વટપૂર્ણિમા

વટપૂર્ણિમાનો તહેવાર દર વર્ષે જેઠ પૂર્ણિમાને દિવસે ઊજવવામાં આવે છે.

જેઠ માસની પૂર્ણિમાને વટપૂર્ણિમા કહે છે.

 

ઉદ્દેશ

સાવિત્રી પ્રમાણે જ પોતાના પતિનું આયુષ્‍ય વધે એટલા માટે સ્‍ત્રીઓએ આ વ્રતનો આરંભ કર્યો.

 

સાવિત્રીનું મહત્ત્વ

ભરતખંડમાં પ્રસિદ્ધ એવાં પતિવ્રતાઓમાંથી સાવિત્રીને જ આદર્શ માનવામાં આવે છે. તેમ જ તેમને અખંડ સૌભાગ્‍યનું પ્રતીક પણ માનવામાં આવે છે.

 

વ્રતના દેવતા

આ વ્રતના મુખ્‍ય દેવતા સાવિત્રી સાથે બ્રહ્મદેવ છે અને સત્‍યવાન, સાવિત્રી, નારદ અને યમધર્મ આ ગૌણ દેવતાઓ છે.

 

વટવૃક્ષનું મહત્ત્વ

અ. યમધર્મે સત્‍યવાનના પ્રાણ હરણ કર્યા પછી સાવિત્રીએ યમધર્મ સાથે ત્રણ દિવસ શાસ્‍ત્રચર્ચા કરી. તેના પર પ્રસન્‍ન થઈને યમધર્મે સત્‍યવાનને પાછા જીવતા કર્યા. શાસ્‍ત્રચર્ચા વડના વૃક્ષ નીચે થઈ; એટલા માટે વટવૃક્ષ સાથે સાવિત્રીનું નામ જોડવામાં આવ્‍યું છે.

આ. પ્રલય થાય તો પણ વટવૃક્ષ હોય છે જ. તે યુગાન્‍તનું સાક્ષીદાર છે.

ઇ. બાળ મુકુંદે પ્રલયકાળે વટના પાન પર શયન કર્યું.

ઈ. પ્રયાગના વટવૃક્ષ નીચે રામ, લક્ષ્મણ અને સીતાએ વિસામો લીધો હતો.

ઉ. બ્રહ્મા, શ્રીવિષ્‍ણુ, મહેશ, નૃસિંહ, નીલ અને માધવનું નિવાસસ્‍થાન વટવૃક્ષ છે.

ઊ. વડ, પીપળ, ઔદુંબર (ઉમરડો) અને શમી (સમડો) એ પવિત્ર અને યજ્ઞવૃક્ષ તરીકે કહ્યા છે. બધા વૃક્ષોમાં વટવૃક્ષનું આયુષ્‍ય વધારે છે અને વડવાઈઓથી એનો વિસ્‍તાર પણ ઘણો થાય છે.

એ. વડલાના ચીકમાં કપાસ વાટીને તેનું અંજન આંખમાં આંજવાથી મોતીબિંદુ સાજો થાય છે.

 

વ્રત કરવાની પદ્ધતિ

સંકલ્‍પ

આરંભમાં સૌભાગ્‍યવતી સ્‍ત્રીએ ‘મને અને મારા પતિને આરોગ્‍ય સંપન્‍ન, દીર્ઘાયુષ્‍યનો લાભ થાય’, એવો સંકલ્‍પ કરવો.

પૂજન

વડવૃક્ષનું ષોડશોપચારે પૂજન કરવું. પૂજામાં અભિષેક થયા પછી વડને સૂતરવેષ્‍ટન કરવું, એટલે કે વડના થડને સૂતરથી ગોળાકાર ઘડિયાળના કાંટાની દિશામાં ત્રણ વાર વીંટવું. પૂજાની છેવટે ‘અખંડ સૌભાગ્‍ય પ્રાપ્‍ત થવા દો, પ્રત્‍યેક જન્‍મમાં આ જ પતિ મળવા દો, તેમજ ધનધાન્‍ય અને કુળની વૃદ્ધિ થવા દો’, એવી સાવિત્રી સહિત બ્રહ્મદેવને પ્રાર્થના કરવામાં આવે છે.

ઉપવાસ

સ્‍ત્રીઓએ સંપૂર્ણ દિવસ ઉપવાસ કરવો.

(અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના એટલે કે અંનિસના કાર્યકર્તાઓ ‘વટપૂર્ણિમા’ એટલે ફકત ‘બકવાસ’ એવો પ્રચાર કરે છે. કણકણમાં દેવતાનું અસ્‍તિત્‍વ માનીને વૃક્ષદેવતાની પૂજા કરવાનું શીખવનારો મહાન હિંદુ ધર્મ ક્યાં, તો હિંદુ ધર્મને અસત્‍ય ઠરાવનારા એવા બુદ્ધિપ્રામાણ્‍યવાદી, ધર્મદ્રોહી અને સામ્‍યવાદી ક્યાં !)

 

શાસ્‍ત્ર

વટપૂર્ણિમાના દિવસે સ્‍ત્રીઓએ વડની પૂજા શા માટે કરવી ?

વડ એ શિવરૂપી છે. શિવરૂપી વડલાની પૂજા કરવી, અર્થાત્ તે વડલાના માધ્‍યમ દ્વારા શિવરૂપી પતિનું જ એક રીતે સ્‍મરણ કરીને તેમનું આયુષ્‍ય વધીને તેમના આયુષ્‍યમાંના પ્રત્‍યેક કર્મને સાથ મળે, તે માટે ઈશ્‍વરની કરુણામય ભાવથી પૂજા કરવી, એમ છે. કર્મને જો શિવનો સંગાથ હોય, તો શક્તિ અને શિવની સંયુક્ત ક્રિયા દ્વારા વ્‍યવહારમાંના કર્મો સાધના બનીને તેનો જીવને લાભ થવા માટે સહાયતા મળે છે; તેથી તે દિવસે વડલાના રૂપમાં પ્રગટેલા શિવજીનું સ્‍મરણ કરીને પતિને દિર્ઘાયુષ્‍યનો લાભ થવા માટે પ્રાર્થના કરીને કર્મને શિવશક્તિનો સંગાથ આપીને બ્રહ્માંડમાંના શિવતત્ત્વનો યથાયોગ્‍ય લાભ કરી લેવાનો હોય છે.

વડને સૂતર શા માટે વીંટાળવામાં આવે છે ?

વડના થડના ઊભા છેદ પર રહેલી સુપ્‍ત લહેરો શિવતત્ત્વ આકર્ષિત કરીને વાયુમંડળમાં પ્રક્ષેપિત કરે છે. જે સમયે વડના થડને સૂતર વીંટાળવામાં આવે છે, તે સમયે જીવનો ભાવ હોય એ પ્રમાણે થડમાં રહેલા શિવતત્ત્વ સાથે સંબંધિત લહેરો કાર્યરત થઈને આકાર ધારણ કરે છે. સુતરાઉ દોરામાંના પૃથ્‍વી અને આપ તત્ત્વોના સંયોગથી આ લહેરો જીવને ગ્રહણ કરવી સરળ બને છે.

ઘરે વડલાની ડાળી લાવીને પૂજા કરવાથી કેટલો લાભ થાય ?

વડલાના પાયાના થડમાં અધિક પ્રમાણમાં શિવતત્ત્વ સમાયેલું હોવાથી પ્રત્‍યક્ષ વૃક્ષની ભાવપૂર્ણ રીતે પૂજા કરીને ૩૦ ટકા, જ્‍યારે કેવળ ડાળીનું પૂજન કરીને ૨-૩ ટકા એટલા જ પ્રમાણમાં લાભ મળવામાં સહાયતા થાય છે. મૂળ, થડવિહોણી વૃક્ષની ડાળી, ઝાડના પાયાની ચેતનાથી વિખૂટી પડવાથી તેનામાં અચેતનત્‍વ અધિક પ્રમાણમાં હોવાથી તેની ચૈતન્‍ય ગ્રહણ અને પ્રક્ષેપણ કરવાની ક્ષમતા પણ અતિશય નગણ્‍ય હોય છે. ડાળીમાંના અચેતનત્‍વના પરિણામ તરીકે તેની ચૈતન્‍ય વહન કરવાની ક્ષમતા પણ અતિશય નજીવી હોવાથી ઘરે વડલાની ડાળી લાવીને પૂજા કરવાથી વધારે કાંઈ લાભ થતો નથી. જે ઠેકાણે નૈસર્ગિકતા વધારે હોય છે, તે ઠેકાણે ચેતનાનું પ્રમાણ પણ અધિક હોવાથી ચૈતન્‍યની ફળપ્રાપ્‍તિનું પ્રમાણ પણ અધિક હોય છે.

સંદર્ભ : સનાતન સંસ્થાનો ગ્રંથ ‘તહેવાર, ધાર્મિક ઉત્સવ અને વ્રતો’

આપત્‍કાળમાં વટપૂર્ણિમા (વડલાના વૃક્ષની પૂજા) !

કોરોનાના પ્રાદુર્ભાવને કારણે આપણે વધારે કાંઈ ઘરની બહાર નીકળી ન શકતા હોવાથી તે અનુષંગથી આપદ્ધર્મના ભાગ તરીકે આગળ જણાવેલી કૃતિઓ કરી શકાય છે

કોરોનાને કારણે રહેલા નિર્બંધ જોતાં, સ્‍ત્રીઓ વડલાના ઝાડ પાસે ભેગી થઈને વટવૃક્ષની પૂજા કરવી સંભવ થશે નહીં. તેથી કેટલીક સ્‍ત્રીઓ વડલાની ડાળી ઘરમાં લાવીને તેનું પૂજન કરે છે; પણ એ સર્વથૈવ અયોગ્‍ય છે અને વૃક્ષપૂજનનો મૂળ ઉદ્દેશ જ લોપ પામે છે. સૌભાગ્‍ય સ્‍ત્રીએ ઘરની બહાર ગયા સિવાય ઘરમાં જ આગળ જણાવ્‍યા પ્રમાણે પૂજન કરવું :

૧. પાટલો અને બાજઠને પ્રદક્ષિણા કરી શકાય, એ રીતે પાટલો કે બાજઠ પૂર્વ-પશ્‍ચિમ રાખવો.

૨. પાટલા કે બાજઠ પર ગંધથી વટવૃક્ષનું ચિત્ર દોરવું.

૩. આપણે પ્રત્‍યક્ષ વડલા નીચે બેઠા છીએ, એવો ભાવ રાખીને વિધિવત પૂજન કરવું.

૪. આપણે પ્રત્‍યક્ષ વડલાની જ પ્રદક્ષિણા ફરી રહ્યા છીએ, એવો ભાવ રાખીને પાટલાને પ્રદક્ષિણા ફરતા ફરતા સુતર બાંધવું (વેષ્‍ટન કરવું, દોરો વીંટવો.) અને પતિને દીર્ઘાયુષ્‍ય મળે, એ માટે પ્રાર્થના કરવી.

૫. શહેરમાં ‘ફ્‍લેટ’માં રહેનારી વ્‍યક્તિઓએ ઘરમાં પૂરતી જગ્‍યા ઉપલબ્‍ધ ન હોય તો પૂજન થયા પછી પ્રાર્થના કરીને પાટલો બાજુ પર મૂકી દઈએ, તો પણ ચાલે.