નમસ્કાર કેવી રીતે કરવા ?

ભક્તિભાવ, પ્રેમ, આદર, લીનતા આદિ જેવા દૈવીગુણોની અભિવ્યક્તિ કરનારી અને ઈશ્વરી શક્તિ પ્રદાન કરનારી એક સ્વાભાવિક તેમજ સરળ ધાર્મિક કૃતિ એટલે નમસ્કાર. લીનતા વગર કોઈપણ કૃતિને અર્થ પ્રાપ્ત થતો નથી. લીનતાના માધ્યમ દ્વારા પિંડ માટે અવતરનાર ચૈતન્યમય સ્રોતને કારણે દરેક કૃતિનું સાધનામાં રૂપાંતર થઈને ચૈતન્યની ફળપ્રાપ્તિ થાય છે અને અર્થપૂર્ણ જીવનપ્રક્રિયાની નિર્મિતિ થાય છે. નમસ્કાર આ કૃતિ પિંડને જાગૃતિ આપવાનું કાર્ય કરે છે. પિંડને જાગૃતિ આપવી, એટલે જ યોગ્ય હીલચાલોમાંથી બ્રહ્માંડમાંની ઈશ્વરીય લહેરોને પોતાનામાં સમાવી લેવી,

 

નમસ્કાર કરવાના લાભ

નમસ્કાર કરવાનો મુખ્ય ઉદ્દેશ એ છે, કે જેને આપણે નમસ્કાર કરીએ છીએ તેની પાસેથી આપણને આધ્યાત્મિક તથા વ્યવહારિક લાભ પ્રાપ્ત થઈ રહે.

વ્યવહારિક લાભ

ઈશ્વરને અથવા સંતોને નમસ્કાર કરવાથી તેઓનાં ગુણ અને કર્તૃત્વનો આદર્શ આપણી સમક્ષ અજાણતા જ ઉપસ્થિત થાય છે. આપણે તે અનુસાર આચરણ કરવા લાગીએ અને સ્વયંમાં પરિવર્તન આણવાનો પ્રયાસ કરવા લાગીએ છીએ.

આધ્યાત્મિક લાભ

૧. નમ્રતા વધવી અને અહંનું પ્રમાણ ઘટવું

નમસ્કાર કરતી વખતે ‘આપ શ્રેષ્ઠ છો અને હું કનિષ્ઠ છું; મને કશાનું જ્ઞાન નથી, આપ સર્વજ્ઞ છો’ એવા વિચાર મનમાં ચાલતા હોવાથી આપણામાં નમ્રતા વૃદ્ધિંગત થવા લાગે છે અને આપણો અહં ઓછો થવામાં તે મદદરૂપ બને છે.

૨. શરણાગતિનો અને કૃતજ્ઞતાનો ભાવ વૃદ્ધિંગત થવો

નમસ્કાર કરતી વેળા ‘મને કશું જ આવડતું નથી, તમે જ સર્વ કાંઈ કરો, મને આપનાં ચરણોમાં સ્થાન આપો’ એવા વિચાર મનમાં હોવાને કારણે શરણાગત થવાનો અને કૃતજ્ઞતાનો ભાવ વૃદ્ધિંગત થાય છે.

૩. સાત્ત્વિકતા પ્રાપ્ત થવી અને આધ્યાત્મિક ઉન્નતિ ઝડપથી થવી

૧. નમસ્કાર કરવાની મુદ્રા દ્વારા આપણને સાત્ત્વિકતા વધારે પ્રમાણમાં મળે છે.

૨. ભગવાનને અથવા સંતોને નમસ્કાર કરવાથી તેઓની પાસેથી પ્રક્ષેપિત થનારી સૂક્ષ્મ લહેરો, ઉદા. સાત્ત્વિક લહેરો અથવા આનંદની લહેરો આપણને પ્રાપ્ત થાય છે.

૩. ભગવાનને અથવા સંતોને નમસ્કાર કરવાથી આપણને તેઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી આપણી આધ્યાત્મિક ઉન્નતિ ઝડપી બને છે.

 

શિવાલયમાં નંદીની નજીક અને અન્ય મંદિરોમાં કાચબાની
પ્રતિકૃતિ પાસે ઊભા રહીને નમસ્કાર કરવા પાછળનું શાસ્ત્ર શું છે ?

શિવાલયમાં નંદી પાસે અને અન્ય મંદિરોમાં કાચબાની પ્રતિકૃતિ નજીક ઊભા રહીને દેવતાને નમસ્કાર કરવાથી દેવતા તરફથી આવનારી સાત્ત્વિક લહેરોનો આપણને ત્રાસ થતો નથી અને તે લહેરો આવશ્યકતા પ્રમાણે ગ્રહણ કરી શકાય છે.

ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કેવી રીતે કરવા ?

સાષ્ટાંગ નમસ્કાર એટલે ૧. છાતી, ૨. શિર (મસ્તક), ૩. દૃષ્ટિ (આંખો વડે નમસ્કાર કરવો), ૪. મન (મનથી નમસ્કાર કરવો), ૫. વાચા (મુખ વડે નમસ્કાર શબ્દ બોલવો) ૬. પગ, ૭. હાથ અને ૮. જાનુ (ઘૂંટણો), જમીનને સ્પર્શીને નમસ્કાર કરવો.

આ રીતે કરવામાં આવતા નમસ્કારને ‘વિધિવત્’ નમસ્કાર એમ કહેવામાં આવે છે. તેમાં કાયિક, વાચિક, અને માનસિક પદ્ધતિથી દેવી-દેવતાઓને શરણ જઈને તેઓને આવાહન કરવામાં આવે છે. આવી રીતે સાષ્ટાંગ નમસ્કાર દ્વારા આત્મશક્તિ જાગૃત કરીને સંપૂર્ણ સ્થૂળદેહ અને સૂક્ષ્મદેહનું શુદ્ધિકરણ કરવામાં આવે છે.

સાષ્ટાંગ નમસ્કારની અન્ય વ્યાખ્યા

ષડ્ રિપુઓ, મન અને બુદ્ધિ એમ મળીને આઠ ઘટકો સમેત ઈશ્વરને શરણે જવું, એટલે સાષ્ટાંગ નમસ્કાર કરવા એવો અર્થ થાય છે.(ષડ્ રિપુઓ એટલે ચિત્ત (અંતર્મન) પર જનમ-જનમના અંકિત થયેલા સંસ્કારોનો આવિષ્કાર. સંસ્કાર એ ચિત્ત સાથે એટલે કે અંતર્મન સાથે સંબંધિત હોય છે અને અંતર્મન એ બાહ્મમનના સંદર્ભમાં સૂક્ષ્મ છે. તેથી ષડ્ રિપુઓ એ સૂક્ષ્મ મન સાથે સંકળાયેલા હોય છે, એમ અહીં કહ્યું છે. સામાન્ય રીતે જેઓને આપણે વિચાર કરનારું મન (બાહ્યમન) અને વિચાર કરનારી બુદ્ધિ એવું સંબોધન કરીએ છીએ, તેઓને અનુક્રમે સ્થૂળમન અને સ્થૂળબુદ્ધિ એમ સંબોધવામાં આવ્યા છે. – સંકલક)

સાષ્ટાંગ નમસ્કાર કરવાની કૃતિ

૧. સાષ્ટાંગ નમસ્કાર કરતી વખતે પહેલાં બન્ને હાથ છાતી સાથે જોડીને કમરથી વાંકા વળવું અને તે પછી નીચે નમીને બન્ને હાથ ભૂમિ પર ટેકવવા.

૨. પહેલાં જમણો, તે પછી ડાબો પગ પાછળ લઈને સીધો લાંબો કરવો.

૩. હાથોની કોણી વાળીને મસ્તક, છાતી, હાથ, ઘૂંટણ અને પગની આંગળીઓ ભૂમિને ટેકાય, એવી રીતે આડા પડવું અને આંખો બંધ કરવી.

૪. મનથી નમસ્કાર કરવા. મુખેથી નમસ્કાર એમ બોલવું.

૫. ઊભા રહીને છાતી સાથે હાથ જોડીને ભાવપૂર્ણ નમસ્કાર કરવા.

૬. સાષ્ટાંગ નમસ્કાર કરવા શક્ય ન હોય ત્યારે હાથ જોડીને નમસ્કાર કરવા.

હાથ જોડીને નમસ્કાર કરવાની કૃતિ

(પદ્ધતિ ક્રમાંક ૧)

અ.

* ભગવાનને નમસ્કાર કરતી વખતે સૌ પ્રથમ બન્ને હાથની હથેળીઓ એકબીજા પર મૂકીને હાથ જોડવા

* હાથ જોડતી વખતે આંગળીઓ થોડી શિથિલ રાખવી.

* હાથની બે આંગળીઓ વચ્ચે જગા રહે નહીં તે રીતે એકબીજા સાથે જોડીને રાખવી.

* હાથની આંગળીઓ અંગૂઠાથી દૂર રાખવી.

* પ્રાથમિક સ્તરના સાધકોએ અને સર્વસામાન્ય લોકોએ નમસ્કાર કરતી વખતે બન્ને હથેળીઓ એકબીજાને જોડીને રાખવી. હથેળીઓ વચ્ચે પોલાણ રાખવું નહીં. સાધના ચાલુ કરીને પાંચ-છ વર્ષ થઈ ગયેલા આગળના સ્તરના સાધકોએ નમસ્કાર કરતી વખતે હથેળીઓ વચ્ચે પોલાણ રાખવું.

(પદ્ધતિ ક્રમાંક ૨)

આ.

* હાથ જોડયા પછી કમરમાંથી થોડું નીચે ઝુકવું

* તે જ વખતે મસ્તક થોડુંક નીચે ઝુકાવીને બન્ને હાથના અંગૂઠાઓનો સ્પર્શ ભૃકુટિના મધ્યસ્થાને એટલે બન્ને ભ્રમરો વચ્ચેની જગાએ કરીને મન તે દેવતાનાં ચરણો પર એકાગ્ર રહે તેવો પ્રયત્ન કરવો.

* ત્યાર પછી જોડેલા હાથ સીધા નીચે લાવવાને બદલે જોડેલા હાથના અંગૂઠા છાતીના મધ્યભાગમાં ટેકાય, એવી રીતે થોડો સમય રાખીને પછી નીચે લાવવા.

 

શાસ્ત્ર

૧. નમસ્કાર કરવા માટે હાથ જોડતી વખતે આંગળીઓ બહુ ટટ્ટાર રાખવી નહીં; કારણકે તેથી પ્રાણમયકોષ અને મનોમયકોષોમાં રહેલા સત્ત્વગુણની પ્રબળતા ઘટી જઈને રજોગુણ કાર્યરત થાય છે.

૨. નમસ્કારની મુદ્રાને કારણે હાથની આંગળીઓમાં દેવતાનું ચૈતન્ય અથવા શક્તિ એન્ટેના પ્રમાણે ગ્રહણ થતી હોય છે. હાથ જોડતી વખતે આંગળીઓ એકબીજા જોડે લગોલગ જોડાયેલી હોવી જોઈએ; કારણ કે જો આંગળીઓ વચ્ચે અંતર હશે, તો બે આંગળીઓનાં પોલાણવાળા ભાગમાં શક્તિનું સંચયન થાય છે અને એ શક્તિનું તરત જ વિવિધ દિશામાં થોડાઘણાં પ્રમાણમાં પ્રક્ષેપણ થવાને કારણે સાધકના દેહને મળી રહેનારો લાભ ઘટી જાય છે.

૩. હાથ જોડયા પછી પીઠમાંથી થોડું નીચે ઝુકવું જોઈએ. આ પ્રકારની મુદ્રા થકી નાભિચક્ર પર દબાણ ઊભું થઈને નાભિસ્થિત પંચપ્રાણ કાર્યરત થાય છે. આ પંચપ્રાણોના શરીરમાં થતી વહન પ્રક્રિયાને કારણે શરીર સાત્ત્વિક લહેરો ગ્રહણ કરવાના કાર્યમાં સંવેદનશીલ બને છે. પંચપ્રાણોની શરીરમાં થતી વહન પ્રક્રિયાને કારણે જીવની આત્મશક્તિ જાગૃત થાય છે. આ ઊર્જાને કારણે જીવનો ભાવ જાગૃત થવામાં મદદ થવાથી તેને દેવતા તરફથી મળી રહેલા ચૈતન્યને વધારે પ્રમાણમાં ગ્રહણ કરવાનું શક્ય છે.હાથોના અંગૂઠાનો સ્પર્શ ભ્રૂકુટીના મધ્યસ્થાને કરવો જોઈએ.

આ મુદ્રાને કારણે જીવમાંનો શરણાગત ભાવ જાગૃત થવાથી બ્રહ્માંડમાં રહેતા આવશ્યક એવા દેવી-દેવતાની સૂક્ષ્મતર લહેરો કાર્યરત થાય છે અને તે જીવના આજ્ઞાચક્રમાંથી અંદર જઈને, આજ્ઞાચક્રને સમાંતર રહેનારા મસ્તકની પાછળ રહેલી પોલાણવાળી જગામાં કેંદ્રિત થાય છે. આ પોલાણમાં ચંદ્ર, સુષુમ્ણા અને સૂર્ય આદિ નાડીઓના દ્વાર એકત્રિત રીતે મળેલા હોય છે. આ પોલાણમાં રહેલી સૂક્ષ્મતર લહેરોની હિલચાલને કારણે સુષુમ્ણા નાડી કાર્યરત થાય છે. તેથી એ લહેરોનું સમગ્ર શરીરમાં વેગવાન સંક્રમણ થવામાં મદદ થવાથી એક જ સમયે સ્થૂળદેહ અને સૂક્ષ્મદેહ એમ બન્નેનું શુદ્ધિકરણ થવામાં મદદ થાય છે.

નમસ્કાર કરવાથી ગ્રહણ કરવામાં આવેલ દેવી-દેવતાઓનું ચૈતન્ય અથવા શક્તિ સમગ્ર શરીરમાં પ્રસરણ પામે તે માટે, નમસ્કાર કર્યા પછી જોડેલા હાથ સીધા નીચે લાવવાને બદલે તે છાતીના મધ્ય સ્થાને હાથના કાંડા છાતીને સ્પર્શી રહે તેવી રીતે રાખવા જોઈએ. છાતીના સ્થાન પર અનાહત ચક્ર હોય છે અને આજ્ઞાચક્રની જેમ અનાહતચક્રનું કાર્ય પણ સાત્ત્વિકતા ગ્રહણ કરવાનું હોય છે. કાંડા છાતીને સ્પર્શીને ટેકવેલા હોવાથી અનાહતચક્ર જાગૃત થઈને સાત્ત્વિકતા ગ્રહણ થવામાં તે સહાય કરે છે.

પરિણામ

આવી રીતે નમસ્કાર કરવાથી દેવી-દેવતાઓનું ચૈતન્ય નમસ્કારની અન્ય પદ્ધતિઓમાંથી પ્રાપ્ત થનારા ચૈતન્ય કરતાં અધિક પ્રમાણમાં શરીરમાં ગ્રહણ થાય છે.

 

વડીલોને હંમેશાં નમસ્કાર શા માટે કરવા જોઈએ ?

વૃદ્ધ વ્યક્તિનો પ્રવાસ એ ધીમે ધીમે દક્ષિણ દિશા તરફનો, એટલે કે યમલોક તરફ (મૃત્યુ તરફ)નો થતો જતો હોવાથી તેના શરીરમાંથી રજ અને તમ લહેરોનું પ્રક્ષેપણ મોટા પ્રમાણમાં થવા લાગે છે. એવા વૃદ્ધ વ્યક્તિની સમક્ષ જ્યારે કોઈ યુવાન વ્યક્તિ જો આવે તો તે યુવાન વ્યક્તિના શરીર પર સદર લહેરોની અસર પડે છે અને તે બન્ને વચ્ચે સૂક્ષ્મ-ચુંબકીય ક્ષેત્ર તૈયાર થાય છે. તેથી તે વ્યક્તિના પંચપ્રાણ ઉપરની દિશામાં ઊંચકાઈ જાય છે. આ રીતે અચાનક પંચપ્રાણોને મળેલી ગતિને કારણે વ્યક્તિને તકલીફ થવાની શકયતા હોય છે. જ્યારે યુવાન વ્યક્તિ વૃદ્ધ વડીલને નમસ્કાર કરે છે, ત્યારે યુવાન વ્યક્તિની સુષુમ્ણાનાડી થોડા ઘણા પ્રમાણમાં જાગૃત થાય છે અને યુવાન વ્યક્તિમાં રહેલો સત્ત્વગુણ વૃદ્ધિંગત થવા લાગે છે. તેથી તેનામાં રહેલા રજ અને તમ ગુણ પર સત્ત્વગુણનો પ્રભાવ પડવા લાગે છે અને તેના પ્રાણ મૂળ સ્થિતિમાં પરત આવી જાય છે. તેથી જ કોઈ વૃદ્ધ વ્યક્તિનું આગમન થતાવેંત તેને તેનાથી નાની ઉંમરની વ્યક્તિઓએ નમસ્કાર કરવાનો આપણે ત્યાં રિવાજ છે.

લગ્ન થયા પછી પતિ અને પત્નીએ સાથે મળીને નમસ્કાર શા માટે કરવાનો હોય છે ?

લગ્ન એટલે શિવરૂપી પતિ અને શક્તિરૂપી પત્ની આ તત્ત્વોનો સંગમ કહેવાય છે. દરેક કર્મ એ શિવરૂપી સગુણ ક્રિયાશક્તિ (પ્રત્યક્ષમાં કાર્ય કરવું) અને તે કર્મને ગતિ પ્રાપ્ત કરાવી આપનારી, તેમજ વધુમાં વધુ પ્રમાણમાં નિર્ગુણ સાથે સંબંધિત રહેનારી શક્તિ આદિના સંગમથી પૂર્ણત્વને પ્રાપ્ત થાય છે. લગ્ન પછી બન્ને જીવ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરે છે. ગૃહસ્થાશ્રમમાં એકબીજાને પૂરક બની જઈને સંસાર-સાગરના કર્મ પાર પાડવા અને તે માટે વડીલોનો સજોડે આશીર્વાદ લેવાનું મહત્ત્વનું હોય છે. બન્નેએ સજોડે નમસ્કાર કરવાથી બ્રહ્માંડમાં શિવશક્તિરૂપી લહેરો કાર્યરત થઈને જીવોમાં લીનતાનું સંવર્ધન થઈને ગૃહસ્થાશ્રમમાં પરિપૂર્ણ કર્મ થવા પામીને તેનું યોગ્ય ફળ પ્રાપ્ત થવાથી ઓછામાં ઓછો લેણ-દેણના હિસાબ નિર્માણ થવાનું શકય બને છે. તેથી જ લગ્ન થયા પછી બન્નેએ દરેક કર્મ માટે પૂરક બનીને નમસ્કાર જેવી કૃતિ દ્વારા એકબીજાને અનુમોદન આપવું, એવો ઉપરોકત કૃતિ પાછળનો ઉદ્દેશ્ય છે.

બન્ને હાથ વડે નમસ્કાર કરવા અને એક વડે નમસ્કાર કરવા એ બન્ને વચ્ચે રહેલો તફાવત

બન્ને હાથ વડે નમસ્કાર કરવા, એટલે દરેક કર્મને શિવ અને શક્તિની સાથ આપવી અને એક હાથથી નમસ્કાર કરવા, એટલે કર્તાપણાનો અહેસાસ થવો. તેથી એક હાથ વડે નમસ્કાર કરવા એ હિંદુ ધર્મને સ્વીકાર્ય નથી. કારણ કે હિંદુ ધર્મ એ સંપૂર્ણ રીતે નમ્રભાવ પર આધારિત છે. તેમ જ એક હાથ વડે કરવામાં આવતો નમસ્કાર એ કતૃત્વની ભાવના પર અવલંબિત હોવાથી તે પુણ્યનો સંચય કરતો નથી.

 

મૃત વ્યક્તિને નમસ્કાર શા માટે કરવા જોઈએ ?

ત્રેતા અને દ્વાપર યુગોના જીવ એ કળિયુગના જીવની સરખામણીમાં ખૂબ જ સાત્ત્વિક હતા. તેથી તે સમયે સાધના કરનારા જીવનો દેહત્યાગ થયા પછી તેને દૈવગતિ પ્રાપ્ત થતી હતી. મૃતદેહને નમસ્કાર કરવો, એટલે તે લિંગદેહનું માયાનું કાર્ય સમાપ્ત થઈ જઈને તેને પ્રાપ્ત થનારી અને ઈશ્વર તરફ લઈ જનારી દૈવગતિને નમસ્કાર કરીને તે લિંગદેહ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરવાના પ્રતીકસમી પ્રક્રિયા છે. હાલના કળિયુગમાં કર્મકાંડ અનુસાર મૃતદેહને સદ્દગતિ પ્રાપ્ત થવા દેશો, એવી ઈશ્વરને પ્રાર્થના કરીને મૃતદેહને નમસ્કાર કરવાની પ્રથા છે.

જીવની સાત્ત્વિકતા ઘટી જવાથી કળિયુગમાં આ પ્રક્રિયાને પ્રથાનું જ સ્વરૂપ પ્રાપ્ત થયું છે; પરંતુ જ્યાં ભાવ ત્યાં દેવ એ ઉક્તિ અનુસાર મૃતદેહને એટલે જ કે મૃતદેહમાં રહેલા ઈશ્વરને જ આપણે નમસ્કાર કરી રહ્યા છીએ, એવો ભાવ રાખીને જો આપણે તેની સમક્ષ મસ્તક ઝુકાવીશું, તો મૃતદેહમાં રહેલ ઈશ્વરી અંશ પ્રકટ થઈને આપણને તેનો આશીર્વાદ પ્રાપ્ત થવામાં મદદ થાય છે; કારણ કે ઈશ્વર એ અવિનાશી તત્ત્વ છે, તેને દેહનું બંધન નથી.

નમસ્કાર કરતી વેળા આંખો શા માટે બંધ કરવી ?

બન્ને હાથ જોડીને મસ્તક નમાવવું, એટલે ઈશ્વરને અથવા સામેની વ્યક્તિમાં રહેલા દેવત્વને પ્રણામ કરવું એમ છે. આપણા પોતાના જ અંતર્યામી ઈશ્વરનું દર્શન થાય. એ માટે ઈશ્વરને અથવા આદરણીય વ્યક્તિને વંદન કરતી વખતે આંખો બંધ કરવી જોઈએ

એક હાથ વડે નમસ્કાર કરવા એ અહંસ્થિતિની નિશાની હોવી

નીચે ઝુકીને અંગુઠા વ્યતિરિક્ત શેષ ચારેચાર આંગળીઓ જમીન પર ટેકવીને જમણા હાથ વડે નમસ્કાર કરવા અને તે જ હાથની ચારે આંગળીઓ અનાહત ચક્રને સ્પર્શવી એટલે એક હાથ વડે નમસ્કાર કરવા એટલે કે આદરયુક્ત ભાવથી સમૂદાયમાં તેનું પ્રદર્શન કરવાની કૃતિ થઈ ગણાય. આ પ્રકારે નમસ્કાર કરવાની પ્રક્રિયાને ત્રેતાયુગમાં અહંનું લક્ષણ ગણવામાં આવતું. એક હાથ વડે નમસ્કાર કરવા, એ અહં સ્થિતિની નિશાની છે. આવો અહંભાવ ધરાવનારી વ્યક્તિએ કેટલાય જન્મો સુધી સાધના કરી હોય, તો પણ તેને તે સાધનાનું ફળ મળતું નથી; બીજા અર્થમાં કહીએ તો તેના સમગ્ર જીવનનું ફળ નિષ્ફળ થાય છે. અહં ધરાવતા જીવને નરકવાસ ભોગવવો પડે છે.

 

એકાદ વ્યક્તિને મળ્યા બાદ હસ્તધૂનન
(શેકહંડ) કરવા કરતાં હાથ જોડીને નમસ્કાર કેમ કરવા ?

હસ્તધૂનન કરતી વખતે હાથના માધ્યમ દ્વારા બીજાઓને રોગજંતુઓનો ફેલાવો થઈ શકે તેમજ કેટલાક જણને ખાધા પછી અથવા તો બહારથી આવ્યા પછી હાથ ધોવાની ટેવ નથી હોતી. આ સમયે હસ્તધૂનન આરોગ્ય માટે હાનિકારક થઈ શકે છે.

હસ્તધૂનન કરવું એટલે, પોતાનામાંના લીનત્વનો લય કરીને પોતાનામાં તામસિક વૃત્તિનું સંવર્ધન કરવું. જે સમયે બે જીવ હસ્તધૂનન કરે છે, તે સમયે તેમના હાથમાંથી પ્રક્ષેપિત થનાર રજ-તમાત્મક લહેરો બે હથેળીઓ વચ્ચેના પોલાણમાં સંપુટિત થાય છે. આ સંપુટિકરણમાંથી ઉત્પન્ન થનારી ઘર્ષણાત્મક ઊર્જા એ હાથમાંથી જીવના દેહમાં સંક્રમિત થાય છે, તેમ જ આ ઊર્જામાંથી ઊડતા કણોના માધ્યમ દ્વારા જીવના બહારનું વાયુમંડળ પણ તામસિક બનવાને કારણે વાતાવરણ પણ અશુદ્ધ બને છે. આ રજ-તમાત્મક લહેરોના શરીરમાં થતા વહનને કારણે શરીરમાંની સૂર્યનાડી કાર્યરત થઈને શરીરમાં જોરદાર રીતે તમકણોનું વહન શરૂ થાય છે. એની અસર મનોમયકોષ પર થઈને મનોમયકોષમાંના તમકણોની પ્રબળતા વધીને જીવ ચિડિયો બનવાની શરૂઆત થાય છે.

 

કોને નમસ્કાર નહીં કરવા જોઈએ ?

પદ્મપુરાણ, સૃષ્ટિ. ૫૧/૧૧૪-૧૧૫ માં આપ્યા પ્રમાણે શરીરે તેલ લગાડેલું હોય (પણ સ્નાન કર્યું ન હોય), હાથ અને મોઢું એઠું હોય એવી વ્યક્તિ, ભીના વસ્ત્ર પહેર્યા હોય એવી વ્યક્તિ, દર્દી, દરિયામાં પ્રવેશી હોય એવી વ્યક્તિ, ઉદ્વીગ્ન, બોજાનું વહન કરી રહી હોય, યજ્ઞકાર્યમાં વ્યસ્ત રહેનારી, સ્ત્રી સાથે ક્રિડામાં આસક્ત થયેલી વ્યક્તિ, નાનાં બાળકો સાથે રમત રમી રહી હોય તેવી અને હાથમાં ફૂલ અને દર્ભ ધારણ કર્યા હોય તેવી વ્યક્તિ, વગેરે વ્યક્તિઓને નમસ્કાર કરવા નહીં.

ઉપર જણાવ્યા મુજબની વ્યક્તિઓને નમસ્કાર શા માટે કરવા નહીં, એની
પાછળ રહેલું શાસ્ત્ર જે તે વ્યક્તિના સંદર્ભમાં નીચે મુજબ આપવામાં આવેલ છે.

શરીર પર તેલ લગાડવાને કારણે શરીરમાં રજોગુણ વૃદ્ધિ પામે છે.

હાથ અને મુખ એઠું હોય એવી વ્યક્તિની ખાવાની ક્રિયા હમણા જ પૂરી થઈ હોવાને કારણે તેનો રજોગુણ વૃદ્ધિ પામેલો હોય છે.

ભીનાં વસ્ત્રો પહેરેલી વ્યક્તિ દ્વારા સાત્ત્વિક સ્પંદનો ઓછા પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે.

બીમારીને કારણે તેના રજ-તમ ગુણ વૃદ્ધિંગત થયેલાં હોય છે.

દરિયામાં ઊતરેલી વ્યક્તિને માથે સંકટ તોળાતું હોય છે. તેવી વ્યક્તિને નમસ્કાર કરવાથી આપણને પણ તેવા સંકટની અસર થઈ શકે છે.

ઉદ્વિગ્ન વ્યક્તિને નમસ્કાર કરવાથી આપણું મન વિચલિત થઈને આપણામાં પણ ઉદાસીનતા નિર્માણ થઈ શકે છે.

બોજો વહન કરી રહેલી વ્યક્તિમાં રજોગુણની વૃદ્ધિ થયેલી હોય છે.

 

યજ્ઞ કરનારી વ્યક્તિ

યજ્ઞ કરનારી વ્યક્તિ એ ઘણું કરીને પોતાને વિશિષ્ટ ફળ પ્રાપ્ત થાય તે માટે યજ્ઞ કરતી હોય છે. તેવી વ્યક્તિને નમસ્કાર કરવાથી તેને પ્રાપ્ત થનારા ફળનો કેટલોક અંશ નમસ્કાર કરનારી વ્યક્તિને મળે છે. તેથી યજ્ઞ કરનારી વ્યક્તિને યજ્ઞનો સંપૂર્ણ લાભ થતો નથી.યજ્ઞ કરતી વ્યક્તિની કુંડલિની શક્તિ જાગૃત થયેલી હોય છે. તેને નમસ્કાર કરવાથી તેની એકાગ્રતા ભંગ પામીને તેની સાધનામાં ખલેલ નિર્માણ થવાની શક્યતા હોય છે.યજ્ઞ કરનારી વ્યક્તિને નમસ્કાર કરવાથી તેનો અહં વૃદ્ધિંગત થઈને તેનો ભાવ ઘટી જઈ શકે છે.

સ્ત્રી સાથે ક્રીડામાં આસક્ત થયેલી વ્યક્તિની વાસનાઓ વૃદ્ધિંગત થયેલી હોવાથી તેનામાં તમ અને રજ ગુણોનું પ્રમાણ વધેલું હોય છે એવી વ્યક્તિને નમસ્કાર કરવાથી પોતાનામાં રહેલ રજ-તમ વૃદ્ધિ પામે છે, તદુપરાંત આપણા મનમાં વાસનાના વિચાર નિર્માણ થાય છે.

બાળકો સાથે રમનારી વ્યક્તિને સુખ પ્રાપ્ત થતું હોય છે, એટલે જ તેની કુંડલિની જાગૃત હોવાની શક્યતા ઓછી હોય છે. (કુંડલિની જાગૃત હોય એવી વ્યક્તિ દ્વારા આનંદની લહેરો પ્રક્ષેપિત થતી રહે છે. કુંડલિનીશક્તિ એ ઈશ્વરની શક્તિની પ્રતીક સમી હોવાથી સદર શક્તિની જાગૃતિને કારણે આનંદની અનુભૂતિ થાય છે.) એવી વ્યક્તિને નમસ્કાર કરવાથી તેવા નમસ્કારનો આપણને સંપૂર્ણ લાભ થતો નથી.

હાથમાં ફૂલ તથા દર્ભ લઈને ઊભેલી વ્યક્તિનો ભાવ વૃદ્ધિંગત થયેલો હોય છે અને મહદ્અંશે કુંડલિની પણ જાગૃત થયેલી હોય છે. તેને નમસ્કાર કરવાથી તેનો ભાવ ઘટી શકે છે.

દક્ષિણ દિશા તરફ પોતાનું મુખ રાખ્યું હોય તેવી વ્યક્તિ

દક્ષિણ દિશામાં યમ લહેરો સંપુટિત થયેલી હોય છે. તે તરફ મુખ રાખીને ઊભી અથવા બેસેલી વ્યક્તિ એ યમ લહેરોની ભ્રમણકક્ષામાં તેમજ તેઓના આકર્ષણ ક્ષેત્રમાં હોવાથી તેની આસપાસ યમલહેરોનું વેગીલું વમળ તૈયાર થાય છે. તેથી તેવી વ્યક્તિને નમસ્કાર કરવાથી યમ-લહેરોનું વેગવાન સંક્રમણ નમસ્કાર કરનારા જીવના શરીરમાં શરૂ થાય છે. એ લહેરોના શરીરમાં થતા વેગવાન સંક્રમણને કારણે શરીરમાં રહેલા પંચપ્રાણોનું વહન ધીમું પડી જઈને અધોવાયુઓની વહન પ્રક્રિયાને ગતિ પ્રાપ્ત થાય છે. તેના જીવને ત્રાસ થવાની શક્યતા હોવાથી બની શકે ત્યાં સુધી દક્ષિણ દિશા તરફ મુખ રહેલી વ્યક્તિને નમસ્કાર કરવા નહીં.

સૂતેલી વ્યક્તિ

સૂતેલી વ્યક્તિ એ જમીન સાથે સંલગ્ન થયેલી હોવાથી જમીનમાંથી પ્રક્ષેપિત થનારા કષ્ટદાયક સ્પંદનો તેની તરફ આકૃષ્ટ થઈ જઈને તેનું શરીર આ ત્રાસદાયક લહેરોથી પ્રભાવિત થાય છે. તેથી વ્યક્તિના શરીરમાંથી પ્રક્ષેપિત થનારી રજ-તમયુક્ત લહેરોને ગતિ પ્રાપ્ત થઈને તેના દેહની આસપાસનું વાયુમંડળ દૂષિત થાય છે. એવી વ્યક્તિને નમસ્કાર કરવાથી તેના દેહમાંથી પ્રક્ષેપિત થનારી રજ-તમયુક્ત લહેરો નમસ્કાર કરનારા જીવના દેહમાં સંક્રમિત થવાથી એ લહેરોથી તેને તકલીફ થવાની શક્યતા અધિક હોય છે; તેથી બને ત્યાં સુધી સૂતેલી વ્યક્તિને નમસ્કાર કરવાનું ટાળવું જોઈએ.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘નમસ્કાર કરવાની યોગ્ય પદ્ધતિઓ’