‘રિપ્ડ જીન્સ’ નામક વિકૃતિ !


ફાટેલાં કપડાં પરિધાન કરવાની ફૅશન વર્તમાનમાં ઝડપભેર પ્રચલિત થવા લાગી છે. ‘જીન્સ’ કાપડની ફાટેલી ‘પૅન્ટ’ પરિધાન કરેલા યુવક-યુવતીઓ શહેર જેવા ઠેકાણે ચોક્કસ નજરે ચઢે છે. હમણાથી તો તેનું પ્રમાણ એટલું વધી ગયું છે કે, મુંબઈમાં ‘જીન્સ પૅન્ટ’ પહેરેલા પ્રત્યેક ૩ વ્યક્તિમાંથી એકની પૅન્ટ ફાટેલા કપડામાંથી બનાવેલી હોય છે અથવા તે બનાવ્યા પછી ફાડેલી હોય છે. તેનો ચેપ ગ્રામીણ ભાગમાં પણ લાગ્યો છે. નાના બાળકોની કપડાંની દુકાનોમાં પણ આ ‘રિપ્ડ જીન્સ’ ચડતી કિંમતોમાં મળવા લાગી છે. અત્યાર સુધી આપણી સંસ્કૃતિમાં પહેરેલા કપડાંમાં એકાદ છિદ્ર હોવું અથવા ક્યાંક થોડુંક ફાટેલું હોવું અયોગ્ય અને અસભ્યતાનું લક્ષણ માનવામાં આવતું હતું.

કપડાં પરિધાન કરનારને પણ તે વિશે શરમ લાગતી હતી. તેને કારણે કપડાં ભલે જૂનાં હોય, પણ તે ક્યાંયથી ફાટેલાં તો નથી ને, એ વિશે સતર્કતા પાળવામાં આવતી હતી. પણ હવે ‘ફૅશન’ના નામ હેઠળ ફાટેલા કપડાંમાંથી બનાવેલાં કપડાં છડેચોક પહેરવામાં આવે છે. જેમણે ન ફાટેલી ‘પૅન્ટ’ વેચાતી લીધી છે, તેમાંના કેટલાક જણ પછીથી પૅન્ટમાં છિદ્રો પાડતા જોવા મળે છે. યુવકો સહિત યુવતીઓ પણ સંખ્યામાં સમાન છે.

કેટલાક ગણ્યાંગાંઠ્યા મહાવિદ્યાલયોમાં આ રિપ્ડ જીન્સને અનુમતિ ભલે ન હોય, છતાં પણ બહુસંખ્ય ખાનગી કાર્યાલયોમાં અને મહાવિદ્યાલયોમાં તેના પર પ્રતિબંધ ન હોવાથી ધીમે ધીમે આના ભણી ‘સ્ટેટસ સિંબૉલ’ તરીકે જોવામાં આવતું જાય છે. ફાટેલી પૅન્ટ પહેરીને પગનું પ્રદર્શન કરનારી અને યુવકોમાં લૈંગિક ઉત્તેજના ઉત્પન્ન કરનારી આ પશ્ચિમી વિકૃતિએ યુવક-યુવતીઓ પર બરાબર મોહિની પાડી છે. કેટલીક યુવતીઓ હમણાથી ખભે ફાટેલા વસ્ત્ર પહેરે છે, તો કેટલાકમાં વચ્ચે વચ્ચે છિદ્રો રહેલા વસ્ત્રો પણ પહેરે છે. એ પણ તેનો જ પ્રકાર છે.

ફૂટેલી વસ્તુઓ અને ફાટેલાં કપડાંમાંથી મોટા પ્રમાણમાં નકારાત્મક સ્પંદનો પ્રક્ષેપિત થતા હોવાથી તેમને ધારણ કરનારી વ્યક્તિના મન પર પણ તેનું દુષ્પરિણામ થાય છે. તેને કારણે આવી વસ્તુઓનો ઉપયોગ કરવો આધ્યાત્મિક દૃષ્ટિએ ભૂલભરેલું છે. મહાવિદ્યાલયમાં જ્ઞાનાર્જન કરવા માટે જનારી અને કાર્યાલયમાં બૌદ્ધિક કામો કરનારી વ્યક્તિઓની આને કારણે હાનિ થઈ શકે છે. અન્યો કરતાં પોતે કાંઈક જુદું જ પરિધાન કર્યું હોવાનો વિચાર વ્યક્તિમાંનો અહં વધારવા માટે સહાય કરે છે. પરિણામે ફાટેલાં કપડાં નિયમિત રીતે પહેરનારી વ્યક્તિના વ્યક્તિમત્ત્વ પર કાળાંતરે નકારાત્મક પાલટ થઈ શકે છે. તેને કારણે આ વિશે વધારે સંશોધન કરીને યુવકોમાં જાગૃતિ કરવાની અને પશ્ચિમી વિકૃતિને તગેડી મૂકવાની હવે આવશ્યકતા નિર્માણ થઈ છે.

– શ્રી. જગન ઘાણેકર, મુંબઈ