ભગવાન જગન્નાથ રથયાત્રા

આ ઉત્સવ જગન્નાથ પુરી (ઓરિસ્સા) ખાતે તેમજ સમગ્ર જગતના વિવિધ દેશોમાં પણ ધૂમધામથી ઊજવવામાં આવે છે, આ ઉત્સવ સૌથી પ્રાચીન છે અને તેનો ઉલ્લેખ બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, સ્કંદપુરાણ અને કપિલા સંહિતામાં પણ છે.

આ ભાઈ-બહેન (બળભદ્ર, જગન્નાથ અને સુભદ્રા)નો ઉત્સવ છે. તેમની મૂર્તિને ત્રણ જુદા જુદા રથમાં સ્થાપન કરવામાં આવે છે. રથ એટલે મંદિરની પ્રતિકૃતિ જ હોય છે. પ્રત્યેક રથ આશરે ૪૫ ફૂટ ઉંચો અને ૧૬ પૈડા ધરાવે છે, પૈડાનો વ્યાસ ૭ ફૂટનો હોય છે. આ રથ અને મૂર્તિઓને અતિશય સુંદર રીતે શણગારવામાં આવે છે. આ ત્રણ રથ ખેંચવા માટે હજારો ભક્તો સેવારત રહે છે. પ્રત્યેક વર્ષે લાકડાના નવા રથ બનાવવામાં આવે છે, જેનું કામકાજ અખા ત્રીજથી જ ચાલુ થઈ જાય છે. પ્રત્યેક રથનો એક સારથિ હોય છે, જેમ કે જગન્નાથનો દારૂક, બળરામનો માગલી અને સુભદ્રાનો અર્જુન.

આ ત્રણે રથોની ભવ્ય યાત્રા કાઢવામાં આવે છે, જેમાં લાખો ભક્તો જોડાય છે, ભગવાન ૯ દિવસ સુધી ૧૯ કિ.મી. દૂર આવેલા ગુડચી મંદિરમાં વાસ કરે છે. ત્યાર પછી નિજધામ પુરી મંદિરમાં પાછા બીરાજે છે.

 

જમાલપુર, અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિર

અહીંની યાત્રા પુરી અને કોલકાતા પછીની ત્રીજી સૌથી મોટી યાત્રા છે.

ભગવાનનું મોસાળ સરસપુર, ૧૮ કિ.મી. દૂર છે, ત્યાં ત્રણેયનું આદર-આતિથ્ય કરીને તેમને વસ્ત્રાલંકાર ઇત્યાદિનું મોસાળું કરવામાં આવે છે અને સમગ્ર ગામમાં મીઠાઈ ઇત્યાદિ પ્રસાદની વહેંચણી કરવામાં આવે છે, આ સમયે ભક્તો ભગવાન પાસે આયુર-આરોગ્ય, ધન-ધાન ઇત્યાદિ માગે છે.