ઉપનયન એટલે શું ?
ઉપનયનમાં ઉપ અને નયન એ રીતે બે શબ્દ છે. ઉપ શબ્દનો અર્થ ‘પાસે’ અને નયન શબ્દનો અર્થ ‘લઈ જવું’ એવો છે. તે માટે જ ઉપનયન શબ્દનો અર્થ છે ‘ગાયત્રી મંત્ર શીખવવા માટે બાળકને ગુરુ (શિક્ષક) પાસે લઈ જવું’. નયન શબ્દનો અર્થ ‘આંખ’ એવો પણ થાય છે. ઉપનયન એટલે અંત:ચક્ષુ. જે વિધિથી અંત:ચક્ષુ ખુલવાની શરૂઆત થાય છે, મદદ થાય છે, તેને ઉપનયન કહેવાય છે. ઉપનયન સંસ્કારને વ્રતબંધ, જનોઈ અથવા મુંજ નામથી પણ ઓળખવામાં આવે છે. આ સંસ્કાર બ્રાહ્મણોમાં જન્મથી આઠમા વર્ષે, ક્ષત્રિયોમાં અગિયારમા વર્ષે, વૈશ્યોમાં બારમા વર્ષે કરવો, એવું આશ્ર્વલાયન ગૃહ્યસૂત્રોમાં (૧.૧૯) કહ્યું છે.
જનોઈની વિધિ
ઉપનયન માટે જે શુભમુહૂર્તનો દિવસ નક્કી થયો હોય તેના આગલા દિવસે અથવા (આગલા ત્રણ દિવસ) કુમારે ફક્ત દૂધ પીને રહેવું. તેનાથી સાત્ત્વિકતા વધે છે.
મંડપદેવતાપ્રતિષ્ઠા ( દેવોની સ્થાપના )
પ્રથમ મંડપદેવતાની પ્રતિષ્ઠા કરાય છે. બૃહસ્પતિ આ ઉપનયનના પ્રમુખ દેવતા છે.
કેશવપન, સ્નાન અને અછાબા
બાળકનું ઉપનયન કરવા માટે આ કર્મનું પૂર્વાંગભૂત કેશવપન (મુંડન) વગેરે કરીશ, એવો સંકલ્પ કરવો અને તે પ્રમાણે પછી કુમારનું વપન કરવું અને તેને સ્નાન કરાવીને ચોટલી બાંધવી. મહારાષ્ટ્રમાંની કેટલીક જ્ઞાતિઓમાં ચોટલી બાંધ્યા બાદ કપાળ પર કુંકુમતિલક કરીને કપાળ ઉપર અછાબા અથવા માળાની સેર બાંધવામાં આવે છે. પણ અન્ય કેટલીક જ્ઞાતિઓમાં કુંકુમતિલક કરીને માથા પર ચોખા વધાવે છે.
કુટુંબીઓ તરફથી અપાતી ભેટ-સોગાદ
મંગલ વાજિંત્રોના અવાજમાં ઘરમાં જઈને, ઈશાન દિશાની બાજુએ ચોખાની ત્રણ ઢગલી કરવી. તે દરેક ઢગલી પર ભગવતી, માતૃકા અને અવિદન કળશ સ્થાપના કરીને ગંધ અને અક્ષત, પુષ્પો, વગેરેથી પૂજા કરવી. પછી યજમાનની અને તેના પત્નીની સુહાગન મારફતે આરતી ઉતાર્યા પછી આપ્તજન, સગાંસંબંધી, ઇત્યાદિ લોકોએ ભેટસોગાદ આપવી. ભેટ આપ્યા પછી, બાકી રહેલા જાતકર્માદિ સંસ્કાર કરવા.
મુહૂર્તઘટિકા સ્થાપના
ચોખા, ઇત્યાદિ કોઈપણ ધાન્યની ઢગલી પર તાંબાનું પાત્ર (તાંબાકૂંડી, વગેરે કોઈપણ એકાદ વાસણ) રાખવું. પછી મંત્ર બોલીને તેમાં પાણી નાખવું અને પછી તેમાં ઘટિકા યંત્ર નાખવું. તે સમયે નીચેના અર્થનો મંત્ર બોલવો. ‘યંત્રોમાં પ્રમુખ એવા હે યંત્ર ! આરંભે તને પ્રજાપતિએ ઉત્પન્ન કર્યું છે. તે અર્થે સૌભાગ્યાદિ અને આયુષ્ય, આરોગ્ય, સારી સંતતિ અને ધન પ્રાપ્તિ માટે તારી સ્થાપના કરું છું. તેના યોગે અમોને ઇષ્ટ એવી કાર્યસિદ્ધિ પ્રાપ્ત થાય’.
માતૃભોજન (માતા સાથે ભોજન)
આ કુમારનું માતા સાથેનું તેની થાળીમાં જમવાનું છેલ્લું જમણ હોય છે; કારણકે તે પછી તેનો પુનર્જન્મ થવાનો હોય છે અને તે ગુરુગૃહે જવાનો હોય છે. આ સમયે જનોઈ લેનારો કુમાર આઠ બટુકોને જમાડે છે.
ઉપનયન વિધિ
ઉપનયન વિધિમાં પિતા અને કુમાર વચ્ચે અંતરપટ પકડીને મંગલાષ્ટકો ગવાય છે. પિતાને ગાયત્રી મંત્ર શીખવનારા પહેલા ગુરુ (આચાર્ય) માનવામાં આવે છે. પિતા અને કુમાર વચ્ચેનો અંતરપટ દૂર કરીને અંતર દૂર કરાય છે.
લંગોટ અને વસ્ત્રધારણ
પછી કૌપીન (લંગોટ) માટે ત્રિગુણિત (ત્રેવડું) કરેલું કાપડનું સૂતર (સૂતરધાગો) કુમારના કમરને બાંધીને તેને કૌપીન (લંગોટ) પહેરાવવી. મંત્ર બોલીને કુમારને શુભ્ર (સફેદ) રંગનું અહત (નવું) વસ્ત્ર ધારણ કરાવવું (પહેરાવવું). પછી તે જ મંત્ર ફરી બોલીને તેને કાષાય એટલે કાથા જેવા રંગનું લાલ વસ્ત્ર ઓઢવા આપવું. નવું વસ્ત્ર એ માટે અપાય કે, તેના પર બીજા કોઈએ વાપરવાથી સંસ્કાર થયેલા ન હોય.
અજિનધારણ
મંત્ર બોલીને કુમારને અજિન (ચામડું) ધારણ કરાવવું. સામાન્ય રીતે મૃગાજિન (હરણના ચામડાનો કટકો) અપાય છે, કારણ કે પછી સાધના માટે અજિન પર બેસવાનું હોય છે.
યજ્ઞોપવીતધારણ
પછી યજ્ઞોપવીત (બ્રહ્મસૂત્ર, જનોઈ) હાથમાં લઈને, દસ વખત ગાયત્રી મંત્ર બોલીને, અભિમંત્રિત ઉદક દ્વારા તેનું પ્રોક્ષણ કરવું. પછી તે કુમારને ધારણ કરવા આપવું.
યજ્ઞોપવીત ડાબા ખભા ઉપર ધારણ કરવામાં આવે છે અને તે જમણા હાથ નીચે લટકતું હોય છે. તે હંમેશાં અને દેવકાર્યના સમયે ડાબા ખભા પર એટલે સવ્ય હોવું. પિતૃકાર્યમાં તે જમણા ખભા પર એટલે અપસવ્ય હોવું અને અન્ય સમયે એટલે માનુષકર્મના સમયે તે નિવીત, એટલે માળા જેવું, રાખવું. યજ્ઞોપવીત વગર ભોજન કરવાથી પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે. એકે બીજાનું યજ્ઞોપવીત પહેરવું નહીં. યજ્ઞોપવીત જો કોઈ કારણસર તૂટે તો તે પાણીમાં પધરાવીને નવું ધારણ કરવું.
મલમૂત્ર ત્યાગ કરતી સમયે જનોઈ જમણા કાન પર રાખવાનો હેતુ શું ?
નાભિપ્રદેશથી ઉપરના દેહનો ભાગ પવિત્ર અને નાભિના નીચેનો અપવિત્ર માનવામાં આવવાથી મૂત્ર-મળનો ત્યાગ કરતી સમયે યજ્ઞોપવીત નિવીત કરીને જમણા કાન પર મૂકવું. જમણા કાનનું મહત્ત્વ શાસ્ત્રમાં અનેક ઠેકાણે જણાવેલું છે અને આદિત્ય, વસુ, રુદ્ર, વાયુ, અગ્નિ, ધર્મ, વેદ, આપ, સોમ, સૂર્ય, અનિલ ઇત્યાદિ બધા દેવતાઓનો વાસ જમણા કાનમાં હોવાથી જમણા કાનને ફક્ત સ્પર્શ કરવાથી આચમનનું ફળ મળે છે. એવા પવિત્ર જમણા કાન પર યજ્ઞોપવીત રાખવાથી તેને અશુચિત્વની બાધા થતી નથી.
જમણા કાનને એટલું મહત્ત્વ મળવાનું વૈજ્ઞાનિક કારણ એટલે જમણા કાનની નસ અને ગુપ્તેંદ્રિય તથા અંડકોષનો પરસ્પર સંબંધ છે. મૂત્રોત્સર્ગના સમયે સૂક્ષ્મ વીર્યસ્ત્રાવ થવાની શક્યતા હોય છે. જમણા કાનને સૂત્રથી લપેટ્યા બાદ શુક્રનાશથી બચાવ થાય છે આ આયુર્વેદશાસ્ત્રની દૃષ્ટિએ સિદ્ધ થયું છે. સ્વપ્નદોષ વારંવાર થતો હોય તો જમણો કાન બાંધીને સૂવાથી તે દોષ નિવારણ થાય છે, એવું પણ ધ્યાનમાં આવે છે.
વિભૂતિગ્રહણ
મંત્ર બોલીને કપાળ (જમદગ્નિ), કંઠ (કશ્યપ), ડૂંટી (અગસ્તિ), જમણો અને ડાબો ખબો (દેવ) અને મસ્તકને (સર્વ દેવ અને ઋષિમુનિઓ) વિભૂતિ લગાડવી. વિભૂતિ વૈરાગ્યકારક છે.
મેખલાબંધન
કમર ઉપર દર્ભ અથવા તો સૂતરનો કંદોરો બાંધીને કમરની જગ્યાએ લાકડાનો ખીલા જેવો ટુકડો બાંધવામાં આવે છે તેને મેખલા કહેવાય છે. એને કટિમેખલા પણ કહેવાય છે. ઘણી વાર કમરને મેખલા ત્રણ વાર વીંટીને નાભી (ડૂંટી) પાસે બન્ને છેડાની ત્રણ ગાંઠ મારવામાં આવે છે. મેખલાબંધન કર્યા પછી કુમાર આરણ્યકો (વેદોનો એક ભાગ), ઉપનિષદોનું પ્રતીકાત્મક શિક્ષણ લઈને ત્રણેય વેદોથી વેષ્ટિત થાય છે એટલે કે ઢંકાઈ જાય છે. બ્રાહ્મણકુમારને મુંજતૃણની, ક્ષત્રિયને ધનુષ્યના દોરીની અને વૈશ્યને શણના રેસાની મેખલા તૈયાર કરવી, એમ શાસ્ત્રોમાં કહ્યું છે.
દંડધારણ વિધિ
મંત્ર બોલીને દંડ બટુકના હાથમાં આપવો. તે સમયે બટુએ બોલવું, ‘ઉદ્ધત (ઉદ્ધતાઈ કરનાર અને કોઈને પણ ન માનનાર) રહેલા મને દમન કરીને સન્માર્ગથી વર્તન કરાવનાર આ દંડ મેં હાથમાં ધારણ કયો છે. જ્યાંથી મને ભય પ્રાપ્ત થવા જેવું હોય તેનાથી તે મારું રક્ષણ કરે.’
બ્રાહ્મણકુમારનો દંડ ખાખરાનો (એક વૃક્ષ) અને માથાના વાળને લાગે એટલો લાંબો જ્યારે ક્ષત્રિયોનો દંડ ઔદુંબરનો (એક વૃક્ષ ઉદુંબર – ધૂતર) અને લલાટ જેટલી લંબાઈનો અને વૈશ્યનો દંડ બીલીનો અને હૃદય જેટલી લંબાઈનો હોવો જોઈએ. ગુરુગૃહે ગયા પછી ભિક્ષાટન માટે ઘરે ઘરે, ગામગામમાં જવું પડે છે ત્યારે રક્ષણ માટે દંડનો ઉપયોગ થાય છે.
ભિક્ષાગ્રહણ
બટુકે અનુપ્રવચનીય હોમ અને પુરોહિતભોજન માટે જરૂરી જેટલા ચોખાની ભિક્ષા માગવી. તે સમયે પહેલાં માતા પાસે જઈને ‘ॐ भवति भिक्षां देहि ।’ (તમે ભિક્ષા આપો) એવું બોલવું. પછી પિતા પાસે જઈને તેમજ બોલવું. એ પ્રમાણે માસી, મોટી બહેન અને સગાંસંબંધીઓ પાસે ભિક્ષા માગીને તે ભિક્ષાન્ન આચાર્યને આપવું. (માતા-પિતા, માસી, બહેન કોઈ ન હોય તો કોઈની પણ પાસે ભિક્ષા માગવી.) ભિક્ષા માગવાને કારણે અહંભાવ ઓછો થવામાં મદદ થાય છે.
જનોઈમાં કરવામાં આવતી વિધિઓ યોગ્ય પદ્ધતિ તેમજ અધ્યાત્મશાસ્ત્રીય મહત્ત્વ જાણીને કરવાથી તેનો લાભ થાય છે.