જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રના શનિગ્રહના સંદર્ભમાં વિચારો

‘આપણે જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનો વિચાર કરવાના છીએ. ચિંતન, ખડતર અનુષ્‍ઠાન, જપ-તપ, વૈરાગ્‍ય, સંન્‍યાસ આ બાબતો શનિ ગ્રહની અધિકાઈ હેઠળ આવે છે. વાસ્‍તુશાસ્‍ત્રમાં દિશાઓને પુષ્‍કળ મહત્વ છે. પશ્‍ચિમ દિશાનો સ્‍વામી શનિ ગ્રહ છે. અંકશાસ્‍ત્ર અનુસાર ૮ આંકડો શનિ ગ્રહના અમલ હેઠળ આવે છે.

સૌ. પ્રાજક્તા જોશી, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય

 

૧. જ્‍યોતિષ અને વાસ્‍તુશાસ્‍ત્રમાંનું સામ્‍ય

વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર જ્‍યોતિષશાસ્‍ત્ર, વાસ્‍તુશાસ્‍ત્ર, આયુર્વેદ, ધાર્મિક વિધિ, સંગીતશાસ્‍ત્ર, મુહૂર્તશાસ્‍ત્ર ઇત્‍યાદિ સર્વ ભારતીય શાસ્‍ત્રો એકબીજાની સાથે જોડાયેલાં છે. પ્રત્‍યેક શાસ્‍ત્રમાં અન્‍ય શસ્‍ત્રોનો થોડોઘણો સંબંધ આવે છે. સર્વ ભારતીય તત્વજ્ઞાન એ ‘શ્રેયસ (અર્થાત્ હિતાવહ) શું હશે ?’, તેને મહત્વ આપે છે. ‘તમને તે ગમશે કે નહીં ?’, આ પ્રશ્‍ન નથી. તમારા હિતમાં, કલ્‍યાણમાં જે છે, તે જ ઠાંસીને કહે છે, ઉદા. આયુર્વેદના નિયમ અથવા અનેક ધાર્મિક બાબતો. આજનું આધુનિક વિજ્ઞાન ‘પ્રેયસ (એટલે સુખકારક) શુ છે ?’, તે કહે છે.

જ્‍યોતિષશાસ્‍ત્રમાં વ્‍યક્તિની કુંડલી પરથી ‘વાસ્‍તુસુખ છે શું ? વાસ્‍તુયોગ ક્યારે છે ? વાસ્‍તુસુખ થવામાં કઈ અડચણો છે ?’, તેનો અભ્‍યાસ આવે છે. ઘણીવાર કુંડલીમાંની દિશા અને વાસ્‍તુની દિશાઓમાં સમાનતા હોય છે. કુંડલીના માધ્‍યમ દ્વારા વાસ્‍તુનો અભ્‍યાસ કરવો વધારે સયુક્તિક પુરવાર થાય છે. ‘વાસ્‍તુની કઈ દિશામાં દોષ છે ?’, આ બાબતનો અભ્‍યાસ કુંડલી પરથી કરી શકાય છે.

 

૨. જ્‍યોતિષશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનું મહત્વ

૨ અ. શનિ ગ્રહ પલટાયા પછી
તરત જ તેનાં ફળ મળવાને બદલે અંતિમ
છ માસમાં તેના અનુભવ તીવ્રતાથી જણાતા હોવા

એક નક્ષત્રમાંથી શનિનું ભ્રમણ સરાસરી ૧ વર્ષ દસ માસ હોય છે. શનિ ગ્રહને ‘મંદ ગ્રહ’ કહે છે; કારણકે શનિ એક રાશિમાં અઢી વર્ષ રહે છે. તેથી શનિ ગ્રહ પલટાયા પછી તરત જ તેનાં સારાં અથવા નરસાં ફળો મળતાં નથી, જ્‍યારે અંતિમ છ માસમાં તેના અનુભવ તીવ્રતાથી જણાય છે.

૨ આ. શનિ ગ્રહને કારણે ચિંતન યોગ્‍ય પ્રકારથી થવામાં સહાયતા થવી

શનિ ગ્રહ કર્મોનો અધિપતિ છે અને તે અહંકાર નષ્‍ટ કરે છે. શનિ સંવેદનાનો કારક ગ્રહ છે. શનિ આ ચિંતનશીલ ગ્રહ હોવાથી સ્‍વભાવદોષ અને અહં – નિર્મૂલન માટે પ્રયત્નરત રહેલા સાધકોને સાધનાના પ્રયત્નોમાં યશ પ્રદાન કરે છે. શનિ ગ્રહને કારણે ચિંતન યોગ્‍ય પ્રકારથી થવામાં સહાયતા થાય છે.

 

૩. શનિ ગ્રહનું જ્‍યોતિષશાસ્‍ત્રની દૃષ્‍ટિએ મહત્વ

૩ અ. શનિ ગ્રહ પૂર્વસુકૃત
દર્શાવનારો અને મોક્ષનો માર્ગ બતાવનારો ગ્રહ હોવો

હિંદુ ધર્મમાં ગ્રહોને દેવતા માનવામાં આવે છે. શનિ પાપ ગ્રહ (અશુભ ગ્રહ) છે અને સર્વ ગ્રહોમાં આ ગ્રહને લૌકિક દૃષ્‍ટિએ અનન્‍યસાધારણ મહત્વ છે. મકર અને કુંભ શનિ ગ્રહની રાશિઓ છે. શનિ તુલા રાશિમાં ઉચ્‍ચ થાય છે. જ્‍યોતિષ શાસ્‍ત્રએ ગ્રહોની ઉચ્‍ચ અને નીચ રાશિઓ નક્કી કરી આપી છે. ‘ગ્રહ જ્‍યારે ઉચ્‍ચ રાશિમાં હોય છે ત્‍યારે તે જે બાબતોનો કારક છે અને કુંડલીમાંના જે સ્થાનોનો સ્‍વામી છે, તે સંબંધમાં શુભ ફળદાયી પુરવાર થાય છે’, આ નિયમ છે. આ ગ્રહ વાયુતત્વનો બનેલો છે અને માનવીને આસક્તિથી વિરક્તિ ભણી દોરી જાય છે. માનવી જીવનમાંના માન, અપમાન, ઉપેક્ષા ઇત્‍યાદિમાંથી આ ગ્રહ પરમાર્થ ભણી વાળે છે. આ પૂર્વસુકૃત દર્શાવનારો અને મોક્ષનો માર્ગ બતાવનારો ગ્રહ છે.

૩ આ. શનિ ગ્રહ અનુભવ દ્વારા
શિક્ષણ પ્રદાન કરનારો અને અવિચારોથી
કરેલા કર્મોનાં ફળો સાડાસાતીમાં મળતાં હોવાનું દેખાવું

જ્‍યોતિષ શાસ્‍ત્ર અનુસાર પ્રત્‍યેક ગ્રહના શુભ (ગુણ) અને અશુભ (દોષ) આ રીતે બે પાસાં હોય છે. કોઈપણ ગ્રહ કેવળ અશુભ જ અથવા કેવળ શુભ જ હોતો નથી. આ નિયમ પ્રમાણે શનિ ગ્રહનાં પણ બે પાસાં છે; પણ શનિ ગ્રહનું કેવળ એકજ પાસું ધ્‍યાનમાં લેવામાં આવે છે; તેથી જ લોકોના મનમાં શનિ ગ્રહ વિશે ડર નિર્માણ થાય છે. શનિ ગ્રહ ગર્વ, અહંકાર, પૂર્વગ્રહને દૂર કરીને માણસમાં રહેલી માણસાઈ શીખવે છે અને અંતરંગમાંના ઉચ્‍ચ ગુણોની ઓળખાણ કરાવી આપે છે. શનિ પોતે અનુભવ દ્વારા શિક્ષણ પ્રદાન કરનારો શિક્ષક છે. જે શિસ્‍તબદ્ધ, વિનયશીલ અને નમ્ર છે, તેમને શનિ ઉચ્‍ચ પદ પર પહોંચાડે છે, જ્‍યારે જે અહંકારી, ગર્વિષ્‍ઠ અને સ્‍વાર્થી છે, તેમને શનિ ત્રાસ આપે છે.

આવા ખરાબ સમયમાં જ માનવીની યોગ્‍ય પારખ થાય છે. આ કાળમાં વ્‍યક્તિને સ્‍વકીય-પરકીયનું ભાન થાય છે. પોતાના ગુણ-દોષ ધ્‍યાનમાં આવે છે, ગર્વહરણ થાય છે અને અહંકાર ઓગળી જાય છે. માણસાઈનું ભાન થાય છે. ‘એક માનવી તરીકે કેવી રીતે જીવવું ?’, તેનું જ્ઞાન થાય છે. અવિચારોથી કરેલાં કર્મોનાં ફળો સાડાસાતીમાં મળતાં હોવાનું દેખાય છે.

 

૪. શનિ ગ્રહ સાથે સંબંધિત કરવાની સાધના

૪ અ. શનિના પીડાપરિહારક દાન
સુવર્ણ, લોખંડ, નીલમણિ, અડદ, ભેંસ,
તેલ, કાળો ધાબળો, કાળાં અથવા વાદળી ફૂલો.

૪ આ. જપસંખ્‍યા

ત્રેવીસ સહસ્ર

૪ ઇ. પૂજા

પૂજા માટે શનિદેવની લોઢાની પ્રતિમાનો ઉપયોગ કરવો.

૪ ઈ. શનિપુરાણ (પૌરાણિક) મંત્ર

नीलांजनं समाभासं रविपुत्रं यमाग्रजम् ।

छायामार्तंड संभूतं तं नमामि शनैश्‍चरम् ॥

– નવગ્રહસ્‍તોત્ર, શ્‍લોક ૭

અર્થ

શનિદેવ નીલ અંજન જેવા લાગે છે. તે ભગવાન સૂર્યનારાયણના પુત્ર છે અને સાક્ષાત યમદેવના મોટાભાઈ છે. દેવી છાયા અને ભગવાન સૂર્યના પુત્ર શનિદેવને હું નમસ્‍કાર કરું છું.

૪ ઉ. લોખંડની શનિની પ્રતિમાનું પૂજન અને દાનનો સંકલ્‍પ

‘मम जन्मराशे: सकाशात् अनिष्टस्थानस्थितशने: पीडापरिहारार्थम् एकादशस्थानवत् शुभफलप्राप्त्यर्थं लोहप्रतिमायां  तत्प्रीतिकरं (अमुक) (નોંધ) दानं च करिष्ये ।

અર્થ

હું મારી જન્‍મકુંડલીમાં અનિષ્‍ટ સ્‍થાન પર રહેલા શનિની પીડા દૂર થાય અને તે અગિયારમા સ્‍થાનમાં હોય એ પ્રમાણે શુભ ફળ આપનારો થાય’, તે માટે લોઢાની શનિમૂર્તિની પૂજા અને ‘શનિદેવ પ્રસન્‍ન થાય’, એ માટે ‘અમુક’ વસ્‍તુનું દાન કરું છું.

નોંધ

‘અમુક’ આ શબ્‍દના સ્‍થાન પર જે વસ્‍તુનું દાન કરવાનું હોય, તે વસ્‍તુનું નામ લેવું.

ધ્‍યાન

अहो सौराष्ट्रसञ्जात छायापुत्र चतुर्भुज । कृष्णवर्णार्कगोत्रीय बाणहस्त धनुर्धर ॥
त्रिशूलिश्‍च समागच्छ वरदो गृध्रवाहन । प्रजापते तु संपूज्य: सरोजे पश्‍चिमे दले ॥

અર્થ

શનિદેવે સૌરાષ્‍ટ્રમાં અવતાર લીધો. તે સૂર્ય અને છાયાદેવીના પુત્ર છે. તેમને ચાર હાથ છે. તેમનો રંગ કાળો છે. તેમના એક હાથમાં ધનુષ્‍ય, એક હાથમાં બાણ અને એક હાથમાં ત્રિશૂળ છે. ચોથો હાથ વરદાન આપનારો છે. ‘ગીધ’ તેમનું વાહન છે. તે સર્વ પ્રજાના પાલનકર્તા છે. નવગ્રહોના કમળમાં તેમની સ્‍થાપના પાછળની પાંખડીના ઠામે કરવામાં આવે છે. આવા આ શનિદેવની આરાધના કરવી.

૪ ઊ. દાનનો શ્‍લોક

शनैश्‍चरप्रीतिकरं दानं पीडानिवारकम् । सर्वापत्तिविनाशाय द्विजाग्य्राय ददाम्यहम् ॥

અર્થ

શનિદેવને પ્રિય એવું દાન આપ્‍યા પછી પીડા અને સર્વ આપત્તિઓનું નિવારણ થાય છે. એવું આ દાન હું શ્રેષ્‍ઠ એવા બ્રાહ્મણને આપું છું.

૪ એ. શનિસ્તોત્ર

कोणस्‍थः पिङ्‍गलो बभ्रुः कृष्‍णो रौद्रोऽन्‍तको यमः ।

सौरिः शनैश्‍चरो मन्‍दः पिप्‍पलादेन संस्‍तुतः ॥

एतानि दश नामानि प्रातरुत्‍थाय यः पठेत् ।

शनैश्‍वरकृता पीडा न कदाचित् भविष्‍यति ॥

पिप्‍पलाद उवाच ।

नमस्‍ते कोणसंस्‍थाय पिङ्‍गलाय नमोऽस्‍तुते ।

नमस्‍ते बभ्रुरूपाय कृष्‍णाय च नमोऽस्‍तुते ॥१॥

नमस्‍ते रौद्रदेहाय नमस्‍ते चान्‍तकाय च ।

नमस्‍ते यमसंज्ञाय नमस्‍ते सौरये विभो ॥२॥

नमस्‍ते मन्‍दसंज्ञाय शनैश्‍चर नमोऽस्‍तुते ।

प्रसादं कुरु देवेश दीनस्‍य प्रणतस्‍य च ॥३॥

અર્થ

કોણસ્‍થ, પિંગલ, બભ્રુ, કૃષ્‍ણ, રૌદ્ર, અંતક, યમ, સૌરિ, શનૈશ્‍ચર અને મંદ આ દસ નામોથી પિપ્‍પલાદ ઋષિએ શનિદેવની સ્‍તુતિ કરી. આ દસ નામો સવારે ઊઠીને જે કોઈ બોલશે, તેને ક્યારે પણ શનિગ્રહની પીડા થશે નહીં.

પિપ્‍પલાદ ઋષિ કહે છે, ‘‘હે ખૂણામાં રહેનારા કોણસ્‍થ, હે પિંગલા, હે બભ્રુ, હે કૃષ્‍ણ, હે રૌદ્રદેહ, હે અંતક, હે યમ, હે સૌરી, હે વિભો, હે મંદ, હે શનિદેવ, હું તમને નમસ્‍કાર કરું છું. હું દીન તમારી શરણે આવ્‍યો છું. તમે મારા પર પ્રસન્‍ન થાઓ.’’

આ સ્‍તોત્રનું નિત્‍ય સવારે પઠણ કરવું.

 

૫. જેમને સાડાસાતી હોય તેમણે કરવાના ઉપાય

અ. જેમને સાડાસાતી છે, તેમણે પ્રતિદિન શનિસ્‍તોત્ર બોલવું.

આ. શનિની સાડાસાતી પ્રિત્‍યર્થે જપ, દાન અને પૂજા અવશ્‍ય કરવી.

ઇ. પીડાપરિહારાર્થે શનિવારે અભ્‍યંગ સ્‍નાન કરીને નિત્‍ય શનિસ્‍તોત્રનું પઠણ કરવું.

ઈ. શનિવારે શનિદેવના દર્શન કરીને અડદ અને મીઠું શનિદેવને અર્પણ કરવું, તેમજ તેલાભિષેક કરવો. કાળાં ફૂલો ચડાવવાથી પીડાનો પરિહાર (ઉપાય) થશે. તે ફૂલો ન મળે તો વાદળી રંગનાં, ઉદા. ગોકર્ણ, કૃષ્‍ણકમળ, અસ્‍ટર ઇત્‍યાદિ ફૂલો ચડાવવાં.

ઉ. બને ત્‍યાં સુધી સાંજ સુધી ઉપોષણ કરવું. ઓછામાં ઓછું એકભુક્ત રહેવું.

ઊ. નીલમણિની વીંટી ધારણ કરવી

(સંદર્ભ : દાતે પંચાંગ)

 

૬. વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહનું મહત્વ

ભારતીય વાસ્‍તુશાસ્‍ત્રને ૧૮ મહર્ષિઓની પરંપરાનો લાભ થયો છે. ઋગ્‍વેદ, અથર્વવેદ, મત્‍સ્‍યપુરાણ, અગ્‍નિપુરાણ, માનસારમ્, સમરાંગણ સૂત્રધાર, અપરાજિત પૃચ્‍છાઃ, મનુષ્‍યાલય ચંદ્રિકા ઇત્‍યાદિ ગ્રંથોમાં વાસ્‍તુશાસ્‍ત્રનું વિગતવાર વિવેચન છે. આપણી વાસ્‍તુનો પ્રભાવ આપણા શરીર અને મન પર પડતો હોય છે. ભારતીય વાસ્‍તુશાસ્‍ત્રએ પ્રકાશ, હવા, બાંધકામ પાકું હોવું, સૌંદર્ય, આરોગ્‍ય અને ભૌતિક સુખ-સમૃદ્ધિનો વિચાર કર્યો છે. પ્રત્‍યેક દિશાનાં તત્વો શારીરિક અને માનસિક આરોગ્‍ય પર પરિણામ પાડે છે. વાસ્‍તુશાસ્‍ત્ર દિશા અને ઊર્જાનું શાસ્‍ત્ર છે.

વાસ્‍તુશાસ્‍ત્રમાં પ્રત્‍યેક વસ્‍તુ અને ઓરડાની દિશા નક્કી જ હોય છે. વાસ્‍તુપુરુષ મંડલમાં જે દેવતાઓનાં સ્‍થાનો છે, તે સ્‍થાનો સાથે તે તે દેવતાસ્‍વરૂપ રહેલી ઊર્જાનો વિચાર કરવો પડે છે. દસ દિશાઓમાંની પશ્‍ચિમ દિશાનો સ્‍વામી ‘શનિ’ ગ્રહ છે.

 

૭. વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર શનિ ગ્રહ
સાથે સંબંધિત પશ્‍ચિમ દિશામાં શું હોવું જોઈએ ?

અ. વાસ્‍તુશાસ્‍ત્ર અનુસાર પશ્‍ચિમ દિશા ઊંચી હોવી જોઈએ; કારણકે પશ્‍ચિમ દિશાથી ઋણભારિત (નિગેટીવ) અશુભ કિરણો આવે છે. પશ્‍ચિમ દિશા ઊંચે અને પૂર્વ દિશામાં ઢાળ હોય, તો પૂર્વ દિશાથી આવનારા શુભ કિરણોની પ્રભુતા વધે છે અને વાસ્‍તુમાં વર્ષો સુધી ટકે છે.

આ. વાસ્‍તુનું બાંધકામ કરતી વેળાએ પશ્‍ચિમ અને દક્ષિણ દિશાઓની કંપાઉંડ ભીંત પહેલા બાંધી લેવાથી વાસ્‍તુના બાંધકામમાં મોડું થતું નથી.

ઇ. કંપાઉંડ ભીંત બાંધતી વેળાએ મેન ગેટ (પ્રાંગણ પ્રવેશ) જો પશ્‍ચિમ દિશામાં હોય, તો પશ્‍ચિમના ચોથા ‘પુષ્‍પદંત પદમાં અને પાંચમા ‘વરુણ’પદમાં (પદ એટલે ખાનું અથવા ભાગ) હોવું અત્‍યંત લાભદાયક પુરવાર થાય છે.

ઈ. પશ્‍ચિમ દિશામાં આવશ્‍યક એટલી જ બારીઓ હોવી અને તે આકારમાં નાની હોવી.

ઉ. ‘જમવાનું પટલ (ભોજનગૃહ) પશ્‍ચિમ દિશામાં હોય તો ઉત્તમ !’, એવું મયમતમ્‍કાર કહે છે.

ઊ. પાણીની ઉપરની ટાંકી (ઓવરહેડ વૉટર ટૅંક) જો પશ્‍ચિમ દિશામાં લેવી પડતી હોય, તો પશ્‍ચિમ દિશામાં વચ્‍ચોવચ્‍ચ ‘વરુણ’ પદમાં લઈએ, તો ચાલે.

એ. ઘરમાંનું ફર્નિચર અને લૉફ્‍ટ (મેડો) પશ્‍ચિમ અથવા દક્ષિણ ભીંતે હોવા.

ઐ. પશ્‍ચિમ દિશામાં અશ્‍વત્‍થ (પીપળો) વૃક્ષ હોવું ફળદાયી છે.

 

૮. પશ્‍ચિમ દિશામાં શયન

પશ્‍ચિમ દિશાનો સ્‍વામી વાયુતત્વનો કારક શનિ ગ્રહ હોવાથી ‘નિરાશા (ડિપ્રેશન) થવી, નાના નાના સંકટોનું મન પર પરિણામ થવું, નિરંતર વિચાર પલટાવવા, સ્‍થિરતા ન રહેવી’, આ સર્વેનું પરિણામ પતિ-પત્નીના આપસમાંના સંબંધો પર થઈને વૈવાહિક જીવનમાં અડચણો આવી શકે છે.

‘આપણી વાસ્‍તુમાં નૈસર્ગિક ઊર્જાનો વધારેમાં વધારે ઉપયોગ થાય’, આ ભારતીય વાસ્‍તુશાસ્‍ત્રનો મુખ્‍ય હેતુ છે. દિશાઓનો વિચાર ન કરવાથી વાસ્‍તુમાં અનારોગ્‍ય આવે છે અને તેમાંથી જ ભૌતિક અસમૃદ્ધિ, અપયશ, સંબંધોમાં તિરાડ પડે છે. વાસ્‍તુસુખ મળવા માટે વાસ્‍તુમાં નિયમિત પૂજા અને ધાર્મિક વિધિઓ કરવા. વડીલોનું માન જાળવવું. પ્રત્‍યેકે સદ્‌ગુણો પંડમાં લાવવાનો પ્રયત્ન કરવો. ‘આપણું ઘર એ એક મંદિર છે અથવા આપણા ગુરુદેવનો આશ્રમ છે’, આ ભાવથી અહંવિરહિત રહેવાથી વાસ્‍તુમાં નક્કી જ આનંદ અને શાંતિ જણાશે.’

– સૌ. પ્રાજક્તા જોશી, જ્‍યોતિષ ફળ વિશારદ, વાસ્‍તુ વિશારદ, અંક જ્‍યોતિષ વિશારદ, રત્નશાસ્‍ત્ર વિશારદ, અષ્‍ટવર્ગ વિશારદ, સર્ટિફાઇડ ડાઊસર, રમલ પંડિત, હસ્‍તાક્ષર મનોવિશ્‍લેષણશાસ્‍ત્ર વિશારદ, મહર્ષિ અધ્‍યાત્‍મ વિશ્‍વવિદ્યાલય, રામનાથી, ફોંડા, ગોવા. (૨.૧૦.૨૦૨૦)

Leave a Comment