અનુક્રમણિકા
- ૧. એક ઉદ્ધ્વસ્ત અને દુર્લક્ષિત તીર્થક્ષેત્ર !
- ૨. ધનુષકોડી ખાતેનું મીઠું પાણી, જે એક નૈસર્ગિક આશ્ચર્ય !
- ૩. ધનુષકોડીનો ભૂગોળ
- ૪. રામેશ્વરમ્ અને ધનુષકોડીનું ધાર્મિક માહાત્મ્ય !
- ૫. ધનુષકોડીનો ઇતિહાસ અને રામસેતુની પ્રાચીનતા
- ૬. ધનુષકોડી અને રામભક્ત વિભીષણ
- ૭. રામસેતુનો વિધ્વંસ કરનારી સેતુસમુદ્રમ્ પરિયોજના (પ્રોજેક્ટ) !
- ૮. ધનુષકોડી વર્ષ ૧૯૬૪ પહેલાં મોટું નગર હતું !
- ૯. ધનુષકોડીનો વિધ્વંસ કરનારું વર્ષ ૧૯૬૪નું ચક્રીય વાવાઝોડું
- ૧૦. ચક્રીય વાવાઝોડામાં રેલ્વેનો પુલ અને રેલ્વે ગાડી નષ્ટ !
- ૧૧. પ્રચંડ ગતિથી વહેનારું પાણી રામેશ્વરમ્ના મંદિર પાસે આવીને થોભી ગયું !
- ૧૨. કેવળ એક વ્યક્તિ બચી ગઈ !
- ૧૩. શાસનતંત્ર દ્વારા ધનુષકોડી એ ‘ભૂતનું શહેર’ તરીકે જાહેર !
- ૧૪. રેતી અને વાસ્તુઓના ભગ્ન અવશેષોનું નગર !
- ૧૫. ધનુષકોડીના વિકાસ ભણી દુર્લક્ષ !
- ૧૬. અયોગ્ય શાસનતંત્રની નીતિને કારણે રામસેતુના દર્શન દુર્લભ !
- ૧૭. શ્રીલંકા સાથેનો સંપર્ક તૂટી ગયો !
- ૧૮. ભક્તોની કસોટી કરનારો એવો રામેશ્વરમ્થી ધનુષકોડી (સુધીનો) માર્ગ વિનાનો પ્રવાસ !
- ૧૯. તીર્થક્ષેત્રોનો સાચો વિકાસ હિંદુ રાષ્ટ્રમાં જ થશે !
૧. એક ઉદ્ધ્વસ્ત અને દુર્લક્ષિત તીર્થક્ષેત્ર !

ભારતના દક્ષિણ-પૂર્વ પરના બીજા છેડે આવેલું હિંદુઓનું એક પવિત્ર તીર્થક્ષેત્ર એટલે ધનુષકોડી ! આ સ્થાન પવિત્ર રામસેતુનું ઉગમસ્થાન છે. ગત ૫૦ વર્ષોથી હિંદુઓના આ પવિત્ર તીર્થસ્થાનની સ્થિતિ એક ઉદ્ધ્વસ્ત નગર જેવી થઈ છે. ૨૨ ડિસેમ્બર ૧૯૬૪ના દિવસે આ નગરને એક ચક્રીય વાવાઝોડાએ ઉદ્ધ્વસ્ત કર્યું. ત્યાર પછી ગત ૫૦ વર્ષોમાં આ તીર્થક્ષેત્રનો પુનરુદ્ધાર કરવાની વાત તો બાજુએ રહી; પણ શાસનતંત્રએ આ નગરને ‘ભૂતનું નગર’(Ghost Town) તરીકે ઘોષિત કરીને તેની સાથે પ્રતારણા (છેતરપિંડી) કરી. આજે આ ઘટનાને ૫૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. એ નિમિત્તે બંગાળ, આસામ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુ આ રાજ્યોમાંના હિંદુત્વવાદી સંગઠનોના નેતાઓનું એક અભ્યાસી જૂથ ધનુષકોડી પહોંચ્યું. આ જૂથ દ્વારા ઉગાડું પાડેલું ધનુષકોડી વિશેનું ભયંકર વાસ્તવ આ લેખ દ્વારા પ્રસ્તુત કરી રહ્યા છીએ.
૨. ધનુષકોડી ખાતેનું મીઠું પાણી, જે એક નૈસર્ગિક આશ્ચર્ય !
ધનુષકોડીની દક્ષિણ દિશામાં આવેલો હિંદી મહાસાગર આસમાની રંગનો દેખાય છે, તો ઉત્તર દિશામાં બંગાળનો ઉપસાગર મલિન કાળા રંગનો દેખાય છે. આ બંને સાગર વચ્ચે રહેલું અંતર ૧ કિલોમીટર જેટલું પણ નથી. બન્ને દરિયાનું પાણી ખારું છે. એમ હોવા છતાં પણ, જો ધનુષકોડી ખાતે ૩ ફૂટ સુધી ઊંડો ખાડો ખોદવામાં આવે, તો ત્યાં મીઠું પાણી મળે છે, શું આ નિસર્ગએ કરેલો ચમત્કાર નથી ?

૩. ધનુષકોડીનો ભૂગોળ
તામિલનાડુ રાજ્યના પૂર્વ કિનારે રામેશ્વરમ્ નામનું તીર્થક્ષેત્ર છે. રામેશ્વરમ્ની દક્ષિણ બાજુએ ૧૧ કિ.મી.ના અંતરે ધનુષકોડી નામનું નગર આવેલું છે. અહીંથી શ્રીલંકા કેવળ ૧૮ માઈલ (આશરે ૩૦ કિ.મી.) દૂર છે ! બંગાળનો ઉપસાગર (મહોદધિ) અને હિંદી મહાસાગર (રત્નાકર)ના પવિત્ર સંગમ પર વસેલું અને કેવળ ૫૦ ગજ (આશરે ૧૫૦ ફૂટ) પહોળું એવું ધનુષકોડી એ રેતીથી વ્યાપેલું સ્થાન છે.
૪. રામેશ્વરમ્ અને ધનુષકોડીનું ધાર્મિક માહાત્મ્ય !

ઉત્તર ભારતમાં જે કાશીનું ધાર્મિક મહત્ત્વ છે, એ જ મહત્ત્વ દક્ષિણ ભારતમાં રામેશ્વરમ્ને છે. રામેશ્વરમ્ એ હિંદુઓના પવિત્ર ચારધામ યાત્રાઓમાંથી એક ધામ પણ છે. પુરાણોના ધર્મગ્રંથો અનુસાર કાશીના શ્રી વિશ્વેશ્વરની યાત્રા એ રામેશ્વરમ્ના શ્રી રામેશ્વરના દર્શન કર્યા વિના પૂર્ણ થતી નથી. કાશીની તીર્થયાત્રા બંગાળના ઉપસાગર (મહોદધિ) અને હિંદી મહાસાગર (રત્નાકર)ના સંગમ પર આવેલા ધનુષકોડી ખાતે સ્નાન કર્યા પછી અને ત્યાર પછી કાશીના ગંગાજળથી રામેશ્વરને અભિષેક કર્યા પછી જ પૂર્ણ થાય છે.

૫. ધનુષકોડીનો ઇતિહાસ અને રામસેતુની પ્રાચીનતા
રામસેતુના આ ભણીના (ભારત ભણીના) ભાગને ધનુષકોડી (‘કોડી’ એટલે ધનુષ્યની ટોચ) એમ કહે છે; કારણકે સાડાસત્તર લાખ વર્ષો પહેલાં રાવણની લંકામાં (શ્રીલંકામાં) પ્રવેશ કરવા માટે શ્રીરામે તેમના ‘કોદંડ’ ધનુષ્યની ટોચ વડે સેતુ બાંધવા માટે આ સ્થાન નિશ્ચિત કર્યું. એક હરોળમાં મોટા પથ્થર ધરાવતાં ટાપુઓની શૃંખલા રામસેતુના ભગ્ન અવશેષોના સ્વરૂપમાં આજે પણ આપણને જોવા મળે છે.
રામસેતુ એ નલ અને નીલના વાસ્તુશાસ્ત્રનો એક અદ્ભુત નમૂનો છે. આ રામસેતુની પહોળાઈ અને લંબાઈનું પ્રમાણ ૧:૧૦ (એક દીઠ દસ) છે, એવું સવિસ્તર વર્ણન વાલ્મીકિ રામાયણમાં છે. પ્રત્યક્ષ માપણી કર્યા પછી પણ તેની પહોળાઈ ૩.૫ કિ.મી. જેટલી છે અને લંબાઈ ૩૫ કિ.મી. જેટલી છે. આ સેતુના નિર્માણકાર્યની વેળાએ નાનકડી ખિસકોલીએ ઉપાડી લીધેલા ફાળાની કથા અને પાણીમાં તરતાં રહેલા ત્યાંના પથ્થર ઇત્યાદિ વાર્તાઓ અમારી હિંદુઓની પેઢી દર પેઢીને જ્ઞાત છે.
૬. ધનુષકોડી અને રામભક્ત વિભીષણ
શ્રીરામ-રાવણના મહાયુદ્ધ અગાઉ ધનુષકોડી નગરમાં જ રાવણનો ભાઈ વિભીષણ પ્રભુ રામચંદ્રના શરણે આવ્યો હતો. શ્રીલંકામાંના યુદ્ધની સમાપ્તિ પછી પ્રભુ રામચંદ્રએ આ જ નગરમાં વિભીષણનો શ્રીલંકાના સમ્રાટ તરીકે રાજ્યાભિષેક કર્યો. એ જ સમયે લંકાધિપતિ વિભીષણે પ્રભુ રામચંદ્રને કહ્યું, કે ભારતના શુર અને પરાક્રમી રાજાઓ રામસેતુનો ઉપયોગ કરીને વારંવાર શ્રીલંકા પર આક્રમણો કરશે અને શ્રીલંકાનું સ્વાતંત્ર્ય નષ્ટ કરશે. તેથી પ્રભુ આ સેતુ નષ્ટ કરશો. પોતાના ભક્તની પ્રાર્થના સાંભળીને કોદંડધારી પ્રભુ રામચંદ્રએ રામસેતુ પર બાણ છોડીને તે સેતુ પાણીમાં ડૂબાડી દીધો. તેથી આ સેતુ પાણીના ૨-૩ ફૂટ નીચે ગયો છે. આજે પણ રામસેતુ પર જો કોઈ ઉભો રહે તો તેના કમર સુધી પાણી હોય છે.
૭. રામસેતુનો વિધ્વંસ કરનારી સેતુસમુદ્રમ્ પરિયોજના (પ્રોજેક્ટ) !
કેંદ્ર ખાતેના હિંદુદ્વેષી કોંગ્રેસ શાસનતંત્રે વ્યાવસાયિક લાભ ધ્યાનમાં રાખીને ‘સેતુસમુદ્રમ શિપિંગ કૅનૉલ’ નામની પરિયોજના દ્વારા આ પ્રાચીન કાળનો આ સેતુ ઉદ્ધ્વસ્ત કરવાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ પરિયોજના એટલે હિંદુઓની શ્રદ્ધા પર જ પ્રહાર હતો. આશરે ૨૪ ટકા જેટલો રામસેતુનો વિધ્વંસ થયા પછી સર્વોચ્ચ ન્યાયાલયે આ પરિયોજના સ્થગિત કરી. ત્યાં સુધીમાં નક્કર એવા રામસેતુનો એક ચતુર્થાંશ ભાગ ‘ડ્રીલ’ કરવામાં આવ્યો હતો. તેથી આ સેતુના મોટા પથ્થર ચૂરેચૂરો થઈ ગયા. આજે પણ આ પથ્થરોના અવશેષો હિંદી મહાસાગર અને બંગાળના ઉપસાગરમાં પાણી પર તરી રહ્યા હોવાનું દેખાઈ આવે છે. માછીમારનો વ્યવસાય કરનારાંની જાળમાં ઘણીવાર આ તરતા રહેનારા પથ્થર આવી જાય છે. કેટલાક લોકો ધનુષકોડી અથવા રામેશ્વરમ્ ખાતે તે પથ્થરોનું વેચાણ કરતા હોવાનું દેખાય છે. આવી રીતે ઐતિહાસિક અને ધાર્મિક આસ્થા સાથે સંબંધિત વાસ્તુનો વિધ્વંસ કરનારાં કૉંગ્રેસવાળા અખિલ માનવજાતિના જ નહીં, પણ ઇતિહાસના પણ ગુનેગાર છે. તેમનો અપરાધ ક્ષમ્ય નથી !
૮. ધનુષકોડી વર્ષ ૧૯૬૪ પહેલાં મોટું નગર હતું !
બ્રિટિશરોના સમયગાળામાં ધનુષકોડી એ એક મોટું નગર હતું, જ્યારે રામેશ્વરમ્ એક નાનું ગામ હતું. અહીંથી શ્રીલંકા ખાતે અવરજવર કરવા માટે હોડીઓની સગવડ હતી. તે સમયે શ્રીલંકા જવા માટે પાસપોર્ટની આવશ્યકતા નહોતી. ધનુષકોડીથી થલાઈમન્નાર (શ્રીલંકા) એ હોડીના પ્રવાસની ટિકિટ કેવળ ૧૮ રૂપિયા હતી. એ હોડી દ્વારા વેપારી વસ્તુઓની લેવડદેવડ થતી હતી. વર્ષ ૧૮૯૩માં અમેરિકામાં ધર્મસંસદ માટે ગયેલા સ્વામી વિવેકાનંદ વર્ષ ૧૮૯૭માં શ્રીલંકા માર્ગે ભારતમાં આવ્યા, ત્યારે તેઓ ધનુષકોડીની ભૂમિ પર ઉતર્યા હતા. વર્ષ ૧૯૬૪માં ધનુષકોડી એ પ્રખ્યાત પર્યટનસ્થળ અને તીર્થક્ષેત્ર હતું. ભાવિકો માટે અહીં હોટેલ, કપડાંની દુકાનો અને ધર્મશાળાઓ હતી. તે સમયે ધનુષકોડીમાં વહાણ બનાવવાનું કેંદ્ર, રેલવે સ્થાનક (સ્ટેશન), રેલવેની નાની ઇસ્પિતાલ, ટપાલ કાર્યાલય અને મત્સ્યપાલન જેવા કેટલાક શાસનતંત્રના કાર્યાલયો હતા. વર્ષ ૧૯૬૪ના ચક્રીય વાવાઝોડા અગાઉ ચેન્નઈ અને ધનુષકોડી વચ્ચે મદ્રાસ એગ્મોરથી બોટ મેલ નામથી જાણીતી રેલ્વેસેવા હતી. આગળ જતા શ્રીલંકામાં ફેરીબોટ દ્વારા જનારા પ્રવાસીઓ માટે તે ઉપયોગી હતી.
૯. ધનુષકોડીનો વિધ્વંસ કરનારું વર્ષ ૧૯૬૪નું ચક્રીય વાવાઝોડું
૧૯૬૪માં આવેલું ચક્રીય વાવાઝોડું એ ધનુષકોડીનો વિધ્વંસ કરનારું બન્યું. ૧૭ ડિસેમ્બર ૧૯૬૪ના દિવસે દક્ષિણી અંદમાન દરિયામાં ૫ ડિગ્રી પૂર્વ દિશામાં તેનું કેંદ્ર હતું. ૧૯ ડિસેમ્બરના દિવસે તે એક મોટા ચક્રીય વાવાઝોડાના સ્વરૂપમાં વેગીલું બન્યુ. ૨૨ ડિસેમ્બરની રાત્રે તે કલાકના ૨૭૦ કિ.મી. વાયુવેગે શ્રીલંકાને ઓળંગી જઈને તે ધનુષકોડીના કિનારા પર આવીને ત્રાટક્યું. ચક્રીય વાવાઝોડાના સમયે આવેલી ૨૦ ફૂટ ઊંચી લહેરોએ ધનુષકોડી શહેરના પૂર્વ દિશા ભણી આવેલા પવિત્ર સંગમ પરથી શહેર પર આક્રમણ કર્યું અને સંપૂર્ણ ધનુષકોડી શહેર નષ્ટ કર્યું.
ધનુષકોડીના બસ સ્થાનક નજીક વંટોળિયામાં બલિ ચડેલા વ્યક્તિઓનું એક સ્મારક બાંધવામાં આવ્યું છે. તેના પર લખ્યું છે – ‘ઘણા વેગથી વહેનારા પવન સાથે આવેલા તીવ્ર ગતિના ચક્રીય વાવાઝોડામાં ૨૨ ડિસેમ્બર ૧૯૬૪ની રાત્રે પ્રચંડ હાનિ થઈ અને ધનુષકોડી ધ્વસ્ત થયું !’
૧૦. ચક્રીય વાવાઝોડામાં રેલ્વેનો પુલ અને રેલ્વે ગાડી નષ્ટ !
૨૨ ડિસેમ્બરની અતિશય દુર્દૈંવી રાત્રે ૧૧.૫૫ કલાકે ધનુષકોડી રેલ્વે સ્ટેશનમાં પ્રવેશ કરી ચૂકેલી ૬૫૩ ક્રમાંકની ‘પંબન-ધનુષકોડી પેસેંજર’ (તે તેની નિયમિત સેવા માટે પંબનથી ૧૧૦ પ્રવાસીઓ અને ૫ રેલ્વે કર્મચારીઓ સમેત નીકળી હતી) આ પ્રચંડ લહેરોના આક્રમણની ભોગ બની ! તે સમયે તે પેસેંજર ગાડી રેલ્વેસ્થાનકથી થોડા મીટર દૂર હતી. પૂર્ણ ગાડી તેની સાથેના ૧૧૫ પ્રવાસીઓ સમેત તણાઈ ગઈ. પંબનથી ચાલુ થયેલો ધનુષકોડીનો રેલ્વે માર્ગ ૧૯૬૪ના ચક્રીય વાવાઝોડામાં નષ્ટ થઈ ગયો ! ચક્રીય વાવાઝોડા પછી રેલ્વે માર્ગની દુર્દશા થઈ અને થોડા સમયગાળા પછી તે માર્ગ સંપૂર્ણ રીતે રેતી નીચે ઢંકાઈ ગયો !
૧૧. પ્રચંડ ગતિથી વહેનારું પાણી રામેશ્વરમ્ના મંદિર પાસે આવીને થોભી ગયું !
આ ચક્રીય વાવાઝોડું આગળ ખસતું ખસતું રામેશ્વરમ્ સુધી આવ્યું હતું, ત્યારેય પણ ૮ ફૂટ ઊંચાઈ ધરાવતી તેની લહેરો આવતી હતી. આ વિસ્તારના કુલ ૧ સહસ્ત્ર ૮૦૦થી અધિક લોકો આ ચક્રીય વાવાઝોડામાં મૃત્યુ પામ્યા. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે આ આંકડો ૫ સહસ્ત્ર જેટલો હતો. ધનુષકોડીના સર્વ રહેવાસીઓના ઘર અને અન્ય વાસ્તુઓની આ ચક્રીય વાવાઝોડામાં દુર્દશા થવા પામીને તેના કેવળ ભગ્ન અવશેષો રહ્યા. આ ટાપુ પર ૧૦ કિ.મી.ના વેગથી પવન ફૂંકાયો અને સંપૂર્ણ શહેર ઉદ્ધ્વસ્ત થયું; પરંતુ પ્રત્યક્ષમાં જોનારા કહે છે કે, સમુદ્રની લહેરોનું પ્રચંડ વેગથી આવનારું પાણી રામેશ્વરમ્ના મુખ્ય મંદિર પાસે આવીને થોભી ગયું હતું ! વિશેષ એટલે સેંકડો લોકોએ રામેશ્વરમ્ના મંદિરમાં ચક્રીય વાવાઝોડાથી બચી જવા માટે આશરો લીધો હતો !
૧૨. કેવળ એક વ્યક્તિ બચી ગઈ !
વર્ષ ૧૯૬૪ના ચક્રીય વાવાઝોડામાં ધનુષકોડી નગરના સર્વ નાગરિક માર્યા ગયા. કેવળ એકજ વ્યક્તિ આ વાવાઝોડામાં બચી જવા પામી, તેનું નામ કાલિયામન ! આ વ્યક્તિએ સમુદ્રના ચક્રીય વાવાઝોડામાં તરીને પોતાના પ્રાણ બચાવ્યા; તેથી શાસનતંત્રે તેનુ નામ ધનુષકોડીના પાડોશી ગામને આપીને તેનો આદર કર્યો. આ ગામ ‘નિચલ કાલિયામન’ નામથી ઓળખાય છે. નિચલ એટલે તરવૈયો !
૧૩. શાસનતંત્ર દ્વારા ધનુષકોડી એ ‘ભૂતનું શહેર’ તરીકે જાહેર !
આ સંકટ પછી તરતજ તે સમયના મદ્રાસ શાસને આકાશવાણી પરથી ધનુષકોડીને ભૂતનું શહેર (Ghost Town), એમ જાહેર કર્યું, તેમજ નાગરિકોને ત્યાં રહેવા માટે મનાઈ કરી. મનુષ્ય વિહીન નગરોને ભૂતનું શહેર (Ghost Town), એમ સંબોધવામાં આવે છે. હવે કેવળ કેટલાક માછીમાર અને દુકાનદારો વ્યવસાય માટે આખો દિવસ ત્યાં જઈ શકે છે. સંધ્યાકાળે ૭ વાગતાં પહેલાં તેમને ત્યાંથી પાછા ફરવું પડે છે.
૧૪. રેતી અને વાસ્તુઓના ભગ્ન અવશેષોનું નગર !
હવે ધનુષકોડી નગર પર સંપૂર્ણ રીતે (વચ્ચે વચ્ચે દરિયાનું પાણી અને વનસ્પતિ ધરાવતા) રેતીનું સામ્રાજ્ય છે. આકાશમાંથી લીધેલી છબીઓમાંથી આ નગર ભણી જોતા ત્યાં કેવળ રેતી જ દેખાય છે. આ રેતીમાં ઠેકઠેકાણે વાસ્તુઓના ભગ્ન અવશેષો નજરે પડે છે. વહાણ બનાવવાનું કેંદ્ર, રેલ્વે સ્થાનક (સ્ટેશન), ટપાલ કાર્યાલય, રુગ્ણાલય, પોલીસ અને રેલ્વેની વસાહતમાંના નિવાસસ્થાનો, શાળા, મંદિરો, ચર્ચ ઇત્યાદિના અવશેષો અહીં ચોખ્ખી રીતે નજરે પડે છે.
૧૫. ધનુષકોડીના વિકાસ ભણી દુર્લક્ષ !
ધનુષકોડી નગરમાં જતા પહેલાં ભક્તોને ‘સહુ સંગઠિત થઈને જાવ અને સૂર્યાસ્ત પહેલાં પરત આવી જાવ’ એમ કહેવામાં આવે છે; કારણ કે પૂર્ણ ૧૫ કિ.મી.નો રસ્તો માનવી વસ્તીવિહીન અને ડરામણો છે. હાલ લગભગ ૫૦૦ થી અધિક યાત્રિકો પ્રતિદિન ધનુષકોડી ખાતે આવે છે. તહેવાર અને પૂનમના દિવસે અહીં સહસ્ત્રોની સંખ્યામાં યાત્રિકો આવે છે. ધનુષકોડી ખાતે પૂજન-અર્ચન કરવા ઇચ્છનારા ભક્તોને ખાનગી વાહનો કરવા સિવાય બીજો પર્યાય નથી. ખાનગી વાહનોના ચાલકો યાત્રિકો પાસેથી ૫૦ રૂપિયાથી માંડીને ૧૦૦ રૂપિયા સુધી પણ ભાડું લેતા હોય છે. સંપૂર્ણ દેશમાંથી રામેશ્વરમ્ જનારા યાત્રિકોની માગણી અનુસાર વર્ષ ૨૦૦૩માં દક્ષિણ રેલ્વેના મંત્રાલયે રામેશ્વરમ્થી ધનુષકોડી સુધી ૧૬ કિ.મી.નો રેલ્વે માર્ગ નિર્માણ કરવા માટે એક અહેવાલ મોકલ્યો હતો; જોકે અત્યાર સુધી આ પરિયોજના ભણી દુર્લક્ષ સેવવામાં આવ્યું છે.
૧૬. અયોગ્ય શાસનતંત્રની નીતિને કારણે રામસેતુના દર્શન દુર્લભ !
સમગ્ર ભારતમાંથી ભક્તો ધનુષકોડી ખાતે કેવળ પવિત્ર રામસેતુના દર્શન કરવા માટે આવે છે. ધનુષકોડી આવ્યા પછી તેમને જાણ થાય છે કે, રામસેતુનું દર્શન કરવા માટે કસ્ટમની અનુમતિ મેળવવાની આવશ્યકતા હોય છે. એ કસ્ટમનું કાર્યાલય રામેશ્વરમ્ ખાતે આવેલું છે. એક તો ભક્તો રામેશ્વરમ્થી ધનુષકોડી સુધી ડામરનો રસ્તો નહીં હોવાને કારણે રેતીમાંથી ચાલતા અને કેટલીક વાર દરિયાઈ માર્ગે પીડાકારી પ્રવાસ કરીને ધનુષકોડી પહોંચે છે. અહીં આવ્યા પછી તેમને અનુમતિ મેળવવા માટે ફરીથી ૧૮ કિ.મી.દૂર દુર્ગમ પ્રવાસ કરીને રામેશ્વરમ્ પાછા જવું પડવું, એ ભાવિકમનની કુચેષ્ટા છે. શાસન ધનુષકોડી ખાતે કસ્ટમનું કાર્યાલય શા માટે ખોલતું નથી ? તેથી ૯૦ ટકા ભક્તો ધનુષકોડી ખાતે આવીને પણ પવિત્ર રામસેતુના દર્શન કરી શકતા નથી.
૧૭. શ્રીલંકા સાથેનો સંપર્ક તૂટી ગયો !
ભારત-શ્રીલંકા વચ્ચે દરિયાઈ સીમા વિશે વિવાદ નિર્માણ થવાથી ધનુષકોડીથી થલાઈમન્નાર ખાતે અવર-જવર થનારો દરિયાઈ વાહનવ્યવહાર બંધ થયો. તેથી આ વિસ્તારના હિંદુઓનો શ્રીલંકામાંના હિંદુઓ સાથેનો સંપર્ક તૂટી ગયો. તેના અગાઉ પ્રતિદિન સાંજે ૬ કલાકે શ્રીલંકામાંથી ભારતમાં દૂધ આવતું હતું. એ દૂધનો બીજા દિવસે પરોઢિયે રામેશ્વરના શિવલિંગ પર અભિષેક કરવામાં આવતો હતો. આ પરંપરા અનેક વર્ષોની હતી. ભારત-શ્રીલંકા વચ્ચેના દરિયાઈ સીમા વિવાદને કારણે તે નામશેષ થઈ ગઈ. અગાઉ થલાઈમન્નારથી ધનુષકોડી સુધીનો ૩૫ કિ.મી. અંતરનો પ્રવાસ નૌકા દ્વારા કરવા માટે ૨ કલાકનો સમય લાગતો. હવે થલાઈમન્નારથી કોલંબો જવા માટે ૫૦૦ કિ.મી.નું અંતર ૧૦ કલાકનો પ્રવાસ કરીને જવું પડે છે. કોલંબોથી મદુરાઈ જવા માટે વિમાન સેવા છે. વિમાન દ્વારા આ પ્રવાસ કરવા માટે ૧ કલાક લાગે છે. મદુરાઈથી રામેશ્વરમ્નો ૨૦૦ કિ.મી.અંતર ધરાવનારો પ્રવાસ રેલ્વેથી અથવા બસ દ્વારા કરવા માટે સાડા ચાર કલાક લાગે છે.
૧૮. ભક્તોની કસોટી કરનારો એવો રામેશ્વરમ્થી ધનુષકોડી (સુધીનો) માર્ગ વિનાનો પ્રવાસ !

વર્તમાન સ્થિતિમાં રામેશ્વરથી ધનુષકોડી જવું હોય તો, એક તો રેતી અને દરિયામાંથી માર્ગ કરતા જઈને પગપાળા જવું પડે છે અથવા ખાનગી બસગાડીમાંથી ! રામેશ્વરમ્ આવ્યા પછી ધનુષકોડી ખાતે આવીને રામસેતુનું દર્શન કરવાની ભક્તોની ઇચ્છા હોય છે. આ ૧૮ કિ.મી.નું અંતર ધરાવતા પ્રવાસમાં હેમરપુરમ્ સુધી ડામરનો રસ્તો છે. ત્યાંથી આગળનો પ્રવાસ સંપૂર્ણ રીતે દરિયાઈ કિનારા પરની રેતીમાંથી અથવા કેટલીક વાર દરિયાના કિનારા નજીકના પાણીમાંથી વાહન ચલાવીને કરવો પડે છે. આ ૭ કિ.મી.ના અંતર માટે રસ્તો જ બનાવવામાં આવ્યો નથી. ભારતનું આ મુખ્ય તીર્થક્ષેત્ર હોવા છતાં અહીં રસ્તો બનાવવામાં ન આવવો, એ આશ્ચર્યકારક છે. ભક્તોને અહીં આવવાની ઇચ્છા હોય છે. તેઓ અતિશય જોખમ સ્વીકારીને ધનુષકોડી સુધી આવતા હોય છે. મોટેભાગે ભક્તો હેમરપુરમ્ સુધી જ આવે છે. ત્યાંથી આગળ માર્ગ નહીં હોવાથી તેઓ આગળ આવવાનું સાહસ કરતા નથી. જેઓ સાહસિક હોય છે, તેવાં જ ભક્તો ધનુષકોડી સુધી જવાનો પ્રયત્ન કરે છે. રામેશ્વરમ્થી ધનુષકોડી સુધી હજી સુધી માર્ગ કેમ બનાવવામાં આવ્યો નથી, આ પ્રશ્ન અહીં આવનારાં પ્રત્યેક ભક્તના મનમાં આવે છે. હિંદુઓની ધર્મ વિશેની ભાવનાઓને કોઈ જ મહત્ત્વ આપવું નહીં, એ ભારતીય રાજ્યકર્તાઓનું નિધર્મીવાદનું તત્ત્વ અહીં પણ દેખાઈ આવે છે.
કેવળ ધર્મભાવનાની દૃષ્ટિએ જ નહીં, પણ રાષ્ટ્રીય એકતાની દૃષ્ટિએ આ માર્ગ બનાવવાની આવશ્યકતા છે. કાશી જનારા કરોડો હિંદુઓ જાતિ, ભાષા, પ્રાંત ઇત્યાદિ ભેદભાવનો ત્યાગ કરીને રામેશ્વરના દર્શન કરવાની ઝંખના ધરાવતા હોય છે. કેવળ દક્ષિણ ભારતના ભક્તો જ નહીં, તો કાશ્મીર સમેત ઉત્તર ભારત, આસામ સમેત ઈશાન ભારત, બંગાળની સાથે પૂર્વ ભારત, મુંબઈ, ગુજરાત ઇત્યાદિ પશ્ચિમ ભારતના નાગરિકો અહીં દર્શન માટે આવે છે અથવા આવવાની ઇચ્છા ધરાવે છે. ધનુષકોડી એ રાષ્ટ્રીય એકતા સાધ્ય કરનારું નગર છે. તામિલનાડુ શાસનતંત્ર અને કેંદ્રનું શાસનતંત્ર નાનો માર્ગ બનાવીને આ રાષ્ટ્રીય એકતાનો આધાર કેમ દઢ કરતા નથી ?
મહાનગરોમાં મેટ્રો ટ્રેન ચાલું કરવા માટે સહસ્ત્રો કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે; તો પછી કેવળ ૫૦-૬૦ કરોડ રૂપિયાના ખર્ચની આવશ્યકતા ધરાવતો આ રસ્તો કેમ બનાવવામાં આવતો નથી ? કાશ્મીરમાં પુંછથી શ્રીનગર જેવા નગરોમાં મોગલોના સમયગાળામાં માર્ગ બન્યો હતો. એ માર્ગને ઇસ્લામી સંસ્કૃતિની ભેટ તરીકે સંબોધીને તેનો પુનરુદ્ધાર કરવા માટે શાસનતંત્રે કરોડો રૂપિયા ખર્ચ કર્યા; તો પછી ૧૯૬૪ના વર્ષે ઉદ્ધ્વસ્ત થયેલો; પણ હિંદુઓના આસ્થાકેંદ્ર સાથે સંબંધિત રહેલો આ માર્ગ ફરીથી બનાવવામાં શી અડચણ આવે છે ?
૧૯. તીર્થક્ષેત્રોનો સાચો વિકાસ હિંદુ રાષ્ટ્રમાં જ થશે !
ધનુષકોડીની ભીષણ વાસ્તવિકતા પ્રત્યક્ષ નિહાળ્યા પછી સર્વ પક્ષોના રાજ્યકર્તાઓએ ભારતીય તીર્થક્ષેત્રો ભણી કેવું દુર્લક્ષ સેવ્યું છે, એ ધ્યાનમાં આવે છે. કાશીને સ્માર્ટ સિટી બનાવવાની ઘોષણા કરનારાં ભારતના વિકાસ પુરુષો કાશીની યાત્રાને પૂર્ણત્વ પ્રદાન કરનારા ધનુષકોડી નગરને પણ ન્યાય આપશે કે કેમ ?, એ પ્રશ્ન જ છે. હિંદુઓની અસંવેદનશીલતા પણ આ દુર્ગતિનું એક કારણ છે. આપણે હિંદુઓ આવી જ રીતે અસંવેદનશીલ રહ્યા, તો આજે વિકસિત થયેલાં અનેક તીર્થક્ષેત્રોની ભવિષ્યમાંની અવસ્થા ધનુષકોડી જેવી થશે, એ વિશે આપણે સાવચેત થવું જોઈએ. શાસનતંત્ર હિંદુઓના તીર્થક્ષેત્રોનો વિકાસ કરવા માટે, તેમજ ત્યાં ધર્મશાળાઓ, રસ્તાઓ આદિક સુવિધા નિર્માણ કરે તે માટે હિંદુઓએ આગ્રહી માગણી કરવી જોઈએ. હિંદુઓનું હિત સાધનારું ધર્માધિષ્ઠિત હિંદુ રાષ્ટ્ર સ્થાપવું, એ જ તીર્થક્ષેત્રોનો વિકાસ કરવા માટેનો સાચો ઉપાય છે.