રાજસ્થાનના સવાઈ માધોપૂર સ્થિત સ્વયંભૂ ત્રિનેત્ર શ્રી ગણેશજી !
ત્રિનેત્ર ગણેશજીનું સ્થાન મહાત્મ્ય
રાજસ્થાનના સવાઈ માધોપૂર ખાતે રણથંભોર કિલ્લામાં એક સ્વયંભૂ ગણપતિનું મંદિર છે. સમુદ્રની સપાટીથી ૨ સહસ્ર ફૂટ ઊંચાઈ પર આવેલા રણથંભોરના જંગલમાં એક પહાડની કિનારમાંથી આ સ્વયંભૂ ત્રિનેત્ર ગણપતિજી પ્રગટ થયા છે. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણજીના સમયમાં આ ત્રિનેત્ર ગણેશજી પ્રથમ પ્રગટ થયા હોવાનું ત્યાંના પુરોહિત કહે છે. ત્રિનેત્ર ગણપતિજીનું આ પહેલું મંદિર છે. પંચક્રોશીના ભક્તો કોઈપણ કાર્યનું પહેલું આમંત્રણ શ્રી ગણેશજીને આપે છે. એમ કહેવામાં આવે છે કે, ભગવાન શ્રીકૃષ્ણએ તેમના વિવાહનું પહેલું આમંત્રણ આ જ ગણેશજીને જ આપ્યું હતું. ત્યાર પછી જ વિવાહ ઇત્યાદિ મંગળ કાર્યોમાં શ્રી ગણેશજીને આમંત્રણ આપવાની પરંપરા ચાલુ થઈ.
ત્રિનેત્ર ગણેશજીની કૃપાથી હમીર રાજા પર મુસલમાન
રાજા અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણનું આવેલું સંકટ ટળી જવું
લગભગ ૭૦૦ વર્ષો પહેલાં હમીર નામનો રાજા થઈ ગયો. તેના પર મુસલમાન રાજા અલ્લાઉદ્દીન ખિલજીએ લાખોની સંખ્યામાં લશ્કર લઈ આવીને આક્રમણ કર્યું. હમીર રાજા શ્રી ગણેશજીનો પરમ ભક્ત હતો. તેણે ગણેશજીને જ પ્રાર્થના કરી અને કહ્યું કે, હવે તુંજ મારો આમાંથી બચાવ કર. આ પ્રાર્થના થયા પછી આ ત્રિનેત્ર ગણેશજીએ એવો તો ચમત્કાર કર્યો કે, એકાએક અલ્લાઉદ્દીન ખિલજી આગળ વધવાને બદલે, લાખોની સંખ્યા વાળી ફોજ લઈને આવ્યો તેવો પાછો ફરી ગયો.
અલ્લાઉદ્દીન ખિલજીએ જ્યારે આ મંદિર તોડવાનો પ્રયત્ન કયા ત્યારે તે માટે તેણે હાથી મગાવ્યા. પહેલો હાથી આવ્યો, તે નીચે બેસી ગયો. બીજો અને ત્રીજો પણ નીચે બેસી ગયા. ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે, અહીં એક મહાન શક્તિનો વાસ છે. તે ગણેશજીની શરણ ગયો અને તેણે આ મંદિરનું ગર્ભગૃહ સુશોભિત કર્યું. તેણે આનું નામ ગણેશ-પીર એમ પાડ્યું હતું. ત્યારથી આ દેવાલયમાં મુસલમાન લોકો શ્રીગણેશજીના દર્શન લેવા માટે આવે છે. તે તેમના પરિવારના વિવાહ ઇત્યાદિનું પ્રથમ નિમંત્રણ ભગવાનને આપે છે. ત્યાં મુસલમાનોની પરંપરા અનુસાર કાચથી સુશોભિત કરેલી ભીંતો અને ઘુમટો આજે પણ જોવા મળે છે.
રણથંભોરના આ કિલ્લા પર ગુપ્ત ગંગાનું પણ સ્થાન છે.
શ્રી ગણેશજીની મુર્તિ પૂર્ણ નથી પણ પહાડમાંથી બહાર આવેલા હિસ્સામાં શ્રી ગણેશજીના કેવળ મુખ અને સૂંઢનો ભાગ આપણને દેખાય છે. શ્રી ગણેશજીની બન્ને બાજુએ તેમના પુત્ર શુભ-લાભ અને તેમની નિકટ પત્ની ઋદ્ધિ-સિદ્ધિ છે. આમ એ ગણેશ પંચાયતન છે. ત્રિનેત્રી ગણેશજીનું ત્રીજું નેત્ર એટલે બુદ્ધિ હોવાનું ત્યાંના પુરોહિતોએ કહ્યું. શ્રી ગણેશજીની સામે શ્રી વિષ્ણુની મૂર્તિ છે.