અનુક્રમણિકા
૧. કપૂરનાં ઝાડ વિશે સામાજિક
માધ્યમો દ્વારા ફેલાવવામાં આવી રહેલો ગેરસમજ !
ગત કેટલાક દિવસોથી સામાજિક માધ્યમો દ્વારા ચીની કપૂરનાં વૃક્ષો વિશે ઝડપથી સંદેશ ફેલાઈ રહ્યો છે. કપૂર આમ તો સહુકોઈને પરિચિત છે; પરંતુ ‘તે ક્યાંથી મળે છે ? કેવી રીતે નિર્માણ થાય છે ?’ આ વિશે અનેક લોકો જાણતા નથી. ‘કપૂરનું ઝાડ આજુબાજુના અર્ધો કિલોમીટર વિસ્તારની હવા શુદ્ધ કરે છે’, એવી અશાસ્ત્રીય માહિતી સામાજિક સંકેતસ્થળોના માધ્યમ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. આ વિશે સહુકોઈએ જાગૃત રહેવું આવશ્યક છે. કોરોના કાળમાં ઑક્સિજનનું મહત્વ સહુકોઈના ગળે ઉતર્યું છે જ. તે માટે વાતાવરણમાંનો ઑક્સિજન વધારવા માટે ૨૪ કલાક ઑક્સિજન આપનારી વનસ્પતિઓનું વાવેતર કરવું આવશ્યક છે’, એવો અનેક લોકોનો મત છે. તેનો ગેરલાભ લઈને આવા પ્રકારના સંદેશ સામાજિક માધ્યમો દ્વારા ફેલાવવામાં આવી રહ્યા છે.
૨. સૌથી વધારે પ્રાણવાયુ આપનારાં વૃક્ષો !
વડ, પીપળો, ઉમરડો (ઔદુંબર) અને કડવા લીમડા જેવા વૃક્ષો સર્વાધિક ઑક્સિજન આપે છે. પૃથ્વી પરની સર્વ વનસ્પતિઓ દિવસે કાર્બન ડાયઑક્સાઈડ શોષી લઈને માનવીને શુદ્ધ પ્રાણવાયુ (ઑક્સિજન) આપે છે. તેમજ વનસ્પતિ પોતાનું અન્ન પોતે જ નિર્માણ કરે છે, આ વાત વિજ્ઞાને સિદ્ધ કરી છે.
૩. કપૂરના પ્રકાર અને નૈસર્ગિક કપૂર મળવાનું ઠેકાણું !
‘નૈસર્ગિક કપૂર’ અને ‘કૃત્રિમ કપૂર’ આ રીતે કપૂરના ૨ પ્રકાર છે. નૈસર્ગિક કપૂર વિવિધ વનસ્પતિઓ દ્વારા મેળવવામાં આવે છે. નૈસર્ગિક કપૂરના ૪ પ્રકાર છે અને કૃત્રિમ કપૂર કેવળ રસાયણો દ્વારા નિર્માણ કરવામાં આવે છે.
૩ અ. ભીમસેની કપૂર
ભીમસેની કપૂરને જ ‘બારુસ’ અથવા ‘બોર્નિયા કપૂર’ એમ પણ કહે છે. આ કપૂર સુમાત્રા દ્વિપ પર જોવા મળતા ‘ડ્રાયોબૅલેનૉપ્સ ઍરોમેટિક’ વૃક્ષ દ્વારા મેળવવામાં આવે છે. કપૂરના સ્ફટિક ઝાડના મધ્યભાગમાં, થડમાં, જ્યાંથી ડાળીઓ ફૂટે છે ત્યાં અને છાલની અંદર નિર્માણ થાય છે. ઇંડોનેશિયા ખાતે બોર્નિઓ દ્વિપમાંથી આ કપૂર ભારતમાં આવે છે. પ્રાચીન કાળથી આ કપૂર પ્રખ્યાત છે અને વૈદિક કાળથી ધાર્મિક કાર્યો માટે અને આયુર્વેદિક ઔષધ નિર્મિતિ માટે તેનો ઉપયોગ થાય છે. આયુર્વેદમાં આ કપૂરને ‘અપક્વ કપૂર’ કહે છે. તેમજ આ કપૂરના પાતળા દ્રવ્યને ‘કપૂર તેલ’ કહે છે. આ કપૂર પાણીમાં નાખવાથી ડૂબે છે. તેમજ હવામાંની વરાળ (બાષ્પ) શોષી લેતો નથી. આ કપૂર વૃક્ષોનું વાવેતર પહેલાં ભારતમાં તામિલનાડુ રાજ્યમાં કર્યું હોવાની નોંધ કેટલાક ધર્મગ્રંથોમાં જોવા મળે છે.
૩ આ. ચીની કપૂર
ચીની કપૂરને ‘જાપાની કપૂર’ પણ કહે છે. આ કપૂર ચીન, જાપાન, કોરિયા, ફાર્મોસ દેશોમાં જોવા મળતાં ‘સિનૅમોમસ કૅમ્ફોરા’ વૃક્ષમાંથી મેળવવામાં આવે છે. આ કપૂર પાણીમાં ડૂબવાને બદલે તરે છે. તેમજ હવામાંની વરાળ (બાષ્પ) શોષી લે છે. વૃક્ષનાં પાન, ડાળખાં અને ડાળીઓ પાણીમાં ઉકાળીને ઊર્ધ્વગમન પ્રક્રિયા દ્વારા આ કપૂર મેળવવામાં આવે છે. આ કપૂરના વૃક્ષોનું વાવેતર ભારતના દક્ષિણ અને પૂર્વ ભાગના રાજ્યોમાં થોડી સંખ્યામાં કરવામાં આવે છે. મહારાષ્ટ્રમાં પ્રમુખતાથી પશ્ચિમ મહારાષ્ટ્રમાં સાતારા, સાંગલી, કોલ્હાપુર, પુણે જિલ્લાઓમાં ચીની કપૂરના વૃક્ષોનું વાવેતર કર્યું હોવાનું જોવા મળે છે. ચીની કપૂરનો આયુર્વેદમાં ઉપયોગ થાય છે. તેને ‘પક્વ કપૂર’ પણ કહે છે.
૩ ઇ. પત્રી કપૂર
પત્રી કપૂરને જ ‘દેશી કપૂર’ પણ કહે છે. આ કપૂર ‘બ્લુમિયા બાલસમીફેરા’, ‘બ્લુમિયા ડેન્સીફ્લોરા’ અને ‘બ્લુમિયા લૅસેરા’ આ વનસ્પતિઓમાંથી મળે છે. આ સર્વ વનસ્પતિઓ ભારતમાં જોવા મળે છે. ‘બ્લુમિયા લૅસેરા’ આને જ ભારતીય ભાષામાં ‘ભાંગરુડી’ અથવા ‘ભુરાંડો’ પણ કહે છે. આ વનસ્પતિ મહારાષ્ટ્રમાં સર્વત્ર જોવા મળે છે. વિશેષ એટલે આ વનસ્પતિનાં પાન દ્વારા કપૂર મળે છે.
૩ ઈ. ‘ભારતીય કપૂર’
આ ‘લૅમિએસી’ વર્ગની ક્ષૂપવર્ગીય (નાના ઝાડવા, ઝાંખરા જેવી) વનસ્પતિ દ્વારા મળે છે. આ વનસ્પતિ પ્રમુખતાથી ભારતમાં જમ્મુ, દેહરાડૂન, કોલકાતા, ઊડિસા ઇત્યાદિ રાજ્યોમાં જોવા મળે છે.
૪. કૃત્રિમ કપૂરના ઉપયોગ !
‘કૃત્રિમ કપૂર’ ‘ટર્પેંટાઈન’ રસાયણ પર પ્રક્રિયા કરીને બનાવવામાં આવે છે. આ કપૂર આયુર્વેદિક ઔષધીઓમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. પૂજા માટે ભીમસેની કપૂર અત્યંત ઉપયોગી હોય છે; પણ તેની ઉપયોગિતા જાણતા ન હોવાથી તે ઓછા પ્રમાણમાં પૂજામાં વપરાય છે. આ કપૂરનો ઉપયોગ પ્રતિજૈવિકો, ફૂગનાશક અને કીટક પરાવર્તક તરીકે કરવામાં આવે છે.
૫. ચીની કપૂરનાં દુષ્પરિણામ !
ભારત ખેતીપ્રધાન દેશ છે. કપૂર વૃક્ષ માટે આવશ્યક રહેલું પોષક વાતાવરણ, તેમજ કપૂર વૃક્ષનાં ભૂમિ, હવા, પાણી અને અન્ય વૃક્ષો પર થનારાં વિશિષ્ટ દૂરગામી પરિણામોનો પણ અભ્યાસ આપણાં પૂર્વજોએ કર્યો હોવો જોઈએ. આયુર્વેદમાં ઉપયોગમાં લેવાતા ‘ભીમસેની કપૂર’ અને ‘ચીની કપૂર’ વિદેશી વૃક્ષોથી મળે છે. આ કપૂરની આજે પણ આયાત કરવામાં આવે છે; પરંતુ ભારતમાં આ વૃક્ષોનું વાવેતર ઘણા ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે. ચીની કપૂર વૃક્ષોનું ભારતીય વૃક્ષ પરિસંસ્થા પર વિપરિત પરિણામ થતું હોવાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં ચીની કપૂરનાં વૃક્ષોના રોપ અનેક રોપવાટિકામાં ઉપલબ્ધ છે.
ચીની કપૂર વૃક્ષો વિશે ફેલાવવામાં આવેલો સંદેશ અને કપૂરનાં ધાર્મિક મહત્વને કારણે ‘આપણા ઘેર પણ આ ઝાડ હોવું જોઈએ’, એવું ઘણાં લોકોને લાગે છે. તેને કારણે વર્તમાનમાં ચીની કપૂર વૃક્ષરોપોના વેચાણનો વ્યવસાય તેજીમાં ચાલુ છે; પણ વિદેશી નિલગિરી, ગ્લિરિસિડીયા, સુરુ, ઑસ્ટ્રેલિયન બાવળ, વિદેશી શમી જેવા અન્ય પણ વિદેશી વૃક્ષોના વાવેતરને કારણે નિર્માણ થયેલી અડચણો આપણે આજે પણ સહન કરી રહ્યા છીએ. તેનું ભાન વૃક્ષપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને ખેડૂત બાંધવોએ રાખવું જોઈએ.
ચીની કપૂર વૃક્ષનાં ફળો પક્ષીઓ ખાય છે. તેમના ચરક (વિષ્ઠા)માંથી ચીની કપૂરના વૃક્ષોના બી નો પ્રસાર વેગથી થાય છે. આ વૃક્ષોના બી ની ઉગવાની ક્ષમતા પ્રચંડ છે. તેમજ વૃક્ષ કોઈપણ આબોહવામાં ચિવ્વડતાથી ટકી રહે છે, ફળે-ફૂલે છે. તેથી આ વૃક્ષો સમય જતાં સ્થાનિક વૃક્ષો માટે જોખમી બને છે. તેનું મુખ્ય કારણ એટલે ચીની કપૂર વૃક્ષોની પાનખર છે. પાનખર થયા પછી તે ભૂમિમાં કોહવાય છે. પાનમાં રહેલો કપૂરનો અંશ ભૂમિમાં ભળીને અન્ય વનસ્પતિઓની ઉગવાની ક્ષમતા અને જમીનનું પોત નષ્ટ કરે છે. તેથી અમેરિકા અને ઑસ્ટ્રેલિયા ખંડોના દેશોમાં આ વૃક્ષોના વાવેતર પર પૂર્ણ રીતે પ્રતિબંધ છે. કપૂરનું વૃક્ષ નષ્ટ કરીને તેને ‘ઉપદ્રવી વૃક્ષ’ તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યું છે.
૬. ભારતીય વૃક્ષોનું વાવેતર કરો !
ભારતીઓએ આ ધ્યાનમાં લઈને વિદેશી વૃક્ષ અને વિદેશી વનસ્પતિઓની મોહજાળમાં અટવાવું નહીં. સામાજિક સંકેતસ્થળોના માધ્યમ દ્વારા પ્રસારિત થનારા અવૈજ્ઞાનિક સંદેશાઓની બલિ ચડ્યા વિના ચીની કપૂર વૃક્ષોનું વાવેતર જાણીજોઈને ટાળવું. ભારતીય વૃક્ષોનું વાવેતર કરીને સ્થાનિક જૈવવિવિધતા સંપન્ન અને સુદૃઢ બનાવીને તેની જાળવણી અને તેનું સંવર્ધન કરવું.’