પુણ્‍યનદી ગોદાવરી

ગોદાવરી નદી ભારતમાંની પ્રમુખ નદીઓમાંની એક નદી છે. ગોદાવરી નદીનો ઉગમ નાશિક પાસેના ત્ર્યંબકેશ્‍વર તીર્થક્ષેત્રે મહારાષ્‍ટ્ર રાજ્‍યમાં થયો છે. પુણ્‍યનદી ગોદાવરી એટલે હિંદુ સંસ્‍કૃતિનો એક ઐતિહાસિક અને સમૃદ્ધ વારસો ! આ પુણ્‍યનદીના તીર પર સનાતન ધર્મસંસ્‍કૃતિનો વિકાસ થયો. અહીં જ યજ્ઞવેત્તા ઋષિમુનિઓએ વાસ્‍તવ્‍ય કર્યું અને શ્રીરામચંદ્રજીએ સીતામાતા સાથે ૧૨ વર્ષ નિવાસ કર્યો. ગોદાવરીનો ઇતિહાસ એટલે ઉત્તર ભારતીય અને દક્ષિણ ભારતીય સંસ્‍કૃતિઓના સંગમનો ઇતિહાસ છે.

 

૧. ‘ગોદાવરી’ આ શબ્‍દની વ્‍યુત્‍પત્તિ અને અર્થ

અ. ‘गां स्‍वर्गं ददाति स्नानेन इति गोदा ।

तासु वरी श्रेष्‍ठा गोदावरी ।’ (शब्‍दकल्‍पद्रुम)

અર્થ

જેના સ્‍નાનથી સ્વર્ગપ્રાપ્તિ થાય છે, તેને ‘ગોદા’ કહે છે. આ રીતે સ્‍વર્ગ પ્રાપ્‍ત કરી આપનારી નદીઓમાં જે શ્રેષ્‍ઠ છે, તે ગોદાવરી.

આ. गौतमस्‍य गवे जीवनं ददाति इति गोदा ।

અર્થ

ગૌતમઋષિની ગાયને (ગૌતમઋષિના સ્‍પર્શથી મૃત થયેલી ગાયને) જીવન દેનારી, તે ‘ગોદા’ (ગોદાવરી) છે.

 

૨. ગોદાવરીનું ભૂલોકમાં અવતરણ

૨ અ. ગૌતમઋષિએ ઘોર
તપશ્‍ચર્યા કરીને ગોદાવરીને ભૂલોકમાં લાવવી
અને શિવજીના આશીર્વાદથી તે મહાતીર્થ બનવી

‘સત્‍યયુગમાં એકવાર પૃથ્‍વી પર સતત બાર વર્ષ અનાવૃષ્‍ટિ થઈ. ત્‍યારે પર્જન્‍યવૃષ્‍ટિ માટે ગૌતમઋષિએ એક વર્ષ તપશ્‍ચર્યા કરીને શ્રી ગણેશને પ્રસન્‍ન કરી લીધા. શ્રી ગણેશજીએ આશીર્વાદ આપ્‍યા પછી ગૌતમઋષિના આશ્રમ પૂરતું દુકાળનું સંકટ ટળીને ત્‍યાં અનાજ વિપુલ પ્રમાણમાં પાકવા લાગ્‍યું. આ અનાજની સહાયતાથી ગૌતમઋષિએ વિવિધ દેશમાંના ઋષિમુનિઓનું પોષણ કર્યું. થોડા સમયગાળા પછી ગૌતમઋષિ પાસે આશ્રય માટે આવેલા કેટલાક વિદ્વેષી બ્રાહ્મણોએ એક માયાનિર્મિત ગાય ગૌતમઋષિના આશ્રમમાં છોડી. આ માયાવી ગાય આશ્રમમાંનું હવિર્દ્રવ્‍ય ચરતી હતી ત્‍યારે ગૌતમઋષિએ કેવળ તેને સ્‍પર્શ કર્યો અને તે મૃત્‍યુ પામી.

આ જોતાં જ સર્વ બ્રાહ્મણોએ ‘ગૌતમ ઋષિને ગોહત્‍યાનું પાપ લાગ્‍યું છે અને તેમના ઘરે ભોજન કરવું નહીં’, એમ કહીને ગૌતમઋષિના આશ્રમનો ત્‍યાગ કર્યો. પછી ગૌતમઋષિએ પાપમુક્તિ માટે ઘોર તપ કર્યું અને સ્‍વર્ગમાંથી ગંગાજીને લાવવા માટે ભગવાન શંકર પાસે હઠ કરી. તે અનુસાર ગંગા ભગવાન શિવજીની જટામાં પધાર્યાં (નોંધ). ત્‍યારે ગૌતમ ઋષિએ પ્રાર્થના કરી, ‘હે જગદીશ્‍વર, સમસ્‍ત લોકોને પવિત્ર કરનારાં આ દેવીને તમે બ્રહ્મગિરી પર છોડી દો. તેમાં સ્‍નાન કરીને લોકો પોતાના પાપો ધોઈ નાખશે. તેનાં કાંઠે એક યોજન સુધી રહેનારા તેમાં સ્‍નાન કર્યા વિના પણ મુક્તિ પામશે.’ ત્‍યારે ભગવાન શંકરે ગૌતમઋષિને આશીર્વાદ આપ્‍યા અને ગોદાવરીને ભૂલોકમાં લાવ્‍યા.’ (બ્રહ્મપુરાણ)

નોંધ

ભગવાન શંકરની જટામાં સમાવિષ્‍ટ જળના બે ભાગ એટલે ‘ગોદાવરી’ અને ‘ગંગા’: ‘ભગવાન શંકરની જટામાં સમાવિષ્‍ટ જળના બે ભાગ થયા. તેમાંનો એક ભાગ એટલે ‘ગોદાવરી’, જ્‍યારે બીજો ભાગ એટલે બળવાન ક્ષત્રિય રાજા ભગીરથે કઠોર તપશ્‍ચર્યા કરીને પૃથ્‍વી પર લાવેલી ‘ગંગા’ નદી છે.’ (બ્રહ્મપુરાણ)

૨ આ. ગોદાવરીનું ઉગમક્ષેત્ર અને તેનો પ્રગટ થવાનો
કાળ સમુદ્રમંથનનો કાળ અને ગોદાવરીનો જન્‍મકાળ એકજ છે.

कृते लक्षद्वयातीते मान्‍धातरि शके सति ।

कूर्मे चैवावतारे च सिंहस्‍थे च बृहस्‍पतौ ॥

माघशुक्‍लदशम्‍यां च मध्‍याह्ने सौम्‍यवासरे ।

गङ्गा समागता भूमौ गौतम सति ॥

महापापादियुक्‍तानां जनानां पावनाय च ।

औदुम्‍बरतरोर्मूले ययौ तदा ॥

(સંદર્ભ: અજ્ઞાત)

અર્થ

કૃત(સત્‍ય)યુગના બે લાખ વર્ષ પૂર્ણ થયા પછી, માંધાત નામક પૃથ્‍વી પરનો સાર્વભૌમ રાજા હતો ત્‍યારે, શ્રીવિષ્‍ણુનો કૂર્માવતાર થયો, (ધાતા નામ સંવત્‍સરી), સિંહ રાશિમાં ગુરુ, મહા માસ, સુદ પક્ષ, દસમીના દિને, બુધવારે, બપોરે ૧૨ કલાકે, ગૌતમઋષિના (ત્ર્યંબકેશ્‍વર સ્‍થિત બ્રહ્મગિરી પર્વત પર) ઔદુંબર વૃક્ષના મૂળમાં ગોદાવરી નદી પ્રગટ્યાં.

 

૩. ગોદાવરીનાં કેટલાંક નામો

૩ અ. ગંગા અથવા દક્ષિણગંગા

ગોદાવરી મૂળથી સાક્ષાત્ શિવજીની જટામાંથી પૃથ્‍વી પર અવતીર્ણ થયેલી ગંગા જ હોવાથી તેને ‘ગંગા’ કહે છે. તે ભારતના દક્ષિણ ભાગમાં પ્રગટ થઈ હોવાથી તેને ‘દક્ષિણ ગંગા’ એમ પણ કહે છે.

૩ આ. ગૌતમી

મહર્ષિ ગૌતમ ગોદાવરીને પૃથ્‍વી પર લઈ આવ્‍યા; તેથી તેને ‘ગૌતમી’ કહે છે. બ્રહ્મપુરાણમાં ‘વિંધ્‍ય પર્વતની પેલેપારના (ભારતના દક્ષિણ ભણીના ભાગમાંની) ગંગા એટલે ‘ગૌતમી’ના નામથી ઓળખવામાં આવે છે’, એમ કહ્યું છે.

૩ ઇ. અન્‍ય નામો

‘ભગવાન શંકરે ગૌતમઋષિને ગોદાવરીનાં માહેશ્‍વરી, વૈષ્‍ણવી, નંદા, સુનંદા, કામદાયિની, બ્રહ્મતેજસસમાનિતા અને સર્વપાપહારિણી આ નામો કહ્યાં છે. આ નામો કરતાં ‘ગોદાવરી’ એ જ નામ પોતાને પ્રિય હોવાનું પણ તેમણે કહ્યું છે. કણ્‍વઋષિએ ગોદાવરીની સ્‍તુતિ કરતી વેળાએ તેને ‘બ્રાહ્મી’ અને ‘ત્ર્યંબકા’ આ નામોથી સંબોધિત કરી છે.’ (બ્રહ્મપુરાણ)

 

૪. ગોદાવરીની વિશિષ્‍ટતાઓ

૪ અ. ભૌગોલિક વિશિષ્‍ટતાઓ

૪ અ ૧. આદ્ય નદી

ગોદાવરી સમુદ્રવલયાંકિત પૃથ્‍વી પરની આદ્ય નદી છે. ‘आद्या सा गौतमी गङ्गा द्वितीया जाह्नवी स्मृता ।’, અર્થાત્ ‘ગોદાવરી એ આદ્ય ગંગા (નદી) છે. જાન્હવી (ગંગા) એ તેના પછી અવતીર્ણ થઈ છે’, એવું ‘પુરુષાર્થચિંતામણિ’ ગ્રંથમાં કહ્યું છે.

૪ અ ૨. સપ્‍ત

ગંગાસાગરને (બંગાળના ઉપસાગરને) મળવા પહેલાં ગોદાવરી નદીના સાત પ્રવાહ બને છે. તે વાસિષ્‍ઠી, વૈશ્‍વામિત્રી, વામદેવી, ગૌતમી, ભારદ્વાજી, આત્રેયી અને જામદગ્‍નિ આ રીતે સાત ઋષિઓનાં નામોથી ઓળખાય છે.

૪ અ ૩. ભારતમાંની દ્વિતીય ક્રમાંકની લાંબી નદી

મહારાષ્‍ટ્રના સહ્યાદ્રી પર્વત-હારમાળામાં ઉગમ પામનારી ગોદાવરી પૂર્વ દિશામાં દક્ષિણવાહિની બનીને ૧૪૬૫ કિ.મી.નો પ્રવાસ કરીને આંધ્ર ગંગાસાગરને આવી મળે છે. આટલી વધુ લંબાઈ રહેલી ગોદાવરી દેશમાંની ગંગા નદી પછી બીજા ક્રમાંકની લાંબી નદી છે.

૪ આ. ભૌતિક વિશિષ્‍ટતાઓ

૪ આ ૧. જીવનદાયિની

ગોદાવરી લોકકલ્‍યાણની ધારા છે. તે લાખો વર્ષ મહારાષ્‍ટ્ર, છત્તીસગઢ, તેલંગણા, આંધ્ર અને પૉંડીચેરી રાજ્‍યોનો ભૂભાગ સમૃદ્ધ કરી રહી છે.

૪ આ ૨. આરોગ્‍યદાયિની

ગોદાવરીનું જળ આરોગ્‍ય માટે લાભદાયક છે.

पित्तार्तिरक्‍तार्तिसमीरहारि पथ्‍यं परं दीपनपापहारि ।

कुष्‍ठादिदुष्‍टामयदोषहारि गोदावरीवारि तृषानिवारि ॥

– રાજનિઘંટુ, વર્ગ ૧૪, શ્‍લોક ૩૨

અર્થ

ગોદાવરી નદીનું પાણી પિત્ત, રક્ત, વાયુ સાથે સંબંધિત વ્‍યાધિઓ દૂર કરનારું, ભૂખ વધારનારું, પાપોનું હરણ કરનારું, પાપોને કારણે ઉત્‍પન્‍ન થનારા ત્‍વચાવિકારો જેવા વિકાર દૂર કરનારું અને તરસ છીપાવનારું છે.

૪ ઇ. આધ્‍યાત્‍મિક વિશિષ્‍ટતાઓ

૪ ઇ ૧. પવિત્રતમ

ગોદાવરી ધર્મશાસ્‍ત્રમાં કહેલી સાત પવિત્ર નદીઓમાંથી એક છે. આ માટે જ સ્‍નાન પહેલાં આગળ જણાવેલો શ્‍લોક બોલીને ગોદાવરીસહિત પવિત્ર નદીઓને આવાહન કરવામાં આવે છે.

गङ्गे च यमुने चैव गोदावरि सरस्‍वति ।

नर्मदे सिन्‍धुकावेरी जलेऽस्‍मिन् सन्‍निधिं कुरु ॥

– નારદપુરાણ, પૂર્વભાગ, પાદ ૧, અધ્‍યાય ૨૭, શ્‍લોક ૩૩

અર્થ

હે ગંગા, જમના, ગોદાવરી, સરસ્‍વતી, નર્મદા, સિંધુ અને કાવેરી, તમે સર્વ નદીઓ મારા સ્‍નાનનાં પાણીમાં પધારો.

૪ ઇ ૨. ‘સપ્‍તગંગા’માંથી એક

ભારતમાં ૮૪ ગંગાતત્ત્વદર્શક નદીઓ છે. તેમાંની ગંગા, ગોદાવરી, કાવેરી, તામ્રપર્ણી, સિંધુ, સરયુ અને નર્મદા આ નદીઓને ‘સપ્‍તગંગા’ તરીકે ઓળખવામાં આવે છે.

૪ ઇ ૩. પાપવિનાશિની

गोदावरी भीमरथी कृष्‍णवेण्‍यादिकास्‍तथा ।

सह्मपादोद्भवा नद्यः स्‍मृताः पापभयापहाः ॥

– વિષ્‍ણુપુરાણદેવતાઓની ઉપાસના : શક્તિ – ખંડ ૮

અર્થ

ગોદાવરી, ભીમરથી, કૃષ્‍ણવેણી ઇત્‍યાદિ સહ્યાદ્રીની તળેટીમાં ઉગમ પામનારી નદીઓ પાપ અને ભય દૂર કરનારી છે.

૪ ઇ ૪. પુણ્‍યદાયિની : દક્ષિણવાહિની ગોદાવરી પુણ્‍યકારક છે.

कालिन्‍दी पश्‍चिमा पुण्‍या गङ्गा चोत्तरवाहिनी ।

विशेषा दुर्लभा ज्ञेया गोदा दक्षिणवाहिनी ॥

(સંદર્ભ : અજ્ઞાત)

અર્થ

પશ્‍ચિમ દિશામાં વહેનારી કાલિંદી (જમુના), ઉત્તર ભણી વહેનારી ગંગા અને દક્ષિણમાં જનારી ગોદાવરી ખાસ કરીને દુર્લભ અને પુણ્‍યદાયી છે.

૪ ઇ ૫. મોક્ષદાયિની

કુરુક્ષેત્રે દાનનું, નર્મદાતીરે તપનું અને ગંગાતીરે મૃત્‍યુ આવે તેનું પુણ્‍ય મોટું હોય છે; પણ ગોદાવરી તીરે આ ત્રણેય બાબતો મોક્ષ સમાન પુરવાર થાય છે.

या गतिर्योगयुक्‍तानां मुनीनाम् ऊर्ध्‍वरेतसाम् ।

सा गतिः सर्वजन्‍तूनां गौतमीतीरवासिनाम् ॥

– શ્રી ગુરુચરિત્ર, અધ્‍યાય ૧૩, શ્‍લોક ૬૮

અર્થ

મૃત્‍યુ પછી ઊર્ધ્‍વરેતા (પૂર્ણ બ્રહ્મચારી) મુનિઓને જે ગતિ મળે છે, તે જ ગતિ ગોદાવરી તીરે વાસ કરનારા સર્વ જીવોને મળે છે, એટલે જ કે, ગોદાવરી તીરે વાસ કરનારા જીવ મૃત્‍યુ પછી મોક્ષ પામે છે.

૪ ઇ ૬. સર્વતીર્થમયી

અ. ‘બ્રહ્મદેવે ગૌતમીનું માહાત્‍મ્‍ય વિશદ કરતી વેળાએ કહ્યું છે, ‘ભગવતી ગોદાવરી સર્વતીર્થમયી છે. ત્રિલોકમાં ગોદાવરી જેવું તીર્થ નથી.

 

૫. ગોદાવરીનું મહત્ત્વ

૫ અ. તીર્થશ્રાદ્ધ માટે ઉપયુક્ત

કૂર્મપુરાણ અનુસાર ભારતવર્ષની વિભિન્‍ન નદીઓની લાંબી સૂચિ આપી છે અને અંતમાં ‘શ્રાદ્ધ માટે ગોદાવરી વિશેષ મહત્વપૂર્ણ છે’, એમ કહ્યું છે.

मूलमध्‍यावसानेषु गोदा लभ्‍या कलौ युगे ।

मुण्‍डनं तत्र कुर्यात् वै तीर्थश्राद्धं विशेषतः ॥

– (સંદર્ભ: અજ્ઞાત)

અર્થ

કળિયુગમાં ગોદાવરીનો ઉગમ (ત્ર્યંબકેશ્‍વર), મધ્‍યભાગ (નાંદેડ), તેમજ અંત (રાજમહેંદ્રી) આ ઠેકાણે જઈને મુંડન અને તીર્થશ્રાદ્ધ કરવું.

 

ગોદાવરી સાથે સંબંધિત તહેવાર અને ઉત્‍સવ

૧. ગોદાવરી જન્‍મોત્‍સવ

પ્રતિવર્ષે મહા સુદ એકમ થી દસમી સુધી આ રીતે ૧૦ દિવસ ગોદાવરી નદીના તીર પરના તીર્થક્ષેત્રે ‘શ્રી ગોદાવરી જન્‍મોત્‍સવ’ ઊજવવામાં આવે છે.

૨. મકરસંક્રાંતિ

‘મકરસંક્રાંતિએ સૂર્યોદયથી માંડીને સૂર્યાસ્‍ત સુધી પુણ્‍યકાળ હોય છે. આ કાળમાં તીર્થસ્‍નાનને વિશેષ મહત્વ છે. આ કાળમાં ગંગા, જમના, ગોદાવરી, કૃષ્‍ણા અને કાવેરી આ નદીઓના કાંઠે રહેલાં ક્ષેત્રો પર સ્‍નાન કરનારને મહાપુણ્‍ય પ્રાપ્‍ત થાય છે.’ (ઘનગર્જિત, વર્ષ બીજું, અંક ક્રમાંક ૧૦, ગુરુદેવ ડૉ. કાટેસ્‍વામીજી સમસ્‍ત વાઙ્‌મય)

૩. કારતક પૂર્ણિમા

સર્વ મહિનાઓમાં પુણ્‍ય તીર્થસ્‍નાન કરવું પુણ્‍યદાયક હોય છે. સ્‍કંદ પુરાણમાં ગંગા, ગોદાવરી ઇત્‍યાદિ નદીઓની સૂચિ આપી છે અને આ નદીઓમાં કારતક માસમાં સ્‍નાન કરવું દુર્લભ હોવાનું કહ્યું છે. કારતક સુદ પક્ષ અગિયારસથી ત્રિપુરારી પૂર્ણિમા સુધી (પંઢરપૂર યાત્રા સમયે) શ્રીક્ષેત્ર ત્ર્યંબકેશ્‍વરની સ્‍થાનિક મહિલાઓ કુશાવર્ત તીર્થ પર ‘કારતકસ્‍નાન’ કરીને શ્રી ગંગાગોદાવરીનું પંચોપચાર અથવા ષોડશોપચાર પૂજન કરે છે, એવી અનેક વર્ષોથી પરંપરા છે.

૪. અન્‍ય પુણ્‍યકાળ

આ ઉપરાંત વૈકુંઠ ચતુર્દશી, મહાશિવરાત્રિ, વામન બારસ અને વસંત પંચમી આ દિવસો અને પર્વકાળ, અર્થાત્ અગિયારસ, અમાસ, તેમજ ચંદ્રગ્રહણો, વ્‍યતિપાત, વૈધૃતિ ઇત્‍યાદિ યોગ ગોદાવરીમાં સ્‍નાન કરવા માટે પુણ્‍યકાળ તરીકે માનવામાં આવે છે.

સંદર્ભ : સનાતન-નિર્મિત ગ્રંથ, ‘ગોદાવરી મહાત્‍મ્‍ય’

Leave a Comment