૧. શ્રીકૃષ્ણની વિવિધ ગુણવિશિષ્ટતાઓ
૧. ધર્મસંસ્થાપનાના આરાધ્ય દેવતા
ભગવાન શ્રીકૃષ્ણ ધર્મસંસ્થાપનાના આરાધ્ય દેવતા છે.
૨. અવતાર
શ્રીકૃષ્ણ એ શ્રીવિષ્ણુના આઠમા અવતાર છે. તેઓ સોળે કળાથી યુક્ત હોવાથી પૂર્ણાવતાર છે.
૩. સંબંધિત નદી
યમુના નદી શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે. તેનામાં અધિક પ્રમાણમાં કૃષ્ણતત્ત્વ છે. તેનો રંગ શ્રીકૃષ્ણની જેમ જ શ્યામ છે. યમુનાને ‘કાલિંદી’ પણ કહે છે.
૪. કુંડલિનીમાંનું સંબંધિત ચક્ર
કુંડલિનીમાંનું અનાહતચક્ર શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે.
૫. સંબંધિત વાર
બુધવાર વિઠ્ઠલનો વાર છે. વિઠ્ઠલ કળિયુગના શ્રીકૃષ્ણના જ અવતાર છે.
૬. સંબંધિત તિથિ
શ્રાવણ માસની વદ પક્ષની ગોકુળાષ્ટમી તિથિ શ્રીકૃષ્ણ સાથે સંબંધિત છે. માગશર સુદ પક્ષ અગિયારસે આવનારી ‘ગીતા જયંતી’ શ્રીકૃષ્ણએ અર્જુનને વિશદ કરેલી શ્રીમદ્ભગવદ્ગીતા સાથે સંબંધિત છે.
૭. યોગમાર્ગો અનુસાર શ્રીકૃષ્ણ તત્ત્વનો રંગ ભિન્ન હોવો
૭ અ. ભક્તિમાર્ગ અનુસાર
શ્રીકૃષ્ણના તત્ત્વનો રંગ વાદળી છે.
૭ આ. જ્ઞાનમાર્ગ અનુસાર
શ્રીકૃષ્ણના તત્ત્વનો રંગ પીળો છે.
૭ ઇ. કર્મમાર્ગ અનુસાર
શ્રીકૃષ્ણના તત્ત્વનો રંગ પીળાશ પડતો કેસરી છે.
૮. પ્રિય નૈવેદ્ય
માખણ, દહીં-પૌઆં અને શીરો શ્રીકૃષ્ણને પ્રિય છે. તેમજ ઉત્તર ભારતમાંનાં વિવિધ મંદિરોમાં શ્રીકૃષ્ણને ૫૬ ભોગનો (વિવિધ મીઠા વ્યંજનોનો) નૈવેદ્ય ધરાવવામાં આવે છે.
૯. આયુધ
સુદર્શનચક્ર અને પાંચજન્ય શંખ આ આયુધો છે.
૧૦. સંબંધિત વાદ્ય
વાંસળી આ શ્રીકૃષ્ણનું પ્રિય વાદ્ય છે.
૧૧. સંબંધિત તીર્થક્ષેત્ર અને જાગૃત દેવસ્થાનો
ગોકુળ, વૃંદાવન, મથુરા, દ્વારકા અને જગન્નાથપુરી આ શ્રીકૃષ્ણ સાથે સંબંધિત તીર્થક્ષેત્રો છે. કેરળમાં સ્થિત ગુરુવાયુર મંદિર, કર્ણાટકનું ઉડુપી ખાતેનું શ્રીકૃષ્ણ મંદિર આ જાગૃત દેવસ્થાનો છે.
૨. શ્રીકૃષ્ણનાં વિવિધ નામો
કન્હૈયા, કાન્હા, શ્યામસુંદર, મુરલીધર, ગિરીધર, કેશવ, માધવ, મોહન, મનમોહન, બન્સીવાલા, માખનચોર, રાધેશ્યામ, ગોવિંદ, ગોપાલ, મુરારી, કૃષ્ણ, દેવકીનંદન, યશોદાનંદન, નંદનંદન, વાસુદેવ, દ્વારકાધિશ, ત્રિલોકીનાથ, બાંકેબિહારી, ચક્રધર, નંદકિશોર, લડ્ડુગોપાલ ઇત્યાદિ શ્રીકૃષ્ણનાં અનેક નામો પ્રસિદ્ધ છે.
અ. દેવકીનંદન, યશોદાનંદન અને નંદનંદન
દેવકી, યશોદા અને નંદરાજાના પુત્ર હોવાથી તેમના ક્રમવાર દેવકીનંદન, યશોદાનંદન અને નંદનંદન નામો પડ્યાં.
વસુદેવ એ શ્રીકૃષ્ણના જન્મદાતા પિતા હતા. દેવકીની કૂખે શ્રીકૃષ્ણનો જન્મ થયો. તેથી તેઓ તેમની જન્મદાત્રી માતા હતાં. વસુદેવ જ્યારે શ્રીકૃષ્ણને મથુરામાંથી ગોકુળ લઈ ગયા, ત્યારે નંદરાજ અને યશોદાએ તેમનો ઉછેર કર્યો. તેથી યશોદા અને નંદરાજા શ્રીકૃષ્ણના પાલક માતા-પિતા હતા. તેથી શ્રીકૃષ્ણ વસુદેવ, દેવકી, યશોદા અને નંદરાજા આ ચારેયના પુત્ર હતા.
આ. વાસુદેવ અને વસુદેવસુત
વસુદેવ એ શ્રીકૃષ્ણના જન્મદાતા પિતા હતા. વસુદેવના પુત્ર તેથી તેમને ‘વાસુદેવ’ કહે છે. વસુદેવના પુત્ર હોવાથી તેમને ‘વસુદેવસુત’ કહે છે.
ઇ. માખનચોર
શ્રીકૃષ્ણ ભાઈબંધો સાથે ગોકુળની ગોપીઓના ઘેર જઈને મટકામાં મૂકેલું માખણ ચોરી કરીને ખાઈ જતા. તેથી ગોપીઓએ પ્રેમથી તેમનું નામ ‘માખનચોર’ પાડ્યું હતું.
ઈ. શ્યામ અને શ્યામસુંદર
શ્રીકૃષ્ણનો વર્ણ (રંગ) ઘેરો વાદળી કે શ્યામ હતો. તેથી તેમનું નામ ‘શ્યામ’ પડ્યું. તેઓ શ્યામ હોવા છતાં દેખાવે અતિશય સુંદર હતા; તેથી તેમને ‘શ્યામસુંદર’, પણ કહે છે.
ઉ. બંસીધર અને મુરલીધર
શ્રીકૃષ્ણના હાથમાં વાંસળી હોવાથી તેમને ‘બંસીવાલા’ અથવા ‘બંસીધર’ નામો પ્રાપ્ત થયાં. વાંસળીને મુરલી પણ કહેતા હોવાથી તેમનું ‘મુરલીધર’ નામ પ્રચલિત છે.
ઊ. ગોપાલ
શ્રીકૃષ્ણએ ગાયોનું રક્ષણ અને પાલનપોષણ કર્યું હોવાથી તેમને ‘ગોપાલ’ આ નામ પ્રાપ્ત થયું.
એ. ગોવિંદ
શ્રીકૃષ્ણ પ્રત્યેક પ્રાણીમાત્રના અંતઃકરણમાં આનંદ સ્વરૂપે વાસ કરતા હોવાથી તેમને ‘ગોવિંદ’ કહે છે.
ઐ. હૃષિકેશ
ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેકના ઇંદ્રિયકર્મોના પરમ નિર્દેંશક (માર્ગદર્શક) છે. તેથી તેમને ‘હૃષિકેશ’ સંબોધવામાં આવે છે. ‘હૃષીક’ એટલે ઇંદ્રિયો. તેમના ઈશ, તે હૃષિકેશ.