર્ચથી ૧૫ એપ્રિલ સુધી જ વસંત ઋતુ હોય છે, એમ કહેવું પડશે. આ દિવસોમાં વધેલા કફને કારણે શરદી, ઉધરસ, તાવ, દમ જેવા વિકાર વૃદ્ધિંગત થાય છે. આ દિવસોમાં રોગોનું પ્રમાણ ઠંડીના દિવસો કરતાં વધારે હોય છે; તેથી ‘वैद्यानां शारदी माता पिता च कुसुमाकर : ।’ અર્થાત્ ‘શરદ ઋતુ વૈદ્યોનાં માતા, જ્‍યારે વસંત ઋતુ વૈદ્યોના પિતા છે’, આ રીતે વિનોદથી કહેવામાં આવે છે.

 

૨. કફ સંતુલિત રાખવા માટે વસંત ઋતુચર્યા !

કફ સ્‍નિગ્‍ધ (ચીકણો), ઠંડો અને ગુરુ (જડ) ગુણો ધરાવતો હોવાથી વસંત ઋતુમાં આપણા આહાર દ્વારા, તેમજ આચરણ દ્વારા આ ગુણ વધવાને બદલે તે સંમતોલ રહે, તેવી વ્‍યવસ્‍થા, અર્થાત્ વસંત ઋતુચર્યા.

 

૩. કફનો ‘નિર્માતા’ પાણી !

કફ શબ્‍દની વ્‍યાખ્‍યા જ ‘केन फलति इति कफ : ।’ આ રીતે છે. ‘ક’ એટલે ‘પાણી’. પાણીથી ફલિત થાય છે, એટલે કે નિર્માણ થાય છે, તે કફ છે. એ માટે આ દિવસોમાં પીવાના પાણીમાં પ્રતિલિટર પા ચમચી સૂંઠ અથવા નાગરમોથ (મુસ્તા)નું  ચૂર્ણ ભેળવીને પીવાથી કફ વૃદ્ધિંગત થતો નથી. ઉષ્‍ણતાનો ત્રાસ ધરાવનારાઓ માટે સૂંઠ કરતાં નાગરમોથ (મુસ્તા)નું ચૂર્ણ ઉપયોગમાં લેવું.

 

૪. મીઠું (ગળ્યું) નહીં, કડવું !

ગળ્યો અને ખાટો પદાર્થ વધારે ખાવો નહીં. આ ઋતુના આરંભમાં ૧૫ દિવસ પ્રતિદિન કડવા લીમડાનાં ૪ – ૫ કૂણાં પાન ખાવા, જેથી આરોગ્‍યનું ઉત્તમ રક્ષણ થાય છે. ગૂડી પડવાને દિવસે ગૂડી ઊભી કરતી વેળાએ કડવા લીમડાનાં પાનનો ઉપયોગ કરાય છે, તેનું એક કારણ આ પણ છે.

 

૫. કફનાશક કઠોળ

કઠોળને આયુર્વેદમાં ‘શિંબી અનાજ’ કહ્યું છે. તેના ગુણ વિશદ કરતી વેળાએ આચાર્ય કહે છે, ‘मेदःश्‍लेष्‍मास्रपित्तेषु हितं लेपोपसेकयोः ।’ અર્થાત્ ‘કઠોળ’ અનાવશ્‍યક મેદ (ચરબી) અને કફ ન્‍યૂન કરવા માટે, તેમજ રક્ત અને પિત્ત માટે લાભદાયક છે. કઠોળના લોટનો ઉપયોગ ઉટાવણાં તરીકે કરવો પણ હિતાવહ છે.’ જેમને કઠોળ પચતું ન હોય, તેમણે મગ અને મસૂર આ કઠોળનો આહારમાં સમાવેશ કરવો; કારણકે આ કઠોળ પચવામાં હલકા છે.

 

૬. તળેલું ખાશો નહીં !

સ્‍નિગ્‍ધ (તળેલા) પદાર્થોને કારણે કફ વધતો હોવાથી, આવા પદાર્થો ઓછા પ્રમાણમાં ખાવા.

 

૭. અનાજ જૂનું અથવા શેકેલું હોવું

‘नवं धान्‍यमभिष्‍यन्‍द़ि लघु संवत्‍सरोषितम् ’ અર્થાત્ ‘નવું અનાજ શરીરમાં રહેલો સ્રાવ (કફ) વધારનારું અને પચવામાં ભારે હોય છે, જ્‍યારે એક વર્ષ જૂનું અનાજ તેના વિરોધના ગુણધર્મો ધરાવનારું અર્થાત્ પચવામાં હલકું હોય છે’, એવું આયુર્વેદમાં કહ્યું છે. કફ વધે નહીં અને વધેલો કફ ઓછો થાય, તે માટે આવું અનાજ ખાવું. જૂનું અનાજ જો ન મળે તો નવું અનાજ શેકીને ખાવાથી પણ તે જ લાભ થાય છે.

 

૮. વ્‍યાયામ કરો !

વ્‍યાયામને કારણે કફ ન્‍યૂન થાય છે. એ માટે વસંત ઋતુમાં અર્ધશક્તિથી વ્‍યાયામ કરવો, એવું શાસ્‍ત્રમાં કહ્યું છે. વ્‍યાયામ કરતી વેળાએ મોઢેથી શ્‍વાસ લેવાની આવશ્‍યકતા પડવા લાગે, એટલે અડધી શક્તિ ખર્ચાઈ ગઈ, એમ સમજવું. થોભી થોભીને અડધો અથવા ૧ કલાક પ્રતિદિન વ્‍યાયામ કરવો.

 

૯. દિવસે સૂવાનું વર્જ્‍ય !

‘रात्रौ जागरणं रूक्षं स्निग्‍धं प्रस्‍वपनं दिवा ।’ અર્થાત્ ‘રાત્રે જાગરણ કરવાથી શરીરમાં રુક્ષતા (લૂખાપણું), જ્‍યારે દિવસે સૂવાથી સ્‍નિગ્‍ધતા વધે છે.’ દિવસે સૂવાથી શરીરમાં અનાવશ્‍યક સ્રાવ નિર્માણ થાય છે અને તેને કારણે ગળા ભણી કફ આવવો, શરીર ભારે થવું, બુદ્ધિ મંદ થવી એના જેવા વિકાર થાય છે. વસંત ઋતુમાં બપોરે સૂવાનું ટાળવું. વૃદ્ધ, બીમાર અને પુષ્‍કળ થાક હોય, તેવી વ્‍યક્તિઓ બપોરે સૂવે તો પણ ચાલે.

 

૧૦. કફ પરનો રામબાણ ઇલાજ – મધ !

મધ એ કફ માટે સર્વશ્રેષ્‍ઠ ઔષધ છે. આ ઋતુમાં થનારી શરદી-ઉધરસ માટે થોડી  થોડી વારે મધ ચાટવું. સમગ્ર દિવસમાં ૫ – ૬ ચમચી જેટલું જ મધ ચાટવું.

 

૧૧. આનંદી રહો !

વસંત ઋતુ આનંદમાં અભિવૃદ્ધિ કરનારી ઋતુ છે. આ ઋતુમાં કોયલ તેના ગાયનનો આરંભ કરે છે. વૃક્ષો નવપલ્‍લવિત થાય છે. ગૂડી પડવો, રામનવમી જેવા તહેવારો, ઉત્‍સવ આ જ ઋતુમાં આવે છે. આનંદી રહેવાથી આરોગ્‍ય મળે છે અને આરોગ્‍યલાભથી આનંદ થાય છે, તેથી હંમેશાં આનંદી રહેવું.

આ ઋતુમાં કહેલા સર્વ નિયમોનું પાલન કરીને સહુકોઈને સાધના માટે સારું આરોગ્‍ય મળે અને તેમના આનંદમાં વૃદ્ધિ થાય, એ જ ભગવાન ધન્‍વંતરિનાં ચરણોમાં પ્રાર્થના !’

– વૈદ્ય મેઘરાજ પરાડકર, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા.

Leave a Comment