એવું કહેવાય છે કે હનુમાનજીએ લંકાદહન તો કર્યું;
પરંતુ લંકાદહન કરીને તેઓ પસ્તાયા પણ હતા. આમ શા માટે ?
ઉત્તર : મહર્ષિ વાલ્મીકિ દ્વારા લેખિત રામાયણમાં ઉલ્લેખ મળે છે કે શ્રી હનુમાનજીએ જ્યારે રાવણની લંકા બાળી ત્યારે તેમને ઘણો પસ્તાવો થયો. વાલ્મીકિ રામાયણમાં શ્લોક છે કે ‘यदि दग्धात्वियं सर्वानूनमार्यापि जानकी । दग्धा तेन मया भर्तुहतमकार्यजानता ।’ અર્થાત્ લંકા બાળ્યા પછી હનુમાનજીના મનમાં વિચાર આવ્યો કે જો સંપૂર્ણ લંકા બળી જશે તો નિશ્ચિત રૂપે જાનકીમાતા પણ તેમાં બળી ગયાં હશે. આવું કરીને મેં નિશ્ચિત રૂપે મારા સ્વામીનું બહુજ અહિત કરી દીધું છે. ભગવાન રામે તો મને લંકામાં માતા સીતાની ભાળ લેવા મોકલ્યો હતો, પરંતુ મેં તો અહીયાં બીજું જ કાંઈ કરી નાખ્યું છે. હવે તો માતા સીતા જ રહ્યાં નથી તો ભલા રામ કેવી રીતે જીવી શકશે.
પછી સુગ્રીવ-રામની મિત્રતાનો અર્થ શું રહ્યો ? હવે હું શ્રીરામને કેવી રીતે મોઢું દેખાડું ? તે ક્ષણે હનુમાનજી રાજસભાવમાં એ ભૂલી ગયા હતા કે, જે સીતાએ થોડા જ સમય પહેલાં એમને અજર-અમર થવાના આશીર્વાદ આપ્યા હતા, એ જનકનંદની ભલા આગમાં ભસ્મ કેવી રીતે થઈ શકે.’ अजर-अमर गुण निधि सुत होहू, करहिं सदा रघुनायक छोहू’ આજ કારણસર જ્વાળાઓથી ઘેરાયા હોવા છતાં પણ હનુમાનજીના સ્વાસ્થ્ય પર અગ્નિનો કોઈ પ્રભાવ પડ્યો નહીં. ખરું જોતા માતા સીતાની પ્રાર્થનાને કારણે આમ થયું હતું. માતા સીતાને જ્યારે રાક્ષસીઓએ સૂચિત કર્યા કે રાવણ દ્વારા હનુમાનજીની પૂંછડીને આગ લગાડવામાં આવી રહી છે, ત્યારે સીતા અગ્નિદેવતાને પ્રાર્થના કરે છે કે હે અગ્નિદેવતા, જો હું પતિવ્રતા હોઉં, તપસ્વિની હોઉં તો તમે મહાબાહુ કપિશ્રેષ્ઠ માટે શીતલ થઈ જાવ.
જ્યારે હનુમાનજી લંકાદહન માટે પોતાને અપરાધી માની રહ્યા હતા, ત્યારે તેમને અનેક શુભ શુકનો દેખાવા લાગ્યાં. ત્યારે તેમના વિચારોમાં નવો વળાંક આવ્યો. જે સીતા સ્વયં અગ્નિસ્વરૂપ છે, જે પતિવ્રતા છે જે સ્વયં પ્રભુ શ્રીરામનાં પત્ની છે, તેમને અગ્નિ હાથ પણ લગાડી શકે નહીં. એ જ સમયે હનુમાનજીને દિવ્ય વાણી સંભળાઈ – રાક્ષસોની લંકા બળી ગઈ, પરંતુ સીતા પર કોઈ આંચ પણ આવી નહીં. ત્યારે હનુમાનજી પોતાનો મનોરથ પૂર્ણ થયો છે એમ સમજ્યા.
હનુમાનજીએ લંકાદહન કર્યું, પરંતુ એ જ
લંકામાં સ્થિત વિભીષણનું ઘર કેમ ન સળગાવ્યું ?
રામાયણમાં કથા આવે છે કે હનુમાનજીએ લંકાનાં બધા ઘરો બાળી નાખ્યાં પરંતુ વિભીષણનું ઘર બાળ્યું નહીં. ‘जारा नगर निमिष इक माहिं, एक विभीषण कर गृह नाहिं ।’ જ્યારે હનુમાનજી લંકાદહન કરી રહ્યા હતા ત્યારે તેમણે વિભીષણનું ઘર એ માટે બાળ્યું નહીં, કારણકે વિભીષણના ઘરના બારણામાં તુલસીજી હતાં. ભગવાન વિષ્ણુજીનાં પાવન ચિહ્નો શંખ, ચક્ર અને ગદા પણ હતા. આ જોઈને હનુમાનજીએ એમનું ઘર બાળ્યું નહીં.
આનાથી આપણને હનુમાનજીની વિશેષતા ધ્યાનમાં આવે છે કે જે કોઈ ભગવાનનો ભક્ત છે, તેમનું રક્ષણ કરવાનું કાર્ય હનુમાનજી કરે છે.