અધિક માસનું મહત્ત્વ, આ કાળમાં કરવાના વ્રતો અને તે પાછળનું શાસ્ત્ર !

અધિક માસ અથવા ‘પુરુષોત્તમ  માસ’નું  મહત્ત્વ,
આ કાળમાં કરવાના વ્રતો અને પુણ્યકારી  કૃત્યો અને તે પાછળનું શાસ્ત્ર !

અધિક મહિનો ‘અધિક જેઠ મહિનો’ છે. અધિક મહિનાને આગળના મહિનાનું નામ આપવામાં આવે છે, ઉદા. જેઠ મહિનાની પહેલાં આવનારાં અધિક મહિનાને ‘અધિક જેઠ મહિનો’ એમ સંબોધવામાં આવે છે અને તે પછી આવનારાં મહિનાને ‘નિજ જેઠ મહિનો’ કહેવામાં આવે છે. આ કાળમાં ધાર્મિક કૃત્યો કરે છે અને અધિક માસનું માહાત્મ્ય પણ વાંચે છે.

 

૧. અધિક માસ એટલે શું ?

 ૧ અ. ચાંદ્રમાસ

સૂર્ય અને ચંદ્રની યુતિ થવાની વેળાથી, અર્થાત એક અમાસથી પાછી એવી યુતિ થયા સુધી, એટલે કે આગલા મહિનાની અમાસ સુધીનો કાળ એટલે ‘ચાંદ્રમાસ’. તહેવાર, ઉત્સવ, વ્રતો, ઉપાસના, હવન, શાંતિ, વિવાહ ઇત્યાદિ હિંદુ ધર્મશાસ્ત્રમાંની સર્વ કૃતિઓ ચાંદ્રમાસ પ્રમાણે (ચંદ્રની ગતિ  પ્રમાણે) નક્કી કરેલી છે.

 ૧ આ. સૌરમાસ

ઋતુઓ સૌરમાસ પ્રમાણે (સૂર્યની ગતિ પ્રમાણે) નક્કી કરેલી છે. સૂર્ય અશ્વિની નક્ષત્રથી ભ્રમણ કરીને પાછો તે જ ઠેકાણે આવે છે. તેટલા સમયગાળાને ‘સૌરવર્ષ’ કહેવામાં આવે છે.

 ૧ ઇ. ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો
મેળ બેસાડવા માટે અધિક માસનું પ્રયોજન !

ચાંદ્રવર્ષના ૩૫૪ દિવસો અને સૌરવર્ષના ૩૬૫ દિવસો હોય છે, એટલે જ આ બે વર્ષોમાં ૧૧ દિવસોનું અંતર હોય છે. આ અંતર ભરાઈ જાય, તેમજ ચાંદ્રવર્ષ અને સૌરવર્ષનો મેળ બેસાડવા માટે; એટલે કે સ્થૂળમાં જોઈએ તો લગભગ ૩૨॥ (સાડા બત્રીસ) મહિના પછી એક અધિક મહિનો આવે છે. અર્થાત્ ૨૭ થી ૩૫ મહિના પછી ૧ અધિક મહિનો આવે છે.

 

 ૨. અધિક મહિનાના અન્ય નામો

અધિક મહિનાને ‘મલમાસ’ પણ કહેવાય છે. અધિક મહિનામાં મંગળ કાર્યને બદલે વિશેષ વ્રત અને પુણ્યકારક કૃત્ય કરવામાં આવે છે; તેથી તેને ‘પુરુષોત્તમ મહિનો’  એમ પણ કહેવાય છે.

 

૩. અધિક મહિનો કયા મહિનામાં આવે છે ?

અ. ચૈત્રથી આસો આ સાત મહિનાઓમાંથી એક મહિનો ‘અધિક મહિનો’ એમ કરીને આવે છે.

આ. ક્યારેક ફાગણ મહિનો પણ ‘અધિક મહિનો’ કરીને આવે છે.

ઇ. કારતક, માગશર અને પોષ આ મહિનાઓ જોડીને અધિક મહિનો આવતો નથી. આ ત્રણ મહિનાઓમાંથી કોઈ પણ એક મહિનો ક્ષય મહિનો હોઈ શકે; કારણકે આ ત્રણ મહિનાઓમાં સૂર્યની ગતિ અધિક હોવાથી એક ચાંદ્રમાસમાં તેના બે સંક્રમણો હોઈ શકે. ક્ષય મહિનો આવે છે, ત્યારે એક વર્ષમાં ક્ષય મહિનાની પહેલાં ૧ અને પછી ૧, એમ ૨ અધિક મહિના પાસે પાસે આવે છે.

ઈ. મહા મહિનો કેવળ અધિક અથવા ક્ષય મહિનો થતો નથી.

 

 ૪. અધિક મહિનામાં વ્રતો અને
પુણ્યકારી કૃત્યો કરવા પાછળનું શાસ્ત્ર

પ્રત્યેક મહિનામાં સૂર્ય એક એક રાશીમાં સંક્રમણ કરે છે; પરંતુ અધિક મહિનામાં સૂર્ય કોઈપણ રાશિમાં સંક્રમણ કરતો નથી. તેથી ચંદ્ર અને સૂર્યની ગતિમાં ફરક પડે છે અને વાતાવરણમાં પણ ગ્રહણ કાળ પ્રમાણે પાલટ થાય છે. આ પાલટતા અનિષ્ટ વાતાવરણનો આપણી પ્રકૃતિ પર પરિણામ થાય નહીં; તેથી ‘આ મહિનામાં વ્રતો અને પુણ્યકારી કૃત્યો કરવા’, એવું શાસ્ત્રકારોએ કહ્યું છે.

 

૫. અધિક મહિનામાં કરવાના વ્રતો અને પુણ્યકારી કૃત્યો

અ. અધિક મહિનામાં શ્રીપુરુષોત્તમપ્રીત્યર્થ ૧ મહિનો ઉપવાસ, આયાચિત ભોજન (અકસ્માત એકાદના ઘરે જમવા માટે જવું), નક્તભોજન (દિવસે જમવાને બદલે કેવળ રાત્રે પહેલાં પ્રહરમાં એક વેળા જ જમવું) કરવું અથવા તો એકભુક્ત રહેવું (સમગ્ર દિવસમાં એકવાર જ જમવું). અશક્ત વ્યક્તિએ આ ચાર પ્રકારમાંથી એક પ્રકાર તોયે ત્રણ દિવસ અથવા તો એક દિવસ તોયે આચરણમાં લાવવું.

આ. પ્રતિદિન એકજ વેળા ભોજન કરવું. ભોજન કરતી સમયે બોલવું નહીં. એનાથી આત્મબળ વધે છે. મૌન રહીને ભોજન કરવાથી પાપક્ષાલન થાય છે.

ઇ. તીર્થસ્નાન કરવું. એક દિવસ તોયે ગંગાસ્નાન કરવાથી સર્વ પાપોની નિવૃતિ થાય છે.

ઈ.  આ સંપૂર્ણ મહિના દરમ્યાન દાન કરવું ન બને, તો સુદ અને વદ પક્ષની બારસ, પૂનમ, વદ આઠમ, નોમ, ચૌદશ, અમાસ આ તિથિએ અને વ્યતિપાત, વૈધૃતિ આ યોગમાં વિશેષ દાનધર્મ કરવું, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે.

ઉ. આ મહિનામાં રોજ શ્રી પુરુષોત્તમ કૃષ્ણની પૂજા અને નામજપ કરવો. અખંડ અનુસંધાનમાં રહેવાનો પ્રયત્ન કરવો.

ઊ. દીપદાન કરવું. ભગવાન સામે અખંડ દીવો પ્રગટાવવાથી લક્ષ્મીપ્રાપ્તિ થાય છે.

એ. તીર્થયાત્રા કરવી. દેવદર્શન કરવા.

ઐ. તાંબૂલદાન (પાનબીડાની દક્ષિણા) કરવું. એક મહિનો તાંબૂલદાન કરવાથી સૌભાગ્યપ્રાપ્તિ થાય છે.

ઓ. ગોપૂજન કરવું. ગોગ્રાસ નાખવું.

ઔ. અપૂપદાન (અનારસાનું દાન) કરવું.

 

 ૬. અધિક મહિનામાં કયા કામો કરવા ?

આ મહિનામાં નિત્ય અને નૈમિત્તિક કર્મો કરવા. અધિક
મહિનામાં સતત નામસ્મરણ કરવાથી શ્રી પુરુષોત્તમ કૃષ્ણ પ્રસન્ન થાય છે.

અ. જ્વરશાંતિ, પર્જન્યેષ્ટી ઇત્યાદિ હંમેશના કર્મો કરવા.

આ. આ મહિનામાં ભગવાનની પુનઃ પ્રતિષ્ઠા કરી શકાય.

ઇ. ગ્રહણશ્રાદ્ધ, જાતકર્મ, નામકર્મ, અન્નપ્રાશન ઇત્યાદિ સંસ્કાર કરવા.

ઈ. મન્વાદિ અને યુગાદિ સંબંધિત શ્રાદ્ધાદિ કૃત્યો કરવા. તીર્થશ્રાદ્ધ, દર્શશ્રાદ્ધ અને નિત્યશ્રાદ્ધ કરવા.

 

૭. અધિક મહિનામાં કયા કામો ન કરવા ?

હંમેશના કામ્ય કર્મો ઉપરાંતના અન્ય કામ્ય કર્મોનો આરંભ અને સમાપ્તિ ન કરવી. મહાદાન (પુષ્કળ મોટા દાન), અપૂર્વ દેવદર્શન (પહેલાં ક્યારેય ન ગયેલા ઠેકાણે દેવદર્શન માટે જવું), ગૃહારંભ, વાસ્તુશાંતિ, સંન્યાસગ્રહણ, નૂતનવ્રત ગ્રહણદિક્ષા, વિવાહ, ઉપનયન, ચૌલ, દેવપ્રતિષ્ઠા ઇત્યાદિ ન કરવા.

 

૮. અધિક મહિનામાં જન્મદિવસ આવે તો શું કરવું ?

એકાદ વ્યક્તિનો જન્મ જે મહિનામાં થયો હોય, તે જ મહિનો અધિક મહિનો હોય, તો તે વ્યક્તિનો જન્મદિવસ નિજ મહિનામાં કરવો, ઉદા. વર્ષ ૨૦૧૭માં જેઠ મહિનામાં જન્મેલા બાળકનો જન્મદિવસ આ વર્ષે જેઠ મહિનો અધિક હોવાને લીધે અધિક મહિનામાં કરવાને બદલે નિજ જેઠ મહિનામાં તે તિથિએ ઊજવવો. આ વર્ષે અધિક જેઠ મહિનામાં જે બાળકનો જન્મ થશે, તે બાળકનો જન્મદિવસ પ્રતિ વર્ષ જેઠ મહિનામાં તે તિથિએ ઊજવવો.

 

૯. અધિક મહિનો હોય તો શ્રાદ્ધ ક્યારે કરવું ?

જે મહિનામાં વ્યક્તિનું નિધન થયું હોય, તેનું વર્ષશ્રાદ્ધ, જો તે જ મહિનો આગલા વર્ષે અધિક મહિનો આવે, તો તે અધિક મહિનામાં જ કરવો, ઉદા. વર્ષ ૨૦૧૭ના જેઠ મહિનામાં જો વ્યક્તિનું નિધન થયું હોય, તો તે વ્યક્તિનું વર્ષશ્રાદ્ધ વર્ષ ૨૦૧૮ના અધિક જેઠ મહિનામાં તે તિથિએ કરવું. કેવળ આ જ વર્ષે એમ કરવું; કારણકે વર્ષ ૨૦૧૭ના જેઠ મહિનામાં નિધન થયેલી વ્યક્તિનું વર્ષશ્રાદ્ધ, એટલે તેને ૧૨ મહિના આ વર્ષે અધિક મહિનામાં પૂરા થાય છે. જ્યારે અધિક મહિનો ન હોય, ત્યારે વર્ષશ્રાદ્ધ તે તિથિએ કરવું.

અ. શકે ૧૯૩૯ના (એટલે કે ગયા વર્ષના) જેઠ મહિનામાં મૃત્યુ થયું હોય, તો તેનું પ્રથમ વર્ષશ્રાદ્ધ શકે ૧૯૪૦ના (આ વર્ષના) અધિક જેઠ મહિનામાં તે તિથિએ કરવું.

આ. દર વર્ષે આવતું જેઠ માસમાંનું પ્રતિસાંવત્સરિક શ્રાદ્ધ આ વર્ષે નિજ જેઠ માસમાં કરવું; કેવળ પહેલાંના અધિક જેઠ મહિનામાં મૃત્યુ થયેલાઓનું પ્રતિસાંવત્સરિક શ્રાદ્ધ આ વર્ષે અધિક માસમાં કરવું.

ઇ. પાછલા વર્ષે (શકે ૧૯૩૯માં) અષાઢ, શ્રાવણ, ભાદરવો ઇત્યાદિ મહિનામાં મૃત્યુ પામેલાઓનું વર્ષશ્રાદ્ધ તે તે મહિનાની તે તે તિથિએ કરવું. ૧૩ મહિના થાય છે; એમ સમજીને ૧ મહિનો પહેલાં ન કરવું.

ઈ. આ વર્ષે અધિક અથવા નિજ જેઠ મહિનામાં મૃત્યુ થાય, તેમનું પ્રથમ વર્ષશ્રાદ્ધ આગળના વર્ષે જેઠ મહિનામાં તે તિથિએ કરવું.

 

 ૧૦. અધિક મહિનો કાઢવાની પદ્ધતિ

અ. જે મહિનામાં વદની પાંચમે સૂર્યની સંક્રાંત આવશે, તે જ મહિનો આગળના વર્ષમાં અધિક મહિનો થાય છે; પરંતુ આ સર્વસામાન્ય છે.

આ. શાલિવાહન શકાને ૧૨થી ગુણાકાર કરવો અને તે ગુણાકારને ૧૯થી ભાગાકાર કરવો. જે બાકી રહેશે તે ૯ અથવા તેના કરતાં ઓછું હશે, તો તે વર્ષે અધિક મહિનો હશે, એમ સમજવું, ઉદા. આ વર્ષે શાલિવાહન શકા ૧૯૪૦ છે.

૧૯૪૦ x૧૨ = ૨૩૨૮૦.

૨૩૨૮૦ને ૧૯થી ભાગાકાર કરવાથી ૧૨૨૫ ભાગાકાર અને ૫ બાકી વધે છે. આ વર્ષે બાકી ૯ કરતાં ઓછું એટલે કે ૫ છે. તેથી આ વર્ષે અધિક મહિનો છે.

 

 ૧૧. આવનારા અધિક મહિનાનું કોષ્ટક

શાલિવાહન શકા અધિક મહિનો
1940 જેઠ
1942 આસો
1945 શ્રાવણ
1948 જેઠ
1951 ચૈત્ર
1953 ભાદરવો
1956 અષાઢ
1959 જેઠ
1961 આસો

સંકલન : સૌ. પ્રાજક્તા જોશી, જ્યોતિષ ફલિત વિશારદ, સનાતન આશ્રમ, રામનાથી, ગોવા. (૨૫.૩.૨૦૧૮)