અનુક્રમણિકા
૧. વ્યાખ્યા
સંપૂર્ણ શરીરને અથવા શરીરના એકાદ ભાગને તેલ લગાડીને ચોળવું, આને ‘અભ્યંગ (મર્દન) કહેવામાં આવે છે.
૨. સમય
આયુર્વેદમાં શરીર નિરોગી રાખવા માટે વિશદ કરેલી દિનચર્યામાં અભ્યંગ પ્રતિદિન કરવા માટે કહ્યું છે. અભ્યંગ સવારે શૌચવિધિ થયા પછી નયણે કોઠે કરવું. સૂર્ય માથા પર હોય ત્યારે અને ભોજન ઉપરાંત અભ્યંગ કરવું નહીં.
૩. અભ્યંગ કોણે ન કરવું ?
જેની પાચનશક્તિ મંદ થઈ છે; વમન, વિરેચન ઇત્યાદિ આયુર્વેદમાં વિશદ કરેલાં પંચકર્મો કર્યા હોય, ગઈકાલનું ભોજન પચ્યું ન હોય; તેમજ શરદી, તાવ જેવા રોગોમાં અભ્યંગ ન કરવું.
૪. અભ્યંગના લાભ
અ. અભ્યંગને કારણે શરીરનો થાક અને વાયુ દૂર થાય છે.
આ. રંગ સુધારવા માટે અને કાંતિમય થવામાં સહાયતા થાય છે.
ઇ. દૃષ્ટિ (નજર) સુધરે છે.
ઈ. રુધિરાભિસરણ વ્યવસ્થિત થાય છે.
ઉ. ત્વચા પર કરચલી પડવી, વાળ ખરવા જેવા વિકાર થતા નથી.
ઊ. અભ્યંગને કારણે વાયુના વિકાર, ઉદા. સાંધાનો દુઃખાવો, અર્ધાંગવાયુ (પક્ષાઘાત), માંસપેશીની નબળાઈ ઇત્યાદિ વિકાર ક્ષીણ થાય છે.
એ. સ્નાયુઓની કઠણતા ઓછી થઈને શરીર હલકું બને છે.
ઐ. કામ કરવાની તાકાત વધે છે. શરીર પુષ્ટ, નમણું, સુદૃઢ અને સબળુ બને છે.
ઓ. મન પ્રસન્ન અને ઉત્સાહી રહે છે.
ઔ. નિયમિત રીતે અભ્યંગ કરવાથી ઘડપણ મોડેથી આવે છે.
૫. અભ્યંગ માટે ઉપયોગમાં લેવામાં આવતું તેલ
સામાન્ય રીતે અભ્યંગના નિયમિત ઉપયોગ માટે તલના તેલનો ઉપયોગ કરવો. રોગ અનુસાર તેલની પસંદગી કરવામાં આવે છે. ઉદા. સાંધાના દુઃખાવા જેવા વાયુના વિકાર હોય, તો નગોડનું તેલ, સહચરાદી તેલ ઇત્યાદિ, ત્વચારોગો માટે કડવા લીમડાનું અથવા કરંજનું તેલ, ફૂલેલી નસો (વેરિકોજ વેન્સ) માટે પિંડ તેલ અથવા પ્રસારિણી તેલ ઇત્યાદિ.
૬. પૂર્વ સિદ્ધતા (તૈયારી)
અભ્યંગ માટે એક સમયે સામાન્ય રીતે ૫૦ મિ.લિ. તેલ એક વાટકીમાં લઈને તે નવશેકું કરી લેવું. તેમાં ચપટી ભરીને સૈંધવ મીઠું (કાળું મીઠું) નાખવું. (સૈંધવ મીઠું નાખવાથી તેલ શરીરમાં સારી રીતે શોષાઈ જાય છે.) તેલમાં થોડો કપૂર ભેળવવો. તેમજ તેમાં ચપટી ભરીને વિભૂતિ અને ૨-૪ ટીપાં ગોમૂત્ર પણ નાખવું.
૭. પ્રાર્થના
અભ્યંગ કરવાનો આરંભ કરવા પહેલાં પ્રાર્થના કરવી. ‘હે શ્રીકૃષ્ણ, આ અભ્યંગથી મારા શરીરની પેશી પેશીમાંની કાળી શક્તિ નષ્ટ થવા દો. માંત્રિકે મારા શરીરમાં નિર્માણ કરેલાં ત્રાસદાયક (કાળી) શક્તિઓનાં સ્થાનો નષ્ટ થવા દો. મારા શરીરમાં ચૈતન્યનો પ્રવાહ અખંડ વહેવા દો. અભ્યંગ કરતી વેળાએ ‘હું આપને જ અભ્યંગ કરી રહ્યો/રહી છું’, એવો મારો ભાવ રહેવા દો.’
૮. અભ્યંગના પ્રકાર અને કૃતિ
૮ અ. શિરોભ્યંગ (માથાને તેલ લગાડવું)
સૌથી પહેલા બે ચમચી (ઠંડું) તેલ માથા પર (તાલકા પર) નાખવું અને હાથની આંગળીઓથી વાળના મૂળમાં ધીમે ધીમે મર્દન કરવું. વાળ જોરથી ન ઘસવા.
૮ આ. કર્ણપૂરણ (કાનમાં તેલ નાખવું)
એક પછી એક બન્ને કાનમાં ૧૦ -૧૨ ટીપાં નવશેકું તેલ નાખવું. તેલ નાખ્યા પછી ૨ મિનિટ પછી તે કાન ઉપરની દિશામાં કરવો.
૮ ઇ. પાદાભ્યંગ (પગને તેલ લગાડવું)
એક ચમચી નવશેકું તેલ પગના તળિયે આંગળીઓથી આરંભ કરીને એડી સુધી લગાડવું. તેલ લગાડતી વેળાએ જ્યાં આંગળીઓ અને તળિયું જોડાય છે તે ઠેકાણે તેમજ તળિયાની વચ્ચેના ભાગમાં સારો દાબ આપવો. પ્રતિદિન સંપૂર્ણ શરીરને અભ્યંગ કરવું સંભવ ન હોય, તો શિરોભ્યંગ, કર્ણપૂરણ અને પાદાભ્યંગ તો નિયમિત રીતે કરવું. આ રાત્રે સૂતી વેળાએ પણ કરી શકાય છે.
૮ ઈ. સંપૂર્ણ શરીરને તેલ લગાડવું
સંપૂર્ણ શરીરને તેલ લગાડવા માટે પ્રથમ ચત્તું સૂવું. ચમચી ભરીને નવશકું તેલ નાભિમાં નાખવું. ૧ થી ૨ મિનિટ નાભિમાં શોષાવા દેવું. નાભિમાં તેલ શોષાવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ત્યાર પછી આ જ તેલ લઈને નાભિની ફરતે ઘડિયાળના કાંટાની દિશામાં વર્તુળાકાર ચોળવા. નીચે આપેલી સારણી અનુસાર સંબંધિત અવયવોને તે તે દિશામાં ચોળવું. આવશ્યકતા લાગે તો વધારે તેલ લેવું.
શરીરના આગળના ભાગને અભ્યંગ કર્યા પછી બઠ્ઠા સૂઈને અન્ય વ્યક્તિની સહાયતાથી પીઠ અને કટિપ્રદેશ (કમર)માં અભ્યંગ કરી લેવું. પીઠને તેલ લગાડતી વેળાએ આરંભમાં કટિપ્રદેશના વચ્ચેના ભાગમાં રહેલા ઊંડાણ ધરાવતા ભાગ પર નાભિ પ્રમાણે ૧ થી ૨ મિનિટ તેલ રહેવા દેવું. ત્યાર પછી બીજી વ્યક્તિએ બન્ને હાથની હથેળીથી મણકાની બન્ને બાજુએ, અંદરથી બહારની દિશામાં ગોળ ગોળ ચોળતા જઈને નીચેથી ઉપરની દિશામાં ખભા સુધી જવું. ડોકને ઉપરથી નીચેની દિશામાં અભ્યંગ કરવું.
૮ ઈ ૧. અભ્યંગની કૃતિ (અવયવો અનુસાર અભ્યંગની દિશા)
ક્રમ | અવયવ | અભ્યંગની દિશા |
---|---|---|
૧. | પગના તળિયા | આંગળીથી એડી ભણી |
૨ . | પેટ | નાભિ ફરતે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ |
૩. | બન્ને હાથ | આંગળીથી ખભા સુધી |
૪. | બન્ને પગ | આંગળીથી જાંઘ સુધી |
૫. | કોણી, ગોઠણ, કાંડા, ઘૂંટી, ખભા | અંદરથી બહારની દિશામાં ગોળ |
૬. | ગળું | ઉપરથી નીચે |
૭. | ડોક | ઉપરથી નીચે |
૮. | છાતી | હૃદય ફરતે ઘડિયાળના કાંટાની દિશામાં ગોળ |
૯. | કમર અને પીઠ | કમરથી ઉપર ખભા સુધી મણકાની બન્ને બાજુ, નીચેથી ઉપર, ગોળ ગોળ |
૧૦. | મણકા | નીચેથી ઉપર |
૯. વ્યાયામ
અભ્યંગ પછી પોતાની ક્ષમતા અનુસાર વ્યાયામ કરવો. તેને કારણે તેલ શરીરમાં શોષાવા માટે સહાયતા થાય છે.
૧૦. મર્દન કરવું (શરીર દબાવી લેવું)
વ્યાયામ પછી સંપૂર્ણ શરીરનું મર્દન કરવું. મર્દન કરતી વેળાએ હાથ-પગના આંગળાથી હૃદયની દિશામાં શરીર દબાવવું. આને કારણે વ્યાયામ પછી પેશીમાં વધેલા નાખીદેવા જેવા ‘લૅક્ટિક ઍસિડ’ જેવા (Lactic Acid) દ્રવ્યોનો નિચોડ થઈને (દ્રવ્યો બહાર નીકળી જઈને) પેશીમાંની ચયાપચય (metabolism)ની પ્રક્રિયામાં સુધારો થાય છે.
મર્દન તેલ લગાડીને (અભ્યંગ કરીને) અથવા તેલ વિના પણ (અભ્યંગ કર્યા વિના) કરી શકાય છે. જેઓ વ્યાયામ કરી શકતા નથી એવી વ્યક્તિઓએ પ્રતિદિન ઓછામાં ઓછું મર્દન તોયે કરવું. પોતે મર્દન કરતી વેળાએ પોતાને સારું લાગે એટલો દાબ આપવો. મર્દન ધીમેથી કરવું. તેને કારણે થાક લાગવાને બદલે પ્રસન્ન લાગે છે. બીજી વ્યક્તિને મર્દન કરતી વેળાએ મર્દન કરાવી લેનારી વ્યક્તિને સહન થાય અને જેણે કરીને તેને સારું લાગે એટલો જ દાબ આપવો.
૧૧. સ્નાન
અભ્યંગ કર્યા પછી ઠંડી હવામાં ફરવું નહીં. અભ્યંગ કર્યા પછી ૧૫ થી ૨૦ મિનિટ પછી બેસન (ચણાનો લોટ) અથવા મુલતાની માટી લગાડીને ઉષ્ણ અથવા નવશેકા પાણીથી સ્નાન કરવું.
૧૨. કૃતજ્ઞતા
હે શ્રીકૃષ્ણ, આપની કૃપાથી સાધના માટે મળેલા આ શરીર માટે તમે જ અભ્યંગ કરાવી લીધું, એ માટે હું આપના ચરણોમાં કૃતજ્ઞ છું. ‘આ અભ્યંગ દ્વારા પ્રાપ્ત થયેલા બળનો ઉપયોગ ધર્મકાર્ય માટે થવા દેશો અને ‘આ દેહ મારો નથી પણ આપનો જ છે’ આ ભાવ સદૈવ મારા અંતરમાં રહેવા દેશો’, એ જ આપના ચરણોમાં પ્રાર્થના છે !’