અનુક્રમણિકા
ચાનાં દુષ્પરિણામ હોવાથી ઘણાં લોકોને ‘ચા પીવાનું છોડી દેવું જોઈએ’, એમ લાગતું હોય છે; પરંતુ ‘ચા માટે કાંઈક પર્યાય જોઈએ’, એમ પણ લાગતું હોય છે. તેમના માટે ઘરના વાવેતરમાંનાં પાન-ફૂલોમાંથી બની શકે તેવા આ પર્યાય ઉપલબ્ધ છે. નિયમિત એકજ સ્વાદની ચા પીવા કરતાં આવા વિવિધ પર્યાયનો ઉપયોગ કરવાથી મન પણ નવીનતામાંનો આનંદ અનુભવી શકશે.
૧. ગોકર્ણનાં ફૂલોની વાદળી ચા (Blue Tea)
‘ગોકર્ણની વેલ અને તેનાં વાદળી ફૂલોથી સહુકોઈ પરિચિત છે. ગોકર્ણની વેલને નાની શિંગો હોય છે. આ શિંગો વેલ પર જ સૂકાઈ જાય, કે તેમાંથી બીજ નીકળે છે. આ બીજ રોપીને તેમાંથી ગોકર્ણની વેલ ઉગાડી શકાય છે. ગોકર્ણનાં ફૂલોની ‘વાદળી ચા’ બનાવી શકાય છે.
૧ અ. સાધારણ ૨ કપ ચા માટે જોઈતી સામગ્રી
અઢી કપ પાણી, વાદળી ગોકર્ણનાં ૮ થી ૧૦ ફૂલ, ૪ – ૫ તુલસીનાં પાન, આદુંનો નાનો ટુકડો, ૪ નાના ટુકડા લીલી ચાનાં પાન અને તજનો નાનો ટુકડો
૧ આ. કૃતિ
ગોકર્ણનાં ફૂલો હળવા હાથે ધોઈ લેવાં; કારણકે ફૂલો ચોળવાથી તેનો વાદળી રંગ ઉતરી જાય છે. આ ફૂલો સહિત ઉપરોક્ત સર્વ સામગ્રી ૨ મિનિટ ઉકાળવી અને મિશ્રણ થોડા સમય માટે ઢાંકી રાખવું. ત્યાર પછી તેમાં સ્વાદ પૂરતો ગોળ અને રુચિ પ્રમાણે લિંબુનો રસ નાખીને નવશેકી ચા પીવી.
૨. જાસૂદની પાંખડીની લાલ ચા (Red Tea)
ગોકર્ણનાં ફૂલોની જેમ જ જાસૂદની પાંખડીઓની પણ ચા બનાવી શકાય છે. લાલ દેશી જાસૂદનાં ફૂલોની પાંખડીઓ ચાળણીમાં ધોઈ લેવી. ઉપર આપ્યા પ્રમાણે ગોકર્ણનાં ફૂલોની ચા પ્રમાણે અન્ય સામગ્રીનો ઉપયોગ કરવો અને કૃતિ પણ તેવી જ રીતે કરવી.
ઉપરોક્ત બન્ને ચા માટે તાજાં ફૂલો જો ન મળે, તો ગઈકાલના કરમાયેલાં ફૂલો પણ ચાલશે.
૩. તુલસી અને આદાનાં પાનની લીલી ચા (Green Tea)
બજારમાં મળતા આદુંના કંદ માટીમાં વાવીને આદુંનું વાવેતર સહેજે કરી શકાય છે. કંદ વાવીએ, ત્યારથી નવું આદું લઈ શકાય ત્યાં સુધી ૮ – ૯ માસનો સમયગાળો લાગે છે. આ સમયગાળામાં રોપને પુષ્કળ પાન આવે છે. આ પાનની ચા બનાવી શકાય છે. તુલસીના પણ અનેક પ્રકાર વાવી શકાય છે, ઉદા. રામ તુલસી, કૃષ્ણ તુલસી, વન તુલસી, કપૂર તુલસી, ધૂપ તુલસી. આ ચામાં આપણી રુચિ પ્રમાણે તુલસીના એક અથવા એકથી વધુ પ્રકારનાં પાન નાખી શકાય છે.
૩ અ. સાધારણ ૨ કપ ચા માટે જોઈતી સામગ્રી
અઢી કપ પાણી, ૫ – ૬ આદુંનાં પાન, ૫ – ૬ તુલસીનાં પાન, ૪ ઝીણા ટુકડા લીલી ચાનાં પાન, રુચિ પ્રમાણે થોડી એલચીની ભૂકી અથવા તજ, લવીંગ અને મરીમાંથી કોઈપણ એક મસાલાનો પદાર્થ
૩ આ. કૃતિ
બધાં પાન ચોખ્ખા ધોઈ લેવા. ઉપરોક્ત સર્વ સામગ્રી ૫ મિનિટ ઉકાળવી. તેમાં સ્વાદ પૂરતો ગોળ અને રુચિ અનુસાર લિંબુનો રસ ઉમેરીને હુંફાળી ચા પીવી. જો તમારા વાવેતરમાં ફુદીનો અથવા પાન-અજમો વાવ્યો હોય, તો તમારી રુચિ પ્રમાણે તેમનાં પાન પણ આમાં વાપરીને સ્વાદમાં વિવિધતા લાવી શકાય છે.’ (૨૭.૯.૨૦૨૨)
સૌ. રાઘવી મયૂરેશ કોનેકર, ઢવળી, ફોંડા, ગોવા.
‘તમે ઉપર જણાવ્યા પ્રમાણે વિવિધ પ્રકારની ચા કરી પીધા પછી તે વિશેનાં તમારા અનુભવ નીચે આપેલા સંગણકીય સરનામા પર અવશ્ય જણાવશો. આપત્કાળમાં જો ચા ન મળે, તો તમે તમારી રુચિ અનુસાર ચા બનાવીને પી શકશો અને તે વિશેનું લખાણ પ્રસિદ્ધ કરવા માટે અવશ્ય જણાવશો. અન્ય સાધકોને પણ આનો લાભ થશે. – સંકલક
સંગણકીય સરનામું : [email protected]’ |