અનુક્રમણિકા
‘બાબરના આક્રમણમાં શ્રીરામજન્મભૂમિનું વિડંબન થવા પહેલાં ત્યાં રહેલું ભવ્ય શ્રીરામમંદિર સમ્રાટ વિક્રમાદિત્યએ લગભગ ૨૦૦૦ વર્ષો અગાઉ બાંધ્યું હતું. તે વેળાએ સમ્રાટ વિક્રમાદિત્યએ સ્થાપન કરેલી શ્રીરામપંચાયતન મૂર્તિ વર્તમાનમાં અયોધ્યા સ્થિત શ્રી કાળારામ મંદિરમાં બિરાજમાન છે.
૧. બાબરના આક્રમણથી
બચાવવા માટે મૂર્તિ શરયૂ નદીમાં વહેતી મૂકવી
વર્ષ ૧૫૨૮માં બાબરે શ્રીરામજન્મભૂમિના મંદિર પર આક્રમણ કર્યું. મોગલ આક્રમક બાબર અયોધ્યા ભણી આવી રહ્યો છે, એ જાણ્યા પછી શ્રીરામમંદિરના તે વેળાના પૂજારી શ્યામાનંદ સરસ્વતીને જાણ થઈ ગઈ કે, ‘આ યવની આક્રમણમાં મૂર્તિ ભગ્ન થઈ શકે છે, અને પોતાના પ્રાણ આપું, તો પણ હું મૂર્તિને બચાવી શકીશ નહીં.’ તેથી તેમણે વર્ષ ૧૫૨૮માં એ મૂર્તિ શરયૂ નદીમાં વહેતી મૂકી. એ મૂર્તિ શરયૂ નદીમાં ૨૨૦ વર્ષો સુધી રહી હતી.
૨. પંડિત નરસિંહરાવ મોઘેને સ્વપ્નમાં મળેલી
અંતઃપ્રેરણા અને મૂર્તિની શરયૂ કાંઠે થયેલી સ્થાપના !
વર્ષ ૧૭૪૮માં મહારાષ્ટ્રના પંડિત નરસિંહરાવ મોઘે તે વેળાએ શરયૂ નદી કાંઠે તપશ્ચર્યા કરતા હતા. એ સમયે તેમને અંતઃપ્રેરણા થઈ કે, ‘શરયૂમાં લક્ષ્મણઘાટ પર મારી મૂર્તિ છે. તે બહાર કાઢીને શ્રી નાગેશ્વરનાથ મંદિર પાસે તેની સ્થાપના કરવી.’ તે વેળા નરસિંહરાવ મોઘેને તે મૂર્તિના દર્શન પણ થયા. આ અંતઃપ્રેરણા તેમને ત્રણ વાર થઈ. બીજા દિવસે સ્નાન માટે શરયૂતીરે ગયા પછી પંડિત મોઘેને આ મૂર્તિ પ્રાપ્ત થઈ. સદર મૂર્તિ કાળા રંગની હતી. પંડિત નરસિંહરાવ મોઘેને જ્યારે તે મૂર્તિ પ્રાપ્ત થઈ, ત્યારે તેમણે કહ્યું, ‘‘આ રામજી કાળા છે.’’ ત્યારથી માંડીને તેમનું નામ ‘કાળારામ’ તરીકે પ્રખ્યાત થયું. તે અગાઉ જ્યારે તે મૂર્તિ શ્રીરામજન્મભૂમિ પરના મંદિરમાં સ્થાપવામાં આવી હતી, તે વેળાએ દેવનું નામ ‘વિષ્ણુહરિ’ એવું હતું. પંડિત મોઘેને થયેલી અંતઃપ્રેરણા અનુસાર તેમણે આ મૂર્તિની સ્થાપના અયોધ્યા ખાતે શ્રી નાગેશ્વરનાથ મંદિર પાસે કરી. શ્રી નાગેશ્વરનાથ મંદિર ૧૦૮ જ્યોતિર્લિંગમાંથી એક છે. આ મંદિરની સ્થાપના પ્રભુ શ્રીરામજીના નાના પુત્ર કુશે કરી હતી.
૩. મંદિરમાં દર્શન હેતુ આવેલા મહાન સંતગણ
પ.પ. શ્રીધરસ્વામીજીએ આ મંદિરમાં ૪ વાર ચાતુર્માસનું વ્રત કર્યું હતું. આ મંદિરમાં જ પ.પૂ. ગોંદવલેકર મહારાજજીના માતાજીએ દેહત્યાગ કર્યો હતો. સમર્થ રામદાસસ્વામી અને પ.પૂ. ગોંદવલેકર મહારાજે આ મંદિરમાં આવીને દર્શન કર્યા છે.
૪. નવું મંદિર બન્યા પછી પણ
આ મૂળ મૂર્તિ શ્રી કાળારામ મંદિરમાં જ બિરાજમાન હશે !
વર્તમાનમાં શ્રીરામજન્મભૂમિ પર નવેસરથી શ્રીરામમંદિર બાંધવામાં આવી રહ્યું છે. શ્રી કાળારામ મંદિરની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ‘यावच्चन्द्रदिवाकरौ….’ આ નિયમ પ્રમાણે, એટલે ‘જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે’, ત્યાં સુધી; અર્થાત્ જ અનંત કાળ માટે છે. આરંભમાં વિક્રમાદિત્ય દ્વારા શ્રીરામજન્મભૂમિ પર સ્થાપવામાં આવેલી આ મૂર્તિ, પ્રભુ શ્રીરામજીએ આપેલા દૃષ્ટાંત અનુસાર જ શ્રી કાળારામ મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે. તેથી આ મૂર્તિ શ્રી કાળારામ મંદિરમાં જ રહેશે.’
– શ્રી. ગોપાળરાવ દિગંબર દેશપાંડે, પૂજારી અને તેમના ભત્રીજા શ્રી. રાઘવેંદ્ર યશવંત દેશપાંડે, વ્યવસ્થાપક, શ્રી કાળારામ મંદિર, અયોધ્યા.
૫. મૂર્તિ વિશે વિશ્લેષણ
આ પંચાયતનમાં શ્રીરામજી પદ્માસનમાં બેઠા છે, તેમની ડાબી બાજુ સીતામાતા છે, શ્રીરામની જમણી બાજુ લક્ષ્મણની મૂર્તિ છે. લક્ષ્મણના હાથમાં છત્ર છે. એક બાજુ પંખો હાથમાં લઈને ભરત અને ચામર લીધેલા શત્રુઘ્ન છે. તેમની સમક્ષ હનુમાનજી બિરાજમાન છે. અહિરાવણનો વધ કરવા માટે હનુમાનજીએ દેવીનું રૂપ ધારણ કર્યું હતું. તેથી અહીં હનુમાનજીની મૂર્તિ દેવીના વેશમાં છે અને તેના પગ નીચે અહિરાવણ છે. આ સર્વ મૂર્તિઓ એકજ શાલિગ્રામ પથ્થરમાંથી બનેલી છે. મૂર્તિના ચરણ પાસે શ્રીરામયંત્ર છે. વાલ્મીકિ રામાયણમાં આપેલા શ્લોક પ્રમાણે આ મૂર્તિની રચના કરેલી છે.
આ મંદિરની વિશિષ્ટતા એ છે કે આ મંદિરમાં મૂર્તિઓ પહેલાં સ્થાપિત થઈ અને પછી મંદિર બંધાયું.
યવનોના આક્રમણોના સમયગાળામાં ધર્મ અને સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે આપણા પૂર્વજોએ શક્તિ દ્વારા અને પ્રસંગ પડે યુક્તિ દ્વારા પરિશ્રમ કર્યા છે. બાબરના આક્રમણથી બચવા માટે શ્રીરામમંદિરના પૂજારી શ્યામાનંદ સરસ્વતીએ તે મૂર્તિ શરયૂમાતાને સ્વાધીન કરી, તેથી તે સુરક્ષિત રહી. પછી પંડિત મોઘેએ અંતઃપ્રેરણા અનુસાર તે ફરીથી સ્થાપિત કરી, તેથી આજે તે મૂર્તિના દર્શન થઈ શકે છે. આજે આપણે જે પ્રાચીન મંદિરો જોઈ શકીએ છીએ, એ આપણા પૂર્વજોએ અતિશય પરિશ્રમ કરીને રક્ષણ કરેલો અમૂલ્ય વારસો છે. તે સહુને ત્રિવાર વંદન ! આપણી ભવિષ્યની પેઢીને આ ઇતિહાસની જાણ થાય, એ માટે આપણા પરાક્રમી અને ધર્મનિષ્ઠ પૂર્વજો પ્રમાણે જ રાષ્ટ્ર અને ધર્મના રક્ષણ માટે ક્રિયાશીલ થવું, એ જ તેમના પ્રત્યે સાચી કૃતજ્ઞતા !