અનુક્રમણિકા
‘કાશી (ઉત્તરપ્રદેશ) ખાતે સહસ્રો મંદિરો છે. તેમાં ગણેશજીના ૫૬ મંદિરો છે. આ ૫૬ ગણેશોમાં શ્રી ધુંડીરાજ વિનાયક વિશેષ છે. એવું કહેવાય છે કે, કાશીની પરિક્રમા કર્યા પછી શ્રી ધુંડીરાજ વિનાયકના દર્શન કરવા. કાશી વિશ્વનાથના પ્રવેશદ્વાર પાસે જ આ શ્રી ગણેશ બિરાજમાન છે. સ્કંદપુરાણના કાશીખંડમાં કાશીક્ષેત્રની મહતીનું વર્ણન કરેલું છે. ભગવાન શિવજીના આ કાશીક્ષેત્રમાં શ્રી ગણેશનું આગમન કેવી રીતે થયું, એની કથા અહીં આપી રહ્યા છીએ.
૧. કાશીના રાજા દિવોદાસે
ભગવાન બ્રહ્માજી પાસે વરદાન માંગવું અને
બ્રહ્માજીએ રાજા પાસે શ્રેષ્ઠ શાસન કરવાની શરત રાખવી
તે સમયગાળામાં ભગવાન શિવજીનું વાસ્તવ્ય મંદરાચલ (એક પૌરાણિક પર્વત)માં હતું. કાશીક્ષેત્રમાં દિવોદાસ નામનો અત્યંત ધાર્મિક રાજા રાજ કરતો હતો. તેના રાજ્યમાં પ્રત્યેક નાગરિક અત્યંત આનંદમાં જીવન જીવી રહ્યો હતો. ત્યાં સંપૂર્ણ સમૃદ્ધિનું વાતાવરણ હતું. રાજા દિવોદાસે ભગવાન બ્રહ્માજી પાસે વરદાન માગ્યું હતું કે, ‘જ્યાં સુધી પોતે (રાજા દિવોદાસ) રાજ કરી રહ્યો છે, ત્યાં સુધી દેવી-દેવતાઓએ કાશીક્ષેત્રમાં આવવું નહીં અને કાશીધામમાં જે સારું વાતાવરણ નિર્માણ થયેલું છે, તે અસ્થિર કરવું નહીં.’ ભગવાન બ્રહ્માજીએ તેનું કહેવું માન્ય કર્યું; પણ રાજા સામે એક શરત મૂકી કે, ‘રાજાએ સ્વયંને એક શ્રેષ્ઠ અને કાબેલ શાસક તરીકે સિદ્ધ કરવો જોઈએ. કાશીક્ષેત્રમાં રહેનારા અથવા કાશીધામમાં આવનારા સહુની સાથે તેણે ધાર્મિક રીતે અને સારી રીતે વર્તન કરવું જોઈએ.’ રાજાએ આ શરતનો સ્વીકાર કર્યો અને તે અનુસાર શ્રેષ્ઠ શાસન કર્યું.
૨. ભગવાન શિવજી પોતે કાશીક્ષેત્રમાં
જઈ શકે તે માટે તેમણે દિવોદાસ રાજાના
કારોબારમાંની ભૂલ શોધવા માટે કરેલી યોજના !
કાશીક્ષેત્ર એ ભગવાન શિવજીનું સ્થાન છે. દિવોદાસ રાજાને બ્રહ્માજીએ આપેલા આ આશીર્વાદને કારણે શિવજીને લાંબા સમય સુધી કાશીથી દૂર રહેવું પડ્યું. ભગવાન શિવજી કાશીક્ષેત્રમાં જઈ શકે તે માટે રાજા દિવોદાસ દ્વારા કોઈક ભૂલ થવી આવશ્યક હતી. તે અનુસાર તેમણે યોગિની, સૂર્યદેવતા, સેવકો ઇત્યાદિને કાશીક્ષેત્રમાં મોકલ્યા.
૨ અ. ૬૪ યોગિનીઓને કાશીક્ષેત્રમાં જાણે કે સ્વર્ગ જ
અવતર્યું હોવાનું જણાઈને તેમણે કાશીમાં જ વાસ્તવ્ય કરવું
ભગવાન શિવજીએ કાશીક્ષેત્રનું વ્યવસ્થા-તંત્ર અસ્થિર કરવા માટે ૬૪ યોગિનીઓને ત્યાં મોકલી; પરંતુ કાશીનું સૌંદર્ય અને પ્રસન્ન વાતાવરણથી યોગિનીઓને ‘તેઓ જાણે કે સ્વર્ગમાં જ છે’, એવું લાગવા માંડ્યું. ૬૪ યોગિનીઓએ કાશીનું વ્યવસ્થા તંત્ર અસ્થિર કરવાનું તો દૂર રહ્યું ઊલટું તેમણે ત્યાં જ વાસ્તવ્ય કર્યું.
૨ આ. કાશીક્ષેત્ર ભણી આકર્ષિત થઈને
સૂર્યદેવતાએ ૧૨ રૂપોમાં કાશીધામમાં બિરાજમાન થવું
ભગવાન શિવજીએ કાશીની રાજ્યવ્યવસ્થા અસ્થિર કરવાના ઉદ્દેશથી સૂર્યદેવતાને ત્યાં મોકલ્યા. સૂર્યદેવતાએ કાશીક્ષેત્રમાં જ્યોતિષી, વિદ્વાન, વેપારી, બ્રાહ્મણ આદિના વેશમાં ત્યાં રહીને કાશીક્ષેત્રમાંના દોષ શોધવાનો પ્રયત્ન કર્યો; પરંતુ તેમને કાશીની કોઈપણ વ્યક્તિમાં અથવા દિવોદાસના કારોબારમાંનો કોઈપણ દોષ મળ્યો નહીં. સૂર્યદેવતાએ પણ કાશીધામનું ધાર્મિક વાતાવરણ અને ત્યાંના સૌંદર્ય ભણી આકર્ષિત થઈને કાશીક્ષેત્રમાં જ વાસ્તવ્ય કરવાનો નિશ્ચય કર્યો. ભગવાન સૂર્યએ વિચાર કર્યો, ‘જો ભગવાન શિવજીની ઇચ્છા પૂર્ણ કર્યા વિના મંદરાચલમાં પાછો જઈશ, તો શિવજીના ક્રોધનો સામનો કરવો પડશે. તેમની ઇચ્છા વિના અહીં જ કાશીક્ષેત્રમાં વાસ્તવ્ય કરીશ, તો પાપ લાગશે. કાશીક્ષેત્રમાં રહીને ધાર્મિક કાર્ય કરવાથી આવા પાપોનો સહજતાથી નાશ થશે’, ત્યાર પછી સૂર્યદેવ ૧૨ રૂપોમાં કાશીક્ષેત્રમાં જુદા-જુદા ઠેકાણે બિરાજમાન થયા.
૨ ઇ. શ્રી ગણેશજીએ કાશીનું વ્યવસ્થાતંત્ર
અસ્થિર કરવા માટે જ્યોતિષનું રૂપ ધારણ કરીને કાર્ય કરવું
સૂર્યદેવ પણ કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા પછી ભગવાન શિવજીએ તેમના સેવકોને કાશીધામ ખાતેના દોષ શોધવા માટે મોકલ્યા. તેઓ પણ કાશીના સૌંદર્યથી મોહિત થયા અને કાશીક્ષેત્રમાં જ રહી ગયા. છેવટે ભગવાન શિવજીએ પોતાના પુત્ર ભગવાન શ્રી ગણેશને રાજા દિવોદાસના કામકાજમાં અડચણો નિર્માણ કરવાના કાર્ય માટે બોલાવ્યા. શ્રી ગણેશે એક જ્યોતિષનો વેશ ધારણ કરીને કાશી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેમણે ત્યાંના લોકોને કેટલાક સ્વપ્નદૃષ્ટાંતો આપ્યા અને સવારે તેમને મળીને સદર સ્વપ્નોનો અર્થ સમજાવીને કહ્યો. આવી રીતે જ્યોતિષનું રૂપ ધરાવનારા શ્રી ગણેશજીએ કાશીના લોકોને પ્રભાવિત કર્યા.
ધીમે ધીમે તે જ્યોતિષની ખ્યાતિ રાજમહેલ સુધી પહોંચી. જેમ જેમ દિવસો વહેતા ગયા, તેમ તે જ્યોતિષની ખ્યાતિ વિશે સાંભળીને તે રાજ્યની રાણી પણ પ્રભાવિત થયાં. રાણીએ રાજા દિવોદાસને વૃદ્ધ જ્યોતિષની મહાનતા વિશે કહ્યું અને રાજાની અનુમતિ લઈને તે વૃદ્ધ જ્યોતિષને રાજદરબારમાં બોલાવ્યો. રાજાએ પ્રથા અનુસાર તે જ્યોતિષનો આદર સત્કાર કર્યો. રાજાએ જ્યોતિષને ભવિષ્ય કથન કરવા માટે પ્રાર્થના કરી, ત્યારે જ્યોતિષએ ઊંડો વિચાર કરીને રાજા અને તેના રાજ્ય વિશે અલગ-અલગ બાબતો કહી. તેમણે એમ પણ જણાવ્યું કે, તે જ દિવસથી માંડીને બરાબર અઢારમા દિવસે એક બ્રાહ્મણ આવશે અને તેને (રાજાને) કોઈ ગંભીર સલાહ આપશે. તેનું રાજાએ પાલન કરવું આવશ્યક છે. આટલું કહીને જ્યોતિષ ત્યાંથી નીકળી ગયો. ત્યાર પછી શ્રી ગણેશે બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને તેની તેજ બુદ્ધિથી દિવોદાસ રાજાને રાજ્ય વિશેની આસક્તિ ઘટાડવા માટે ફરજ પાડી.
૩. કાશીક્ષેત્રમાં આગમન થયા પછી
ભગવાન શિવજીએ શ્રી ગણેશની કરેલી સ્તુતિ !
શ્રી ગણેશની આજ્ઞાથી રાજા દિવોદાસ વાનપ્રસ્થાશ્રમમાં ગયા પછી ભગવાન વિશ્વકર્માએ કાશીક્ષેત્રનું પુનર્નિર્માણ કર્યું. ત્યાર પછી ભગવાન શિવ સર્વ દેવગણો સાથે મંદરાચલ પર્વત પરથી કાશીધામમાં વાસ્તવ્ય કરવા માટે આવ્યા. કાશીક્ષેત્રમાં તેઓ ‘કાશીવિશ્વનાથ’ બન્યા. કાશીક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી વિશ્વનાથે સહુપ્રથમ શ્રી ગણેશની સ્તુતિ કરી. તેમણે ધુંડીરાજ સ્તોત્રનું પઠણ કરીને કહ્યું, ‘‘અહીં શ્રી ગણેશ ધુંડીરાજ નામથી પ્રખ્યાત થશે. જે ભક્ત કાશી વિશ્વનાથના દર્શન કરતા પહેલાં ધુંડીરાજ વિનાયકના દર્શન અને પૂજન કરશે, તેને મારો (ભક્તને વિશ્વનાથજીનો) સંપૂર્ણ આશીર્વાદ મળશે.’’
ત્યાર પછી શ્રી ગણેશજી ૫૬ રૂપોમાં કાશીક્ષેત્રમાં બિરાજમાન થયા. શ્રી ધુંડીરાજ વિનાયક ભગવાન વિશ્વનાથના પ્રવેશદ્વાર પાસે જ સ્થાપિત થયા. કાશી વિશ્વનાથ ભક્તો પર કૃપા કરનારા છે જ; પણ તેમનું કાશીક્ષેત્રે આગમન થાય તે માટે કાર્ય કરનારા શ્રી ધુંડીરાજ ગણેશ પણ ભક્તવત્સલ છે. શ્રી ધુંડીરાજ ગણેશના દર્શન કર્યા વિના કાશીયાત્રા પૂર્ણ થતી નથી, એવી આ ગણેશની મહતી છે.’